મનના કોલાહલની એક્સપાયરી ડેટ કઈ?

17 February, 2021 03:13 PM IST  |  Mumbai | Sejal Ponda

મનના કોલાહલની એક્સપાયરી ડેટ કઈ?

ફાઈલ તસવીર

ઉપાધિ, સંઘર્ષ અને દુઃખ જીવન સાથે જોડાયેલાં રહે છે. આપણે એમાંથી બહાર આવતા જઈએ એ પછી જીવનમાં ક્યારેય એ પાછાં નહીં ફરે એની કોઈ ગૅરન્ટી નથી હોતી. અમુક તારીખ પછી દુઃખ નહીં આવે એવું આપણે ન કહી શકીએ. અમુક તારીખ ઉપાધિની એક્સપાયરી ડેટ હશે એવું પણ ન કહી શકાય. જીવનનો ખરો રોમાંચ જે થવાનું છે એ ન જાણવામાં છે.

માણસ જન્મે ત્યારે જ તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. મૃત્યુ ક્યારે આવશે એની માત્ર માણસ ઘડનારને જ ખબર હોય છે. માણસે તો જીવન દરમ્યાન એનાથી જેટલું જીવાય એટલું જીવી લેવાનું હોય છે.

આપણામાંથી ઘણાને સવાલ થાય કે આટલીબધી ઉપાધિ, તકલીફ, સંઘર્ષ, દુઃખ શું કામ? કોઈ કહેશે દુઃખ આવશે તો જ માણસ ઘડાય છે. તકલીફ આવે તો એમાંથી માણસ રસ્તો કાઢતાં શીખે છે. સંઘર્ષમાંથી નવું સર્જન થાય છે, પણ આ બધું કોને બતાવવા માટે? અરે ભાઈ, આપણે રસ્તો કોઈને બતાવવા માટે થોડા શોધીએ છીએ? આપણે આપણી તકલીફમાંથી બહાર આવવા માટે રસ્તો શોધીએ છીએ અને લોકો આપણી પાસેથી પ્રેરણા લે છે એ નફામાં. વધુમાં બે-ચાર લોકોમાં આપણાં વખાણ થાય, આપણી હિંમતની વાતો થાય, ક્યાંક વળી આપણા ઇન્ટરવ્યુ છપાય. વળી પ્રશ્ન થાય કે આ બધું શું કામ? કારણ, જો આપણે કઠિન પરિસ્થિતિમાંથી રસ્તો ખોળી કાઢ્યો છે તો બીજા લોકોને આપણા જીવનમાંથી પ્રેરણા અને જીવવાનું બળ મળે છે.

મનુષ્ય બીજા મનુષ્યની પ્રેરણા બની શકે એના જેવું ઉત્તમ બીજું શું હોઈ શકે! મનુષ્યના જીવનમાં આવતા દુઃખની એક્સપાયરી ડેટ કઈ? દુઃખ ક્યારે આવશે? કેટલું ટકશે એની આપણને ખબર નથી હોતી. આપણી પાસે આપણા જીવનની સ્ક્રિપ્ટ નથી જેમાં વાંચી આપણને જાણ થઈ જાય કે અમુકતમુક સમયે તકલીફ, સંઘર્ષ, ઉપાધિ આવશે અને અમુકતમુક સમયે જતી રહેશે. હા, જ્યોતિષશાસ્ત્ર ક્યારેક આવી આગાહી કરી શકે છે અને જે લોકો જ્યોતિષશાસ્ત્રમાં માને છે તે ઉપાધિમાંથી બહાર આવવાના ઉપાય કરવા મચી પડે છે.

જન્મતાની સાથે આપણી જીવન સ્ક્રિપ્ટ આપણા હાથમાં પકડાવી દેવામાં આવી હોત તો! તો તો આપણને ખબર પડી જાત કે કયા દિવસે આપણી સાથે શું ઘટવાનું છે? પણ જાણ્યા પછી આપણને વધારે ઉપાધિ હોત. આપણી સાથે જે ઘટવાનું છે એનો ઉચાટ હોત. ઉચાટમાં ને ઉચાટમાં આપણને કદાચ રસ્તો પણ ન જડ્યો હોત. જીવનનું રહસ્ય ન જાણવામાં જ શાણપણ છે. સુખ-દુઃખ જે આવતું જાય એ જીવતા જવાનું. ટ્રેનમાંથી દૃશ્યો પસાર થાય એમ જીવનમાંથી સારી-ખરાબ ક્ષણો પસાર થતી જ જાય છે. કશું એકધારું ટકતું નથી અને ટકશે પણ નહીં.

ઉપાધિ, સંઘર્ષ અને દુઃખ જીવન સાથે જોડાયેલાં રહે છે. આપણે એમાંથી બહાર આવતા જઈએ એ પછી જીવનમાં ક્યારેય એ પાછાં નહીં ફરે એની કોઈ ગૅરન્ટી નથી હોતી. અમુક તારીખ પછી દુઃખ નહીં આવે એવું આપણે ન કહી શકીએ. અમુક તારીખ ઉપાધિની એક્સપાયરી ડેટ હશે એવું પણ ન કહી શકાય. જીવનનો ખરો રોમાંચ જે થવાનું છે એ ન જાણવામાં છે અને એ તકલીફ આવી ગયા પછી એને જીવવામાં છે.

મનના કોલાહલની, મનના ઉચાટની, મનની નેગેટિવિટીની એક્સપાયરી ડેટ હોઈ શકે ખરી? આપણે વિચારીએ કે હવે પછી હું ગુસ્સો નહીં કરું છતાં એવા સંજોગો આવી જાય કે આપણે ગુસ્સો કર્યા વગર ન રહી શકીએ. આપણી અંદર ઉદ્ભવતા ઉચાટને ન રોકી શકીએ અને ઉચાટ, ઉદ્વેગ સતત આપણી સાથે જ જોડાયેલા રહે છે. થોડો સમય એ શાંત રહે છે અને જેવા કોઈ ખરાબ સંજોગ આવ્યા કે એ સ્પ્રિન્ગની જેમ ઊછળીને બહાર આવી જાય છે.

દવા પર એક્સપાયરી ડેટ લખી હોય છે અને એ તારીખ વીતી ગયા પછી એ દવા ફેંકી દેવામાં આવે છે. તો શું એવું થઈ શકે કે ક્રોધ, આવેગ, ઉચાટની પણ એક્સપાયરી ડેટ નક્કી કરી એને ફગાવી દેવામાં આવે? મેડિકલ ટર્મ્સ પ્રમાણે એક્સપાયરી ડેટ પછીની દવાથી આડઅસર થઈ શકે છે. મનના કોલાહલનું પણ એવું જ છે. જોકે કોલાહલની એક્સપાયરી ડેટ નક્કી નથી છતાં એની આડઅસર શરૂ થઈ જાય છે. ક્રોધ, ઉદ્વેગ, કોલાહલ ક્યારેય દવાનું કામ નથી કરતા. ઉપરથી કડવાશ ઊભી કરે છે જે પોતાના માટે અને સાથે જીવતા લોકો માટે નુકસાનકર્તા છે.

આપણને જાણ છે કે આપણને શેની આડઅસર થઈ શકે છે છતાં આપણે એને રોકી નથી શકતા એ જ કદાચ આપણી સૌથી મોટી નબળાઈ છે. આપણે જે જીવીએ છીએ એમાંથી શેની બાદબાકી કરવાની છે એ આપણે જાતે ચકાસીને નક્કી કરવું પડે છે. એ માટે સજાગતા જરૂરી છે. ઘણા લોકો એવું કહે છે કે દરેક વખતે વિચારી-વિચારીને જીવવાથી જીવન જીવવાનો આનંદ મરીપરવારે છે, પણ આપણે કેવું જીવીએ છીએ એની જો સભાનતા ન હોય તો મનનો કોલાહલ ધાવો બોલી જ શકે છે.

મનનો કોલાહલ એવો છે કે કદાચ તરત એને હલ નથી મળતો, એટલે જ્યારે મનનો કોલાહલ આપણા પર હાવી થઈ જાય ત્યારે રાત સુધીમાં એની એક્સપાયરી ડેટ નક્કી કરી નાખવી. બીજા દિવસે એનો ભાર વેંઢારવો નહીં. રાતે સૂતાં પહેલાં જે નકામું છે એને ફગાવી દેવું અને ત્યાં જ એ વિચારનો એન્ડ લઈ આવવો.

આપણી અંદરથી ઉદ્ભવતાં ક્રોધ, આવેશ, આવેગ, ઉચાટ, ઉદ્વેગ, નેગેટિવિટી સૌથી વધારે જો કોઈને તકલીફ આપી શકે છે તો એ છે આપણે પોતે. એને કોઈ દૂર કરી શકે છે તો એ છે આપણે પોતે. આપણે જ એના સર્જનહાર છીએ અને આપણે જ એની એક્સપાયરી ડેટ નક્કી કરી એને ખતમ કરવાનાં છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

જન્મતાની સાથે આપણી જીવન સ્ક્રિપ્ટ આપણા હાથમાં પકડાવી દેવામાં આવી હોત તો! તો આપણને વધારે ઉપાધિ હોત. આપણી સાથે જે ઘટવાનું છે એનો ઉચાટ હોત. ઉચાટમાં ને ઉચાટમાં આપણને કદાચ રસ્તો પણ ન જડ્યો હોત.
જીવનનું રહસ્ય ન જાણવામાં જ શાણપણ છે. ટ્રેનમાંથી દૃશ્યો પસાર થાય એમ જીવનમાંથી સારી-ખરાબ ક્ષણો પસાર થતી જ જાય છે. કશું એકધારું ટકતું નથી અને ટકશે પણ નહીં.

Sejal Ponda columnists