કિસીને મુઝ સે પૂછા કિ પૂરી ઝિંદગી મેં ક્યા કિયા? મૈંને હંસકર જવાબ દિયા

25 November, 2019 12:40 PM IST  |  Mumbai | Pravin Solanki

કિસીને મુઝ સે પૂછા કિ પૂરી ઝિંદગી મેં ક્યા કિયા? મૈંને હંસકર જવાબ દિયા

આ શેર મને ગમે છે. મારો અહંકાર મને કહે છે કે તારા માટે જ જાણે લખાયો છે. પણ એકાંતમાં અહંકાર ઓગળી જતાં, વિચારતાં ભાન થાય છે કે આ અર્ધસત્ય છે કે માની લીધેલું સત્ય છે. ભલે મેં કદાચ કોઈની સાથે જાણી જોઈને, ઇરાદાપૂર્વક છેતરપિંડી ન કરી હોય; પણ મેં મારી જાતે તો કરી જ છે. એક નહીં, વારંવાર કરી છે.  ક્યારેક મજબૂરીથી તો ક્યારેક સંજોગાવશાત.

એકાંત વિચારોનું ઉદ્ગમ સ્થાન છે. એકાંત આપણને ઓળઘોળ કરે છે તો ક્યારેક અભડાવે પણ છે. ક્યારેક એકાંતમાં વિચાર કરતાં લાગે છે કે સંસાર વૃંદાવન છે તો ક્યારેક લાગે છે કે ના, એ વૃંદાવન નથી, અઘોરી વન છે. તો ક્યારેક લાગે છે કે એકાંત આપણી જાત સાથે સંવાદ કરવાનું ઉપવન છે. જીવન શબ્દમાં જ ‘વન’ છે, પણ એ વનમાં ભટકી જવું કે વનને ઉપવન માની વિહાર કરવો એ આપણે નક્કી કરવાનું હોય છે.

આવા એકાંતની ઓથે એક વિચારે મને હલબલાવી નાખ્યો. એ જ દિવસે ઘાટકોપર બ્રાહ્મણ સમાજ સાંસ્કૃતિક ફોરમના ઉપક્રમે મારા એક કાર્યક્રમનું આયોજન થયું હતું. સાંજનો શો હતો. બપોરે મેં  બધા કલાકારો-કસબીઓને રિહર્સલ માટે બ્રાહ્મણ સમાજમાં બોલાવ્યા હતા. હું દ્વિધામાં પડી ગયો. પ્રયોગ કૅન્સલ થઈ શકે એમ નહોતો. આમ પણ રંગભૂમિની પરાપૂર્વથી પ્રથા ચાલતી આવી છે કે શો મસ્ટ ગો ઑન અને મારા વ્યક્તિગત કારણસર હું અન્યને અગવડમાં તો ન જ મૂકી શકું, ન જ મૂકવા જોઈએ.

અનેક વિકલ્પો વિચાર્યા. મનહર જ્યારે બીમાર હતો ત્યારે હું ભવન્સ કલ્ચરલ સેન્ટર ચિત્રલેખા નાટ્યસ્પર્ધાના આયોજન માટે ગુજરાત હતો. એટલે તેની ખબર કાઢવા પણ ન જઈ શક્યો. આજે હું તેની વિદાયમાં પણ નહીં જઈ શકું? મનહર સાથે મારે ૪૦ વર્ષ જેટલો જૂનો સંબંધ. મારાં અસંખ્ય નાટકોની જાહેરાત તેણે સંભાળી હતી. ધંધાદારી સંબંધ સાથે સામાજિક-ઘર જેવા સંબંધો. મનહરની દીકરી કાજલ. હું તેને ‘શુકનવંતી’ કહીને બોલાવું. તે મારા નાટકનો પહેલો પ્રયોગ જોવા આવે એ નાટક સુપરહિટ થાય જ એવી મારી માન્યતા હતી, છે અને એવું ખરેખર બન્યું પણ છે. મનહરનાં સંઘર્ષ અને સફળતાનો હું સાક્ષી છું. આવા દોસ્તની સ્મશાનયાત્રામાં હું જઈ ન શક્યો. એક ન કહી શકાય, કળી શકાય એવી વ્યથામાં ગરકાવ થઈ ગયો.

ન આંખોં સે છલકતે હૈં

ન કાગઝ પે ઉતરતે હૈં

કુછ દર્દ ઐસે ભી હોતે હૈં

જો બસ ભીતર હી પલતે હૈં!

એ રાત્રે હું ઊંઘી ન શકયો. વિચાર આવ્યો કે શું હું મૅનેજ ન કરી શક્યો હોત? કોઈ ઉપાય શું હું શોધી ન શક્યો હોત? વ્યસ્તતા તો હવે માણસના જીવનનું અંગ બની ગઈ છે. સારા-માઠા પ્રસંગે એમાંથી બહાર નીકળી સંબંધ-વ્યવહાર સાચવવો જ જોઈએ. વળી બળતામાં ઘી હોમાયું. સોમવારે તેની શોકસભા હતી. સોમવારે શોકસભામાં ગમે તેમ કરીને, છેક સુધી હાજરી આપવાનો નિર્ધાર કર્યો! પણ મૅન પ્રપોઝિસ ઍન્ડ ગૉડ ડિસ્પોઝિસ. માણસ ધારે છે કંઈક અને કુદરત કરે છે કંઈક. સોમવારે ફૂડ પૉઇઝનિંગનો ભોગ બન્યો. ન જઈ શક્યો, કહો કે જવાની હિંમત ન ચાલી. અસર એવી હતી કે ઘરની બહાર નીકળવું અશક્ય હતું. ફરી જાત સાથે અથડામણ શરૂ થઈ. વિચાર આવ્યો કે વિજ્ઞાન કેટલુંબધું આગળ વધી ગયું છે. એકાદ ઇન્જેક્શન કે હેવી દવાના ડોઝથી  બે-ત્રણ કલાક ડિસેન્ટરીની અસર ન અટકવી શક્યો હોત?

ખેર, આવું તો ઘણી વાર બન્યું છે. આપણું ધાર્યું આપણે કરી શકતા નથી એ તો સાચું જ છે પણ એટલું જ સાચું એ પણ છે કે આપણે આપણી અનુકૂળતાનું જ પહેલાં ધારીએ છીએ. આ એક પ્રકારની આપણી જાત સાથેની છેતરપિંડી જ છે. માણસ માત્ર જીવનમાં પોતાની અનુકૂળતાને જ પ્રાધાન્ય આપે છે. પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાની ફરજ બજાવે છે.

હું આવા પ્રસંગોથી વધારે વ્યથિત એટલા માટે થાઉં છું કે મેં ઘણી વાર કહ્યું છે, લખ્યું છે કે આજકાલ લોકોની સંવેદનાની ધાર બુઠ્ઠી થતી જાય છે. પહેલાં તો ઘરના બે દરવાજા પણ એકબીજાને ગળે વળગતા હતા. આજે દરવાજો પણ એક થઈ ગયો છે. સારા-માઠા પ્રસંગોમાં હાજરી તો દૂરની વાત થઈ, શોકના કે શુભ સંદેશાની આપ-લેમાં પણ ઓટ આવી ગઈ છે. હું જે લખું-બોલું છું એ પ્રમાણે જ્યારે વર્તી નથી શકતો ત્યારે ઉદ્વેગ વધે છે. ન વર્તી શકવાનું કારણ ગમે તે હોય, મજબૂરી હોય કે સંજોગો પણ એનો અપજશ તો મને જ જવો જોઈએ. કલમની સચ્ચાઈ કર્મથી જ નીખરે છે. વળી મારા દાખલામાં-કેસમાં એવું પણ છે કે જાતને છેતરવાના પ્રયાસનો પશ્ચાત્તાપ કલમ દ્વારા કર્યા પછી જ શાંતિ મળે છે. જીવનમાં આપણે ઘણુંબધું સારું-સારું વિચારીએ છીએ, ધારીએ છીએ; પણ એ પ્રમાણે થતું નથી એ હકીકત છે. એક સંત પાસે ભક્તે જઈને કહ્યું, ‘પ્રભુ, હું આપનું માર્ગદર્શન ઇચ્છું છું, આપશો?’ ‘ખુશીથી.’ સંતે જવાબ આપ્યો. ભક્તે કહ્યું, ‘હું ખૂબ હતાશ, નિરાશ થઈ ગયો છું. જે ધારું છું એ કંઈ જ થતું નથી.’ સંતે કહ્યું, ‘શું ધારે છે તું?’

‘દરેક વખતે કંઈ ને કંઈ વિચારું છું, પણ જે વિચારું છું એનો અમલ કરી શકતો નથી કે વિચાર્યું હોય એ થતું નથી.’

‘અત્યાર સુધી તેં શું-શું વિચાર્યું ને શું-શું ન થયું?’

‘નોકરી કરતો હતો, પણ એમાં કોઈ ભવિષ્ય દેખાતું નહોતું. ધંધો કરવો હતો. એક નાનકડો ગાળો પણ જોઈ રાખ્યો હતો. ઓળખાણવાળો હતો. ૧૦ લાખનો ગાળો આઠમાં મળે એમ હતો. પણ બાપુ, નસીબ ફૂટેલાં હોય ત્યારે ઊંટ પર બેઠા હોઈએ તો પણ કૂતરું કરડી જાય. એકાએક પત્ની બીમાર પડી. હાર્ટની સર્જરી કરાવવી પડી. સાડાચાર લાખ રૂપિયાનું પાણી થઈ ગયું. મારું સપનું અધૂરું રહી ગયું.’

‘પછી?’ ભક્તે પૂછ્યું.

‘આવું દરેક બાબતમાં થયું છે. છેલ્લી ઘડીએ કૂતરું કરડી જાય.’

સંતે પૂછ્યું, ‘પછી?’ અને ભક્ત છંછેડાયો. ‘પછી-પછી શું કરો છો? પછી તો કંઈ થતું જ નથી એની તો આ વ્યથા છે. હું ધારું એવું થાય એવો કોઈ ઇલાજ છે?’

‘જરૂર છે.’ સંતે કહ્યું. ભક્તની આંખમાં ચમક આવી ગઈ. ઉન્માદથી તરત તેણે કહ્યું, ‘જલદી બતાવો. હું ધારું એ કેવી રીતે થશે?’

‘તું ધારવાનું છોડી દે.’

‘શું? ભક્ત બરાડ્યો.

‘જેમ થતું હોય એમ થવા દે. જે થાય છે એને સ્વીકારી લે. જે થાય છે એ સારા માટે થાય છે એમ માની લેજે. સપનાં જોવા કરતાં વાસ્તવિકતા જો. સપનાંનું સુખ જોવા કરતાં જે સામે આવે એનો સામનો કર.’

સંતે સુવાકયોનો ધોધ વરસાવ્યો. તેમની વાણીનો ભક્ત પર શું પ્રભાવ પડ્યો એ ખબર નથી, પણ એક વાત મને સમજાઈ ગઈ કે શિખામણ, સુવાક્યો, બોધ કે ઉપદેશ બોલવા પૂરતાં કે પુસ્તકમાં વાંચવા પૂરતાં સારાં લાગે. વાસ્તવિક જીવન કંઈક જુદું જ છે. દુનિયાદારી નિભાવવા માટે કેટકેટલી મથામણો કરવી પડતી હોય છે એનો ખ્યાલ ઉપદેશકને ક્યારેક હોતો નથી કે ક્યારેક ખ્યાલ તો હોય જ છે પણ જાણી જોઈને તેમણે આંખ આડા કાન કરવા પડે છે, પોતાનો વ્યવસાય ચાલુ રાખવા માટે.

સંસારમાં કેટલીક નાની-નાની ઘટનાઓ એવી મોટી-મોટી સમસ્યા ઊભી કરે છે કે માણસ તંગ આવી જાય. ખોટું ન બોલવું હોય તો પણ બોલવું પડે, ખોટું ન કરવું હોય તો પણ કરવું પડે. આપદ્ ધર્મ યુધિષ્ઠિરને તો ફક્ત એક જ વખત બજાવી જૂઠું બોલવું પડ્યું હતું, પોતાની જાતને છેતરવી પડી હતી. સામાન્ય માણસના જીવનમાં ડગલે ને પગલે આપદ્ ધર્મ બજાવવો પડે છે. આવી પરિસ્થિતિ જ્યારે-જ્યારે આવે છે ત્યારે મન ક્ષુબ્ધ થઈ જાય છે. માણસે પ્રામાણિક હોવું જ જરૂરી નથી, પ્રામાણિક દેખાવું પણ પડે છે. અને દેખાવા માટેનાં જ આ બધાં હવાતિયાં છે.

અને છેલ્લે...

‘જે થાય એ સારા માટે’ વાસ્તવમાં તો ખરાબ થયું હોય ત્યારે મન શાંત કરવા પૂરતું એક આશ્વાસન જ છે, પણ એને લગતી એક ખૂબ પ્રચલિત વાત પણ છે.

એક રાજા અને પ્રધાન શિકાર કરવા નીકળ્યા. ગાઢ જંગલમાં અડધો દિવસ રખડપાટ-રઝળપાટ કર્યા છતાં શિકાર હાથમાં આવ્યો નહીં. નિરાશ થયેલા રાજાએ ઘોડો પુરઝડપથી દોડાવ્યો. રાજા પડી ગયો. લોહીલુહાણ થઈ ગયો. રાજા-પ્રધાન સાથે આવેલો રસાલો ખૂબ ગભરાઈ ગયો. રાજાની બનતી સારવાર કરી, સ્વસ્થ કર્યા. બધાના ચહેરા પડી ગયા હતા. ફકત એક પ્રધાનના ચહેરા પર કોઈ ભાવ નહોતા એટલું જ નહીં, તે મલકીને બોલ્યો, ‘જે થાય તે સારા માટે.’ આ સાંભળી રાજા ભડક્યો. બોલ્યો ‘પ્રધાનજી, હું પડ્યો, લોહીલુહાણ થયો એ સારા માટે? બોલવામાં ભાન રાખો.’ પ્રધાને કહ્યું કે ‘મહારાજ, હું જે કંઈ પણ બોલ્યો છું એ બરાબર જ બોલ્યો છું.’ પ્રધાનનો આવો ઉડાઉ જવાબ સાંભળી રાજાને ગુસ્સો આવ્યો. તેને કેદ કરી જેલમાં રાખવાનો હુકમ કર્યો. રસાલો પ્રધાનને કેદ કરી લઈ ગયો ને રાજા એકલો ફરીથી શિકારની શોધમાં નીક‍ળી પડ્યો. આ જંગલમાં આદિવાસીઓનો ડેરો હતો. એ લોકો યજ્ઞ માટે કોઈ બલિ શોધી રહ્યા હતા. રાજાને એકલો જંગલમાં જોઈ ઘેરી લીધો, પણ રાજાના શરીર પર લોહીના ડાઘ જોઈ નિરાશ થઈ ગયા. લોહિયાળ બલિ અપશુકનિયાળ ગણાય એવી માન્યતાને કારણે રાજાને છોડી દીધો. રાજાને પ્રધાનની વાત યાદ આવી.

પોતાના રાજમાં જઈ રાજાએ પ્રધાનની માફી માગી, છોડી દીધો. સાથોસાથ પૂછ્યું કે મેં તને કેદ કર્યો એમાં શું સારું થયું? પ્રધાને કહ્યું કે તમે મને જેલભેગો ન કર્યો હોત તો હું તમારી સાથે હોત. તમે લોહીલુહાણ હતા, હું નહીં. એટલે આદિવાસીઓએ મારો બલિ ચડાવ્યો હોત.

સંસારમાં કેટલીક નાની-નાની ઘટનાઓ એવી મોટી-મોટી સમસ્યા ઊભી કરે છે કે માણસ તંગ આવી જાય. ખોટું ન બોલવું હોય તો પણ બોલવું પડે, ખોટું ન કરવું હોય તો પણ કરવું પડે. આપદ્ ધર્મ યુધિષ્ઠિરને તો ફક્ત એક જ વખત બજાવી જૂઠું બોલવું પડ્યું હતું, પોતાની જાતને છેતરવી પડી હતી. સામાન્ય માણસના જીવનમાં ડગલે ને પગલે આપદ્ ધર્મ બજાવવો પડે છે. આવી પરિસ્થિતિ જ્યારે-જ્યારે આવે છે ત્યારે મન ક્ષુબ્ધ થઈ જાય છે. માણસે પ્રામાણિક હોવું જ જરૂરી નથી, પ્રામાણિક દેખાવું પણ પડે છે. અને દેખાવા માટેનાં જ આ બધાં હવાતિયાં છે.

Pravin Solanki columnists