આ દાદીમાને ૧૦૦ થેપલાં શું કામ વણવાં છે?

01 March, 2023 02:11 PM IST  |  Mumbai | Varsha Chitaliya

કોરોનાકાળમાં પરિવારને આર્થિક ટેકો આપવા ટેમ્પરરી પિરિયડ માટે ગુજરાતી રસોઈનાં ટિફિન બનાવવાનું શરૂ કરનારાં કાંદિવલીનાં ૬૭ વર્ષનાં વીણા શાહ પરિસ્થિતિ થાળે પડ્યા પછી આરામ કરવાની જગ્યાએ બમણા જોશથી કામ કેમ કરે છે એનું રહસ્ય જાણવા જેવું છે

વીણા શાહ

આર્થિક કટોકટીમાંથી પરિવારને ઉગારી લેવાની જવાબદારી માત્ર પુરુષોની કે યુવાન મહિલાઓની નથી, આ કામ તમે કોઈ પણ ઉંમરે કરી શકો છો એવું માનનારાં કાંદિવલીનાં ૬૭ વર્ષનાં વીણા શાહે કોરોનાકાળમાં રસોઈ બનાવવાની પોતાની આવડતનો ઉપયોગ કરી કેટરિંગનો નાનોએવો બિઝનેસ શરૂ કર્યો હતો. પરિસ્થિતિ થાળે પડ્યા પછી આરામ કરવાની જગ્યાએ બિઝનેસને વધુ વિસ્તારવાનો નિર્ણય લઈ તેમણે સૌને ચોંકાવી દીધા. આ ઉંમરે બમણા જોશથી ઑર્ડર લેવાનું રહસ્ય ખોલતાં તેમણે શું કહ્યું જોઈ લો.

ફ્લૅશબૅક સ્ટોરી

કોવિડ દરમિયાન મધ્યમ વર્ગના પરિવારોએ સૌથી વધુ યાતના ભોગવી હતી. ઓછી બચતમાં લાંબા સમય સુધી ઘર ચલાવવું અઘરું હતું. અમારા પરિવારને પણ નાણાકીય તંગીનો સામનો કરવો પડ્યો. ત્રણ વર્ષ પહેલાંની વાત યાદ કરતાં વીણાબહેન કહે છે, ‘શરૂઆતમાં પગારકાપ આવ્યો અને પછી પતિ અને પુત્ર બન્નેની નોકરી જોખમમાં મુકાઈ ગઈ. બીજી બાજુ પુત્રવધૂને સારા દિવસો રહ્યા. આ સ્થિતિમાં મારા જેવી સામાન્ય ગૃહિણી શું કરી શકે? રસોઈ બનાવવામાં પહેલેથી માસ્ટરી. કુટુંબીજનો, મિત્રો, આડોશપાડોશમાં મારા હાથની અસ્સલ ગુજરાતી સ્વાદની રસોઈ વખણાય અને એ જ એકમાત્ર આવડત. આખી જિંદગી પુરુષો આપણા સુખ માટે દોડધામ કરે છે, આજે તેમને ટેકાની જરૂર છે ત્યારે ઉંમર ન જોવાય. મેં તેમને ધરપત આપી કે કંઈક થઈ જશે. પહેલાં તો ટિફિન સર્વિસ શરૂ કરી. લોકોનો પ્રતિસાદ મળતાં ધીમે-ધીમે ફરસી પૂરી, સક્કરપારા, ચકરી, ચેવડો, સેવ-ગાંઠિયા વગેરે જુદા-જુદા સૂકા નાસ્તા, સમોસાં, વડાં, સેવપૂરી, દહીંપૂરી, મીઠાઈ, વિવિધ પ્રકારનાં અથાણાંના ઑર્ડર લેવાનું પણ સ્ટાર્ટ કરી દીધું. પરિવારની ગાડી પાટે ચડી ગયા બાદ કામકાજ ઓછું કરવાની જગ્યાએ એને વિસ્તારવાનો નિર્ણય લીધો, કારણ કે ત્યાં સુધીમાં સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભરતાનો અર્થ સમજાઈ ગયો હતો. સ્વસ્થ જીવનની ચાવી જડી જતાં શરૂ થયું વીઆર’કિચન નામનું સ્ટાર્ટઅપ.’

જાત પર ઉપકાર કરો

પોતાની યોગ્યતાને યોગ્ય દિશામાં વાળવી એનું નામ સાચી નિવૃત્તિ. માત્ર પૈસા કમાવાની દૃષ્ટિએ નહીં પણ પોતાની જાત પર ઉપકાર કરવા પગભર રહેવું જોઈએ એમ જણાવતાં તેઓ કહે છે, ‘આખો દિવસ પલંગમાં પડ્યા રહેવું કે આંટાફેરા કરવા એ મારા જીવનનું ધ્યેય નથી. મનગમતી પ્રવૃત્તિની સાથે હું સ્વમાનભેર જીવવા માગું છું. એક સમયે ભાતભાતની વાનગીઓ બનાવવી આર્થિક જરૂરિયાત હતી, આજે શરીરને હરતુંફરતું રાખવા તેમ જ નવું-નવું શીખવા માટે કામ કરું છું. સો રોટલી કે થેપલાં વણવાં મારા માટે રમત વાત છે. પચાસ જણની પાર્ટીનો ઑર્ડર હસતાં-હસતાં લઈ લઉં. આટલો ઑર્ડર મળે તો શરીરની મસ્ત મજાની કસરત થઈ જાય છે. સીઝનમાં ૬૦ કિલો અથાણાં બનાવું છું. કાંદિવલી-બોરીવલી ઉપરાંત થાણે, કલ્યાણ, મુલુંડમાં રહેતી અનેક ફૅમિલીને મારું અથાણું જ જોઈએ. જોકે ડિલિવરી આપવા માટે નથી જતી. લોકો ઘરે આવીને લઈ જાય એવી સિસ્ટમ રાખી છે. આ બધાની સાથે ટિફિન સર્વિસ આજે પણ ચાલુ છે. મારી શારીરિક સ્ફૂર્તિ, ઊર્જા અને ચહેરાની રોનક જોઈને ઘણા લોકો કહે, ‘તમે ૬૭નાં નહીં, ૪૫નાં દેખાઓ છો.’ ખરેખર કોઈ પણ ઉંમરે આત્મનિર્ભરતા તમારામાં જોમ અને જોશ ભરી દે છે.’

પુત્રવધૂનો સપોર્ટ

ગુજરાતી રસોઈમાં માહેર છું પણ કેટરિંગના બિઝનેસને આગળ લઈ જવા નાના-મોટા હરકોઈને ભાવે એવી વિદેશી વાનગીઓ આવડવી જોઈએ. આખો દિવસ બાળકોમાં બિઝી રહેતી પુત્રવધૂ રીમાએ મારા સ્ટાર્ટઅપમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે એવું ગર્વભેર જણાવતાં વીણાબહેન કહે છે, ‘આજે આપણા સૌના ઘરમાં વિદેશી વાનગીઓએ પગપેસારો કરી દીધો છે. આવી ડિશ બનાવવાની જવાબદારી સામાન્ય રીતે પુત્રવધૂના માથે હોય અને તેમને જ વધારે ખબર પડે. અમારા ઘરમાં પણ આ સેક્શન રીમાનું છે. જોકે ત્રણ અને બે વર્ષની ઉંમરનાં બાળકોની સંભાળ રાખતી મમ્મીની ભાગદોડ કંઈ ઓછી હોય! વ્યસ્તતામાંથી સમય કાઢીને બધાને ખુશ રાખવાની સાથે એણે સિઝલર, બાર્બિક્યુ, પીત્ઝા જેવી કેટલીક વિદેશી વાનગીઓ બનાવતાં શીખવાડી. હવે તો દેશી વાનગીમાં ટ્વિસ્ટ ઍડ કરી ફ્યુઝન બનાવવામાં પણ એક્સપર્ટ થઈ ગઈ છું. સાસુ-વહુની ઇટાલિયન સેવપૂરી ખાસ્સી પૉપ્યુલર છે. હાલમાં ગોળધાણાના ઑર્ડરમાં ઇનોવેશન ઍડ કરવા સ્પેશ્યલ પાન મસાલો બનાવ્યો છે. ટૂથપિકમાં ભરાવેલા પાનમાં ગોળધાણાનો સ્વાદ લોકોને ઍટ્રૅક્ટ કરે છે.’ 

જીવનના એક તબક્કે દરેક વ્યક્તિ પોતાની હેલ્થ અને વેલ્થ મુજબ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરે છે, પરંતુ બહુ ઓછા એવા હોય છે જેઓ પોતાની આવડતને જ નિવૃત્તિની પ્રવૃત્તિ બનાવી આર્થિક રીતે સ્વતંત્ર રહેવાની હિંમત કરી શકે છે. વીણાબહેનની કહાણીની

ખાસિયત એ કે તેમણે જીવનના સાઠ દાયકા પાર કર્યા પછી વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. વીઆર’કિચનને મોટી હોમ કેટરિંગ સર્વિસ બનાવવા માટે તેઓ નવું-નવું કરતાં રહે છે.

શોખીન પણ એવાં જ

રસોઈમાં એક્સપર્ટ વીણાબહેનને સંગીતનો પણ શોખ છે. રાજેશ ખન્ના મારો ફેવરિટ છે એમ બોલતાં તેઓ જણાવે છે, ‘જૂની ફિલ્મો જોવી અને જૂનાં ગીતો સાંભળવાં બહુ ગમે. ખાસ કરીને રાજેશ ખન્નાની ફિલ્મોનાં ગીતો ગણગણવાની મજા આવે. તેની ડાયલૉગ ડિલિવરી, સ્ટાઇલ અને અદાકારી જોઈને દિલ ખુશ થઈ જાય. રોજિંદા જીવનમાં ડ્રેસ અને સામાજિક પ્રસંગોમાં સાડી પહેરવાનું પસંદ છે. કુદરતના સાંનિધ્યમાં રહેવા વૉકિંગ પણ કરું.’

columnists kandivli Varsha Chitaliya