સુભાષ ઠાકુરની તર્જ પર

13 October, 2019 05:05 PM IST  |  મુંબઈ | તમંચા - વિવેક અગરવાલ

સુભાષ ઠાકુરની તર્જ પર

પ્રતીકાત્મક તસવીર

તે પત્ની અને મા સાથે રહેતો હતો.

ગુનાહિત કાર્યોમાં તે શરૂઆતથી જ ડી-કંપની સાથે હતો.

તે પહેલેથી સુભાષ ઠાકુર ઉર્ફે એસટી સાથે હતો.

જ્યારે એસટીએ જેજે હત્યાકાંડ પછી ડી-કંપની સાથે છેડો ફાડવાનું નક્કી કર્યું ત્યારે રફિક ડિબ્બેવાલા ઉર્ફે રફિક શૂટર ઉર્ફે રફિક ટિફિન ઉર્ફે હરીશ ઠાકુર પણ તેના પડખે રહ્યો હતો.

ગિરફ્તાર ગુંડાઓ માટે તે જેલમાં ડબ્બા પહોંચાડતો એટલે તેનું નામ રફિક ડિબ્બેવાલા પડ્યું.

ઘાટકોપરના રહેવાસી રફિકનું મુખ્ય કામ જેલમાં ડબ્બા, માહિતી, પૈસા, મોબાઇલ, ચિઠ્ઠી, હથિયાર વગેરે પહોંચાડવાનું હતું. આ કામ સુપેરે થાય એ માટે રફિકે જેલના તમામ અધિકારીઓ સાથે સારુંએવું નેટવર્ક બનાવ્યું હતું.

સુનીલ સાવંત ઉર્ફે સાવત્યાના સાથી ચેનને રફિકે ગોળી મારી ત્યારથી તેનું નામ રફિક શૂટર પડ્યું. આ મામલામાં રફિક પકડાયો. જેલમાંથી છૂટ્યા પછી તેણે એસટી અને ભાઈ ઠાકુરની તર્જ પર ખોટું નામ - હરીશ ઠાકુર રાખીને બિલ્ડરો અને વ્યાવસાયિકોને ધમકાવીને હપ્તો વસૂલવાનું શરૂ કર્યું.

ગુના શાખામાં હરીશ ઠાકુર વિરુદ્ધ કેસ દાખલ થવા માંડ્યા. કોઈને એ સમજાતું નહોતું કે આખરે આ હરીશ છે કોણ?

ડઝનબંધ ફરિયાદો નોંધાઈ, પણ હરીશના કોઈ સગડ મળી રહ્યા નહોતા.

એ જ દિવસોમાં બિલ્ડર જિયાઉદ્દીન બુખારીની વિક્રોલીમાં હત્યા થઈ. એસટી ગૅન્ગના સુનીલ ગાયકવાડની એમાં ધરપકડ કરવામાં આવી. તેણે હરીશ ઠાકુરનું રહસ્ય પ્રગટ કરી દીધું.

રફિકને જાણ થઈ ગઈ કે હવે તેનો ભેદ ખૂલી ગયો છે. તે મુંબઈથી પલાયન થઈ ગયો અને મહારાષ્ટ્રÿના આભાર-નિહારિકા રવિયા જેવાં નાનાં શહેરો અને ગામડાંઓમાં છુપાઈને રહેવા માંડ્યો. આ રીતે ફરાર થઈને રહેતાં આખરે એક દિવસ તે કંટાળીને ઘરે પાછો ફર્યો.

ત્યારે જ વાઘાણીનું અપહરણ અને પાંચ કરોડ રૂપિયાની ખંડણી વસૂલવાનો કેસ ગુના શાખામાં આવ્યો.

અબુ સાલેમે મિલ્ટન કંપનીમાં ખંડણી માટે ફોન કર્યા હતા ત્યારે અબુ અને એસટી સાથે હતા. એસટીના સાથીઓએ અપહરણ કર્યું હતું. તેમની સાથે અલી બુદેશ પણ હતો.

આ જોડાણ બુદેશે ગોઠવી કાઢ્યું હતું. જોડાણમાં રફિકનો પણ સારોએવો ઉપયોગ થઈ રહ્યો હતો.

ફિલ્મનિર્માતા-દિગ્દર્શક-અભિનેતા રાકેશ રોશન પર ગોળીબાર અને મિલ્ટનના માલિક વાઘાણીના અપહરણમાં સામેલ રફિક ડિબ્બેવાલાને પોલીસ આખા રાજ્યમાં જોરશોરથી શોધી રહી હતી. તમામ બાતમીદારોની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

હંમેશાં જગ્યા, નામ અને ઓળખ બદલીને સમાજમાં હળીભળી જવાના કૌશલમાં માહેર રફિકનો કોઈ પત્તો નહોતો. શોધ મુશ્કેલ બની રહી હતી. પાંચ વખત નમાઝ પઢતો રફિક કાયમ મોટરસાઇકલ પર ફરતો, પણ માથા પર રૂમાલ બાંધીને, જેથી પોલીસ અને બાતમીદાર તેને ઓળખી ન શકે.

રફિક ફૂલના વેપારીના વેશમાં રહેતો હતો. જુદી-જુદી મસ્જિદોમાં રહેતો, જેથી હોટેલો અને લૉજ પર નજર રાખી રહેલા બાતમીદારોની નજર તેના પર ન પડે.

એ જ દિવસોમાં એક બાતમીદારને ખબર મળી કે સાંતાક્રુઝમાં કોઈક વ્યક્તિની હત્યા કરવા માટે એક ગુંડો આવશે. તેને સમય અને સ્થળની જાણકારી તો મળી, પણ ગુંડાનું નામ નહીં. તેણે ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્માને ખબર પહોંચાડી.

આ માહિતીના આધારે ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે મળીને આશા પારેખ હૉસ્પિટલ પાસે સ્ક્વૉડ સાથે તેમણે ઘેરાબંદી કરી.

સવારે ૯.૩૦ વાગ્યે રફિક ત્યાં પહોંચ્યો. તેને ઝડપી લેવાના નિષ્ફળ પ્રયાસમાં ગોળીબાર થયો, અથડામણમાં રફિક ઠાર મરાયો. પોલીસના ટૉપ ટેન લિસ્ટમાં રફિક સામેલ હતો.

રફિક ડિબ્બેવાલાના મોત પર અફસોસ વ્યક્ત કરતાં માલવણીના એ ખબરીએ કહ્યું, 

- બત્તીસ દાંત મેં જીભ કે માફિક રહેને કા... ફ્રેમ મેં આયા કી તકલીફ ચાલુ.

weekend guide columnists