મારી કોઈ રાહ જુએ છે કે જોશે એ અહેસાસ માનવમાત્રને પુલકિત કરનારો છે

03 March, 2020 04:32 PM IST  |  Mumbai | Taru Kajaria

મારી કોઈ રાહ જુએ છે કે જોશે એ અહેસાસ માનવમાત્રને પુલકિત કરનારો છે

પ્રતીકાત્મક તસવીર

હમણાં અમેરિકાના પ્રમુખ ભારતની મુલાકાતે આવી ગયા. તેઓ આવવાના હતા એ અગાઉ રોજ-રોજ અખબારોમાં હેડલાઇન્સ ચમકતી હતી : ‘પાંચ લાખ લોકો મારું અભિવાદન કરવા આવશે’, ‘દસ લાખ લોકો મારું અભિવાદન કરવા આવશે.’ પોતાનું સ્વાગત કરવા આટલા બધા લોકો આવશે એ વાતે અમેરિકા જેવી મહાસત્તાના સર્વેસર્વા જો આટલા એક્સાઇટેડ થઈ શકે તો સામાન્ય માનવીની તો વાત જ શું કરવી? મારી કોઈ રાહ જુએ છે કે જોશે, મને કોઈ કહે છે કે કોઈ મને પસંદ કરે છે એ અહેસાસ માનવમાત્રને પુલકિત કરે એવો છે. અને આપણી હાજરીની કોઈ નોંધ નથી લેતું કે કોઈ આપણી ઉપેક્ષા કરે છે એ લાગણી એનાથી તદ્દન જુદા છેડાની છે અને આવી લાગણી જ્યારે ઘરના કે અંગત લોકો વચ્ચે અનુભવાય એ ખરેખર ખૂબ જ પીડાદાયક પરિસ્થિતિ હોય છે.

હમણાં એક જૂની ફ્રેન્ડનો વર્ષોના અંતરાલ પછી ટેલિફોન આવ્યો. તેની સાથે વીતેલાં વર્ષોની ઘણીબધી વાતો થઈ. તેના પરિવાર અને નિકટના સ્વજનોના પણ ખબર-અંતર પૂછ્યા. એમાં એક સંબંધીની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે તેમના વિશે મને ખબર નથી. પછી નિખાલસતાથી તેણે કહ્યું કે જે સંબંધમાં કડવાશ છે એ મારે હવે નિભાવવા નથી. જિંદગીનાં બાકી રહેલાં વર્ષો દંભ વગર જીવવું છે. એ સાંભળીને કેટલાય લોકોના ચહેરા આંખ સામે નાચી રહ્યા. એક ફ્રેન્ડ પરદેશ રહે છે. વરસમાં એક વાર ભારત આવે ત્યારે પોતાના પરિવાર સાથે રહેવાનું થાય, પણ અચૂક તેનો અહીંનો સ્ટે સંતાપ અને સ્ટ્રેસથી ભરેલો રહે. બીજી એક ફ્રેન્ડ કહેતી કે મારા ઘરનું વાતાવરણ એટલું કંકાસમય છે કે મને કામ પરથી રાત્રે ઘરે પાછા જવાનું મન જ નથી થતું. કદાચ આટલી હદે નહીં પણ અમુક અંશે આવો અનુભવ ઘણાને હશે. ઘરમાં દાખલ થઈએ ત્યારે દરવાજો ખોલવા આવેલી વ્યક્તિનો ચહેરો કાં તો તદ્દન સપાટ અને કાં તો તોબરો ચડાવેલો હોય. હવે આવી સ્થિતિમાં બહારથી આવેલી વ્યક્તિને એમ જ થાયને કે ક્યાં આવી ગઈ હું? અને જે ઘરના લોકો આપસમાં આવા તંગદિલી ભરેલા સંબંધો ધરાવતા હોય ત્યાં સતત હવામાં ભાર રહેવાનો જ અને ઘરનું વાતાવરણ હંમેશાં ભારઝલ્લું રહેવાનું.

તેની સામે કેટલાક પરિવારોમાં આપણને જતાં વેંત એક વણબોલી હૂંફનો અનુભવ થાય છે. અને તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એ કુટુંબોમાં રહેતા લોકોના પરસ્પર સંબંધો મીઠા છે. તેમને એકબીજા માટે લાગણી છે, સન્માન છે અને એ લોકો એકમેકની દરકાર કરે છે. દરેક વ્યક્તિ બીજી વ્યક્તિની જરૂરિયાતનો ખ્યાલ રાખે છે. ત્યાં સ્વાભાવિક પ્રેમ અને સહજ હસીખુશીનો માહોલ હોય છે. એક ફ્રેન્ડને ત્યાં ૯૫ વર્ષના વડીલ છે અને પંદર વર્ષનો ટીનેજર પણ છે. આમ છતાં તેમના ઘરનું વાતાવરણ એકદમ હળવું ફૂલ છે. આનો અર્થ એ નથી કે ત્યાં ક્યારેય વાસણ ખખડતાં નથી. બે વ્યક્તિ સાથે રહેતી હોય તો તેમના વચ્ચે પણ મતભેદ થાય. જ્યારે આ તો આખો પરિવાર. પરંતુ એ લોકો એ સ્થિતિને પાર કરી જાય છે, કેમ કે પાયાની ગરિમા કોઈ ચૂકતું નથી. યુવાનો વડીલોનો આદર કરે છે અને વડીલો તેમને સંભાળે. એ પરિવારમાં મહેમાન બનીને જનાર વ્યક્તિ પણ આ ખુશહાલીનો અનુભવ કરે છે.

જ્યાં કુદરતી કે સંસ્કારવશ આવા હેલ્ધી સંબંધો હોય એ જરૂર ટકાવી રાખવા જોઈએ, પરંતુ તન અને મન બન્નેને કોરી ખાય એવા ખોખલા સંબંધો ચહેરા પર ઉપરછલ્લું સ્મિત પહેરીને ટકાવવાનો કોઈ અર્થ ખરો? એના કરતાં પેલી ફ્રેન્ડે કહ્યું એમ આપણો અવાજ સાંભળીને જેના ચહેરા પર ચમક આવી જાય કે જેને મળતાં આપણો થાક ઊતરી જાય એવા સ્વજનો સાથેના સંબંધો ટકાવી રાખવાનો અભિગમ બહેતર નથી? હું માનું છું કે આપણને મળતાં જે ચહેરા ખીલી ઊઠે અને જેમને મળતાં આપણો થાક ભુલાઈ જાય એ સંબંધ સાચવવામાં શક્તિ વાપરવી જોઈએ.

જોકે આ વાંચીને લોકો ચોક્કસ દલીલ કરી શકે છે કે આનો મતલબ તો એ થયો કે જેની સાથે ન ફાવે તેની સાથે નહીં રહેવાનું. છેડો ફાડીને છૂટા થઈ જવાનું. ના, એવું કહેવાનો ઇરાદો બિલકુલ નથી. હેતુ ફક્ત પેલા ખુશહાલ પરિવાર તરફ આંગળી ચીંધવાનો છે. જો એ લોકો પોતાના પરિવારમાં સંબંધોની ગરિમા સાચવીને હળવાશથી રહી શકે છે તો આપણે પણ થોડો પ્રયત્ન કરીએ તો જરૂર આપણા ઘરમાં પણ તાણ અને તંગદિલીને આનંદ અને ખુલ્લાપણાથી રિપ્લેસ કરી શકીએ. આમેય કુટુંબમાં કિલ્લોલ હશે તો એ બીજી પૉઝિટિવ બાબતોને આપોઆપ ખેંચી લાવશે.

taru kajaria columnists