કભી તો ડર લગતા હૈ અપને લડકી હોને પર

25 December, 2019 04:09 PM IST  |  Mumbai Desk | sejal ponda

કભી તો ડર લગતા હૈ અપને લડકી હોને પર

કભી ડર લગતા હૈ અપને લડકી હોને પર, ઝિંદગી ન જાને કિતને હાદસોં મેં બીખર જાએગી.

દીકરી તરીકે જન્મ લેવો એટલે શું? સમર્પણ, ત્યાગ, કરુણા, સહનશીલતા, સજ્જતા, સ્વસ્થતાની ચૂંદડી ઓઢી લેવી? દીકરી વિશેની માન્યતામાં પરિવર્તન આવ્યાં છે, પણ એ પરિવર્તન અમુક વર્ગ, અમુક સમાજ પૂરતાં દેખાય છે. એક એવો વર્ગ છે જેણે દીકરીને દીકરાની જેમ ઉછેરી અને ઊડવા માટે આકાશ આપ્યું. તો એક એવો વર્ગ પણ છે જે હજી દીકરીને ઉંબરો નથી ઓળંગવા દેતો. જ્યાં-જ્યાં પરિવર્તન આવ્યાં છે ત્યાં-ત્યાં પ્રગતિ દેખાઈ છે અને જ્યાં સંકુચિત માનસિકતા છે ત્યાં દીકરીનો વિકાસ અટક્યો છે. પ્રગતિ અને વિકાસની વચ્ચે બળાત્કાર નથી અટક્યા.
શહેરમાં તો દીકરી પોતાની રીતે જીવી શકે છે, પોતાનાં સપનાં પૂરાં કરી શકે છે. શહેરની દીકરીને પરિવારનો સપોર્ટ છે. ગામડામાં પણ થોડા પરિવર્તનને લીધે દીકરીના ભણતર અને તેના સપના પર ધ્યાન અપાય છે, પણ દીકરી તરીકે જીવવું એટલે શું એ પ્રશ્ન ગામડા
કે શહેરનો નથી. આ પ્રશ્ન દીકરીનો પોતાનો છે. એ જ રીતે બળાત્કારનો પ્રશ્ન શહેર કે ગામડાનો નથી.
બળાત્કારીઓને સજા આપવા માટે
સાત-સાત વર્ષ રાહ જોવી પડે એ વિચારીને જ મનમાં સખત આક્રોશ ઊભરાઈ આવે. બળાત્કારી પર કોઈ હુમલો ન કરે એટલે તેને પોલીસ-પ્રોટેક્શન અપાય અને વિક્ટિમને કોઈ પ્રોટેક્શન નહીં. આ કેવી લાલિયાવાડી!
ઉપરથી છોકરીના પહેરવેશ, ચાલચલન પર પ્રશ્નો ઊઠે. પુરુષની નજર પર કોઈ પ્રશ્નો નહીં. વાત પુરુષ પર સીધો વાર કરવાની નથી, પણ બળાત્કાર કરનાર પુરુષ જ હોય છે એ તો હકીકત છે. ગુનો સાબિત થઈ ગયા પછી પણ બળાત્કારીઓને સજા આપવામાં થતો વિલંબ એવી માનસિકતા ફેલાવે છે કે આવો ગુનો કરવામાં કોઈ વાંધો નથી. ગંદી માનસિકતા લઈને ફરતા પુરુષોના મનમાં કાયદાનો કોઈ ડર છે જ નહીં એટલે જ બળાત્કારના ગુનાઓ અટકવાના નથી. એવા તત્કાલીન કાયદાની જરૂર છે જેમાં બળાત્કાર કરનાર થથરી જવો જોઈએ. બળાત્કારીની સજા જોઈને સમાજમાં ફરતા આવા ગુનેગારો ધ્રૂજી જવા જોઈએ.
બળાત્કાર કોઈ ગામડા કે શહેરની ઘટના
નથી. બળાત્કાર પુરુષની ગંદી, વિકૃત માનસિકતા છે. આવી વિકૃતિ કોઈ પણ ઘર, ગલી, મહોલ્લા, શહેર, ગામડામાં ખુલ્લેઆમ ફરતી હોય છે.
કોઈકની માનસિકતામાં ગુનો કરવાની ભાવના ઉછેરાતી હોય એ માટે તેનું બૅકગ્રાઉન્ડ એટલું જ જવાબદાર છે. દુનિયામાં બધા જ પુરુષો સંસ્કારી નથી, એમ જ દુનિયામાં બધા જ પુરુષો ગુનેગાર પણ નથી. ગુનાનો ઉછેર પહેલાં મનમાં, વિચારોમાં થતો હોય છે. કોઈક પુરુષ તેની સામે બેઠેલી છોકરી વિશે શું વિચારતો હોય એ માત્ર તે છોકરી જ સમજી શકે છે. ગંદી નજરને પકડી પાડવાની ક્ષમતા છોકરીઓમાં હોય છે. એ ગંદી નજરનો દરેક છોકરી પોતાની ક્ષમતા પ્રમાણે સામનો કરશે અથવા તો ડરી જશે. આ ગંદી નજર આખા દિવસ દરમ્યાન કેટકેટલી છોકરીઓ પર પડી હશે અને રાત સુધીમાં તે પુરુષની માનસિકતાએ વિકૃત રૂપ ધારણ કરી કોઈક છોકરીને પોતાનો શિકાર બનાવી હશે.
કહેવું ઘણું-ઘણું છે. આ આક્રોશ કદાચ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે અથવા તો મનની અંદર જ સમી જશે. શાશ્વત પ્રશ્ન એ જ રહેશે કે આવા ગુનાઓ ક્યારે થંભશે? માત્ર વુમન્સ ડેને બિરદાવવાથી કંઈ નથી વળવાનું. ભાષણોથી પરિવર્તન નથી આવતાં. પરિવર્તન કાયદાના ડરથી આવે છે. જો ખરેખર તમે દીકરીને-સ્ત્રીને એક સુરક્ષિત જીવન આપવા માગતા હો તો સૌથી પહેલાં કાયદામાં ધરખમ ફેરફાર કરવા તરફ પગલાં લો. કોઈ પણ દીકરીને વિદાય પછી તેની પાછળ મીણબત્તીઓ સળગતી હોય એવી રીતે સબડતા નથી જવું. દીકરી દીવો છે અને રોજ ખૂણેખાંચરે કેટલાય દીવાઓ ઓલવાય છે. દીવામાંથી દીવો પ્રગટે એવી જિંદગી દીકરીઓને ક્યારે મળી શકશે?

Sejal Ponda columnists