‘જયતુ જયતુ ભારતમ્...’

28 June, 2020 09:55 PM IST  |  Mumbai | Shailesh Nayak

‘જયતુ જયતુ ભારતમ્...’

જ્યારે દેશમાં જડબેસલાક લૉકડાઉન ચાલતું હતું ત્યારે ‘વન નેશન, વન વૉઇસ’ થીમ સાથે ભારતના ટોચના સંગીતકારો અને સિંગરોએ એક એવા ગીતનું સર્જન કર્યું જેણે ભારતીયોના મનોબળને મજબૂત કરવાનું કામ કર્યું. ટીમવર્કમાં ગીત લખવાથી લઈને કમ્પોઝ કરવાનું, ગાયકો સુધી ટ્રૅક પહોંચાડવાનો, ત્યાંથી શૂટ કરાવીને પાછો મેળવવાનો, એને એડિટ કરીને વિડિયો બનાવીને લૉન્ચ કરવા સુધીની કામગીરી કેવી રીતે થઈ એ પર જાણવા જેવું છે

 ‘સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે,

યાહોમ કરીને પડો, ફતેહ છે આગે...’                                                                    

વર્ષો પહેલાં ઊભી થયેલી પરિસ્થિતિમાં ગુજરાતના શિરમોર કવિ નર્મદે આ ગીત રચીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા અને આવી પડેલી સ્થિતિમાં કેવી રીતે આગળ વધવું એ માટે કાવ્ય લખ્યું હતું ત્યારે આજે જ્યારે દેશઆખો કોરોનાની માહામારીમાં સપડાયો છે ત્યારે ભારતીય નાગરિકોના હોંસલાને બુલંદ કરવા માટે, આપણે સૌ એક છીએ, સૌ સાથે છીએ તેની પ્રતીતિ કરાવવા માટે દેશના પાંચ–પચ્ચીસ કે પચાસ નહીં, ૨૧૧ સુપ્રસિદ્ધ ગાયકો, ગીતકાર, સંગીતકાર સહિતના કસબીઓ એક છત નીચે આવીને ભારતીય નાગરિકોના મનોબળને મજબૂત કરવા ‘જયતુ જયતુ ભારતમ્....’ ગીત રચીને–ગાઈને લૉકડાઉનમાં સહિયારું સૂરમય સર્જન કર્યું છે. આજકાલ આ ગીત ભારતવાસીઓમાં લોકપ્રિય બન્યું છે.

‘જયતુ જયતુ ભારતમ્, જયતુ જયતુ ભારતમ્

વિશ્વપ્રેમ કી  ઓઢ ચદરિયા, જાગા હુઆ ભારત હૈ યે...’

આપણે જાણીએ છીએ કે કોરોના વાઇરસથી નાગરિકોનાં સ્વાસ્થ્ય કથળવા લાગ્યાં, ધંધા- રોજગારને અસર પડી ત્યારે હવે શું થશે એવો એક ડરનો માહોલ ઊભો થયો. કોરોનાને પગલે લૉકડાઉનની સ્થિતિમાં દેશમાં જે માહોલ સર્જાયો છે એને કારણે કંઈકેટલાય નાગરિકો અસમંજસ અને અજંપાભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે. આવા વિષમ સંજોગો વચ્ચે દેશના ગાયકોએ દેશવાસીઓના અંતરઆત્માના અવાજને કળી જઈને દેશના નાગરિકોના જુસ્સાને પ્રોત્સાહિત કરવા, બુલંદ કરવા માટે આત્મનિર્ભર ભારતનાં દર્શન કરાવતું ગીત રચ્યું અને ગાયું...

આ ગીતમાં, જેમાં એકસાથે આશા ભોસલે, હરિહરન, અલકા યાજ્ઞિક, સોનુ નિગમ, શાન, ઉદિત નારાયણ, એસ. પી. બાલાસુબ્રમણ્મ, પંકજ ઉધાસ, કૈલાસ ખેર, ઉષા ઉથુપ સહિત ભારતનાં લોકપ્રિય ૨૧૧ ગાયકોએ એકબીજાના સૂરમાં સૂર મિલાવ્યો છે અને ઇન્ડિયન સિંગર્સ રાઇટ્સ અસોસિએશનના નેજા હેઠળ ‘વન નેશન, વન વૉઇસ’ સાથે ભારત અને ભારતીયોના સ્પિરિટને ઉજાગર કરતું ગીત રચાયું. એ પણ જસ્ટ દસ જ દિવસમાં.

જડબેસલાક લૉકડાઉન વચ્ચે આ ગીત બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને કઈ રીતે લોકોએ પોતપોતાના ઘરોમાંથી આ ગીત શૂટ કર્યું એ વિશે ગીતના વિડિયો-ડિરેક્ટર મનીષ બારડિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘એક દેશ, એક અવાજ’ના થીમ સાથે જ્યારે ગીત બનાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું હતું ત્યારે પહેલાં તો ૧૦૦ જેટલા ગાયકો સાથે આ ગીત બનાવવાનો પ્લાન હતો, પણ સારા કાર્યમાં સૌ આગળ આવે એમ આ ગીતમાં દેશના વિવિધ રાજ્યો અને ભાષાઓના કલાકારો સામેથી જોડાતા ગયા.  સોનુ નિગમ સાથે આ વાત થયા બાદ પ્લાનિંગ થયું જેમાં પહેલાં એવુ નક્કી થયું હતું કે ૧૦૦ સિંગરને લઈને આ ગીત બનાવીએ, પણ જેમ-જેમ ખબર પડતી ગઈ એમ સામેથી એક લાઇન કે એક વર્ડ અમે પણ ગાઈએ એવું કેટલાક કલાકારોએ કહ્યું હતું એટલે પછી ધીરે-ધીરે કરતાં આ ગીત ગાવામાં દેશના ૨૧૧ ગાયકો જોડાયા હતા. અમારે ૧૦ દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો એટલે સોનુ નિગમે પ્રસુન્ન જોશીને વાત કરી તો તેમણે ગીત લખી આપવા જણાવ્યું અને શંકર મહાદેવનને ગીત કમ્પોઝ કરવાની વાત કરી અને તેઓ પણ તૈયાર થઈ ગયા હતા. આ ગીતનો પ્લાન ઇસરા (ઇન્ડિયન સિંગર્સ રાઇટ્સ અસોસિએશન) સંસ્થા સાથે થયો હતો, જેના ચૅરપર્સન સંજય ટંડન છે, જ્યારે આશા ભોસલે, સોનુ નિગમ અને કૈલાસ ખેર એના બોર્ડ-મેમ્બર છે. આ ગીતના ઑડિયોનું કામ શંકર મહાદેવન અને શ્રીનિવાસન તેમ જ ઇસરા સંસ્થાએ કર્યું હતું. શ્રીનિવાસને બધા ગાયકોનો સંપર્ક કર્યો અને વિડિયો બનાવવાનું કામ મારા પર હતું.’

‘વન નેશન, વન વૉઇસ’ની થીમ સાથે આત્મનિર્ભર ભારત માટે રચાયેલા આ ગીતમાં ઇતિહાસમાં પહેલી વાર ૨૦૦થી વધુ અવાજ ભારતીય નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે એક થયા હતા અને જુદી-જુદી ૧૮ ભાષામાં આ ગીતને અવાજ પણ અપાયો એની દિલચસ્પ વાત કરતાં મનીષ બારડિયાએ કહે છે, ‘આ ગીત મૂળ હિન્દીમાં લખાયું અને પછી એને ગુજરાતી, બંગાળી, મરાઠી, મલયાલમ, કન્નડ, તામિલ, તેલુગુ, પંજાબી, ભોજપુરી સહિત દેશની વિવિધ ભાષાઓમાં એને કન્વર્ટ કર્યુ હતું. સિંગર અને કમ્પોઝર શ્રીનિવાસને આ બધી લૅન્ગ્વેજિસનું કો-ઑર્ડિનેશન કર્યું હતું અને બધા ગાયકોનો સંપર્ક કર્યો હતો.’

૬ મિનિટના ગીતમાં ૨૧૧ ગાયકો

જે ગીતમાં દેશના ખ્યાતનામ ૨૦૦થી વધુ ગાયકોએ અવાજ આપ્યો હોય તેમને વિડિયોમાં એક સૂરમાં લયબદ્ધ રીતે બતાવવાનું કામ બખૂબી નિભાવનાર મનીષ બારડિયાએ એની પાછળની રોચક ચૅલેન્જની વાત કરતાં કહ્યું કે ‘૬ મિનિટના આ ગીતમાં ૨૧૧ સેલિબ્રિટી ગાયકોને મારે સમાવવાના હતા એ અમારે માટે ચૅલેન્જ હતી. અમારે માટે બહુ મોટી ચૅલેન્જ હતી તેમને જસ્ટિસ આપવાની. આ ગીતના વિડિયો-ડિરેક્ટરનું કામ મારે કરવાનું હતું અને અમદાવાદની અમારી મૂવિંગ પિક્સેલ કંપનીએ આ વિડિયો પ્રોડ્યુસ કરવાનો હતો. લૉકડાઉન વચ્ચે પોતપોતાના ઘરેથી કેવી રીતે વિડિયો શૂટ કરાવવાનો હતો એ માટે હું બધાના ટચમાં હતો. બધાને મોબાઇલથી શૂટ કરવાનું હતું. આ બધા સેલિબ્રિટી આર્ટિસ્ટ હતા. તેમને સૂચના મોકલી આપી હતી કે ગીતની આટલી લાઇન તમારે ગાવાની છે, તમે જ્યારે ગાઓ ત્યારે તમારી પાછળનું બૅકગ્રાઉન્ડ આવું રહેશે, તમે બાલ્કનીમાં ઊભા રહેશો કે ઘરની અંદર હશો અને કયા ઍન્ગલથી વિડિયો શૂટ કરશો જેવી ઝીણી-ઝીણી વાતોનું પણ પ્લાનિંગ અને ડિસ્કશન થયું હતું અને એ પછી બધાને ટ્રૅક મોકલવામાં આવ્યો હતો. લૉકડાઉન વચ્ચે વિડિયો બનાવવાનું કામ કરાવવાનું હતું. વિડિયો આવ્યો કે નહીં, કેટલા લોકોએ વિડિયો બનાવીને મોકલ્યો, વિડિયો પ્રોપર બન્યો છે કે નહીં, ઑડિયો બરાબર આવ્યો છે કે નહીં એના સહિતના મુદ્દા પર સોનુ નિગમ, શંકર મહાદેવન અને હું રોજેરોજ પ્લાનિંગ મુજબ બધું થઈ રહ્યું છે કે નહીં એનું મૉનિટરિંગ કરતા રહેતા. બધાને ટ્રૅક મોકલાવ્યાના ૪૮ કલાકમાં ભાતભાતના વિડિયો આવવાના શરૂ થઈ ગયા હતા. ઘરેથી બધા ગાયકોએ તેમની વાઇફ કે સન કે ડૉટરની હેલ્પ લઈને કે કોઈએ જાતે જ વિડિયો શૂટ કરીને મોકલી આપ્યો હતો. બધાની ક્વૉલિટી જુદી-જુદી આવવી સ્વાભાવિક હતી. ઑડિયોમાં કોઈની હાઈ તો કોઈની લો ક્વૉલિટી હોય એટલે ઑડિયોને ક્લીનિંગ કરવા માટે લંડન મોકલ્યો હતો. ઓડિયોનુ ક્લીનિંગ ડિફરન્ટ હોય છે. અમારે સેમ ક્વૉલિટી બતાવવી હતી એટલે એને લંડન મોકલ્યો હતો.’

આ ગીતના ઑડિયોનું કામ શંકર મહાદેવન અને શ્રીનિવાસ તેમ જ ઇસરા સંસ્થાએ કર્યું હતું. મનીષભાઈ કહે છે, ‘ગીત લખવાથી માંડીને કમ્પોઝ કરવાનું, ગાયકો સુધી ટ્રૅક પહોંચાડવાનો, ત્યાંથી શૂટ કરાવીને પાછો મેળવવાનો, એને એડિટ કરીને વિડિયો બનાવીને લૉન્ચ કરવા સુધીની કામગીરી માત્ર ૧૦ દિવસમાં અમે બધાએ સાથે મળીને સફળ રીતે પૂરી કરી હતી. મારે આ ગીત માટેના વિડિયોમાં પેઇન્ટ અથવા તો કોલાઝ જેવી  ફીલ આવે એવું કરવાનો આઇડિયા હતો. જુદા-જુદા રંગ કૅન્વસમાં નીકળે એ રીતે આર્ટિસ્ટ આવે એવી ઇફેક્ટ મારે કરવી હતી. જાણે ઇન્ડિયા ઇઝ કૅન્વસ આ સૂરોના રંગ હતા. લતાજી એનાથી ખુશ થયાં અને ગીતને તેમણે બિરદાવ્યું હતું. એ જ મારા માટે સૌથી મોટો સરપાવ હતો.’

ઉષા ઉથુપે દોરીથી મોબાઇલ બાંધીને ગીત શૂટ કર્યું, તો ઉદિતજીએ કહી દીધું કે મને નહીં ફાવે

પોતાના ભરાવદાર અવાજ અને આગવી શૈલીથી ગીત ગાવા માટે દેશ અને દુનિયામાં જાણીતાં બનેલાં ગાયિકા ઉષા ઉથુપે ‘જયતુ જયતુ ભારતમ્...’ ગીતને શૂટ કરવા માટે પોતાનો મોબાઇલ દોરીથી બાંધ્યો હતો અને પછી ગીત શૂટ કર્યું હતું, તો બૉલીવુડના જાણીતા ગાયક ઉદિત નારાયણે તો એમ કહી દીધું હતું કે સેલ્ફીની જેમ મને ગીત શૂટ કરતાં નહીં ફાવે.

મોબાઇલથી ગીતના શૂટ માટે થયેલા અનુભવો વિશે વાત કરતાં મનીષભાઈ કહે છે ‘ઉષા ઉથુપે પોતાનો મોબાઇલ દોરીથી બાંધીને ટેબલ પર મોબાઇલ ટેકવીને ગીત શૂટ કર્યું હતું. જોકે ઉદિત નારાયણે કહ્યું કે સેલ્ફીની જેમ હું શૂટ ન કરી શકું, મને એ રીતે નહીં ફાવે એટલે પછી તેમનાં વાઇફે શૂટ કર્યું હતું તો સોનુ નિગમના દીકરાએ શૂટ કરી આપ્યું હતું.’

ગુજરાતી સહિત ખ્યાતનામ ગાયકો

‘જયતુ જયતુ ભારતમ્...’ ગીત માટે બૉલીવુડના સુપ્રસિદ્ધ ગાયિકા અલકા યાજ્ઞિક સહિત આસિત દેસાઈ, આલાપ દેસાઈ, નયન પંચોલી, પ્રહર વોરા સહિતના ગુજરાતી ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. આ ઉપરાંત આ ગીતમાં દેશનાં જાણીતાં ગાયકો આશા ભોસલે, હરિહરન, અનુપ જલોટા, પંકજ ઉધાસ, એસ. પી. બાલાસુબ્રમણ્યમ, અનુરાધા પૌડવાલ, અમિતકુમાર ગાંગુલી, ઉદિત નારાયણ, ઉષા ઉથુપ, નીતિન મુકેશ, અભિજિત ભટ્ટાચાર્ય, કવિતા ક્રિષ્નમૂર્તિ, કૈલાસ ખેર, કુમાર સાનુ, સોનુ નિગમ, શાન, સુદેશ ભોસલે, તલત અઝીઝ, કૃણાલ ગાંજાવાલા, માને ખાન, પેપોન સહિતના દેશનાં વિવિધ રાજ્યોના કુલ મળીને ૨૧૧ ખ્યાતનામ ગાયકોએ આ ગીતને અવાજ આપ્યો છે.

coronavirus covid19 lockdown columnists shailesh nayak