એક અઠવાડિયું કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વિના રહેવું

05 June, 2020 09:13 PM IST  |  Mumbai | Rashmin Shah

એક અઠવાડિયું કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વિના રહેવું

બિલ ગેટ્સ

થિન્ક વીક.
હા, વિચારોનું સપ્તાહ. એક અઠવાડિયું કશું કરવાનું નહીં. બસ, એકલા રહેવાનું, જાત સાથે રહેવાનું અને જાત સાથે રહીને એ ખૂણામાં
પ્રવાસ કરવાનો જે ખૂણાનું અસ્તિત્વ જ સાવ વીસરાઈ ગયું છે. થિન્ક વીકની ક્ષમતા કેવી છે જો એ જાણવું હોય તો એક વખત ‘ઇનસાઇડ બિલ્સ બ્રેઇન’ જોઈ લેજો. બિલ ગેટ્સની લાઇફ પર બનેલી આ ડૉક્યુમેન્ટ્રીમાં માઇક્રોસૉફ્ટના જનકનું ડીકોડિંગ કરવામાં આવ્યું છે.
ડીકોડિંગ શબ્દ આઇટી એક્સપર્ટ્સ માટે ઘરની જણસ છે પણ જેને આઇટી ફીલ્ડ સાથે
નિસબત નથી તેમણે આ શબ્દનો અર્થ સમજી લેવો જોઈએ. ભેદ ઉકેલવાની પ્રક્રિયાને ડીકોડિંગ કહેવામાં આવે છે. જેણે માઇક્રોસૉફ્ટ દ્વારા કમ્પ્યુટરને સરળ બનાવીને રોજબરોજની લાઇફમાં સેટ કરી દીધાં એ બિલ ગેટ્સ કેવી રીતે આ બધું વિચારી શક્યા એ બતાવવાનો પ્રયાસ આ ડૉક્યુમેન્ટ્રીમાં થયો છે. આ ડૉક્યુમેન્ટ્રીમાં બિલ ગેટ્સ આ થિન્ક વીકની વાત કહે છે. એક વીક જાત સાથે રહેવાનું. આ સમય દરમ્યાન ડિસ્ટર્બ કરે એવું કંઈ સાથે નહીં રાખવાનું. બસ, જાત સાથે, વિચારો સાથે રહેવાનું અને એ વિચારોનું ડીકોડિંગ કરવાનું.
વેકેશનની જ વાત છે એવું કહીએ તો ચાલે પણ આ વેકેશનમાં મજાના કેન્દ્રમાં વિચારો રહેવા જોઈએ. બિલ ગેટ્સ આજે પણ થિન્ક વીક લે છે અને વર્ષમાં એક વીક દુનિયાના કોઈ અજાણ્યા ખૂણે જતા રહે છે. જતી વખતે તેમની પાસે મોબાઇલ પણ નથી હોતો અને સ્વયંશિસ્તથી તે ઇન્ટરનેટનો પણ ઉપયોગ નથી કરતા. તેમની સાથે બીજા કોઈ ગૅજેટ્સ પણ તે રાખતા નથી. લૅપટૉપ, ટૅબ્લેટ કે આઇપૅડ જેવું કશું નહીં. પોતાની સાથે થોડી બુક્સ હોય, રાઇટિંગ પૅડ હોય અને ભાતભાતના કલરની પેન્સિલ હોય. બુક્સ પણ શું કામ એવું જો તમને મનમાં આવ્યું હોય તો એની સ્પષ્ટતા પણ કરી લઈએ. વાંચન એ વિચારોનો ખોરાક છે. જો વાંચશો તો વિચારોની ફસલ મજબૂત બનશે અને વિચારોના પાકમાં પરિપક્વતા આવશે. બસ, વાંચવાનું અને આરામ કરવાનો. મન થાય તો વૉક લેવા જવાનું પણ લોકોને મળીને તેમની સાથે ગપ્પાગોષ્ઠિ નહીં માંડવાની. રહેવાનું જાત સાથે.
થિન્ક વીક દરેકેદરેક વ્યક્તિએ શિસ્તબદ્ધ રીતે ફરજિયાત કરવું જોઈએ. જરૂરી નથી કે એના માટે તમારે દેશ છોડીને ક્યાંય જવું પડે. ના, જરાય જરૂરી નથી. થિન્ક વીક માટે એકલા રહેવું આવશ્યક છે અને એ આવશ્યકતાની સાથોસાથ તમારા વિચારોને ડિસ્ટર્બ કરે એવી તમામ ચીજવસ્તુઓને પણ દૂર કરી દેવાની છે. આ જ વાતની સાથોસાથ એ પણ સમજવાની જરૂર છે કે તમે થિન્ક વીક પર જઈ રહ્યા છો, વેકેશન પર નહીં. થિન્ક વીકની આવશ્યકતા એ છે કે તમે તમારી જ ક્ષમતા ઓળખી લો. તમારું જ વર્ગીકરણ તમે તમારી જાતે જ કરો અને તમે અત્યારે જે કરી રહ્યા છો એ કરવાની તમારી રીતમાં પણ જરૂરી હોય તો એની માટેના ઉત્તમ રસ્તાઓ પણ તમે જ શોધો. સ્વભાવમાં આવી ગયેલી કડવાશને દૂર કરવાની કડવાણી પણ તમે જ બનાવી લો. આ થિન્ક વીક તમને દર્શાવશે કે તમે સંબંધો પર બોજરૂપ બની રહ્યા છો કે નહીં? આ જ થિન્ક વીક તમારી વિચારવાની ખોટી પૅટર્નને પણ સ્પષ્ટ કરશે અને આ જ થિન્ક વીક તમારા વ્યવહારમાં આવી રહેલી કટુતાને પણ પારખવાનું કામ કરી આપશે. દૂર રહેશો તો સર્જનાત્મકતાનો પણ અહેસાસ થશે અને દૂર રહેશો તો કાયમ પાસે રહેનારાઓનો ખાલીપો પણ તમને એનું મહત્ત્વ દેખાડશે.
બિલ ગેટ્સ ‘ધી બિલ ગેટ્સ’ બન્યા એ પછી થિન્ક વીક લેવાનું શરૂ નહોતું કર્યું. પહેલેથી જ આ થિન્ક વીકની આદત રાખી હતી અને એને લીધે માઇક્રોસૉફ્ટનું સર્જન થયું હતું. આ જ થિન્ક વીકના કારણે તેમને વિચાર આવ્યો કે અઢળક કમાઈ લીધું, હવે દુનિયા માટે અને સમાજ માટે પણ આગળ આવવું જોઈએ. તમારી જાણ ખાતર, બિલ ગેટ્સ ૨૦૧૯માં પાંચ બિલ્યયન ડોલર સમાજસેવા માટે ખર્ચે છે. ખર્ચની આ જે કૅપેસિટી આવી એ થિન્ક વીકને કારણે. થિન્ક વીક તમારા હિતમાં રહેશે. થિન્ક વીકને બિલ ગેટ્સ મેડિટેશન વીક પણ કહે છે અને એમાં કશું ખોટું પણ નથી. સ્વના અભાવ વચ્ચે જ્યારે રહેવામાં આવે ત્યારે એ સમય મેડિટેશન સમાન બની જતો હોય છે. જ્યાં જવું હોય ત્યાં જાઓ. નેચરોપથી સેન્ટરમાં જવાની પણ છૂટ અને યોગના આશ્રમમાં જવાની પણ છૂટ. શરત એક જ યાદ રાખવાની છે કે તમારે ગૅજેટ્સ સાથે નથી રાખવાનાં અને મહત્તમપણે તમારી જાત સાથે રહેવાનું છે. એકલા જઈ શકો તો ઉત્તમ અને એકલા રહી શકો તો અતિ ઉત્તમ, પણ આ પ્રક્રિયા કરો. જેઠાણી દરેક વાતમાં ખોટી નથી હોતી એનું આત્મજ્ઞાન પણ થશે, નણંદની લાગણીઓ નિસ્વાર્થ હોય છે એની પ્રતીતિ પણ થશે, દરેક વાતમાં પતિદેવ પર શંકા કરવાની જરૂર નથી એનું આત્મજ્ઞાન પણ થશે અને બૉયફ્રેન્ડને પણ સમજાશે કે ગર્લફ્રેન્ડને પણ મોકળાશની આવશ્યકતા હોઈ શકે છે. થિન્ક વીક તમને મજબૂત બનાવશે તો સાથોસાથ થિન્ક વીક તમને સહૃદય પણ બનાવશે. થિન્ક વીક તમને સમૃદ્ધ કરશે અને થિન્ક વીક તમારામાં રહેલી સમૃદ્ધિને બહાર લાવવાનું કામ કરશે. થિન્ક વીક એક બહાનું છે, જરૂરિયાત જાત સાથે રહેવાની છે અને એ કરવા માટે માત્ર એક કામ કરવાનું છે. ગૅજેટ્સ અને ટીવીથી માંડીને ધ્યાન બીજી દિશામાં ખેંચી જાય એવું બધું છોડી વિચારોને વેલકમ કરો.

Rashmin Shah columnists