પર્યુષણ પર્વમાં પરસ્પર ક્ષમાપના અને ચૈત્ય પરિપાટીનો શો મહિમા છે?

01 September, 2019 03:50 PM IST  |  મુંબઈ | જૈન દર્શન - ચીમનલાલ કલાધાર

પર્યુષણ પર્વમાં પરસ્પર ક્ષમાપના અને ચૈત્ય પરિપાટીનો શો મહિમા છે?

જૈન

ગતાંકમાં પર્યુષણ પર્વનાં પાંચ કર્તવ્યમાંથી અમારિ પ્રવર્તન, સાધર્મિક વાત્સલ્ય અને અઠ્ઠમ તપ વિશે વાત કરી છે. આજે હવે અહીં બાકીનાં બે કર્તવ્યો પરસ્પર ક્ષમાપના અને ચૈત્ય પરિપાટી વિશે આપણે વિસ્તૃત જાણકારી મેળવીએ.

(૪) પરસ્પર ક્ષમાપના : પર્યુષણ પર્વનું હાર્દ છે ક્ષમાપના. પરસ્પર ક્ષમાપના કરવી એટલે એકબીજાની ભૂલોને માફ કરી દેવી અને તે ભૂલોનું શલ્ય હૃદયમાંથી કાઢીને ફેંકી દેવું તેવો અર્થ થાય છે. જો પર્યુષણ પર્વના દિવસોમાં પરસ્પર ક્ષમાપના ન કરી શકાય તો તે અનંતાનુબંધી કષાયોની કોટિમાં પરિણમે છે. જે સમ્યકત્વના ગુણનો મૂળમાંથી નાશ કરનારો છે. જે વ્યક્તિ સાથે કષાયનો પ્રસંગ બન્યો હોય તેને ત્યાં મોટો હોય કે નાનો, પોતે જ સામે ચાલીને જવાનું છે. એ ક્ષમા કરે કે ન કરે, બોલાવે કે ન બોલાવે સ્વયં પોતાને જ તેની સાથે ક્ષમાપના કરી લેવાની છે. સાધુ કે શ્રાવકના કષાયો અત્યંત ગાઢ બની જાય તેને આપણા ધર્મ ગ્રંથોમાં ‘અનંતાનુબંધી કર્મ’ શબ્દથી પ્રયોજ્યા છે. પોતાની ભૂલનો એકરાર કરી ક્ષમા માગવી અને પોતાના પ્રત્યે બીજાએ ભૂલ કરી હોય તો તે માટે તેને ઉદારદિલે ક્ષમા આપવી એ સર્વ  જૈનોનું પરમ કર્તવ્ય છે.

ભૂલ તો બધાની થાય, પણ બધા ક્ષમા માગતા નથી, પરંતુ જે ક્ષમા માગે છે અથવા બીજાને ક્ષમા આપે છે તે જીવ ભવાંતરની રખડપટ્ટી અટકાવી શકે છે. ક્ષમા માગવી અને આપવી એ અપ્રમત ચિત્તની નિશાની છે. ક્ષમા સાથે જો પશ્ચાતાપ, હૃદયપરિવર્તન, ફરી એવી ભૂલ ન થાય તે માટેનો સંકલ્પ ઇત્યાદિ સંકળાયેલા હોય તો તે ક્ષમા જીવને તારનારી બને છે. ક્ષમા એ કરુણા અને અહિંસાની દીકરી છે. ક્ષમા ધારણ કરવામાં મોટી નૈતિક શક્તિની આવશ્યકતા રહે છે. એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. ક્ષમાપના વિના કોઈ ધાર્મિક આરાધના થઈ શકે નહીં. જેમણે આરાધનાની ઇમારત નિર્માણ કરવાની છે તેમણે સર્વ પ્રથમ ક્ષમાનો પાયો નાખવો જ પડશે. ક્ષમા માગીને તથા ક્ષમા આપીને જે ઉપશાંત થતો નથી તે સાચો આરાધક બની શકતો નથી. આ મહાપર્વને અનુલક્ષીને આપણે આપણા સ્વજનો, મિત્રો વગેરેને અવશ્ય ખમાવીએ અને જેના પ્રત્યે કોઈ અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય તેને ન ખમાવીએ તો એ ક્ષમા અધૂરી ગણાય, અને આપણે પર્યુષણ પર્વના કર્તવ્યથી ભ્રષ્ટ થયા ગણાઈએ. એટલે અપરાધીને તો પ્રથમ જ ખમાવવો જોઈએ.

જૈનોનું પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનું મહાન પર્વ છે. પર્વ નિમિત્તે જે પરસ્પર ક્ષમાપના કરાય છે તેમાં ઔપચારિકતા ઘણી હશે, પરંતુ જીવનને સુસંવાદી બનાવવામાં આ મહાપર્વનું યોગદાન જરા પણ ઓછું આંકી ન શકાય. વિશ્વશાંતિની દિશામાં આ એક મોટું પગલું ગણી શકાય. વિશ્વના કોઈ ધર્મમાં ક્ષમાપનાનું અલગ, વિશિષ્ટ અને મહાન પર્વ ફરમાવ્યું હોય તો તે માત્રને માત્ર જૈન ધર્મમાં જ છે, એથી જ ક્ષમા વિશ્વશાંતિ માટે, સમસ્ત માનવજાત માટે મોટામાં મોટું વરદાન છે.

(૫) ચૈત્ય પરિપાટી : ચૈત્યનો અર્થ છે જિનમંદિર અને જિન પ્રતિમા. પર્યુષણ પર્વમાં આપણે જે ગામમાં રહેતા હોઈએ તે ગામના સર્વ જિનમંદિરોનાં દર્શન કરવા. આપણે ત્યાં ચાતુર્માસાર્થે બિરાજમાન ગુરુ ભગવંતની નિશ્રામાં ઠાઠમાઠથી, બૅન્ડવાજા સાથે સંઘ સમૂહમાં જવું. ચૈત્ય પરિપાટી માટે આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે ‘મન કહે દેહરે જાવ, ચઉત્થતણું ફળ હોય’ અર્થાત્ જિનમંદિર જવા ઉઠયા એટલે છઠ્ઠનું, જવા માટે પગલું ઉપાડ્યું એટલે અઠ્ઠમનું, જિનમંદિર પાસે પહોંચીને પરમાત્માના મુખનું દર્શન કર્યું એટલે માસક્ષમણનું ફળ મ‍ળે છે. જિનમંદિરમાં પરમાત્માની વિધિપૂર્વક સ્તુતિ-સ્તવના કરી ત્રણ પ્રદક્ષિણા દઈને ચૈત્યવંદન કરીએ ત્યારે છ માસના ઉપવાસનું ફળ મળે છે. આ માત્ર એક જિનમંદિરની સ્પર્શનાનો લાભ છે, પરંતુ ગામમાં તમામ જિનમંદિરોનાં વિધિ સહિત દર્શન-ચૈત્યવંદન કરો તો તેનો કેટલો મોટા લાભ થાય તે બધાએ વિચારવું જોઈએ.

આ પણ વાંચો : મિચ્છા મિ દુક્કડં

પર્યુષણ મહાપર્વનાં ઉપરોક્ત પાંચ કર્તવ્યો ઉપરાંત બીજાં અગિયાર કર્તવ્યો પણ આપણા શાસ્ત્રકારોએ બતાવ્યાં છે, તે છે : (૧) શ્રી સંઘની પૂજા, (૨) સાધર્મિક ભક્તિ, (૩) યાત્રાતિક, (૪) સ્નાત્ર મહોત્સવ, (૫) દેવ દ્રવ્યની વૃદ્ધિ, (૬) મહાપૂજા, (૭) ધર્મ જાગરિકા, (૮) શ્રુત પૂજા, (૯) ઉદ્યાપન, (૧૦) તીર્થ પ્રભાવના અને (૧૧) આલોચના (આત્મશુદ્ધિ). આ કર્તવ્યો વારંવાર આચરવા જોઈએ. તેમ છતાં તે જો શક્ય ન બને તો ઓછામાં ઓછું ‍વર્ષમાં એક વાર તો આચરી જ લેવા જોઈએ. આ પાંચ અને અગિયાર કર્તવ્યોની આરાધના આરાધકોને સાચા આરાધક બનાવે છે. પર્યુષણ પર્વ એ આઠ દિવસનું મહાપર્વ છે અને એથી જ શાસ્ત્રકારોએ બતાવેલ આ કર્તવ્યોને આરાધવા સૌએ યથાશક્ય પુરુષાર્થ કરવાનો છે. પર્યુષણ પર્વના આ બધાં જ કર્તવ્યો એ વાર્ષિક કર્તવ્યો છે. તે કરવા યોગ્ય છે. જઘન્યથી પ્રત્યેક કર્તવ્યો વર્ષમાં એક વાર તો કરવાની આવશ્યકતા છે. તેના પાલનનું એક વર્ષ થઈ ગયું એટલે બસ બધું પતી ગયું એમ માનવું નહીં, પરંતુ પોતાની આત્મશુદ્ધિ માટે, પોતાના આત્મકલ્યાણને માટે આ બધાં જ કર્તવ્યો પ્રતિવર્ષ કરવાના છે. પર્યુષણ પર્વનું આલંબન લઈ ઉપરોક્ત કલ્યાણકારી કર્તવ્યોની ભાવપૂર્વક આરાધના કરી પુણ્યાત્માઓ પોતાનું શ્રેય સાધે એ જ શુભ ભાવના.

weekend guide columnists