વેપારના નામે એક્ઝૉટિક પશુ પંખીઓ પર થતો અત્યાચાર તમને ધ્રુજાવી દેશે

11 August, 2019 03:02 PM IST  |  મુંબઈ | સંજય પંડ્યા

વેપારના નામે એક્ઝૉટિક પશુ પંખીઓ પર થતો અત્યાચાર તમને ધ્રુજાવી દેશે

કાચબા

પશુ-પક્ષીઓનો ગેરકાયદે આંતરરાષ્ટ્રીય વેપાર શસ્ત્રોના વેપાર અને ડ્રગ્સના વેપાર પછી આંકડાની દૃષ્ટિએ ક્રિમિનલ આવકમાં ત્રીજા નંબરે છે. પશુ-પક્ષીઓના સ્મગલિંગમાં બેબી ટર્ટલ્સને એવી રીતે ટેપ મારવામાં આવે જેથી એમનું મોઢું અને પગ તેમના શરીરની ઢાલની નીચે જતા રહે. આ બચ્ચાંઓને એક મોટા મોજામાં ભરી લેવાય. કમ્પ્યુટરની સીડીના ગોળ ઢાંકણવાળા નાના કેસમાં અજગરના બચ્ચાને પૂરી દેવાય! તાજેતરમાં જ લૉસ ઍન્જલસ ઍરપોર્ટ પર એક એશિયનને ઝડપવામાં આવ્યો જેની બૅકપૅકમાં દીપડો હતો! ‌પિગ્મી વાંદરાને તેણે અન્ડરવેઅર પાસે બાંધેલા!

થોડાક સમય બનેલી એક ઘટનાથી શરૂ કરીએ. મલેશિયાની એક શાનદાર હોટેલની રૂમમાં એક વ્યક્તિ કોઈની રાહ જોઈ રહી છે. બદરુદ્દીન અલી અહમદ હબીબ નામના આ માણસે કેટલાક દિવસો અગાઉ ફેસબુક પર જાહેરાત કરી હતી કે તેની પાસે ઘણા કાચબા છે જેને એ વેચવા માગે છે. બેચાર દિવસમાં બદરુદ્દીનને તો સંદેશાઓનો ઢગલો થઈ ગયો. એકાદ ફાઇવસ્ટાર હોટેલની રૂમ બુક કરી ગ્રાહકને પ્રેઝન્ટેશન આપવાની તેણે તૈયારી કરી લીધી. શૉર્ટ્સ અને ટી-શર્ટ પહેરીને આવેલા ગ્રાહકે બદરુદ્દીન સાથે હાથ મિલાવ્યા. બે વિશાળ બેગમાં ભરેલા પંચાવન જેટલા કાચબા હોટેલની જાજમ પર ચાલવા માંડ્યા. ગ્રાહકે તેમને નિરાંતે ચકાસ્યા. શરીરની ઢાલ પર કાળા ટપકાં ધરાવતા આ કાચબા ભારત, પાકિસ્તાન અને બંગલા દેશમાં મળી આવે છે.          

પૉઝિટિવ સંવાદ પછી ગ્રાહક રવાના થયો એટલે બદરુદ્દીનને લાગ્યું કે હવે જૅકપૉટ પાકવામાં છે. જોકે પાંચ જ મિનિટમાં એસી રૂમમાં પરસેવો વળી જાય એવી હાલત બદરુદ્દીનની થઈ ગઈ. મલેશિયાના વાઇલ્ડલાઇફ અને પાર્કના ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ રૂમમાં પ્રવેશ કરી બદરુદ્દીનને ઘેરી લીધો. પેલો ગ્રાહક બીજું કોઈ નહીં પણ યુરોપની વાઇલ્ડલાઇફ જસ્ટિસ કમિશનનો અન્ડર કવર એજન્ટ હતો જેનું મિશન કાચબાના આ ગેરકાનૂની વેપારને ખુલ્લું પાડવાનું હતું. આંતરરાષ્ટ્રીય કાયદાથી સુરક્ષિત એવા આ કાચબાઓને ગેરકાનૂની રીતે મલેશિયામાં લાવવા માટે તથા એના ઇલ્લીગલ વેપાર માટે બદરુદ્દીનની સ્થાનિક પોલીસે ધરપકડ કરી! 

પાંચસો કાચબા! આ તો હિમશ‌િલાનો દસમો ભાગ હતો! મૂળ ભારતીય એવા આ બદરુદ્દીન હબીબ ઉપરાંત બીજા ૨૯ માણસો આ આંતરરાષ્ટ્રીય રૅકેટમાં સંડોવાયેલા હતા. બે વર્ષના ઇન્વેસ્ટિગેશનમાં આ સ્મગલર ઝડપાયા હતા અને કુલ કેટલા કાચબા તેમની પાસેથી છોડાવવામાં આવ્યા એ કલ્પી શકો છો? કુલ છ હજાર! 

હજી તાજેતરમાં જ હજાર બસો પંચાવન કાચબાઓને સૂટકેસમાં ભરી ચીનથી ફ્લાઇટમાં આવી રહેલા બે ભારતીયને મલેશિયાના કસ્ટમ્સે ક‍્વાલા લમ્પુર ઍરપોર્ટ પર પકડ્યા. આ વખતે કાચબાઓ ચીનના હતા. આ કાચબાઓનો વેપાર ગેરકાનૂની નથી ગણાતો, પણ આ બે સ્મગલર પાસે કાચબા લઈ જવાનાં પૂરતાં કાગળિયાં નહોતાં. આ બન્ને સ્મગલર અત્યારે ત્યાં જેલની હવા ખાય છે અને કોર્ટમાં આરોપ પુરવાર થતાં પાંચેક વર્ષ અંદર જ રહેશે એવી સંભાવના છે.

પૃથ્વી પર, જમીન પર અને જળમાં વિસ્તરેલી જીવસૃષ્ટિની લાખો પ્રજાતિઓ છે. આનો વિશેષ અભ્યાસ કરનારા વિજ્ઞાનીઓના મતે ૮૭ લાખ જેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે, જેમાંની ૬૫ લાખ પ્રજાતિઓ જમીન પર જોવા મળે છે અને બાવીસ લાખ સમુદ્રના કે નદી-તળાવ-કૂવાના જળમાં મળી આવે છે. આ ઉપરાંત ન નોંધાયેલી પ્રજાતિઓનો આંકડો પણ એટલો જ મોટો હોઈ શકે. જોકે તેમને માનવોથી જોખમ છે અને એ વાત સમાજના કેટલાક વર્ગને સારી રીતે સમજાઈ ગઈ છે અને એ દિશામાં તેઓ સક્રીય પણ થયા છે.

મે મહિનામાં વિશ્વના બાણું દેશોની વાઇલ્ડલાઇફના સત્તાધીશો, પોલીસ વિભાગ, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ, પ્રકૃતિવિદો તથા કસ્ટમ્સ વિભાગે સંયુક્ત રીતે એક અભિયાન છેડ્યું હતું. આ અભિયાનને નામ આપ્યું હતું ઑપરેશન થન્ડરસ્ટૉર્મ. આ ઑપરેશન હેઠળ પ્રાણીઓને ગેરકાયદેસર રીતે એક દેશમાંથી બીજા દેશમાં વેચી આવતા ઑપરેટરો તથા તેમના સમગ્ર નેટવર્ક પર નિશાન સાધવામાં આવ્યું હતું.
 
આ ઑપરેશનમાં સત્તાધીશોને અને વાઇલ્ડલાઇફ એજન્સીને મોટી સફળતા મળી છે. ૨૭ હજાર સરીસૃપ વર્ગનાં પ્રાણી (મગર, કાચબા, સાપ), ૧.૩ ટન હાથીદાંત, ૪૩ ટન રીંછ, હાથી, ઝીબ્રા, મગર અને વ્હેલ જેવા પ્રાણીનું માંસ, ૪૦૦૦ પક્ષીઓ, ૧૪ જેટલા સિંહ, વાઘ, દીપડા તથા સાત રીંછ જેમાંના બે તો ધ્રુવ પ્રદેશના રીંછ વગેરે આ સ્મગલરો પાસેથી જપ્ત કરવામાં આવ્યાં. એક ઍરલાઇનના બે સ્ટાફ-મેમ્બર પણ પોતાના સામાનમાં પ્રતિબંધિત નાનાં પશુ-પક્ષીની હેરફેર કરતા હતા. તેમની પણ ધરપકડ કરવામાં આવી.

આપણા કાને અવારનવાર પીટા શબ્દ પડે છે. આ પીટા શું છે? પીટા એટલે પીપલ ફૉર એથ‌િકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ એટલે કે પશુપક્ષીઓ સાથે યોગ્ય વ્યવહાર થાય, એમનું શોષણ ન થાય એ દિશામાં કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થાનું મુખ્ય મથક અમેરિકાના વર્જિનિયા રાજ્યના નોર્ફોકમાં છે. પીટાના વિશ્વભરમાં ૬૫ લાખ કરતાંયે વધુ સમર્થકો છે જે પોતપોતાના દેશમાં પશુ અધિકાર માટે લડતા રહે છે. પીટાનું આગમન ભારતમાં ૨૦૦૦ની સાલમાં થયું અને એનું મથક મુંબઈમાં છે.

આંતરરાષ્ટ્રીય તખ્તા પર પશુ-પક્ષીઓનું ગેરકાયદે સ્મગલિંગ વધવાનું કારણ સહેલાઈથી પ્રાપ્ય ન હોય એવાં પશુ-પંખીને ઘરમાં પાળવાની ઘેલછા છે. પીટા જણાવે છે કે આવાં પ્રાણીઓને સ્ટોરમાંથી, હરાજીમાંથી કે ઇન્ટરનેટ પરના વેચાણથી ઘરે લઈ આવતા માનવીઓ એ જાણતા નથી કે તેમનાં ઘર સુધી પહોંચવામાં એ પ્રાણીઓએ કેટલી વેદના વેઠી છે. તમારા ઘર સુધી એક વિશિષ્ટ પ્રાણી પહોંચે ત્યાં સુધીમાં એની સાથેનું જ બીજું પ્રાણી રસ્તામાં મૃત્યુ પામે એવું બનતું હોય છે. આ પ્રાણીઓને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જતી વખતે નાના કદનાં પ્રાણી હોય તો સૂટકેસમાં ઠાંસીને ભરાય છે. અપૂરતો ખોરાક, એકલતા, અલગ વાતાવરણ, ખરાબ કક્ષાના કન્ટેનર વગેરેના કારણે આ ગેરકાયદે વેપાર પશુપક્ષીઓને મોતના મોઢામાં ધકેલે છે.

આ પ્રાણીઓની સફર ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, બ્રાઝિલ કે ભારતનાં જંગલોથી શરૂ થાય છે. આ સ્મગલ‌િંગને રોકવાના કેટલાક કાયદા છે. પકડાય તો જેલ તથા મોટી પેનલ્ટી પણ છે એ છતાં આમાં સ્મગલરને સારાએવા પૈસા મળતા રહે છે એટલે તે બધાં જોખમ ઉઠાવે છે. બૅડ્મિન્ટનના શટલકૉકનાં લાંબાં સિલિન્ડર જેવાં ખોખાં જોયાં છે? એવા પૂંઠાના સિલિન્ડરમાં ચાર-પાંચ પોપટ ભરી દેવામાં આવે જેથી સામાનમાં સરળતાથી ગોઠવાય. બેબી ટર્ટલ્સ (દરિયાઈ કાચબાનાં બચ્ચાં)ને એવી રીતે ટેપ મારવામાં આવે જેથી એમનું મોઢું અને પગ તેમના શરીરની ઢાલની નીચે જતા રહે. આ બચ્ચાંઓને એક મોટા મોજામાં ભરી લેવાય. કમ્પ્યુટરની સીડીના ગોળ ઢાંકણવાળા નાના કેસમાં અજગરના બચ્ચાને પૂરી દેવાય! તાજેતરમાં જ લૉસ ઍન્જલ્સ ઍરપોર્ટ પર એક એશિયનને ઝડપવામાં આવ્યો જેની બૅકપૅકમાં દીપડો હતો! પ‌િગ્મી વાંદરાને તેણે અન્ડરવેઅર પાસે બાંધેલા!

આવી હાલતમાં લઈ જવાતાં પ્રાણીઓના બચવાની સંભાવના કેટલી એવા પ્રશ્નના જવાબમાં એક જર્મન કસ્ટમ્સ એજન્ટે જણાવ્યું હતું કે ૮૦થી ૯૦ ટકા પ્રાણીઓ આવી દુર્દશાને કારણે રસ્તામાં જ મૃત્યુ પામતાં હોય છે. થોડા સમય અગાઉ પીટાના એક અન્ડરકવર એજન્ટે ટેક્સસના એક વેરહાઉસ પર રેઇડ પડાવી. ૨૭ હજારથી પણ વધુ પ્રાણીઓ જ્યાં ખડકવામાં આવ્યાં હતાં ત્યાં પૂરતાં હવા-ઉજાસ નહોતાં કે નહોતી પાણી- ખોરાકની મૂળભૂત સુવિધા. સેંકડો પ્રાણીઓ ત્યાંથી મૃત અવસ્થામાં મળ્યાં. જેમને છોડાવ્યાં એમાંથી ૬૦૦૦ જેટલાં મોતને ભેટ્યાં, કારણ કે એમની હાલત એવી કથળેલી હતી કે બચવાની શક્યતા જ નહોતી.
જે પ્રાણીઓ એક દેશથી બીજા દેશમાં ચાર-છ જણના હાથમાંથી પસાર થઈ ગ્રાહક સુધી જો હેમખેમ પહોંચે તો પણ એ કેટલા મહિના જીવિત રહેશે એ નક્કી નથી હોતું. બદલાયેલો પ્રદેશ, બદલાયેલું વાતાવરણ, ખોરાકમાં બદલાવ જેવાં કેટલાંય કારણોને લીધે એ થોડા દિવસ કે મહિનાઓમાં મૃત્યુ પામે એવું પણ બનતું હોય છે.

આ પ્રકારનું સ્મગલિંગ માનવજાતિના સ્વાસ્થ્ય માટે પણ ખતરો છે? કઈ રીતે? જોઈએ. વાઇલ્ડલાઇફ નિષ્ણાતો કહે છે કે વિશિષ્ટ પ્રકારનાં, ખાસ જોવા ન મળતાં પ્રાણીઓ જ નહીં પણ બિલાડી, કૂતરાં જેવાથી પણ વિષાણુ માનવમાં ફેલાય છે. નવા પ્રકારનાં જે ઇન્ફેક્શન ફેલાય છે એમાંનાં ૭૫ ટકા આ પ્રાણીઓમાંથી ઉદ્ભવે છે. અમેરિકાના બાળરોગોના નિષ્ણાત તો ઘરનાં નાનાં બાળકોને પ્રાણીઓથી દૂર જ રાખવાની શિખામણ આપે છે. ૨૦૦૩માં મન્કી પોક્સે સેંકડો લોકોને હેરાન કર્યા હતા. એનું ઇન્ફેક્શન આફ્રિકાના ગેમ્બ‌િયન ઉંદરથી ફેલાતું હતું. કૂતરાની એક નસલ પ્રેઈરી બહુ ખતરનાક એવા પ્લેગ રોગની વાહક હતી. આફ્રિકાના માર્કસ નામના વાનરની જાતિ હેપેટાઇટ‌િસ બી વાઇરસ માનવોમાં ફેલાવવામાં કારણભૂત થઈ હતી. સીડીસી એટલે જ તો માર્કસને ઘરેલું પાળેલાં પ્રાણી તરીકે રાખવા સામે ચેતવે છે. હેજહૉગ્સ નામનું નાનું સુંદર પ્રાણી પણ કેટલાક વાઇરલ રોગ ફેલાવે છે અને એનાં ધારદાર પીછાં માનવ ત્વચા પર ઇન્ફેક્શન કરે છે. પોપટ અને એવાં બીજાં પક્ષી ટીબી ફેલાવી શકે છે તો ટર્કી (એ નામનું પક્ષી) અને સ્મગલ કરેલાં ચિકન (મરઘીનાં બચ્ચાં) END નામનો રોગચાળો ફેલાવવામાં જવાબદાર હતાં. ૨૦૦૮માં યુએસમાં ૮૦૦૦ પોપટ આ રોગથી મૃત્યુ પામ્યા.

જંગલનાં મોટાં હિંસક પ્રાણીઓની બાબતમાં સિનારિયો શું છે? નૅશનલ જિયોગ્રાફિક કહે છે કે જો એક વાઘ કે સિંહ તમને ઝૂના પાંજરામાં જોવા મળે છે તો આવા બીજા દસ સિંહ કે વાઘ લોકોના પ્રાઇવેટ ઝૂમાં તમને જોવા મળશે. ટીપી હેડ્રન નામનો યુએસનો અભિનેતા પોતાની પ્રાઇવેટ સૅન્ક્ચ્યુઅરી ધરાવે છે. તે પણ કહે છે કે તમે ભલે છ મહિનાના બચ્ચાને પાળ્યું હોય, પુખ્ત થતાં જ એણે જે કરવાનું છે એ જ એ કરશે! ખાસ કરીને ઘરનાં નાનાં બાળકો પર આ હિંસક પ્રાણીઓ હુમલો કરે છે અને આવા હિંસક પ્રાણીને પાળનાર કંઈ જ કરી શકતા નથી.

પશુ-પક્ષીઓનો ગેરકાયદે આંતરરાષ્ટ્રીય વેપાર કરોડો-અબજો રૂપિયાના આંકને આંબી જાય છે. શસ્ત્રોના વેપાર અને ડ્રગ્સના વેપાર પછી આંકડાની દૃષ્ટિએ ક્રિમિનલ આવકમાં આ વેપાર ત્રીજા નંબરે છે. યુએસ આ વેપારનું સૌથી મોટું  ગ્રાહક છે. ત્યાંનાં વિવિધ રાજ્યોએ ગેરકાયદે ટ્રેડને રોકવા કાયદા પસાર જરૂર કર્યા છે પણ એનો અમલ જોઈએ એવો થતો નથી. વળી આ કાયદા માનવના સ્વાસ્થ્ય પર વધુ ફોકસ કરે છે અને પશુ-પક્ષીના સંરક્ષણ માટે એમાં વિશેષ ભાર નથી.

છેલ્લાં બે વર્ષથી યુરોપિયન યુનિયન પણ વાઇલ્ડલાઇફના પ્રતિબંધિત વેપારને રોકવા પ્રતિબદ્ધ થયું છે. પ્રાણીઓના ગેરકાયદે ટ્રાફિ‌ક‌િંગની વિરુદ્ધ જાગૃતતા ફેલાવવા તેમણે જાહેર જનતા સાથે, સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ સાથે, ઝૂઓલૉજિકલ ગાર્ડન્સમાં, ઍરપોર્ટ પર વગેરે સ્થળે અવેરનેસ કૅમ્પેન ગોઠવ્યાં. હાથીદાંતના ગેરકાયદે વેપાર પર પણ તેઓ પ્રતિબંધ લાવ્યા. ઍનિમલ રાઇટ્સના સમર્થકો મોટા ફૅશન હાઉસ ચામડી કે ફર ન વાપરે એવા વાંઝિયા પ્રયત્ન કરતા રહે છે. ભારતમાં પણ હાથીદાંત માટે હાથીઓની હત્યા અવારનવાર થતી હોય છે. મંગૂસના વાળ, સાપની ચામડી, ગેંડાનું શિંગડું, વાઘ અને દીપડાના નહોર તથા શરીરની ચામડી વગેરે પણ અહીંથી વિદેશમાં વેચાય છે. યુરોપમાં ગરોળી, સાપ કે વાઘ દીપડાની ચામડીનાં બૅગ તથા ફૅશન ગાર્મેન્ટમાં ઉપયોગ થાય છે. ભારતના કાયદા મુજબ ૧૮૦૦ જેટલી પ્રજાતિઓ વાઇલ્ડલાઇફ પ્રોટેકશન ઍક્ટ હેઠળ વેચી નથી શકાતી. ભારત પણ સાઇટ્સનું (CITES- કન્વેન્શન ઑન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીશીઝ ઑફ ફૌના ઍન્ડ ફ્લોરા) ૧૯૭૬થી સભ્ય છે. સાઇટ્સ વિવિધ દેશો સાથે સંકલન કરે છે જેથી પશુ-પક્ષીઓની વિશિષ્ટ જાતિઓના જીવન પર જોખમ ન આવે. એ છતાં વિવિધ દેશોની રાજકીય ઇચ્છાશક્તિ અને સરકારી પગલાંના ભરોસે પશુ-પક્ષીઓનાં નસીબ જોડાયેલાં છે.

આ પણ વાંચો : મિશન મંગલ : શું શીખીશું અક્ષયકુમાર પાસેથી?

આ બધા જ ગેરકાયદે વેપાર ટકી રહ્યા છે, કારણ કે આપણે એને આડકતરો સપોર્ટ આપીએ છીએ. એ પશુ કે પક્ષીને એના નૈસર્ગિક વાતાવરણમાંથી આપણે આપણા મનોરંજન માટે ઘરમાં લઈ આવીએ છીએ. એમની ચામડીમાંથી બનતા પટ્ટા, પર્સ તથા વસ્ત્રો ખરીદીએ છીએ. આ પશુ-પક્ષીઓને પણ પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે એ સમજ આપણે કેળવવી પડશે અને નવી પેઢીને પણ સમજાવવી પડશે. ક્યાંક કોઈક પ્રાણી પર અત્યાચાર થતો હોય, સ્મગલ‌િંગ થતું હોય તો પોલીસ અથવા પ્રાણીના રક્ષણ માટે નિમાયેલા અધિકારીને જાણ કરવી પડશે. તો જ આ પૃથ્વી બધા માટે છે એવી અનુભૂતિ થશે.

weekend guide columnists