યુરોપનો હેલ્ધી અને વેલ્ધી દેશ ઑસ્ટ્રિયા

08 September, 2019 04:05 PM IST  |  મુંબઈ | ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

યુરોપનો હેલ્ધી અને વેલ્ધી દેશ ઑસ્ટ્રિયા

ઑસ્ટ્રિયા : આલ્પ્સ પર્વતોથી વીંટળાયેલું, સુંદર અને શાંત નદીઓથી ઘેરાયેલું, મસ્તમજાનાં ઘરો અને ઐતિહાસિક સ્થાપત્યોનો વારસો સાચવનાર આ ઑસ્ટ્રિયા છે.

મલાઈકા અરોરાની માલદીવ્સ ટૂર અને તેના વાઇરલ થયેલા બિકીની ફોટો હજી પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરથી આઉટ થયા નથી ત્યાં તેની ઑસ્ટ્રિયા ટૂરના ફોટોઝ વાઇરલ થઈ રહ્યા છે. જાણે ઑસ્ટ્રિયાની વાદીમાં કોઈ નશો હોય એમ અહીં આવીને મલાઈકા અરોરા જ નહીં અન્ય સેલિબ્રિટીઝ પણ મૂડમાં આવી જાય છે. આમ પણ ઑસ્ટ્રિયા અને બૉલિવૂડનો નાતો ઘણો જૂનો છે, તે તો લગભગ કોઈનાથી છૂપું નથી. આ તો ઠીક પરંતુ આખરે ઑસ્ટ્રિયામાં એવું તે શું છે જે સેલિબ્રિટીઝને અહીં સુધી ખેંચી લાવે છે. લેટ્સ ફાઇન્ડ.

ઑસ્ટ્રિયા એક યુરોપિયન કન્ટ્રી છે. જે જર્મની, ચેક રિપબ્લિક, હંગેરી, ઇટલી અને સ્વિત્ઝર્લૅન્ડની બોર્ડરને સ્પર્શે છે. રાજધાની વિયેના છે. જે તેનું સૌથી મોટું શહેર પણ છે. આ દેશ યુરોપનો સૌથી શ્રીમંત દેશ ગણાય છે. એટલું જ નહીં, સૌથી સુંદર યુરોપિયન કન્ટ્રી પણ ગણાય છે. અહીંની મુખ્ય બોલચાલની ભાષા જર્મન, સ્લોવેનિયન, ક્રોનિસ, હંગેરીયન છે. યુરોપિયન કન્ટ્રીમાં હોવાથી અહીંનું ચલણ યુરો છે. ઑસ્ટ્રિયા ભૂતકાળમાં ઘણાં વર્ષો સુધી જર્મનીના શાસન હેઠળ રહ્યું હતું, જેને લીધે અહીં આજે પણ અનેક સ્થળે અને લોકોની રહેણીકરણીમાં જર્મનીની છાંટ જોવા મળે છે. હવે આપણે મૂળ વાત પર આવીએ તો ઑસ્ટ્રિયા કોઈ સમુદ્રની સીમાને સ્પર્શતો નથી પરંતુ અનેક નદીઓ ધરાવે છે જેને લીધે અહીંનો નજારો લીલોછમ છે. ઑસ્ટ્રિયા આલ્પ્સના પર્વતોથી વીંટળાયેલો છે, જે તેને અસીમ સૌંદર્ય બક્ષે છે. એકંદરે પહાડી વિસ્તાર હોવા છતાં અહીં ટ્રાન્સપોર્ટેશનથી લઈને તમામ સુખસગવડ અવ્વલ દરજ્જાની છે. આ દેશમાં જંગલનો વિસ્તાર પણ મહત્તમ છે, જેને લીધે અહીં પશુપક્ષીઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. ઑસ્ટ્રિયામાં માત્ર નવ જિલ્લા છે જે તમામ કોઈ ને કોઈ આકર્ષણો ધરાવે છે મુખ્ય આકર્ષણો વિયેના, ગ્રેજ, લિંજ, ઇન્સબુક, કલાંજેનફન્ટમાં આવેલા છે, જેથી આ સ્થળોની મુલાકાત લેવી જ પડે.

વન્ડરફુલ વિયેના

કોઈ ને કોઈ શહેર કે સ્થળ અમુક વિશેષ ખાસિયત અથવા તો એટ્રેક્શન ધરાવતાં જ હોય છે પરંતુ જો કોઈ અનેક વિશેષતા અને ખાસિયતો ધરાવતું હોય તો તેના માટે વન્ડરફુલ શબ્દ મુખમાંથી સરી પડે છે. યસ, તમે સાચું વિચારી રહ્યા છો! વિયેના ઢગલાબંધ એટ્રેક્શનની સાથે ઘણું નીતનવું પીરસે છે, જેને લીધે માત્ર ઑસ્ટ્રિયામાં જ નહીં પરંતુ સમગ્ર યુરોપમાં વિયેના ઘણું લોકપ્રિય છે. વિયેનાનો વૉલ્ટ્ઝ ડાન્સ, અહીંના તમામ કેફેમાં મળતી અમેઝિંગ પેસ્ટ્રી, વિશ્વભરમાં વખણાતી અહીંની વાઇન, હોર્સ માટેની ફૅમસ સ્પેનિશ રાઈડિંગ સ્કૂલ અને અફલાતૂન મહેલો! એક માણો ને બીજું ભૂલો એવાં એકથી એક ચઢિયાતાં આકર્ષણો છે. પરંતુ જો આમાંથી કોઈને પ્રથમ ક્રમાંક આપવો હોય તો અહીં આવેલા મહેલોને આપી શકાય. મહેલ એટલે સુંદર તો હોવાના જ પરંતુ અહીંની સુંદરતા પણ કેવી જેટલી માણીએ એટલી ઓછી! અહીં આવેલો જગવિખ્યાત મહેલ ‘હોફબર્ગ હાઉસ’. આ મહેલ પચ્ચીસ લાખથી વધુ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે. જે પરથી અંદાજ લગાવી શકાય છે કે આ મહેલ એક નગર જેટલો વિશાળ હશે. ૨૫૦૦થી અધિક રૂમો, સેંકડો સીડીઓ, મોટાં ગાર્ડનો અને એવું તો ઘણું... ટૂંકમાં કહીએ તો એક દિવસ પણ ઓછો પડે અહીં! સ્પેનિશ રાઈડિંગ સ્કૂલ, જેનું નામ હૉર્સ પ્રેમીઓમાં ઘણું જાણીતું છે તે પણ આ મહેલમાં જ આવેલી છે. મહેલોની સાથે અહીં આવેલી અન્ય ઇમારતો પણ શિલ્પકલામાં બધાને પાછળ મૂકી દેઈ તેવી છે. સેન સ્ટીફન કૅથીડ્રલ જે ઘણાં વર્ષો પૂર્વે બંધાયેલું ખ્રિસ્તી ધર્મનું પ્રાર્થના સ્થળ છે. અહીં એક તરફ લિફ્ટ છે, જે ચર્ચની ટોચ સુધી લઈ જાય છે. આ ટોચથી આખું શહેર દૃશ્યમાન થાય છે. બીજી તરફ પ્રખ્યાત નદી ડેન્યુબ દેખાય છે. કલાત્મક બાંધકામ, અંદર મૂકવામાં આવેલી સુપર્બ પેઇન્ટિંગ ખરેખર અદ્ભુત છે. આવી જ બીજી એક ઇમારત છે, જેનું નામ છે ‘સ્ટેટ ઑપેરા હાઉસ’. ઑપેરા હાઉસ બહાર અને અંદરથી ખૂબ ભવ્ય છે. જે સુંદર શિલ્પકામને લીધે વધુ ખીલે છે. આ ઑપેરાને બનતાં આઠ વર્ષ લાગી ગયાં હતાં. અત્યંત સુંદર રીતે તૈયાર કરવામાં આવેલા આ ઑપેરા હાઉસમાં આજે પણ ઑપેરા થાય છે જેને જોવા અહીંના લોકો પારંપારિક કપડાં પહેરીને આવે છે. આ ઑપેરા કેટલું મનમોહક છે કે તેની ગણના વિશ્વના ટોપ ઑપેરાની યાદીમાં કરવામાં આવે છે. ભારતીયોને ઑપેરા જોવામાં થોડો ઓછો રસ હોય છે એ તો સમજ્યા પણ માત્ર ઑપેરા હાઉસને એક વખત જોવા માટે પણ અહીં આવવા જેવું ખરું. સંગીતમાં વધુ રસ નહીં હોય તો નજીક આવેલી નેશનલ લાઇબ્રેરીમાં જઈ આવવું જે એક મ્યુઝિયમથી કમ નથી. લાખોની સંખ્યામાં પુસ્તકો અને અન્ય ડોક્યુમેન્ટ અહીં મૂકવામાં આવેલાં છે. આ લાઇબ્રેરી પણ કંઈ સગવડી જગામાં નથી બની પરંતુ વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલી છે. જાણે કોઈ રાજમહેલને જ લાઇબ્રેરીમાં ફેરવી દેવામાં આવી હોય તેવી અહીંની જગ્યા છે.

ક્રિમલ ફૉલ : યુરોપનો સૌથી મોટો ધોધ અહીં છે. ખૂબ જ સુંદર અને અટ્રૅક્ટિવ એવો આ ધોધ એક વાર અચૂક જોવા જેવો ખરો.

સાલ્સબર્ગ

સાલ્સબર્ગ ઑસ્ટ્રિયાનું બીજું મોટું શહેર છે જે વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિશિયન મોઝાર્ટનું હોમટાઉન છે. અહીં તેમનું મોટું મ્યુઝિયમ પણ છે. સાલ્સબર્ગ શહેર વિયેનાથી ૩૦૦ કિલોમીટરના અંતરે છે. અહીં આવેલી પ્રખ્યાત સાલ્ઝાક નદીની ડાબી બાજુએ જૂના સાલ્સબર્ગનો કેટલોક હિસ્સો છે, જે હજીએ એટલો જ સુંદર છે. તેની સુંદરતા અને આકર્ષણ જળવાઈ રહે તે માટે અહીં અંદર વાહનો લઈ જવા પર મનાઈ છે. જેથી વાહનોને નદીની જમણી તરફ આવેલા શહેરના મોડર્ન ભાગમાં જ મૂકીને આગળ જવું પડે છે. જૂના ગામની એક બાજુ નદી વહે છે અને બીજી બાજુ ૪૦૦ ફૂટ ઊંચા પાષાણના પહાડ છે. આ પહાડો પર પ્રાચીન કિલ્લો આવેલો છે, જે સમગ્ર યુરોપના સૌથી મોટા કિલ્લાઓની યાદીમાં સ્થાન ધરાવે છે. જ્યાં રાજાઓ તેમની સભા બોલાવતા હતા. કહેવાય છે કે આ કિલ્લાનું બાંધકામ પૂરું થતાં સદીઓ વીતી ગઈ હતી. જેમ નવા નવા રાજા અને શાસન આવતું જતું હતું તેમ તેમાં અનેક ફેરફાર પણ થતા ગયા હતા. આ કિલ્લા સુધી પહોંચવા માટે પથ્થરનો એક માર્ગ છે. થોડા સમય પૂર્વે અહીં એક મીની ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે જેમાં બેસીને ઉપર સુધી પહોંચી શકાય છે. જ્યાં કિલ્લામાં ઉપર ઘણી વખત ક્રાયકમનું આયોજન પણ કરવાં આવેલું હોય છે. સાલ્સબર્ગના જૂના નગરને હેરિટેજ સાઈટમાં સ્થાન પણ મળેલું છે. અહીં જોવા જેવાં સ્થળોમાં બરફની ગુફા ઉપરાંત મિરાબેલ મહેલ જ્યાં હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’નું શુટિંગ કરવામાં આવ્યું હતું. જેના ખૂબ જ આકર્ષક અને મનમોહક બગીચા અને ફાઉન્ટેન જોવા જેવા છે.

ગ્રૅઝ : ઑસ્ટ્રિયાનું સૌથી શ્રીમંત શહેર ગણાય છે. આ ઉપરાંત અહીં ટોચની યુનિવર્સિટી પણ છે.

બરફની ગુફા

અમરનાથમાં બરફના બનતા શિવલિંગ વિશેની જાણ બધાને છે પરંતુ અમરનાથથી હજારો કિલોમીટર દૂર વિદેશમાં એવી એક જગ્યા છે જ્યાં શિવલિંગ જેવા આકારમાં બરફ જામી ગયેલો છે, જેને જોવા અહીં લાખો ટુરિસ્ટ આવે છે. ઑસ્ટ્રિયાના સાલ્સબર્ગમાં ૪૦ કિલોમીટર લાંબી હિમ ગુફા આવેલી છે. જે અમરનાથની ગુફા કરતાં અનેક ગણી મોટી પણ છે. ગુફામાં લગભગ એક કિલોમીટર સુધી પગથિયાં બનાવવામાં આવેલાં છે, જેથી આ શિવલિંગ જેવી દેખાતી બરફની આકૃતિ સુધી પહોંચી શકાય. આ બરફની વિશાળ આકૃતિ અંદાજે ૭૫ ફૂટ ઊંચી છે. તેને જોવા માટે ટુરિસ્ટોએ ઘણા જોખમી માર્ગ પર ચાલવું પડે છે. આ ગુફા દુનિયાની સૌથી લાંબી હિમ ગુફા છે, જેને ૧૮ મમી સદીમાં શોધવામાં આવી હતી. આ ગુફા મે મહિનાથી ઑક્ટોબર મહિના સુધી ટુરિસ્ટો માટે ખુલ્લી મૂકવામાં આવે છે. આ સ્થળે હમેશા ઠડી રહે છે. ગરમીની સિઝનમાં પણ અહીં એકદમ ઠંડક હોય છે. ગુફામાં શિવલિંગના જેવી પ્રતિકૃતિ ઉપરાંત બરફ જામી જવાને લીધે બનેલી વિવિધ આકૃતિ અને દૃશ્યો જોવા મળશે, જે જીવનભરની એક યાદગીરી બની રહેશે.

ગ્રેઝ

ઑસ્ટ્રિયાના સૌથી ધનાઢ્ય શહેર તરીકે ગ્રેઝની ગણના થાય છે. આ શહેરનો ઇતિહાસ લગભગ એક હજાર વર્ષ કરતાં પણ પુરાણો હોવાનું કહેવાય છે. વિયેનાની નજીક હોવાથી અહીં આવનારા પ્રવાસીઓ ગ્રેઝની મુલાકાતે અચૂક આવે છે. હવે અહીંનાં આકર્ષણોની વાત કરીએ તો અહીં ચાર મુખ્ય યુનિવર્સિટી આવેલી છે, જેમાં લગભગ ૫૦,૦૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ સાથે તે ઑસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર પણ બને છે. ઑસ્ટ્રિયાનાં અન્ય શહેરની જેમ અહીં પણ પ્રભાવશાળી કિલ્લા, સંગ્રહાલય, જૂની શેરીઓ, પ્રાચીન ઇમારતો વગેરે છે. ઓછા સમયમાં જો તમને અહીં ફરવું હોય તો અહીં કેટલાંક સ્થળો છે, જ્યાં ચોક્કસ જઈ આવવું. જેમાંનું એક છે શ્લોસબર્ગ કિલ્લો. જે અહીં આવેલા એક પર્વતની ટોચે સ્થિત છે. આ કિલ્લાને ૧૦મી સદીમાં બાંધવામાં આવ્યો હતો પરંતુ ભૂતકાળમાં અનેક કારણસર આ કિલ્લાને અનેક રીતે નુકસાન પહોંચ્યું હતું, જે આજે પણ તે જ દશામાં જોવા મળશે. વધુ એક નજરાણું છે કન્સ્ટહોસ. જે આધુનિક કલાનું મ્યુઝિયમ છે. જે ૨૦૦૩માં બાંધવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમનું સૌથી પ્રમુખ આકર્ષણ તેનું બહારનું બાંધકામ છે. જે કોઈ પરગ્રહવાસીઓના હવાઈ જહાજ જેવું દેખાય છે. અહીં વધુ એક સુંદર કૅસલ એટલે કે કિલ્લો છે, જેનું નામ છે એજેનબર્ગ કૅસલ. ૧૭મી સદીમાં પ્રિન્સના આદેશના પગલે આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કિલ્લાની ખાસિયત એ છે કે આ કિલ્લાનું બાંધકામ જ્યોતિષવિદ્યાને અનુરૂપ કરવામાં આવેલું છે. એટલે કે આ કિલ્લામાં ૩૬૫ બારી, દરેક ફ્લોર પર ૩૧ રૂમ, બાવન દરવાજા, ૨૪ ફ્રન્ટ રૂમ અને ચાર ખુણામાં ટાવર એમ બધા દિવસોની સંખ્યાની સાથે સુસંગત કરીને આ કિલ્લો બનાવવામાં આવ્યો છે. કિલ્લાની અંદર પણ રાશિ, ગ્રહ , વાર વગેરેને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે, જે જોવાની અને જાણવાની મજા પડશે. આ કિલ્લાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે.

લિંઝ

ઑસ્ટ્રિયાનું ત્રીજું સૌથી મોટું શહેર છે લિંઝ. જેને ઉપરી ઑસ્ટ્રિયાની રાજધાની પણ કહેવામાં આવે છે. લિંઝ યુરોપિયન સંસ્કૃતિની પણ રાજધાની ગણવામાં આવે છે. તેમજ ઇતિહાસમાં કુખ્યાત બની ગયેલા હિટલરનું બાળપણ પણ અહીં જ વીત્યું હતું. આ શહેર ઑસ્ટ્રિયાની મધ્યમાં છે. આ શહેર મિષ્ટાન્નપ્રેમીઓને ઘણું ગમશે. કેમ કે અહીંની કેક વિશ્વની સૌથી જૂની કેક ગણાય છે. અહીં પ્રથમ વખત ૧૬મી સદીમાં કેક બનાવવામાં આવી હતી. અહીં અનેક રસપ્રદ મ્યુઝિયમ અને થિયેટર આવેલાં છે. તેમજ અહીં મોટા પ્રમાણમાં કૅફે પણ છે. આ શહેર સિટી ઓફ મીડિયા એન્ડ આર્ટ તરીકે યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કનો સભ્ય છે.

વર્લ્ડ બૉડી પેઇન્ટિંગ ફૅસ્ટિવલ

છેલ્લાં થોડાં વર્ષથી આપણા દેશમાં બોડી પેઇન્ટ અને ટેટુનું કેવું ઘેલું લાગ્યું છે ને! પણ તમને ખબર છે, વિદેશમાં આ ક્રેઝ કયા લેવલ સુધી પહોંચી ગયો છે!? બોડી પેઇન્ટિંગનો ક્રેઝ અહીં કેવો છે તે જાણવું હોય તો દર વર્ષે જૂન મહિનામાં અહીં યોજતા વર્લ્ડ બોડી પેઇન્ટિંગ ફૅસ્ટીવલમાં પહોંચી જજો. ૧૯૯૮ની સાલથી દર વર્ષે સાઉથ ઑસ્ટ્રિયામાં આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આવા પ્રકારનો ફૅસ્ટીવલ યુરોપનો પ્રથમ જ છે, જેમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી પચાસ દેશના લોકો આવે છે. જો તમારે આ ફૅસ્ટીવલને જોવો હોય તો જૂન મહિનામાં અહીં આવવાનો પ્લાન બનાવવો.

અનલિમિટેડ ઍડ‍્વેન્ચર

આજકાલ એડવેન્ચર ટૂર ઘણી લોકપ્રિય બની રહી છે. હવે લોકો તેમાં પણ કંઈક નવું, કંઈક ડિફરન્ટ ટ્રાય કરવા મળે તેવું જોઈ રહ્યા છે. જો તમારી પણ એવી ઇચ્છા હોય તો ઑસ્ટ્રિયા તે ઈચ્છા પણ પૂરી કરશે. આગળ કહ્યું તેમ ઑસ્ટ્રિયા આલ્પ્સની પહાડીઓથી ઘેરાયેલો દેશ છે જેથી અહીં રૉક ક્લાઇમ્બિંગ કરવાની પુષ્કળ તક છે પરંતુ અહીંના ઉબડખાબડ પથ્થરો અને રફ રૉકને લીધે અહીંનું રૉક ક્લાઇમ્બિંગ કઠિન છે, જેને લીધે આ સ્થળ ઓછું જાણીતું પણ છે. આવી જ રીતે અહીં હાઈકિંગ માટે ઘણા લોકો આવતા હોય છે. જંગલો અને પહાડમાંથી હાઈકિંગ કરવાની મજા જીવનભરનું સંભારણું બની રહેશે. આલ્પ્સની બરફાચ્છાદિત પર્વતની પીક પર સ્કી, બરફ પર ૨૦૦ ફૂટના ગેપમાં માઉન્ટિંગ ક્રોસિંગ કરવું, કંઈ સરળ રહેશે નહીં. સનસેટના સમયે વાદળોની ઉપર જઈ પેરાગ્લાઇડિંગ કરવાની મજા, બીજું શું જોઈએ!

ક્યારે અને કેવી રીતે જવું?

અહીં ગરમીની મોસમમાં હલકી ગરમીની સાથે વરસાદનો પણ અનુભવ થાય છે જ્યારે ઠડીમાં બરફવર્ષા પણ થાય છે. આમ તો બારે મહિના અહીંયાં આવવા માટે અનુકૂળ માનવામાં આવે છે. ઠડીની મોસમમાં સ્કી કરવાની મજા પડે તેમ છે જ્યારે ગરમીની સિઝનમાં અહીં ફૅસ્ટિવલ વગેરે થતા હોય છે. પરંતુ ગરમીની મોસમમાં અહીં ધસારો થોડો ઓછો રહે છે ત્યારે અહીં આવવા માટે શ્રેષ્ઠ સમય બની રહે છે. અહીં સુધી પહોંચવા માટે મુંબઈથી કોઈ નોન સ્ટોપ ફ્લાઇટ નથી. ઑસ્ટ્રિયામાં અંદર ફરવા માટે ઘણા વિકલ્પો સરળતાથી મળી રહે છે.

જાણી અજાણી વાતો....

ઑસ્ટ્રિયાનો અડધાથી વધુ હિસ્સો આલ્પ્સ પર્વતોથી ઢંકાયેલો છે.

ઑસ્ટ્રિયાનો ૩૮ ટકા હિસ્સો જંગલોથી આચ્છાદિત છે, જેને લીધે આ દેશ લાકડાંની નિકાસ કરવામાં વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકે આવે છે.

કહેવાય છે કે વિયેનાના કબ્રસ્તાનમાં ૨૫ લાખથી વધુ કબ્ર છે, જે અહીં રહેતી વસ્તી કરતાં પણ ઘણી વધારે છે.

ઑસ્ટ્રિયામાં વિશ્વની સૌથી જૂની રેસ્ટોરન્ટ આવેલી હોવાનું કહેવાય છે, જે ૧૨૦૦ વર્ષ જૂની હોવાનું મનાય છે. આ રેસ્ટોરન્ટનું નામ ‘સેન્ટ પીટર સ્ટીફસ્કેલર’ છે.

વિયેનામાં વિશ્વનું સૌથી જૂનું પક્ષીઘર આવેલું છે.

યુરોપનો સૌથી ઊંચો ધોધ પણ અહીં જ આવેલો છે.

યુરોપના અન્ય દેશોની સરખામણીમાં અહીંની મહિલાઓ સૌથી વધુ ફિટ ગણાઈ છે.

અહીં પુરુષોની સરખામણીમાં મહિલાઓનું એજ્યુકેશન સ્તર ઘણું હાઈ છે.

આ પણ વાંચો : આમાંનાં કેટલાં તીર્થનાં દર્શને તમે જઈ આવ્યા?

જો અહીં શોપિંગ માટે નીકળો તો એક વાત યાદ રાખવા જેવી છે કે અહીં વિક ડેમાં દુકાનો સાંજે સાત વાગ્યે બંધ થઈ જાય છે જ્યારે વીકેન્ડમાં સાંજે છ વાગે દુકાનો બંધ થઈ જતી હોય છે.

અહીંનું પમ્કિન સિડ્સનું ઑઇલ ઘણું પ્રખ્યાત છે.

weekend guide columnists travel news