રેત બંધ મુઠ્ઠીમાં

01 October, 2023 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારે ૬ વાગ્યે અલાર્મ વાગ્યું. પૂર્વાએ પલંગની બાજુમાં આવેલા નાના સાઇડ ટેબલ પર અધખૂલી આંખે ફંફોસીને એને બંધ કર્યું. 

પ્રતીકાત્મક તસવીર

સવારે ૬ વાગ્યે અલાર્મ વાગ્યું. પૂર્વાએ પલંગની બાજુમાં આવેલા નાના સાઇડ ટેબલ પર અધખૂલી આંખે ફંફોસીને એને બંધ કર્યું. 
બે મિનિટ પછી તે બેઠી થઈ. ‘કરાગ્રે વસતે લક્ષ્મી’નો શ્લોક બોલીને આંખો ખોલી.
એક નવો દિવસ. નવો ઉમંગ ને નવી ચૅલેન્જ. આજે સાંજે ઑફિસમાં મિસ્ટર કોઠારીની રિટાયરમેન્ટ પાર્ટી છે. શરૂઆતમાં બૉસ કેટલા અકડુ હતા, પછી ધીરે-ધીરે મારા કામની પ્રશંસા કરવા લાગ્યા. ખરેખર ઉમદા વ્યક્તિત્વ અને નિષ્ઠાવાન માણસ. થોડી ખોટ સાલશે તેમની. પૂર્વા વિચારી રહી.
એક ઊંડો શ્વાસ ભરી પૂર્વાએ પોતાના લાંબા સુંવાળા વાળને ઊંચા અંબોડામાં બાંધી દીધા અને બાજુમાં નજર કરી.
વિશ્વાસ સૂતો હતો. તે ઘડીભર પતિને જોઈ રહી. વિશ્વાસને હંમેશાં સીધો સૂવાની ટેવ. સરસ પ્રમાણસર સુડોળ શરીર સૌષ્ઠવ ધરાવતો વિશ્વાસ ઊંઘતો હતો, પણ આકર્ષક લાગી રહ્યો હતો. બન્ને હાથની આંગળીઓ એકબીજામાં પરોવી છાતી પર રાખીને સૂતો હતો. એવું લાગે કે સૂવામાં પણ શિસ્ત જળવાય છે. શરીર કઢંગું ન લાગવું જોઈએ. બધું વ્યવસ્થિત, નિયમબદ્ધ અને કન્ટ્રોલમાં.
પૂર્વા વિશ્વાસને નિહાળતી રહી.
‘માણસ સૂતી વખતે તો રિલૅક્સ થાયને. શું મુક્ત રીતે સૂવામાં કોઈ વાંધો હોવો જોઈએ?’ 
પૂર્વાને પતિ પર એકદમ વહાલ ઊભરાઈ આવ્યું. તેને થયું કે તે જોરથી વિશ્વાસને વળગી પડે અને અમસ્તો ઝંઝોડી દે... તેને ભીંસીને ગૂંગળાવી નાખે. તેના કાનમાં મોટેથી ‘ગુડ મૉર્નિંગ’ કહી દે... ઓહ
‘ના ના, આવા ઉમળકા વિશ્વાસ સાથે થાય?’
‘શક્ય જ નથી. તેને નહીં જ ગમે. કહેશે કે પૂર્વા, આ શું કરે છે? કેટલું બાલિશ વર્તે છે. ગાંડી થઈ છે?’
‘વિશ્વાસના મત મુજબ બધી ક્ષણોમાં સંયત રહેવાનું, પ્રેમનો દેખાડો કે વેવલાવેડા તો હરગિજ નહીં કરવાના.’
‘તેનું ચાલે તો ‘I LOVE YOU’ને કાતરથી ટ્રીમ કરી એક સરસ બૉક્સમાં પૅક કરી રિબનથી શણગારી ભેટ આપે.’
પૂર્વાને મન પ્રેમ એટલે ખળખળ વહેતું ઝરણું. જ્યારે મન થાય ત્યારે ખોબો ભરીને છોળ ઉડાડી દેવાની અને ભીંજાઈ જવાનું. એમાં વળી દિવસ, સ્થળ કે સમયની પાબંદી શા માટે હોવી જોઈએ? 
‘પ્રેમ કંઈ નદી પર બાંધેલો બંધ છે કે સમયાનુસાર એમાંથી માપેલું જળ એક નાની નહેર વાટે વહેતું રાખવાનું! એ બંધ નદીમાં પૂર આવવાની તો શક્યતા જ ન રહે.’
બળવો પોકારતા મનને શાંત કરવા તે વિશ્વાસની નજીક સરી ગઈ અને એના ઘટ્ટ ભરાવદાર વાળને સહેલાવવા હાથ લાંબો કર્યો, પણ વિશ્વાસ એ જ સમયે પડખું ફરીને બીજી તરફ સૂઈ ગયો.
લંચ-ટાઇમમાં જિયાએ થોડી ઉદાસ પૂર્વાને પૂછ્યું, 
‘પૂર્વા, આટલી સરસ તૈયાર થઈને આવી છે, પણ ચહેરો ઊતરેલો કેમ છે? શું થયું વિશ્વાસ સાથે?’
પૂર્વા જિયા સાથે નિખાલસ થઈ શકતી,
‘ખાસ કાંઈ નહીં યાર, પણ...’ પૂર્વા બોલતાં અચકાઈ. 
‘તું જ કહે કે પ્રેમમાં રૅશનિંગ હોય? હજી તો લગ્નને વરસ પણ નથી થયું. વિશ્વાસ બધી રીતે સારો વર છે, પણ ક્યારેય મને ઉમંગથી ઊંચકી નથી લેતો. બાથરૂમમાં ટૉવેલ માગે ત્યારે મને અંદર ખેંચી નથી લેતો. હું આકંઠ રાહ જોતી બેસી રહું કે પ્રેમનો ધોધમાર વરસાદ ક્યારે પડશે? શું વાદળ સમય કે સ્થળ જોઈને વરસે છે? એને તો બસ વરસવા સાથે નિસબત હોવી જોઈએ.’ 
‘એક વાર તેને હું પાછળથી આવી અચાનક પીઠ પર ટિંગાઈ ગઈ તો જરા જોરથી કહે, ‘do not be silly.’ તેને મન બધું નિયમમાં અને પ્રમાણમાં જ હોવું જોઈએ.’ 
‘પૂર્વા, તું તેને પસંદ તો છેને?’ જિયાએ સાશંક થઈને પૂછ્યું હતું. 
પૂર્વા ઘરની બાલ્કનીમાંથી સામે આવેલા લીલાછમ ગાર્ડનને જોઈ રહી. સરસ ફ્લૅટ મળી ગયો હતો. બરાબર ગાર્ડનની સામે જ. તેણે ધ્યાનથી જોયું ત્યારે જૂહી ગાર્ડનમાં ચાલી રહી હતી. જૂહી પણ તેના જ બિલ્ડિંગમાં રહેતી હતી. ઍરહૉસ્ટેસ જૂહી નખશિખ સુંદર અને ફિટ હતી. કોઈ હિરોઇન જેવી.
પૂર્વાને સહજ ઈર્ષા થઈ આવી, ‘ભગવાન પણ ઘણી વાર પક્ષપાત કરી લે છે.’
જોકે પૂર્વા પોતે પણ નમણી હતી, ભલે થોડો શ્યામલ પણ તેની ચમકદાર ત્વચાનો નિખાર કંઈ કમ નહોતો. ‘હિરોઇન નહીં ને હિરોઇનની સખી...’ તે મલકાઈ ઉઠી.
બીજા દિવસે પૂર્વાને હાફ ડે હતો એટલે તેણે જૂહીને સાંજે ઘરે કૉફી પીવાનું આમંત્રણ આપ્યું.
જૂહી સાંજે સાડાછ વાગ્યે આવી. કૉફી અને નાસ્તો કરતાં હતાં એટલામાં વિશ્વાસ પણ આવી ગયો. જૂહીને જોઈને અચંબિત થયો, થોડો અચકાયો, પણ પછી જૂહી સાથે હાથ મિલાવ્યા.
પૂર્વા બરાબર નિરીક્ષણ કરતી રહી. થોડી વાર પછી બન્નેને એકલાં મૂકીને કંઈક લેવાના બહાને અંદર કિચનમાં જઈ ધારીને વિશ્વાસના હાવભાવ જોવા લાગી. આ બધું તેને કરવાનું અજુગતું લાગી રહ્યું હતું, પણ તેને થોડી ખાતરી તો કરવી જ હતી.
બહાર વિશ્વાસ અને જૂહી ખૂબ ઔપચારિક રીતે વાતો કરતાં હતાં. વિશ્વાસે જૂહીના સૌંદર્યની ખાસ નોંધ લીધી હોય એવું લાગ્યું નહીં. થોડી વાર પછી તે ઊભો થયો અને આઇપીએલની ક્રિકેટ મૅચ ચાલુ કરી જે જૂહી પણ ખાસ જોતી હતી.
બીજા દિવસે લંચ-ટાઇમમાં જિયાએ આખો કિસ્સો સાંભળ્યો. 
‘હં, ચાલ એક વાતની તો નિરાંત થઈ.’ 
‘અરે પૂર્વા, શનિવારે ધ ક્લબમાં ઑફિસ તરફથી ઍન્યુઅલ પાર્ટી છે, ડ્રેસકોડ વેસ્ટર્ન, મજા આવશે.’
‘એમ? જોજે, વિશ્વાસ ના જ પાડશે...’ પૂર્વાએ નિઃશ્વાસ નાખતાં કહ્યું. 
પૂર્વાના આશ્ચર્ય વચ્ચે વિશ્વાસે પાર્ટીમાં આવવાની તરત જ હા પાડી.
ધ ક્લબના પાર્ટી હૉલમાં એક નાના અવૉર્ડ સમારંભ પછી ડીજેએ સૌને ડાન્સ-ફ્લોર પર આવવા કહ્યું. 
બ્લૅક વેસ્ટર્ન ગાઉનમાં પૂર્વા ખૂબ સુંદર લાગતી હતી. તેણે વિશ્વાસને ડાન્સ કરવા માટે ખેંચી જવા માંડ્યો, પણ તે ના જ પાડતો રહ્યો. 
‘મને ડાન્સ નથી આવડતો. પ્લીઝ પૂર્વા, હું ખૂબ ઑકવર્ડ લાગું છું. 
પૂર્વાને રોષ ચડી આવ્યો, 
‘અરે, આ કંઈ કૉમ્પિટિશન નથી. જેવું આવડે એવું કરવાનું.’
‘નો નો, લોકો મને ખરાબ ડાન્સર તરીકે યાદ રાખે છે. પ્લીઝ તું એન્જૉય કર.’
ગુસ્સે ભરાયેલી પૂર્વા ડાન્સ-ફ્લોર પર ગઈ અને બધા સાથે જોડાઈ ગઈ. હવે મ્યુઝિક બદલાયું અને કપલ-ડાન્સ ચાલુ થયા. બધા પોતપોતાના પાર્ટનર સાથે એન્જૉય કરતા હતા. 
‘પૂર્વા, વિલ યુ ડાન્સ વિથ મી?’ કહેતો ઑફિસનો એકમાત્ર કુંવારો મિસ્ટર સિન્હા હાથ લંબાવીને ઊભો રહ્યો.
પૂર્વાએ એક નજર પતિ તરફ ફેંકી અને સ્મિત કર્યું. બન્ને ડાન્સ કરવા લાગ્યાં. વચ્ચે-વચ્ચે તે વિશ્વાસના હાવભાવ ત્રાંસી આંખે તપાસી લેતી હતી.
પણ જે ઈર્ષાના ભાવ તે જોવા માગતી હતી એ તેને વિશ્વાસના ચહેરા પર દેખાયા નહીં. 
‘ખરો છે! હવે આ હિમાલયને પીગળાવવો કેમ? મારે તો ગંગાની જેમ સ્વર્ગ ફાડીને વરસવું છે, પણ આ મહાદેવ તો તૈયાર જ નથી. શું કરું?’
જિયા પાસે હજી એક કારણ તૈયાર હતું. 
‘પૂર્વા, લગ્ન પહેલાં કંઈ અફેર જેવું. તપાસ તો કર.’
‘વિશ્વાસ આ વખતે લૉન્ગ વીક-એન્ડ આવે છે. આપણે તારી કઝિન પ્રીતિબહેનના ઘરે પુણે જઈએ...’ પૂર્વાને ખબર હતી કે વિશ્વાસને પુણેનાં પ્રીતિબહેનના ઘરે જવાનું ખૂબ ગમતું. 
હવે વિશ્વાસના કુટુંબમાં જે ગણો તે, એક પ્રીતિબહેન જ હતાં. પ્રીતિબહેને જ બન્નેને મેળવ્યાં હતાં અને પરિચય લગ્નમાં પરિણમ્યો હતો.
‘પ્રીતિબહેન, તમે વિશ્વાસના સ્કૂલ કે કૉલેજના મિત્રોને ઓળખો છો?’ સાંજે ચા બનાવતાં પૂર્વાએ સાવ હળવાશથી પૂછ્યું. 
‘હં... વિશ્વાસ પહેલેથી જ થોડો શરમાળ હતો, પણ સ્કૂલનું મને ખાસ યાદ નથી. કૉલેજમાં બે મિત્રો હતા, એક રાજન જે ખૂબ ખાસ હતો. હવે અમેરિકામાં છે અને બીજો પ્રીતેશ, એ મુંબઈમાં જ ક્યાંક રહે છે.’
‘એક તેનો જિગરી દોસ્ત ગુજરી ગયેલો એની મને ખબર છે. બન્ને દરિયામાં નહાતા હતા ને તેનો મિત્ર તેની નજર સામે ડૂબી ગયો હતો.’
‘અમે ક્યારેય એ વાતને યાદ નથી કરતાં.’ 
‘કોઈ છોકરી સાથે?’ પૂર્વા અટકીને બોલી.
‘છોકરી અને વિશ્વાસ... સવાલ જ નથી. અરે, અમે તેને પાડોશની ફટાકડી રેખા સાથે ચીડવતાં ત્યારે ખૂબ ગુસ્સે થઈ જતો. પેલી સામેથી બોલવા આવે, પણ આ તો ક્યારેય તેની સામે જુએ પણ નહીં.’
એક બાજુથી પૂર્વા નચિંત થતી જતી હતી અને બીજી તરફ વિશ્વાસનું વર્તન સમજાતું નહોતું. 
પૂર્વા હવે થોડી કંટાળી હતી, ‘ લગ્નનું પહેલું વરસ. આવો સરસ વર. પોતે આટલી રોમૅન્ટિક, ડાન્સ, પિક્ચર, જલસા બધું જ છે, પણ આ રામ ઊછળતા જ નથી. આ તે કેવો દરિયો, જેમાં ભરતી આવતી જ નથી.’
થોડો ઉત્સાહ રાખે. હાથમાં હાથ પરોવી બહાર નીકળવું, થોડી મસ્તી-અડપલાં... ભલે તે શરૂઆત ન કરે, પણ પૂર્વા કરે તો પ્રેમભર્યો પડઘો તો પાડે.
હંમેશાં ‘પ્લીઝ’ કહીને ઠંડું પાણી રેડી દે.
એક દિવસ પ્રીતેશનો ફોન આવ્યો કે તે રવિવારે મળવા આવશે વાઇફ સાથે.
પૂર્વા ખુશ થઈ ગઈ. પ્રીતેશ અને કવિતા... સરસ કપલ હતું. કેટલી બધી વાતો થઈ. વિશ્વાસનું શરમાળપણું, તેની ભણવામાં મહેનત અને ઉમદા દોસ્ત તરીકેના કિસ્સા સાંભળીને પૂર્વા લાગણીશીલ બની ગઈ. ભલે થોડો અનરોમૅન્ટિક હશે, પણ સજ્જન તો છે.
‘હશે, કોઈનો સ્વભાવ કે પ્રકૃતિ જ એવી હોય.’
સ્વાદિષ્ટ ડિનર પછી બન્ને મિત્રો ગાર્ડન સામે ખૂલતી બાલ્કનીમાં બેઠા અને વાતો કરવા લાગ્યા. પૂર્વા ડિઝર્ટ લેવા કિચનમાં ગઈ. કવિતા ફ્રેશ થવા વૉશરૂમમાં ગઈ.
પૂર્વા ડિઝર્ટ લઈને આવી ત્યારે તે અજાણતાં જ બન્નેની વાત સાંભળીને રોકાઈ ગઈ. 
‘યાર વિશ્વાસ, તને ખાસ એક ખબર આપવા આવ્યો છું. તું મને પ્રૉમિસ કર કે તું ડિસ્ટર્બ નહીં થાય. તારા અત્યંત લાગણીશીલ સ્વભાવથી અમે પરિચિત છીએ એટલે.’
‘હા, કહેને...’ વિશ્વાસે સહજતાપૂર્વક કહ્યું. 
‘આપણો ફ્રેન્ડ રાજન...
‘શું થયું રાજનને?’
‘યાર, તેને સ્ટેજ-ફોર પૅન્ક્રિયાસ કૅન્સર ડિટેક્ટ થયું છે. તારું તેની સાથે જે રીતનું અટેચમેન્ટ છે એ જાણતાં તેણે મને પહેલાં ના જ પાડી હતી, પણ પછી માની ગયો. પ્લીઝ, તારી જાતને સંભાળજે વિશ્વાસ અને તેને ફોન કરજે.’ 
‘વૉટ? રાજનને કૅન્સર? આવો અન્યાય? એ બિચારાને તો એક પણ વ્યસન નહોતું કે ન તો ખાસ ખાવાનો શોખ. હેલ્ધી રૂટીન હતું તો પણ?’
વિશ્વાસ એકદમ બેબાકળો બનીને બે હાથમાં માથું પકડીને ગળગળો થઈ ગયો. આંસુ તેના ગાલ પરથી વહેવા લાગ્યાં. 
‘પ્રીતેશ, મારી સાથે જ આવું થતું આવ્યું છે. જેને ચાહું છું, પ્રેમ કરું છું એ સૌ મને છોડીને ચાલ્યા જાય છે. પહેલાં પપ્પા, પછી મારો સ્કૂલનો જિગરી દોસ્ત પ્રણવ... મારી આંખ સામે ડૂબી ગયો. પછી મમ્મી, સ્પીડમાં આવતી કારે અડફેટમાં લઈ લીધી... અને હવે રાજન...’
‘હું કમનસીબ જ છું. કોઈને પ્રેમ કરવાને લાયક નથી. મારો ઓછાયો ઝેરી છે.’
અનહદ પ્રેમ હોવા છતાં એ જ દહેશતથી પૂર્વાને પણ ચાહી અને દર્શાવી નથી શકતો. કદાચ તેને કંઈ થઈ જાય તો... હું એ જીરવી નહીં શકું. આઇ લવ હર સો મચ...’
‘તું પણ ચાલ્યો જા પ્રીતેશ. તારી દોસ્તીને હું ખોવા નથી માગતો, પ્લીઝ...’
પૂર્વા અવાક્ થઈને સાંભળી રહી.

(સ્ટોરીઃ માના વ્યાસ)

columnists gujarati mid-day sunday mid-day