સોનું ખરીદવાના વિવિધ વિકલ્પો સમજો

01 September, 2019 03:44 PM IST  |  મુંબઈ | મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

સોનું ખરીદવાના વિવિધ વિકલ્પો સમજો

ગોલ્ડ

તહેવારોના ઉત્સાહમાં આપણને સોનું ખરીદવાનો કે ખાસ વ્યક્તિઓને સોનું ભેટમાં આપવાનો વિચાર આવે છે. એથી ભારતીય તરીકે આપણે વર્ષના આ મહિનાઓમાં આ કીમતી ધાતુ તરફ વધારે ધ્યાન આપીએ છીએ, પરંતુ આપણે સોનાને મૂડીરોકાણના માધ્યમરૂપે જોયું છે? સોનામાં મૂડીરોકાણના એક વર્ષના વળતરની નોંધ લીધી છે? વર્ષમાં ૨૮ ટકા વળતર મળે છે. આપણે આર્થિક ક્ષેત્રે મંદી અને દેવાં ચૂકવવામાં ગફલતના રોદણાં રડીએ છીએ ત્યારે પોર્ટફોલિયોમાં એક વસ્તુ તેજસ્વી રીતે ચમકે છે. વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે સલામત ધારી લેવામાં આવેલી અસ્કયામત તરફ લોકોનું ધ્યાન જાય એ સ્વાભાવિક છે.

જોકે નિરાશાજનક બાબત એવી છે કે આપણામાંથી મોટા ભાગના લોકો સોનું ઝવેરાતના રૂપમાં ખરીદીને એક પેઢીથી બીજી પેઢીને સોંપવાની અને મોભાના પ્રતીક રૂપે દર્શાવવાની માનસિકતા ધરાવે છે. ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો ૧૦ ટકા હોવો જોઈએ એવો અંદાજ રજૂ કરી શકાય. મેં ઇન્વેસ્ટમેન્ટ બોલ્ડ અક્ષરોમાં એટલા માટે લખ્યું છે કે સોનાની એ ખરીદી ઝવેરાત ઉપરાંતની ફક્ત મૂડીરોકાણ માટે હોવી જોઈએ. વ્યુહાત્મક દૃષ્ટિએ વ્યક્તિને જ્યારે અનુકૂળતા જણાય ત્યારે એણે અસ્કયામાતો વધારવા માટે નાણાંની ફાળવણીનો વિચાર કરવો જોઈએ. કેટલાક લોકો માને છે કે એની ‌કિંમત બમણી થઈ શકે છે. ખરેખર એવું છે કે કેમ એ બાબત હું જાણતો નથી. તમારા પોર્ટફોલિયોમાં સોનાનો ઉમેરો કરવો કે નહીં એને માટે તમારા સલાહકારને મળો. હાલપૂરતું આપણે સોનાને મૂડીરોકાણનું માધ્યમ બનાવવા વિશે વિવિધ વિકલ્પોની ચર્ચા કરીએ.

૧. વાસ્તવિક સોનાની ખરીદીઃ સોનું ખરીદવાની આ પરંપરાગત પદ્ધતિ છે. સિક્કા કે બિસ્કિટ્સ ખરીદી શકાય, પરંતુ એ બધાની કિંમતોમાં એક યા બીજો એડિશનલ ચાર્જ સમાયેલો હોય છે. તે ઉપરાંત એ બધું સુરક્ષિત રીતે રાખવાની સમસ્યા હોય છે.

૨. ગોલ્ડ ઇટીએફઃ કોઈ વ્યક્તિ ખરેખરા સોનાની માલિકીને બદલે ફક્ત મૂડીરોકાણના ઇરાદે સોનું ખરીદવા ઇચ્છતા હોય તો ઇટીએફના માધ્યમથી ખરીદવાનું વિચારી શકે. ગોલ્ડ ઇટીએફ એટલે એક્સ્ચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ. એ લગભગ મ્યુચ્યુઅલ ફન્ડ્સ જેવી વ્યવસ્થા છે. એમાં રોકાણકારો પાસેથી નાણાં ભેગા કરીને એમના વતી ૯૯.૫ ટકા શુદ્ધતા ધરાવતું સોનું ખરીદવામાં આવે છે. એનું શૅરબજારોમાં ટ્રેડિંગ કરવામાં આવે છે અને શૅરદલાલ મારફત ખરીદી શકાય છે. સોનાના પ્રવર્તમાન ભાવને અનુસરવાનું હોવાથી ઇટીએફમાં મૂડીરોકાણમાં પારદર્શકતાનો અનુભવ થાય છે. ઇટીએફ્ના વિશિષ્ટ સ્ટ્રક્ચર અને ક્રીએશન મિકેનિઝમને કારણે વાસ્તવિક સોનું ખરીદવામાં જે ખર્ચ થાય છે એના કરતાં ઇટીએફ્સમાં ખર્ચ ઓછો થાય છે. કોઈ વ્યક્તિ એક વખતે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું પણ ખરીદી શકે. જોકે એને ખરીદવા અને વેચવામાં પ્રવર્તમાન દર મુજબ દલાલી ચૂકવવાની રહે છે. શૅરબજારમાં જુદા જુદા પ્રકારના ગોલ્ડ ઇટીએફ્સ લિસ્ટેડ હોય છે. એમની કિંમતો પણ જુદી જુદી હોય છે. ચોક્કસ સમયે સોનાની કિંમત સર્વત્ર એક જ હોય છે. પરંતુ લિક્વિડિટીની સ્થિતિને કારણે કિંમત જુદી જુદી હોય છે. એ બાબતનો રોકાણકારે ખ્યાલ રાખવાનો હોય છે.

૩. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડ્સઃ આ ગોલ્ડ ઇટીએફ્સમાં ઇન્વેસ્ટ કરતા ઓપન એન્ડેડ ફન્ડ્સ છે. જોકે એમાં ખર્ચનો દર પણ સહેજ વધારે હોય છે. એમાં સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના માધ્યમથી પણ રોકાણ કરી શકાય. એવું બધા ગોલ્ડ ઇટીએફ બ્રોકર્સની સાથે શક્ય બનતું નથી. જોકે મોટા ભાગના ગોલ્ડ ફન્ડ્સમાં એક્ઝિટ લોડ રહેતો હોવાથી એ ખરીદી પછી એક વર્ષમાં વેચતાં પહેલાં વિચાર કરજો.

૪. ડિજિટલ ગોલ્ડઃ સોનું ખરીદવાની આ સાવ નવી પદ્ધતિ છે. Paytmના મોબાઇલ વૉલેટ પ્લૅટફૉર્મના માધ્યમથી અથવા સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશનના માધ્યમથી ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકાય. એમાં ડિજિટલ ફોર્મમાં સાવ ઓછા પ્રમાણમાં સોનું ખરીદી શકાય છે. ડિજિટલ ગોલ્ડના વ્યવહારની બાબતમાં રેગ્યુલેટરી ફ્રેમવર્ક બહુ સ્પષ્ટ નથી. એથી ડિજિટલ ગોલ્ડનો વ્યવહાર શરૂ કરતાં પહેલાં એના જોખમોનો વિચાર કરી લેવો જરૂરી છે.

૫. સોવરિન ગોલ્ડ બૉન્ડ્સઃ સોનાની ગ્રામદીઠ ગણતરીમાં ખરીદવામાં આવતી ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝને સોવરિન ગોલ્ડ બૉન્ડ્સ કહેવાય છે. એ બૉન્ડ્સ ભારત સરકાર વતી રિઝર્વ બૅન્ક બહાર પાડે છે. એનું ટ્રેડિંગ શૅરબજારોમાં કરી શકાય છે. સિક્યૉરિટીઝ અૅન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) દ્વારા ઑથોરાઇઝ્ડ ટ્રેડિંગ મેમ્બર્સ, નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડના ફાઇ‌નૅન્શિયલ અૅડ્વાઇઝર્સ અથવા રિઝર્વ બૅન્કે જાહેર કરેલા અન્ય માધ્યમો દ્વારા ખરીદી શકાય છે. આ એકમાત્ર ગોલ્ડ લિન્ક્ડ ઇન્વેસ્ટમેન્ટમાં મૂળ વળતર ઉપરાંત વ્યાજ (ફક્ત વાર્ષિક ૨.૫ ટકા-ટૅક્સેબલ) ચૂકવાય છે. આ પદ્ધતિએ સોનું ખરીદવામાં પણ વાસ્તવિક સોનું ખરીદીને રાખવાનું જોખમ રહેતું નથી. સોવરિન ગોલ્ડ બૉન્ડની મુદત આઠ વર્ષની હોય છે, પરંતુ પાંચમા વર્ષ પછી વ્યાજ ચુકવણીની તારીખે એ બૉન્ડ્સ વટાવી શકાય છે. જોકે વચ્ચેના સમયગાળામાં લિક્વિડિટીને આધિન રહીને એ બૉન્ડ્સ શૅરબજારોમાં પણ વેચી શકાય છે.

ઉપરોક્ત ગોલ્ડ લિન્ક્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટૅક્સેશનઃ ફક્ત સોવરિન ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં બૉન્ડ્સ મેચ્યૉરિટી(૮ વર્ષ) સુધી રાખવામાં આવે તો કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડતો નથી. જો ખરીદીનાં ત્રણ વર્ષોમાં વેચવામાં આવે તો સ્લૅબ પ્રમાણે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ થાય છે. ત્ર‍ણ વર્ષ પછી વેચવામાં આવે તો ઇન્ડેક્સેશન બેનિફિટ સાથે વીસ ટકા કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે.

સોનું પ્રાપ્ત કરવાની ઇચ્છા સર્વવ્યાપી અને માનવજાતિની વેપારીવૃત્તિમાં ધરબાયેલી છે.

-જેરાલ્ડ એમ. લોએબ

આ પણ વાંચો : હિન્દી ફિલ્મોમાં ઍક્ટિંગ કરવા આવેલા વિશ્વજિતને અશોકકુમારે શું સલાહ આપી?

હાલના તબક્કે એ ઇચ્છાને વશ થવું કે નહીં એ બાબત હું તમારા પર અને મૂડીરોકાણ માટેના તમારા સલાહકાર પર છોડું છું, પરંતુ તમે જો સોનામાં મૂડીરોકાણ કરવા ઇચ્છો તો કેવી રીતે આગળ વધવું એની સર્વસાધારણ સમજ મેં તમને આપી છે.

weekend guide columnists