દર્દ કી બારિશ સહી મધ્ધમ, ઝરા આહિસ્તા ચલ, દિલ કી મિટ્ટી અભી તક નમ,ઝરા...

18 December, 2019 03:58 PM IST  |  Mumbai Desk | pankaj udhas

દર્દ કી બારિશ સહી મધ્ધમ, ઝરા આહિસ્તા ચલ, દિલ કી મિટ્ટી અભી તક નમ,ઝરા...

જો કોઈને પકડી શકાતું ન હોય તો એ માત્ર સમય છે. નિરાંતે જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે ભાગી રહેલો સમય દેખાય છે. ભૂતકાળ જોતાં એવા અનેક કિસ્સાઓ યાદ આવે, અનેક પ્રસંગો અને ઘટનાઓ યાદ આવે કે આંખોમાં ચમક આવી જાય. એક સમય હતો કે હું સંઘર્ષ કરતો હતો, કેવી રીતે પ્રસ્થાપિત થવું એના રસ્તા શોધતો હતો અને એ પછી આજનો આ સમય છે.

હમણાં એક મિત્ર સાથે અમેરિકા વાત થઈ, જેમાં જૂના દિવસોની વાતો પણ નીકળી. જૂના દિવસોની એ વાતો સાથે મારી આંખ સામે એક પ્રસંગ આવી ગયો. એ પ્રસંગે મારી સવાર સુધારી નાખી. વાત છે ૧૯૮૭ના અરસાની.
૮૦ના દસકામાં પહેલું આલબમ આવ્યું અને એ આલબમ સાથે લોકોએ મને સ્વીકારવાનું શરૂ કર્યું. સમય પસાર થતો ગયો અને લાઇવ કૉન્સર્ટ પણ વધવા માંડી. ગઝલના ફૅન્સ વધ્યા અને મારું ફૅનબેઝ પણ મોટું થયું. આવ્યું વર્ષ ૧૯૮૭નું. એ વર્ષે મેં અમેરિકાની એક ટૂર કરી. અમેરિકાની ટૂર હંમેશાં મોટી હોય અને એમાં અનેક શહેરોને કવર કરવાનાં હોય. અમેરિકામાં તમારી ટૂર તો જ શક્ય બને જો તમારો ફૅનબેઝ મોટો હોય. મારી એ અમેરિકા-ટૂરના લોકલ ઑર્ગેનાઇઝર હતા શશી મહેતા.
શશીભાઈની ઇચ્છા હતી કે ન્યુ યૉર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં મારો શો કરવો. આ મેડિસન સ્ક્વેર ગાર્ડનની તમને સહેજ યાદ અપાવી દઉં. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગાર્ડનમાં ૨૫,૦૦૦ ભારતીયોને સંબોધન કર્યું હતું અને વિશ્વઆખાએ એની નોંધ લીધી હતી. આ મેડિસન સ્ક્વેર ગાર્ડન અનેક ભાગમાં વહેંચાયેલું છે. મેડિસન સ્ક્વેરના બીજા ભાગનું નામ અરીના છે અને આ અરીનાની બાજુમાં જ એક બીજું ઇન્ડોર સ્ટેડિયમ હતું, જેની કૅપેસિટી ૪૬૦૦ સીટની છે. શશી મહેતાએ એ સ્ટેડિયમ બુક કર્યું. ૪૬૦૦ વ્યક્તિની બેઠક-વ્યવસ્થા નાની ન કહેવાય. તમે એમ કહો કે આપણે ત્યાં સામાન્ય રીતે ૧૦૦૦ની બેઠક-વ્યવસ્થાવાળા ઑડિટોરિયમ હોય, એની સામે આ ઇન્ડોર સ્ટેડિયમ સાડાચાર ગણું મોટું હતું, પણ ઈશ્વરકૃપાથી, લોકોના પ્રેમને લીધે બધી ટિકિટો વેચાઈ ગઈ. એક પણ સીટ ખાલી જોવા ન મળે. પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો, જેમાં મારી પાસે એક કે બે વખત નહીં, પણ ત્રણ-ત્રણ વખત મારી ગઝલ ‘ઝરા આહિસ્તા ચલ...’ ગવડાવવામાં આવી. વન્સમોર પર વન્સમોર આવ્યા જ કરે. ત્રણ વખત ગાયા પછી મારે રિક્વેસ્ટ કરીને કહેવું પડ્યું કે બીજી પણ ઘણી ગઝલો સરસ છે એ સાંભળશો તો જ તમને મજા આવશે. આને ઈશ્વરનો પ્રેમ જ કહેવાય. બાકી આ ક્ષમતા કોઈનામાં વ્યક્તિગત રીતે હોતી નથી. જો ઈશ્વરની મહેરબાની હોય તો જ આવું દૃશ્ય અને આવી ઘટના ઘટે.
શો છૂટ્યા પછી મને ત્યાંથી બહાર લઈ આવવાનું કામ પણ ખૂબ અઘરુ હતું. પબ્લિક અને ફૅન્સનાં ટોળેટોળાં આજુબાજુમાં થઈ ગયાં હતાં. એ સમયે સેલ્ફી નહોતો, પણ ઑટોગ્રાફનો જમાનો હતો. ઑટોગ્રાફ લેવા માટે ચારે બાજુએ ભીડ અને એ બધાની વચ્ચેથી જગ્યા કરીને મારે આગળ વધીને બહાર નીકળવાનું હતું. ધક્કામુક્કી ન થાય એનું પણ ધ્યાન રાખવાનું હતું અને લોકો એકબીજાને ઈજા ન પહોંચાડી દે એ પણ જોવાનું હતું.
માંડ ત્યાંથી બહાર નીકળીને હું મારા સાજિંદાઓ સાથે હોટેલ પહોંચ્યો. હોટેલ પહોંચવાના સમય કરતાં અમે લોકો લગભગ એક કલાક મોડા પડ્યા હતા. લોકોના પ્રેમના કારણે કોઈ ત્યાંથી નીકળવા જ નહોતું દેતું. ન્યુ યૉર્કમાં એરિયા છે મૅનહટન. બહુ જાણીતો આ એરિયા છે. ઘણી અંગ્રેજી ફિલ્મોમાં એ દેખાડવામાં પણ આવે છે. આ મૅનહટનમાં આવેલી હોટેલ પેન્ટામાં મારો ઉતારો હતો. હોટેલ પર મને ઉતારીને શશીભાઈ રવાના થયા. સવારે તેમણે ફરીથી હોટેલ આવવાનું હતું. બીજા દિવસે અમારો શો શિકાગોમાં હતો અને ફ્લાઇટ વહેલી સવારની હતી એટલે આમ જોઈએ તો એ ઘરે જઈને તરત જ પાછા આવે એવી જ પરિસ્થિતિ હતી.
સવાર પડી, તૈયાર થઈ હું હોટેલની લૉબીમાં પહોંચ્યો, પણ શશીભાઈ ક્યાંય દેખાયા નહીં. વિચારતો હતો ત્યાં જ તેઓ હાંફળાફાંફળા આવ્યા. તેમને આવતાં મોડું થઈ ગયું હતું એટલે અમે સીધા બહાર ભાગ્યા. બહાર જઈને તેમણે ટૅક્સી બોલાવવાની પેરવી કરી ત્યાં તો ડોરમૅન ટૅક્સી લઈને આવી ગયો. અમે એમાં બેઠા અને ટૅક્સી રવાના થઈ. ટૅક્સીમાં બેસતી વખતે પણ મારા મનમાં પ્રશ્ન તો હતો જ કે શશીભાઈ કેમ પોતાની કાર લઈને નથી આવ્યા, પણ ટૅક્સીમાં ગોઠવાયા પછી તેમણે ફોડ પાડ્યો કે તેમની ગાડીને કોકે ઠોકર મારી હતી એટલે તેમણે એ ગાડી મૂકી દેવી પડી હતી. ટૅક્સી ધીમી જતી હતી એટલે શશીભાઈએ ડ્રાઇવરને રિક્વેસ્ટ કરતાં કહ્યું કે અમે મોડા પડ્યા છીએ, પ્લીઝ જરા જલદી ચલાવ.
ઊંચો, ગોરોચટ્ટો ટૅક્સી-ડ્રાઇવર.
તેણે બૅક વ્યુ મિરરમાંથી જોયું અને પછી ધીરેકથી કહ્યું, ‘ઝરા આહિસ્તા ચલ...’
હું તો સાવ હતપ્રભ થઈ ગયો. મેં તેને પૂછ્યું : ‘ડુ યુ નો ધિસ સૉન્ગ?’
પેલાએ બે લાઇન એવી રીતે ગાઈ જાણે કે તે પુરાવો આપતો હોય. હું તો આભો જ બની ગયો. મેં બધું પડતું મૂકીને તેની સાથે વાત શરૂ કરી. તેણે મને કહ્યું કે તેની ઇચ્છા હતી કે તે ગઈ કાલનો શો જોવા આવે, પણ તેને ટિકિટ ન મળી એટલે તે આવી શક્યો નહીં. એ પછી તેણે જે કહ્યું એ સાંભળીને તો ખરેખર હું તાજ્જુબ રહી ગયો.
એ ડ્રાઇવરે હોટેલના ડોરમૅન સાથે નક્કી કર્યું હતું કે કંઈ પણ થઈ જાય, ગમે એ થઈ જાય, પણ સવારે મને ઍરપોર્ટ પહોંચાડવા માટે ડોરમૅને તેની જ ટૅક્સી કરવાની. તે મને કોઈ પણ હિસાબે તેની ટૅક્સીમાં બેસાડવા માગતો હતો, જેને માટે તેણે ડોરમૅન સાથે કંઈ સેટિંગ પણ કર્યું હતું. પહેલેથી કરવામાં આવેલી આ અરેન્જમેન્ટને લીધે અમે ટૅક્સી કરવા ગયા કે તરત જ ડોરમૅન તેની ટૅક્સી લઈને અમારી પાસે આવી ગયો. હાઇટ તો હવે આવે છે.
ડ્રાઇવર સાથે વાત કરતાં ખબર પડી કે તેને પહેલેથી ખબર જ હતી કે મને લેવા આવવાના છે એ શશીભાઈ પાસે ગાડી છે અને હું એમાં જ ટ્રાવેલ કરવાનો છું. થોડી વધુ પૃચ્છા કરી તો તરત તેણે કહી દીધું કે શશીભાઈની ગાડીને જે ઠોકર લાગી હતી એ ઠોકર પણ તેણે જ મારી હતી, જેથી શશીભાઈએ ગાડી મૂકી દેવી પડે અને હું શશીભાઈ સાથે તેની ટૅક્સીમાં બેસી જાઉં.
મને મળવા માટે ગાડીને ઠોકવી અને એ પછી મને પરાણે પોતાની ટૅક્સીમાં લેવા માટે પ્લાનિંગ પણ કરવું. મારે માટે આ તો ગજબની વાત હતી. તેણે અમને બેઉને સૉરી કહ્યું અને અમને ફટાફટ ઍરપોર્ટ પણ પહોંચાડી દીધા. ઍરપોર્ટ પહોંચીને શશીભાઈએ તેને પૈસા આપ્યા એટલે તેણે લેવાની ના પાડી દીધી. કહી દીધું કે ‘મારે તો પંકજસરને મળવું હતું એટલે મેં આ બધું કર્યું.’ મેં પણ તેને પૈસા લઈ લેવાનો આગ્રહ કર્યો તો કહે કે જો તમારે મને કંઈક આપવું હોય તો એક જપ્પી આપો. દિલ સે દિલ મિલાઓ સર. સિર્ફ એક બાર. હું તેને દિલથી ભેટી પડ્યો. આવી આશિકી, આવું પાગલપન મેં અગાઉ ક્યારેય જોયું નહોતું.
મૂળ તે અફઘાની હતો. અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો. અફઘાનિસ્તાનની જ એક નાનકડી વાત કહું. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની એક જર્નલિસ્ટ મને એક વાર દિલ્હી ઍરપોર્ટ પર મળી ગઈ. હું સમય કરતાં મોડો હતો એટલે ઉતાવળે ભાગતો હતો. તેણે મારી સામે જોયું અને ધીમેકથી કહ્યું : ‘ઝરા આહિસ્તા ચલ...’
છેક ફ્લાઇટમાં તેણે મને પોતાની ઓળખાણ આપીને કહ્યું કે અત્યારે હું ઇન્ડિયામાં રિપોર્ટિંગ કરું છું, પણ પહેલાં અફઘાનિસ્તાન હતી. ત્યાં મેં દરેક હોટેલ, રેસ્ટોરાં અને ઘરોમાં તમારાં જ ગીતો સાંભળ્યાં છે અને મને હવે જેટલી પણ ઇન્ડિયન લૅન્ગ્વેજ આવડે છે એ તમારી ગઝલને લીધે જ આવડે છે.
આ કે પછી આવા અનુભવો તમને જીવન જીવવાની નવી તાકાત આપે અને એ તાકાતમાં જ તમારી ખુશી સમાયેલી હોય છે.

pankaj udhas columnists