શિષ્યોની પ્રવેશ પરીક્ષા (લાઇફ કા ફન્ડા)

15 January, 2021 06:51 PM IST  |  Mumbai | Heta Bhushan

શિષ્યોની પ્રવેશ પરીક્ષા (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય જાગરણ)

પરમહંસ યોગાનંદ પાસે કોઈ પણ શિષ્ય નવો આવે ત્યરે યોગાનંદજી દરેક શિષ્યની કસોટી કરવા માત્ર એક જ પ્રશ્ન પૂછતા અને શિષ્ય જે જવાબ આપે એના આધાર પર તેઓ નિર્ણય આપતા. યોગાનંદજીની આ પ્રવેશ કસોટી બધાને વિચિત્ર લાગતી, કારણ કે તેઓ મોટે ભાગે હોશિયાર અને જ્ઞાની જણાતી વ્યક્તિઓને શિષ્ય તરીકે સ્વીકારતા જ નહીં.
યોગાનંદજીના એક મિત્ર પોતાના સંતાનને લઈને તેમની પાસે આવ્યા અને કહ્યું, ‘મારા પુત્રનો શિષ્ય તરીકે સ્વીકાર કરો.’
યોગાનંદજીએ કહ્યું, ‘મારી સ્વીકાર કરવાની રીત તને ખબર જ છે. મારા એક પ્રશ્નનો જવાબ આપવો પડશે.’
મિત્રએ કહ્યું, ‘મારો પુત્ર છે એટલે તમે કસોટી વિના સ્વીકારી લો ને. તે હોશિયાર છે એની બાંયધરી હું લઉં છું.’
યોગાનંદજી બોલ્યા, ‘ના, મારે ત્યાં પ્રવેશ પ્રક્રિયાનો આ નિયમ છે એ નહીં બદલાય.’ યોગાનંદજીએ પૂછ્યું, ‘પુત્ર, તારામાં કેટલું જ્ઞાન છે અને કેટલું અજ્ઞાન.’
મિત્રના પુત્રએ જવાબ આપ્યો, ‘ગુરુજી, મને મારા પિતાએ ઘણું જ્ઞાન આપ્યું છે અને આગળ વધુ જ્ઞાન મેળવવા તમારી પાસે આવ્યો છું.’
યોગાનંદજીએ તરત મિત્રના પુત્રનો શિષ્ય તરીકે અસ્વીકાર કર્યો. ત્યાં જ થોડી વારમાં એક સજ્જન પોતાના પુત્રને લઈને આવ્યા અને શિષ્ય તરીકે સ્વીકાર કરવા કહ્યું. યોગાનંદજીએ તેને પણ પ્રશ્ન પૂછ્યું, ‘વત્સ, તારામાં કેટલું જ્ઞાન છે અને કેટલું અજ્ઞાન?
યુવાને જવાબ આપ્યો, ‘ગુરુજી, બહુ ઓછું જ્ઞાન છે અને વધુ મેળવવા અહીં આપ પાસે આવ્યો છું.’
યોગાનંદજીએ કહ્યું, ‘સારું, તારે એક વર્ષ હું કહું તેમ જે જાણે છે એ ભૂલવું પડશે, પછી હું તને શિષ્ય તરીકે સ્વીકારીશ.’
ત્યાં એક ગરીબ ખેડૂત પોતાના પુત્રને લઈને આવ્યો અને કહ્યું, ‘બાપજી, મારા દીકરાને તમારા શિષ્ય બનવું છે, શું તમે તેને તમારો શિષ્ય બનાવશો?’
યોગાનંદજીએ ખેડૂતના દીકરાને પણ એ જ સવાલ પૂછ્યો, ‘બોલ બેટા, તારામાં કેટલું જ્ઞાન છે અને કેટલું અજ્ઞાન?’
ખેડૂતના દીકરાએ કહ્યું, ‘બાપજી, જ્ઞાન અને અજ્ઞાન એટલે શું? મને કઈ જ ખબર નથી. આપ સમજાવો અને શીખવો એ શીખીશ.’
યોગાનંદજીએ ખેડૂતના દીકરાનો તરત શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. ખેડૂત રાજી થઈ ગયો અને વારંવાર પ્રણામ કરી ગયો.
યોગાનંદજીના મિત્રને માઠું લાગ્યું. તેમણે વ્યંગમાં કહ્યું, ‘આવા કેવા ગુરુ, હોશિયારનો અસ્વીકાર અને સાવ બુધ્ધુનો તરત સ્વીકાર.’
યોગાનંદજી બોલ્યા, ‘મિત્ર, જાણું છું તને માઠું લાગ્યું છે; પણ તને ખબર છે, હું માનવ સ્વભાવનો અભ્યાસી છું અને જાણું છું કે જે વ્યક્તિમાં પોતે જ્ઞાની છે, હોશિયાર છે, બધું જાણે છે એવી માન્યતા હોય તેનું અજ્ઞાન દૂર કરી શકાતું નથી. જ્યારે જે વ્યક્તિ પોતે કઈ જ જાણતો નથી એ વાત જાણે છે તેનામાં મજબૂત જ્ઞાનનો પાયો નાખી, સાચા જ્ઞાનનું મંદિર રચી શકાય છે એટલે હું જ્ઞાની અને હોશિયાર શિષ્યો નહીં, પરંતુ અજ્ઞાની શિષ્યો જ પસંદ કરું છું.’
- હેતા ભૂષણ

heta bhushan columnists