વો ભી ક્યા દિવાલી થી...

27 October, 2019 04:43 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ

વો ભી ક્યા દિવાલી થી...

દિવાળી

એક સમય હતો જ્યારે દિવાળીની રાહ જોવાતી અને દિવાળી આવે એનો ઉત્સાહ મનમાં સંઘરવો અઘરો પડી જતો. નાનપણના એ દિવસો અને શૈશવની એ યાદગાર પળો વચ્ચે વિતાવેલી દિવાળીને અહીં જાણીતી સેલિબ્રિટી યાદ કરે છે. મનમાં ફટાકડા ફૂટતા હોય અને આંખ સામે મીઠાઈઓનો ઢગલો ચક્કર મારતો હોય એવા એ સમય વચ્ચે પોતાના જીવનની યાદગાર દિવાળીની વાત કરતી વખતે આ સેલિબ્રિટીના અવાજના ઉત્સાહમાં પણ નાનપણ ફરી વળે છે.

ભાઈબંધોને ઇમ્પ્રેસ કરવા નવાં કપડાં લીધાં અને... : અરવિંદ વેગડા (રૉકસ્ટાર)

નાનપણમાં વિતાવી હતી એ બધી દિવાળીઓ યાદગાર છે. હવે તો એવું બનતું હોય છે કે દિવાળી સમયે શો હોય એટલે મોટા ભાગની દિવાળી ફૅમિલીથી દૂર પસાર કરી હોય, પણ દિવાળી આવે ત્યારે મને હજી પણ એ દિવસો યાદ આવી જાય. મને અત્યારે એક દિવાળી ખાસ યાદ આવે છે. દિવાળીમાં સામાન્ય રીતે બહુ સરસ મૂડ હોય, પણ મને યાદ છે કે એ દિવાળી આખી મારી ભોંઠપ વચ્ચે પસાર થઈ ગઈ હતી.

બન્યું એવું કે સોસાયટી પાસે એક કપડાંની દુકાન હતી. તગડું ડિસ્કાઉન્ટ આપે. મોટા ભાગના બધા ત્યાં જઈને જ કપડાં લે. સસ્તાં પણ, સારાં પણ અને ડિસ્કાઉન્ટ પણ મોટું આપે એટલે એમ પણ મજા આવે. મેં પણ ત્યાં જઈને કપડાં લઈ લીધાં અને ઘરમાં આવીને એવી રીતે સંતાડી દીધાં જાણે બીજા ફ્રેન્ડ્સ આવીને જોઈ લેવાના હોય. મને યાદ છે કે એ અઠવાડિયું મારું ખૂબ ઉચાટ વચ્ચે ગયું હતું. ક્યારે દિવાળી આવે અને ક્યારે હું એ નવાં કપડાં પહેરું. ફાઇનલી આવી ગઈ દિવાળી. કાળી ચૌદશની રાત જેમતેમ પસાર કરી અને સવાર પડી કે મસ્તમજાનું નાહીને નવાં કપડાં પહેરીને હું નીકળ્યો સોસાયટીમાં, પણ આ શું? મારા જેવાં જ, ડિટ્ટો એવાં જ કપડાં પહેરીને મારા ચાર ભાઈબંધ ઊભા હતા. રીતસર બૅન્ડવાજાં જ લાગીએ અમે. એ દિવસે એવો તો ભોંઠો પડ્યો કે ન પૂછો વાત. આખો દિવસ સરખાં કપડાં પહેરીને ફર્યા અમે, પણ મને નવાં કપડાંની મજા જરા પણ નહોતી આવી.

અમે બધા ભાઈબંધોએ એક દિવાળીએ નક્કી કર્યું કે આપણા ફટાકડાનો ખર્ચો આપણે જ કાઢીશું. અમે બધા સોસાયટી પાસે બનેલા એક ફટાકડાના સ્ટોરમાં ગયા અને ત્યાંથી એકેક સૅમ્પલના ફટાકડા લઈ આવ્યા. સ્કૂલથી આવીને બધા સાથે ફટાકડા દેખાડવા અને ઑર્ડર લેવા જઈએ. આવું અમે ચારેક વર્ષ કર્યું. જે નફો થાય એ નફો લેવાનો નહીં, એના ફટાકડા લઈ લેવાના. મૂળ ભાવ અમને ખબર હોય એટલે એમ પણ ફાયદો થાય અને ફટાકડા વધારે આવે. આજે ધારીએ એટલા ફટાકડા લઈ શકીએ છીએ અને આજે પણ મારી જ ઇન્કમ છે છતાં જીવનની એ પહેલી ઇન્કમના ફટાકડાની મજા કંઈક જુદી જ હતી, જેને હું આજે પણ મિસ કરું છું.

આ ચાર વર્ષ અને આ છન્નું મહિના... : અંબિકા રંજનકર (ઍક્ટ્રેસ)

છેલ્લી ચાર દિવાળી બધી રીતે યાદગાર છે. દરેક દિવાળીએ હું પીડા પણ સહન કરું છું અને દરેક દિવાળીએ હું ધન્યતા પણ અનુભવું છું. ચાર વર્ષથી મારો દીકરો અથર્વ કૅનેડા છે, તેનું એજ્યુકેશન ચાલે છે. દિવાળીના દિવસો યાદ આવે અને મને અથર્વ યાદ આવવાનું શરૂ થઈ જાય. અથર્વને ફટાકડાનો બહુ શોખ હતો અને તેને સ્વીટ્સ પણ બહુ ભાવે. અથર્વ હવે ઘરે નથી તો આ બન્નેમાંથી કોઈ આઇટમ ઘરમાં આવતી નથી. ચાર વર્ષ પહેલાં જ્યારે અથર્વ વિનાની પહેલી દિવાળી હતી ત્યારે સવારના અમે પૂજાની તૈયારી કરતા હતા અને ત્યાં જ અથર્વનો વિડિયો-કૉલ આવ્યો. કહે કે તે આ રીતે વિડિયો-કૉલથી પૂજામાં સામેલ થશે. મારે માટે એ ક્ષણ જેવી યાદગાર સેકન્ડ બીજી કોઈ નથી. મારી યાદગાર દિવાળી જ નહીં, મારી જિંદગીની એ યાદગાર પળ છે.

હવે તો અમારો આ નિયમ બની ગયો છે. લક્ષ્મીપૂજનથી લઈને છેક ભાઈબીજ સુધીની બધી પરંપરામાં અમે અથર્વને વિડિયો-કૉલથી સામેલ કરીએ છીએ જેથી તે આપણી દિવાળી અને પરંપરા મિસ ન કરે. જોકે એમ છતાં કહીશ કે આ ચારેચાર દિવાળી મને કાયમ યાદ રહેવાની છે. તેની ગેરહાજરીને કારણે ઘર ખાલી લાગે છે, પણ આમ એકલા રહેવાને કારણે પણ આ દિવાળી યાદગાર બની રહી છે એવું કહેવું ખોટું તો નથી જ. આ ચાર વર્ષે સમજાયું કે છોકરાઓ ઘરમાં હોય ત્યારે ઘર ભર્યું-ભર્યું લાગે છે. અરે હા, અથર્વને ફટાકડા ફોડવાનું ખૂબ ગમે છે એટલે અમે વિડિયો-કૉલમાં એની સાથે ફટાકડા પણ ફોડીએ છીએ. કૅનેડામાં દિવાળી પર ફાયર ક્રેકર શો થાય છે, જે તે અમને દેખાડે છે.

આ દિવાળી, સૌથી યાદગાર દિવાળી... : ધર્મેશ વ્યાસ (ઍક્ટર)

આ દિવાળી, યસ આ જ દિવાળી મારી સૌથી યાદગાર દિવાળી છે અને એનું કારણ પણ છે. છેલ્લાં ૧૨ વર્ષથી મેં કોઈ વેકેશન નથી લીધું. કાં તો શૂટ ચાલુ હોય અને કાં તો મારા નાટકની ટૂર ચાલતી હોય એટલે દિવાળીના દિવસોમાં પણ મારે ફોનથી જ બધાને વિશ કરવું પડે, પણ આ વર્ષે સાવ જ અચાનક પ્રોગ્રામ બન્યો અને હું, મારી વાઇફ સુરભિ, મારાં સાસુ-સસરા અને મારો સાળો અને તેની વાઇફ અમે બધાં ગોવાના વેકેશન પર નીકળી ગયાં. સામાન્ય રીતે દિવાળીના સમયે જો એકાદ દિવસની છુટ્ટી મળે તો પણ હું સુરત મારાં મમ્મી-પપ્પા પાસે જવાનું પસંદ કરું, પણ આ વખતે અનાયાસ એ પણ ફૉરેન ફરવા ગયા છે એટલે ફુલ્લી હું વાઇફ સાથે જ વેકેશન માણી રહ્યો છું. આવતી કાલે રાતે હું ગોવાથી નીકળીને મુંબઈ આવીશ અને મુંબઈમાં બે દિવસનું વેકેશન કન્ટિન્યુ કરીને ભાઈબીજના દિવસે અમદાવાદ જવા માટે નીકળી જઈશ. અમદાવાદમાં મારી નવી ગુજરાતી ફિલ્મનું શૂટ શરૂ થવાનું છે.

મને નથી ખબર કે હવે મને વેકેશન ક્યારે મળશે. આ ફિલ્મની સાથોસાથ નવી સિરિયલ પણ શરૂ થાય છે અને ૨૧ વર્ષે હું અને હોમી વાડિયા સાથે નાટક કરવાના છીએ એટલે ભાઈબીજ પછીના દિવસો બહુ હેક્ટિક થઈ જશે. અનાયાસ મળેલું આ વેકેશન સાચે જ રિલૅક્સેશન આપે છે.

પ્લીઝ કેતકી, લક્ષ્મીજી મને દિવાળીના દિવસે જોઈએ છે... : રસિક દવે (ઍક્ટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર)

એંસીના દસકાની ૧૯૮૪ની દિવાળી. મને એ તારીખ પણ યાદ છે. ૨૪મી ઑક્ટોબર. એ દિવસે દિવાળી હતી અને દિવાળી મારા જીવનની સૌથી યાદગાર દિવાળી છે. એક વર્ષ પહેલાં જ મારાં અને કેતકીનાં મૅરેજ થયાં હતાં અને કેતકી એ સમયે પ્રેગ્નન્ટ હતી. ડૉક્ટરે આ જ દિવસો આપ્યા હતા અને એક દિવસ અગાઉ એટલે કે ૨૩મીએ કેતકીને લેબર પેઇન ઊપડ્યું. બધું પડતું મૂકીને અમે તાત્કાલિક હૉસ્પિટલ ગયાં. રસ્તામાં મને યાદ આવ્યું કે આજે તો કાળી ચૌદશ છે. હૉસ્પિટલ સુધી તો કેતકીને બોલવા-ચાલવા કે સાંભળવાની હોંશ નહોતી, પણ હૉસ્પિટલ ગયા પછી તેનામાં થોડી તાકાત આવી એટલે મેં તેને કહ્યું કે કેતકી આજનો દિવસ ખેંચાય તો ખેંચી લેજે, ડિલિવરી અટકાવી દેજે, મને તારા જેવી જ લક્ષ્મી જોઈએ, એ મને આવતી કાલે દિવાળીના દિવસે આપજે.

આજે ડિઝાઇનર ચાઇલ્ડનો કન્સેપ્ટ આવ્યો છે, પણ એ સમયે તો એવી કોઈ વાત પણ નહોતી વિચારી એટલે બને કે બાળક એ દિવસે પણ આવી જાય. હું હૉસ્પિટલની રૂમની બહાર બેઠો અને કેતકી તથા મારાં સાસુ અંદર રૂમમાં. ડૉક્ટર પણ નૉર્મલ ડિલિવરીની ટ્રાય કરે, પણ ફેલ. ગમે તેમ કરીને રાત પસાર થઈ અને સવારના સમયે કેતકીને ફરીથી જબરદસ્ત પેઇન ઊપડ્યું.

દોઢ કલાક પછી મને નર્સે આવીને કહ્યું કે તમારાં સાસુને પડે છે એવા જ ગાલમાં ખાડા પડતાં લક્ષ્મીજી આવ્યાં છે અને રિદ્ધિનો જન્મ થયો. દિવાળીના દિવસે જ મારા ઘરમાં લક્ષ્મીજી પધાર્યાં. એ દિવાળી મારી લાઇફની સૌથી મેમરેબલ દિવાળી છે. બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પસાર કરેલી એ દિવાળી જીવનમાં ક્યારેય મારાથી નહીં ભુલાય. આજે પણ જ્યારે બ્રીચ કૅન્ડી પાસેથી પસાર થાઉં કે ફટાકડાનો અવાજ સાંભળું ત્યારે મને દિવાળી અને રિદ્ધિ એકસાથે યાદ આવી જાય. મારી લાઇફની સૌથી યાદગાર દિવાળી જો કોઈ હોય તો એ ૮૦ના દસકાની એ દિવાળી.

થ્રી બીએચકે અને ચાલીસથી વધુ મહેમાનો... : ઐશ્વર્યા મજમુદાર (પાર્શ્વગાયક)

૨૦૧૧ની દિવાળી મારા જીવનની સૌથી યાદગાર દિવાળી છે. દિવાળીનું મહત્વ અને આપણે ત્યાં તહેવારોનું ઇમ્પોર્ટન્સ શું કામ છે એ મને એ દિવસોમાં પહેલી વાર સમજાયું હતું. બન્યું એવું કે એ દિવાળી સમયે લાઇફમાં પહેલી વાર દેશ-વિદેશ રહેતા અમારા બધા ફૅમિલી-મેમ્બરો અમારા અમદાવાદના ઘરે ભેગા થયા હતા. અમારું ફૅમિલી વાઇલ્ડલી સ્પ્રેડ છે. અમેરિકા, યુરોપ, દુબઈ જેવા દેશોથી માંડીને કોચિન અને દિલ્હી સુધીમાં બધા પથરાયેલા છે એટલે ભાગ્યે જ બધા ભેગા થાય, પણ એ દિવાળીએ બધાએ ખાસ પ્લાન બનાવીને દિવાળી સાથે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું અને અમારા એક ઘરમાં એકસાથે ૪૦થી વધારે લોકો ભેગા થઈ ગયા.

એ ચાર દિવસ જાણે લગ્ન હોય એવું વાતાવરણ ઘરમાં થઈ ગયું હતું. કોણ ક્યાં છે, શું કરે છે, કોની સાથે છે એની કોઈને કાંઈ ખબર જ ન હોય અને એ પછી પણ કોઈને ચિંતા પણ ન હોય. કઝિન્સથી માંડીને મામા, માસી, ફુવા, કાકા, દાદા-દાદી બધાં અને તેમનું ફૅમિલી. એ ચાર દિવસમાં અમે માંડ ૧૦-૧૨ કલાક બધા સૂતા હોઈશું. આખેઆખી રાત જાગીએ. ફટાકડા ફોડીએ, પછી રંગોળી શરૂ થાય. એ ત્રણચાર વાગ્યા સુધી ચાલે અને એ પછી વાતો કરતાં બધાં એક રૂમમાં ભેગાં થાય અને પછી શરૂ થાય મસ્તીમજાક. મને લાગે છે કે આપણા તહેવારો આ જ કારણે હોતા હશે. તહેવારોને લીધે રિલેટિવ્ઝની વૅલ્યુ સમજાતી હશે અને આ બધાં સગાવહાલાં કેવી રીતે બને એની પણ સમજણ આવતી હશે. હવે દિવાળી આવે છે, પણ હવેની દિવાળીમાં એ મજા નથી રહી. પ્રાઇવસી એક સેકન્ડની નહોતી મળતી, છતાં એવું લાગે છે કે એ જરૂરી હતું. એ દિવાળીને કારણે મને બધાની વૅલ્યુ પણ સમજાઈ. એ દિવાળી પછી જ હું મારા આ બધા રિલેટિવ્ઝની નજીક આવી. હવે દિવાળી તો આવે છે, ફટાકડા પણ એના એ જ છે અને મીઠાઈઓ પણ એવી જ હોય છે, પણ આઇ ઍમ મિસિંગ ધૅટ લાફિંગ, ધૅટ ફન ઍન્ડ ધૅટ વાૅર્મ્ય.

આ જ છે સાચી દિવાળી... : સંજય ગોરડિયા (ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર)

દિવાળી એટલે ખુશીઓનો તહેવાર, સુખનો નહીં, કારણ કે સુખ સાપેક્ષ છે, પણ ખુશી સનાતન છે. ખુશી છે અને છે જ. એક સાપેક્ષ સત્ય, સનાતન સત્ય છે. મારા માટે આ વખતની દિવાળી સૌથી વધારે ખુશીઓવાળી દિવાળી છે. એનાં ઘણાંબધાં કારણો છે. પહેલું કારણ મારું પ્રોડ્યુસ અને ડિરેક્ટર કરેલું નાટક ‘બૈરાંઓનો બાહુબલી’ સુપરહિટ થયું છે. આ નાટકમાં મેં અલગ પ્રકારનો રોલ કર્યો છે. આ દિવાળી યાદગાર દિવાળી હોવાનું બીજું કારણ ૬ઠ્ઠી સપ્ટેમ્બરે મારી ફિલ્મ ‘છિછોરે’ રિલીઝ થઈ. યોગાનુયોગ એ કે ૬ઠ્ઠી સપ્ટેમ્બરે મારી પત્ની ચંદાનો જન્મદિવસ છે અને એ જ દિવસે રિલીઝ થયેલી ફિલ્મ સુપરહિટ થઈ. મોટા-મોટા કલાકારોએ, ફિલ્મમેકરોએ મને અભિનંદન આપ્યાં. બે દિવસ પહેલાં એટલે કે ૨પ ઑક્ટોબરે મારા દીકરા અમાત્યનો જન્મદિવસ હતો અને એ દિવસે મારી બીજી એક ફિલ્મ રિલીઝ થઈ, ‘મેડ ઇન ચાઇના’. એમાં પણ મારી ઍક્ટિંગનાં ખૂબ વખાણ થયાં. આ વર્ષે મારી ત્રણ ફિલ્મો આવી અને એ ત્રણેત્રણને સારો રિસ્પૉન્સ મળ્યો.

વર્ષો પછી અમિતાભ બચ્ચનના ઘરે દિવાળીની પાર્ટી છે. બચ્ચનસાહેબ તો દર વર્ષે દિવાળી ઊજવતા પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઈ ખરાબ ઘટના ઘટી હોય કે પછી નજીકમાં કોઈકનું મૃત્યુ થયું હોય કે એવા અપપ્રસંગને લીધે તેઓ પાર્ટી રાખતા નહોતા, પણ આ વર્ષે તેમણે પાર્ટી રાખી છે. અગાઉ પણ હું તેમની પાર્ટીમાં ગયો છું અને આ વર્ષે પણ ૨૭મીએ હું અને મારી વાઇફ તેમની પાર્ટીમાં જવાનાં છીએ. આ પણ યાદગાર પાર્ટીનો જ એક ભાગ છે. મારા નાનપણની અનેક દિવાળીઓ પણ મારી યાદગાર છે. એ દિવાળીના દિવસોમાં મારી બાનો એકેક દાગીનો વેચાતો હું જોતો એટલે એ દિવાળીઓ પણ મને ક્યારેય ભુલાવાની નથી, પણ આજના આ ખુશીમય માહોલ વચ્ચે મને એવી વાતો કરવી ન જોઈએ એવું માનું છું અને એટલે જ આગળ કહ્યું કે સુખ સાપેક્ષ છે, પણ ખુશી સનાતન છે.

મારી એ ઑસ્ટ્રેલિયાની દિવાળી... : ઉત્કર્ષ મજમુદાર (ઍક્ટર, નેરેટર)

ગયા વર્ષની દિવાળી મારી યાદગાર દિવાળી છે. એ દિવાળી હું મારી દીકરી સમોતીને મળવા ઑસ્ટ્રેલિયા ગયો હતો. સમોતી ઑસ્ટ્રેલિયા ભણે છે. અમે બાપ-દીકરી બન્ને સાથે રહ્યાં, એકબીજા સાથે પુષ્કળ સમય પસાર કર્યો. આ દિવાળી મારી સૌથી યાદગાર દિવાળી છે. ૧૭-૧૮ દિવસ અમે બન્ને સાથે રહ્યાં. બેમાંથી કોઈ પાસે કોઈ કામ નહીં એટલે બન્ને એકબીજામાં જ વ્યસ્ત હતાં. સંબંધોનું સાચું સુખ કોને કહેવાય એ જાણ્યું નહીં, પણ સાચા અર્થમાં માણ્યું. એક ફટાકડો નહીં, કોઈ જાતની રંગોળી નહીં, એક પણ જાતની મીઠાઈ નહીં અને એ પછી પણ અમારા બન્નેના મનમાં દિવાળીનો આનંદ ભરપૂર હતો.

અમે બન્ને ખૂબ ફર્યાં, ખૂબ વાતો કરી અને જીવ ભરાઈ જાય એટલું સાથે જીવ્યાં. મારી આજ સુધીની સૌથી સાદગીવાળી દિવાળી પણ એ જ હતી. સમોતીએ સ્પોર્ટ્સ મૅનેજમેન્ટનું ભણી લીધું છે અને હવે તે ક્યારે પાછી આવશે, પાછી આવવાની તેની ઇચ્છા છે કે પછી ત્યાં જ સેટલ થવાની ઇચ્છા છે એ બધા વિશે મેં ક્યારેય કોઈ વાત કરી નથી. મારે તેને અમારો કોઈ ભાર આપવો નથી અને એટલે જ હું ઇચ્છું કે એ પોતાની ઇચ્છા મુજબ રહે અને ઇચ્છા મુજબ કરે.

ગઈ દિવાળી પહેલાંની યાદગાર દિવાળી જો ગણાવવાની હોય તો બાળપણની દિવાળીઓ ગણાવી શકાય. નાનપણમાં આમ પણ દિવાળીનું બહુ મહત્વ હતું. દિવાળી કરતાં પણ દિવાળી વેકેશનનું બહુ મહત્વ હતું. મામાના ઘરે સિદ્ધપુર પાટણ જવાનું. મામા બહુ લાડ લડાવે. માસીના દીકરાઓ પણ આવ્યા હોય એટલે બધા ભેગા રમીએ. ઠંડીના દિવસો શરૂ થઈ ગયા હોય. નાતમાં કોઈનાં લગ્ન હોય તો એ નાત જમાડે ત્યારે જવાનું અને બે પેટ કરીને ખાવાનું. એ મજા જુદી હતી. એ મજા પછી ગયા વર્ષે સાવ જુદી દિવાળી જોઈ, માણી અને જીવનનો એક યાદગાર અનુભવ લીધો.

બગડેલો સ્વભાવ એ હોળી અને સુધરેલો સ્વભાવ એ દિવાળી : આચાર્યશ્રી વિજયરત્નસુંદર સૂરીશ્વરજી

જૈન દર્શનના મતે આસો વદ અમાસના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને એના પછીના દિવસે સવારે ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા. પ્રભુનો આ આપણને મેસેજ છે કે અમાસની અંધારી રાતે પણ અંતરમાં અજવાળું થઈ શકે. દુઃખનું અંધારું હોય કે દોષનું અંધારું હોય. સરસ મજાના પૉઝિટિવ એટિટ્યુડથી દુઃખને સુખમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને સરસ મજાના પુરુષાર્થથી દોષને ગુણમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. સામાન્ય સંજોગોમાં દિવાળીના દિવસોમાં લોકો બધું જ બદલવા તૈયાર થઈ જાય. કપડા બદલો, વાસણ બદલો, ઘર બદલો, ચંપલ બદલો-બધું જ. મૂળ વિધિ છે કે આ બધું જ બદલવા છતાં આપણી આજુબાજુના લોકોને ડિસ્ટર્બ કરે છે એ સ્વભાવ જો આપણે નથી બદલી શકતા તો બધું જ બદલવાનો કોઈ અર્થ નથી, પણ જો ખરેખર આપણા સ્વભાવને બદલી શક્યા તો કારતક સુદ અમાસને દિવસે જ નહીં, પણ આપણા માટે રોજ દિવાળી બની જશે. બગડેલો સ્વભાવ એ હોળી અને સુધરેલો સ્વભાવ એ દિવાળી. હોળીમાં આગ છે, દિવાળીમાં પણ આગ છે. જોકે એકમાં આગનો ભડકો છે અને બીજામાં આગનો પ્રકાશ છે. હોળીમાં ભડકાના દર્શન થાય છે એટલે આપણે હોળીથી દૂર રહીએ છીએ. દિવાળીમાં સામે ચાલીને આપણે પ્રકાશ કરીએ છીએ. સાચા અર્થમાં દિવાળી મનાવવી હોય તો સ્વભાવ બદલવાની દિશામાં આગળ વધીએ.

જો દિવાળીમાં ચાર બાબતોનું ઑબ્ઝર્વેશન થાય તો એ સ્વભાવ બદલવામાં મદદ કરશે.

૧) મારી પાસે લેટ ગોનું નેચર કેટલું છે?

૨) હું સમાધાન કેટલું કરી શકું?

૩)મારી પાસે થેંક્સ ગિવિંગ નેચર કેટલું છે?ઃ જે મને નથી મળ્યું એની મને ફરિયાદ નથી, પણ જે મળ્યું છે એના માટે ખૂબ ખૂબ પ્રભુનો આભાર છે અને જે મળ્યું છે એ મારી લાયકાત કરતાં ઘણું વધારે મળ્યું છે. અને મારા જીવનમાં જે નબળું આવ્યું છે કે ઘણું ઓછું આવ્યું. મેં એટલું બધું સારું નથી કર્યું કે મને બહુ સારું મળે. ખરાબ એટલું કર્યું છે એ પછીયે મારી પર કોઈ એવા દુઃખો, કષ્ટો, તકલીફો આવ્યાં નથી. અે બદલ પ્રભુને ધન્યવાદ આપવાનો રહે.

૪) બને એટલો જગતના જીવો પ્રત્યે પ્રેમ રાખો. ભગવાનને હેરાન કરવા જેટલા-જેટલા જીવો આવ્યા બધાને પ્રેમ આપીને હૃદયપરિવર્તન કર્યું આપણે જો આ અભિગમ પરમાત્માના કલ્યાણકના દિવસે અપનાવીએ તો સાચા અર્થમાં અંતરમાં દિવાળી પ્રગટે.

જેમ ગરીબ માણસ અમીર બને તો એની પહેલી નિશાની છે કે તેના ઘરની વસ્તુઓ બદલાતી જાય. એમ પાપી આત્મા ધર્મી બને એની પહેલી નિશાની છે કે તેનો સ્વભાવ બદલાતો જાય અને સ્વભાવ બદલવો બહુ ઇઝી છે. ચંડકૌષિક જેવો ભયંકર ક્રોધી નાગ જો પોતાનો સ્વભાવ બદલી શકતો હોય તો આપણે કેમ નહીં. આપણે કંઈ એટલા બધા ખરાબ નથી. આ તો શું છે કે પોતાની સડી ગયેલી પ્રકૃતિના બચાવ માટે ઊભું કરેલું સૂત્ર છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. જો પ્રકૃતિ ન બદલાવાની હોય તો ધર્મ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. થોડો પ્રયાસ, પુરુષાર્થ કરીએ તો પ્રકૃત્તિ બદલાવી શકાય છે. વી કેન ચૅન્જ. આપણા હાથની વાત છે. આપણી પ્રવૃત્તિ બદલાય કે ન બદલાય, પણ આપણી પ્રકૃતિ બદલાવી જોઈએ. સારી પ્રવૃત્તિ ધારો કે ન કરી શકો કોઈ કારણસર તો એ કદાચ માફ છે, પણ મારી પ્રકૃતિને સારી ન કરું તો હું પોતે દુઃખી થાઉં છું અને મારી ખરાબ પ્રકૃતિને કારણે મારી આજુબાજુના લોકો પણ દુઃખી થાય છે. દિવાળીનો સાચો સંદેશ એટલો જ છે કે પ્રવૃત્તિનું પરિમાર્જન કરી શકીએ તો સારું છે પરંતુ કદાચ એમાં એટલા સફળ ન બનીએ, પણ પ્રકૃતિનું પરિમાર્જન તો કરીને જ રહીએ. પાણીને તમે કોઈ પણ વાસણમાં નાખો તો એ એડજસ્ટ થઈ જાય. પથરો એડજસ્ટ નથી થતો. અમારા મુનિજીવનમાં રોજેરોજ અનિશ્ચિતતાઓ છે. સ્થાનની અનિશ્ચિતતા, ભોજનની અનિશ્ચિતતા, રસ્તાની અનિશ્ચિતતા... પણ એક મિનિટ માટે અમારા મનમાં ઉદ્વેગ નથી થતો, કારણ કે અમે અમારા મનને પાણી જેવું બનાવી દીધું છે. જ્યાં અન્ડરસ્ટેન્ડિંગ છે ત્યાં સ્વભાવ બદલવો સરળ છે. પત્ની સાથે ગાળાગાળી કરનારો માણસ ઘરાક સાથે શું કામ સારી રીતે વાત કરે છે? માણસ એ જ છે અને સ્વભાવ પણ એ જ છે. સ્વભાવ પણ સમજી વિચારીને બહાર આવે છે એટલે જ તેને બદલવો સરળ છે.

સ્વયંમાં રહેલા પ્રકાશને ઓળખવાનો પ્રયાસ દરેક જણ કરે તો દિવાળી સફળ થશે : ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

દિવાળી અંધકાર સામે પ્રકાશના વિજયનું પર્વ છે. હકીકતમાં અંધારું એ સમસ્યા નથી, પરંતુ અંધારાને દૂર કરવા માટે કોઈ પ્રયાસ જ ન થાય એ પ્રૉબ્લેમ છે. જો દરેક વ્યક્તિ દીવો બનવાનો નિર્ધાર કરે, પોતાના આંતરવિશ્વમાં અજવાળું પાથરે તો બાહ્ય જગતમાં પણ ઊજાશ પથરાઈ જશે. જો એવું થાય તો આવા સ્વયંપ્રકાશિત માનવોની હારમાળા સર્જાશે અને જો એવું વધુ ને વધુ થયું તો પછી ભલેને વિશ્વમાં ગમે એવો અંધારપટ પથરાયેલો હોય, અજવાળાને આવતાં કોઈ રોકી નહીં શકે. ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પાછા ફરેલા રામના સ્વાગતમાં અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવ્યા હતા. આ દિવસે નવા પાકનો પ્રસાદ ઈશ્વરને ધરાય અને વહેંચણી કરાય. આ એ પણ સૂચવે છે કે આપણી મહેનતથી આપણે જે પામ્યું છે એ પ્રસાદ છે અને એની વહેંચણી કરવાનો માઇન્ડસેટ રાખવો જોઈએ. દિવાળીમાં લોકો કપડાં, ફટાકડા, મીઠાઈ વગેરે લેવાનું લાંબું લિસ્ટ બનાવતા હોય છે. જોકે માત્ર એટલુ પૂરતું છે? નહીં, હકીકતમાં દિવાળી એ આનંદનો ઉત્સવ છે. રામ એટલે પરમઆનંદ, પરમશાંતિ અને આંતરિક ખુશીઓનો સમૂહ. જે આપણો મૂળ સ્વભાવ છે એમાંથી ચિંતા અને દુઃખને કારણે આપણે વિમુખ થઈ જઈએ છીએ. દીપોત્સવી ફરી એ આનંદમય સ્વભાવ સાથે રિકનેક્ટ થવાનો અવસર છે. તમામ દુન્યવી વસ્તુઓ વચ્ચે એ આનંદ, એ હકારાત્મકતાને સદૈવ સાથે રાખવાનો નિર્ણય દિવાળીમાં લેવાવો જોઈએ. ક્યાંથી આવે આનંદ? ક્યાંથી આવે હકારાત્મકતા? જવાબ છે સત્સંગ. સત્સંગ એટલે કોઈ કથા સાંભળો એવું નહીં. સારાં પુસ્તકોનું વાંચન, હકારાત્મક વ્યક્તિનો સંગ, જે તમારામાં રહેલા અજવાળા પરથી પડદો હટાવે એવી વાણીનો સંગ એ બધું જ સત્સંગ છે.

diwali columnists Rashmin Shah