કેટલાક લોકો પાસે બહુ દિવા હોય છે કારણકે તેઓ રાત લાંબી ચાહે છે

28 September, 2020 12:21 PM IST  |  Mumbai | Pravin Solanki

કેટલાક લોકો પાસે બહુ દિવા હોય છે કારણકે તેઓ રાત લાંબી ચાહે છે

સદ્દામ હુસેન

કેટલાક લોકોને અજવાળું ગમતું નથી, કારણ કે અંધારું એ લોકોની સમૃદ્ધિનું કારણ હોય છે. મોટા ભાગે બે પ્રકારના લોકો અંધારાની આરતી ઉતારતા હોય છે, એક સત્તાધીશો ને બીજા સમૃદ્ધિને વરેલા. શોની રમત આપણે નાણાવટી અને નગરવાલાના બે ખટલાઓમાં જોઈ.
પ્રસ્તુત બે ખટલાઓ માટે વાચકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો. કારણ? દરેક માણસના જીવનમાં કોઈ ને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. દરેક વ્યક્તિ પાસે કંઈક છુપાવવાનું હોય છે અને દરેક વ્યક્તિને કોઈએ છુપાવેલું જાણવાની જિજ્ઞાસા હોય છે.
નગરવાલાનો કિસ્સો સત્યઘટના હોવા છતાં ઘણા એ માનવા તૈયાર જ નથી. બૅન્ક આવી રીતે પૈસા આપી જ કેમ શકે? અરે સાહેબાનો, જ્યાં સરકાર ઇન્વૉલ્વ હોય ત્યાં કંઈ પણ બની શકે! માત્ર આપણા જ દેશમાં નહીં, દુનિયાના અનેક દેશમાં આવી આશ્ચ્રર્યજનક ઘટના બની છે. કાગડા બધે જ કાળા, ઘેર ઘેર માટીના ચૂલા, ગામ હોય ત્યાં વાડો
હોય જ, સબ પંછી એક ડાલ કે. વર બધા સુવર (કેટલીક ઉગ્રવાદી મહિલાઓના મતે), જેટલું શહેર મોટું એટલાં સ્મશાન વધારે.
આ અને આવી બધી ઉક્તિઓ કે કહેવતોનો આશય એક જ છે કે દરેક દેશના રાજનેતાઓના હાથ મોટા ભાગે ખરડાયેલા જ હોય છે. આપણા દેશની સ્ટેટ બૅન્કે તો માત્ર ૬૦ લાખ રૂપિયા ગેરકાનૂની રીતે આપ્યા હતા, પણ ઇરાકની સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇરાકે સાડાસાતથી આઠ હજાર કરોડ ડૉલર માત્ર બે લાઇનની ચિઠ્ઠીથી આપી દીધા હતા. કેટલા? ૮ કરોડ નહીં, ૮૦૦૦ કરોડ!! ૮૦૦૦ કરોડ રૂપિયા નહીં, ડૉલર!!
દુનિયાની બૅન્કના ઇતિહાસમાં આ એક મોટામાં મોટું કૌભાંડ કહો તો કૌભાંડ કે લૂંટ કહો તો લૂંટ હતી. અજબ પ્રકારની લૂંટ! ૨૧મી સદીની મોટામાં મોટી લૂંટ!! લૂંટનો પ્રકાર પણ જુદો; ક્યાંય રિવૉલ્વરના ધડાકા-ભડાકા નહીં, ગટરમાંથી સુરંગ કાઢી બૅન્કમાં દાખલ થવાનું નહીં, ક્યાંય કૅશિયર સામે પિસ્તોલ તાકવાની નહીં, કોઈ બૂમાબૂમ કે ચીસાચીસ નહીં, લૂંટારાઓના હાથમાં કોઈ હથિયાર નહીં!! બધું ચૂપચાપ, શાંતિથી અને શિસ્તબદ્ધ રીતે!! મનમાં થાય છે કે આવું કઈ રીતે બને? પણ બન્યું. સાચેસાચ બન્યું.
૨૦૦૩ની આ વાત છે. ઇરાક અને અમેરિકા વચ્ચે બાપે માર્યાં વેર હતાં એ બધા જાણે છે. અમેરિકાનો ડોળો ઇરાકમાં થતા તેલના મબલક ઉત્પાદન પર હતો એથી ઇરાક સામે જુદા-જુદા બહાના હેઠળ ઇરાકને દબડાવતું. ક્યારેક ન્યુક્લિયર બૉમ્બ બન્યાનું બહાનું, તો ક્યારેક
જૈવિક હથિયાર, પણ સદ્દામ હુસેન કાંઈ ગાંજ્યો જાય એવો નહોતો. ઇરાકનો સરમુખત્યાર હતો. સાથોસાથ ખેલાડી, ચતુર, ચાલબાજ હતો. અમેરિકા સામે ટક્કર લેતો રહ્યો.
૨૦૦૩ની ૧૮ માર્ચ. સવારે ૪ વાગ્યાનો સમય. સ્થળ બગદાદ. આખું બગદાદ ઊંઘતું હતું એ સમયે સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇરાકના વડા મથકમાં પાંચ વ્યક્તિ જાગતી હતી. સમસ્ત ઇરાકમાં સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇરાકની શાખા હતી, પણ બગદાદના આ વડા મથકની વાત કાંઈક ઓર જ હતી. બૅન્કનો આકાર ક્યુબ જેવો છે, કોઈ બારી નહીં, કોઈ વેન્ટિલેટર નહીં, મુખ્ય પ્રવેશદ્વાર સિવાય બીજું કોઈ પ્રવેશદ્વાર નહીં. જડબેસલાક સલામતીનો બંદોબસ્ત. અમેરિકા સાથેની દુશ્મનીને કારણે અઢળક પૈસા, જર-ઝવેરાત ઇરાકે આ વડા મથકમાં સંઘરી રાખ્યાં હતાં.
બૅન્કમાં પાંચ વ્યક્તિનો કાયમનો, ૨૪ કલાકનો મુકામ રહેતો. એમાં એક સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇરાકના ડિરેક્ટર, એક ઇરાકનો ફાઇનૅન્સ મિનિસ્ટર અને એક બૅન્કના ખજાનાનો ડિરેક્ટર. બાકીની બે વ્યક્તિ ગાર્ડ કહો તો ગાર્ડ, ચોકીદાર કહો તો ચોકીદાર. આ ગાર્ડ પાસે મશીનગનથી માંડીને તમામ પ્રકારનાં અદ્યતન હથિયાર રહેતાં.
૧૮ માર્ચે સવારે ૪ વાગ્યે બૅન્કના મુખ્ય દ્વાર પાસે ત્રણ મોટી-મોટી ટ્રક ઊભી રહે છે. એ જમ્બો ટ્રક હતી. ત્રણ ડ્રાઇવરો બહાર નીકળતા નથી. થોડી વાર પછી એક લક્ઝરી કાર બૅન્ક પાસે આવે છે. એમાંથી બે વ્યક્તિ ઊતરે છે. એકનું નામ હતું કુશેદ, સદ્દામ હુસેનનો દીકરો. સાથેની બીજી વ્યક્તિ હતી સદ્દામના પર્સનલ સેક્રેટરી આબિદલ હલ હમીદ મેહમૂદ. બન્ને બૅન્કના મુખ્ય દ્વાર પાસે આવે છે, બેલ મારે છે. બૅન્કમાં રહેલી વ્યક્તિને ફાળ પડે છે, અત્યારે કોણ હશે? અંદર રહેલા મૉનિટરથી જુએ છે તો સદ્દામ હુસેનનો સન કુશેદ અને સેક્રેટરી!
કુશેદ અત્યારે? વળી કુશેદ નૅશનલ ડિફેન્સનો હેડ પણ હતો. તરત દરવાજો ખૂલે છે. પર્સનલ સેક્રેટરી બૅન્કના ડિરેક્ટર પાસે જાય છે, કોઈ પણ પ્રકારની વાત કે ઔપચારિક વિધિ કર્યા વગર એક પત્ર આપે છે. ડિરેક્ટર ધ્રૂજતા હાથે પત્ર ખોલે છે. માત્ર બે જ લાઇન લખી હતી, ‘બૅન્કમાં જે અને જેટલી કરન્સી છે એને અન્ય સલામત જગ્યાએ ખસેડવાની તાતી જરૂર છે, આ નૅશનલ સિક્યૉરિટીનો મામલો છે, આદેશનો અમલ કરો!’
બૅન્કમાં રહેતા ત્રણેય અફસરોએ પત્ર વાંચ્યો. સદ્દામ હુસેનની સહીવાળો પત્ર હતો, સરકારી સીલ અને મહોર પણ હતાં. ત્રણેય અફસરો મૂંઝાયા. સદ્દામ હુસેનનો સંપર્ક કરીને પત્રની સત્યતા તપાસે તો કુશેદનો રોષ વહોરવો પડે. એ લોકો જાણતા હતા કે ચા કરતાં કીટલી વધારે ગરમ હતી. વળી સદ્દામ હુસેનના સેક્રેટરી પણ સાથે હતા એટલે કશું અજુગતું ન લાગ્યું અને ફરમાનનો અમલ કરવાનું ઠરાવાયું.
બૅન્કના બે ચોકીદારો અને ટ્રકના ત્રણ ડ્રાઇવરો કામે લાગી ગયા. એક પછી એક થેલા ટ્રકમાં મુકાતા ગયા. કરન્સી એટલી બધી હતી કે પૂરા પાંચ કલાક લાગ્યા. એક બિલ્યન ડૉલર અને એક મિલ્યન યુરો હતા. છેવટે ટ્રકો ત્યાંથી રવાના થઈ ગઈ. કહાનીમાં કોઈ ટ્વિસ્ટ નહીં. ડોશીમાની વાર્તા જેવી સીધીસાદી સરળ વાત પતી ગઈ. પણ...
અમેરિકાનું જાસૂસી તંત્ર મજબૂત હતું અને આજે પણ છે. ૧૮ માર્ચે બગદાદમાં સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇરાકના દરવાજે ત્રણ જમ્બો ટ્રક ઊભી હતી અને જંગી રકમ ખસેડાયાની વાત અમેરિકન સરકારના કાને આવી અને એણે પળવારમાં મોરચો ખોલી દીધો. બગદાદ પર અમેરિકન મિસાઇલ્સ ત્રાટકી. અમેરિકન સૈન્યોએ સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇરાકને ઘેરો ઘાલ્યો, ટ્રક ક્યાં લઈ જવાઈ છે એની ભાળ ન મળતાં ઠેકઠેકાણે શોધખોળ ચાલુ થઈ.
અમેરિકન સૈન્ય અને જાસૂસી તંત્ર દસેદસ દિશામાં કામે લાગી ગયા છતાં ટ્રકની ભાળ મેળવવામાં નિષ્ફળ રહ્યાં. જાસૂસી તંત્ર પાસે જુદા-જુદા સમાચાર કે અફવાઓ આવવા માંડી. એક સમાચાર એવા મળ્યા કે સદ્દામના ખુફિયા ઠેકાણે ટ્રક ખાલી થઈ છે અને સદ્દામ હુસેન પોતાનો મહેલ છોડીને નાસી ગયો છે.
સૈન્યોને આ સમાચાર અફવા લાગી અને સદ્દામના મહેલને ઘેરો ઘાલ્યો, પણ સદ્દામ ખરેખર ત્યાંથી નાસી ગયો હતો. જોકે એમ છતાં મહેલમાંથી મોટી કરન્સી મળી, પણ પછીથી ખબર પડી કે એ કરન્સી તો સદ્દામના બીજા પુત્ર ઉદય હુસેનની હતી. ઉદય હુસેને સદ્દામના શાસન દરમ્યાન અઢળક સંપત્તિ ભેગી કરી હતી.
એ પછી કુશેદ અને ઉદયનો પીછો શરૂ થયો. શરૂઆતમાં સદામને પકડવા- પડકારવાની કાર્યવાહી થઈ, પણ સદ્દામે પોતાના ત્રણ ડુપ્લિકેટ તૈયાર રાખ્યા હતા અને આ ડુપ્લિકેટ્સ અમેરિકન સૈન્યને ગોથાં ખવડાવતા રહ્યા.
એક થિયરી એવી બહાર આવી કે ત્રણ ટ્રક સિરિયાની બૉર્ડર ક્રૉસ કરી ગઈ છે. ઇરાક અને સિરિયાને સારા સંબંધ હોવાથી સદ્દામ સિરિયા નાસી ગયો છે. બીજી અફવા એ આવી કે અમેરિકન હુમલાની કુશેદને અગાઉથી જાણ થઈ ગઈ હોવાથી સદ્દામના સેક્રેટરી સાથે મળીને ડૉલર લઈને બન્નેએ નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો! વાત એક અને કારણો અનેક બહાર આવ્યાં, પણ છેક સુધી પૈસા કોઈના હાથમાં ન આવ્યા. તો એ જંગી રકમ ગઈ ક્યાં? સદ્દામે ખરેખર પત્ર લખ્યો હતો કે નહીં?
જંગમાં સદ્દામના બન્ને દીકરા મરાયા અને સદ્દામને અમેરિકાએ પકડીને ફાંસી આપી દીધી. ત્યાર બાદ ખબર પડી કે એ ત્રણેય ટ્રક અમેરિકાએ પકડી પાડી હતી, પણ આંતરરાષ્ટ્રીય કાયદાને કારણે જાહેર નહોતું કર્યું! પૈસા અમેરિકા જમી ગયું. આનું નામ રાજકારણ!! છેલ્લે...
આપણે ભૂતકાળના અનેક રાજકીય મહાનાયકોને આજે પણ યાદ કરતા આવ્યા છીએ, જેવા કે અબ્રાહમ લિંકન, જ્યૉર્જ વૉશિંગ્ટન, જવાહરલાલ નેહરુ, જૉન એફ કેનેડી, નેલ્સન મન્ડેલા, ગોલ્ડા મીર, ચાર્લ્સ દગોલ વગેરે વગેરે; પરંતુ દુનિયામાં એવા પણ ઘણા ખલનાયકો છે જેને આજે પણ આપણે ભૂલી નથી શક્યા; જેવા કે હિટલર, મુસોલિની, ઇદી અમીન, કર્નલ ગદ્દાફી, માઓત્સે તુંગ, સદ્દામ હુસેન!
સદ્દામ હુસેનની ઘટના તો બહુ નજીકની છે. મને બરાબર યાદ છે કે કોઈ વ્યક્તિ જિદ્દી, જક્કી, અકડુ, પોતાનું જ ધાર્યું કરતી હોય, કોઈનું કહ્યું માનતી ન હોય તો લોકો કહેતા, ‘સાલો, સદ્દામ હુસેન છે!’

સમાપન
હૈયે તો છું, પણ હોઠેથી ભુલાઈ
ગયેલો માણસ છું.
હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.
- રાજેશ વ્યાસ (મિસ્કીન)

Pravin Solanki columnists