મરચેદાર મીઠાશ

10 July, 2019 11:18 AM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

મરચેદાર મીઠાશ

મરચેદાર મીઠાશ

સોશ્યલ સાયન્સ

મરચાંનું નામ પડે એટલે તીખા સ્વાદની કલ્પના થઈ આવે. મોટે ભાગે દરેક ઘરમાં લાલ-લીલાં મરચાંનો ઉપયોગ થતો જ હોય છે. ભોજનમાં મીઠું નાખો પછી જ સ્વાદ આવે એમ જ વઘારમાં મરચું તતડાવો તો એનો સ્વાદ અનેરો બની જાય છે.

મરચાંનું મૂળ સ્થાન દક્ષિણ અમેરિકા ગણાય છે. મરચાંની જુદી-જુદી જાત જેવી કે કાશ્મીરી મરચાં (કાશ્મીર), જ્વાલા મરચાં (ગુજરાત), ગંતુર મરચાં, (આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ), ઘોલરિયા મરચાં (તામિલનાડુ, આંધ્રપ્રદેશ), કંથારી મરચાં (કેરળ), બેડગી મરચાં (કર્ણાટક), કોલ્હાપુરી મરચાં (કોલ્હાપુર) તેમ જ લવિંગિયા મરચાં, બુલેટ મરચાં, દેશી મરચાં જેવી અનેક મરચાંની જાત ઉપલબ્ધ છે. મરચાંના છોડ કમર જેટલા ઊંચા વધે છે. લીલાં મરચાંનો ઉપયોગ ચટણી માટે થાય. આથેલાં મરચાંનો ઉપયોગ ભોજનમાં વિશિષ્ટ રુચિ પેદા કરે છે.

મરચાંના અનેક ઔષધીય ગુણો પણ છે તો સાથે મરચાંનો વધુપડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એટલે રુચિ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ મરચાંનો ઉપયોગ કરવો જોઈએ. મરચાંના તીખા ગુણ જેવો જ કોઈક વ્યક્તિનો સ્વભાવ પણ તીખો હોય. આવા સ્વભાવવાળી વ્યક્તિ તીખાશ સિવાય બીજું કંઈ ન આપી શકે એવું સ્વાભાવિક નિદાન કરી શકાય. વાતે-વાતે તમતમી જનારા સ્વભાવવાળી વ્યક્તિ મોટે ભાગે લોકોમાં અપ્રિય બની જાય છે. તેમનું માન જોઈએ એવું જળવાતું નથી.

દરેક વ્યક્તિનો સ્વભાવ ઊંડું અધ્યયન માગી લે છે. ખૂબ મીઠાશપૂર્વક બોલનારી વ્યક્તિ મનથી ખૂબ તીખી હોય એવુંય બને. ખૂબ તીખાશપૂર્વક બોલનારી વ્યક્તિના મનમાં મીઠાશ ધરબાયેલી હોય એવુંય બને. મરચાં જેવા સ્વભાવવાળી વ્યક્તિની માનસિકતા સમજીએ ત્યારે ખ્યાલ આવે કે વ્યક્તિને જે મળે એ જ વહેંચતી હોય છે. આમાં અપવાદરૂપ રહેલી વ્યક્તિ ખરેખર ધન્ય ગણાય. કડવાશની સામે કડવાશ ન પાથરનાર અને તીખાશની સામે તીખાશ ન વહેંચનાર વ્યક્તિ પાસેથી તેમની આ વિશિષ્ટ કલા શીખવાની હોય છે.

ભોજનમાં વપરાતાં મરચાંનું મૂળ સ્થાન હોય એ અનુસાર મરચાંની જાત અને તીખાશ નક્કી થાય. એમ સ્વભાવથી મરચાં જેવી વ્યક્તિમાં રહેલી મૂળ તીખાશનું કારણ જડી જાય તો એ વ્યક્તિ પણ વહાલી લાગવા લાગે. ભોજનમાં મરચાંનો પ્રમાણસર ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકે તો મરચેદાર વ્યક્તિની તીખાશનો પ્રમાણસર ઉપયોગ કરનારા વીરલાઓને ખરેખર શત-શત નમન.

કથાકારો તથા પ્રેરણાદાયી લેખો વ્યક્તિને પાણી જેવા બનવાનું કહે છે. પાણીને કોઈ પણ પાત્રમાં મૂકો, પાણી એ પાત્રનો આકાર ધારણ કરી લે છે. જો વ્યક્તિમાં આવો પાણીનો ગુણ હોય તો આવી વ્યક્તિ પોતાની સાથે બીજાના જીવનને પણ નવો માર્ગ આપે.

દરેક ઘરમાં મરચાં જેવા ઉગ્ર સ્વભાવવાળી અને પાણી જેવી શીતળ વ્યક્તિ હોય જ છે. પાણી ઉગ્રતાને શાતા આપે છે. આપણે હંમેશાં સાંભળીએ છીએ કે પતિ-પત્નીમાં એક ઉગ્ર બને તો બીજાએ શાંત રહેવું. એનો અર્થ એ જ છે કે આપણી અંદરની તીખાશને પાણી જેવી શીતળતા મળે તો તીખાશ ઓછી થવા લાગે.

મરચાં જેવા સ્વભાવવાળી વ્યક્તિ સાથે અદ્દલ એવું જ વર્તન કરવાથી કંઈ જ વળતું નથી. બે વ્યક્તિઓ ક્યારેય એકસરખા સ્વભાવવાળી હોય જ નહીં. આદત, આવડત, વર્તન જુદાં હોય ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને સહન કરે કે સ્વીકારે એ વ્યક્તિ પર નિર્ભર કરે છે. ભોજનમાં તીખાશ વધી જાય તો આપણે સાથે મીઠાશનો વિકલ્પ મૂકી દઈએ છીએ. જીવનમાં પણ એવું થાય તો!

વ્યક્તિના સ્વભાવની તીખાશ ત્યારે જ ઓછી થાય જ્યારે તેને મીઠાશનો વિકલ્પ મળે. તીખી વ્યક્તિ ભીતરથી ભાવુક હોય એવું બને. આવા સ્વભાવને સમજનાર અને સ્વીકારનાર વ્યક્તિ બહુ ઓછી મળી આવે. વ્યક્તિની અંદર તેનો અવગુણ બદલવો હોય તો તેને તેનો અવગુણ યાદ અપાવીને નહીં પણ તેનામાં મીઠાશ ભેળવીને તેના અવગુણને બદલી શકાય. બીજી વ્યક્તિનો સ્વભાવ બદલવો હોય તો પહેલી વ્યક્તિએ મીઠાશ પાથરવી પડે. ધીરે-ધીરે બીજી વ્યક્તિમાં સહજપણે બદલાવ આવતો જાય. તેના મનની તીખાશ ઓછી થતી જાય.

જેમ ઠોઠ વિદ્યાર્થીને ઠોઠનું બિરુદ મળે તો એની ભણવાની ઇચ્છા મરી પરવારે, પણ જો તેને પ્રોત્સાહન મળે તો એનું પરિણામ સો ટકા સારું જ આવે.

આ પણ વાંચો : શું તમારા ઘરે પુસ્તકો છે?

વ્યક્તિના તીખા તમતમતા સ્વભાવ પાછળ ઘણીબધી પરિસ્થિતિ જવાબદાર હોય છે. આપણે મોટે ભાગે વ્યક્તિને તેના સ્વભાવથી માપીએ છીએ, પણ તેની પરિસ્થિતિને માપી લઈએ તો દરેકને પ્રેમ કરતા થઈએ અને જીવન પણ સ્વાદિષ્ટ બની જાય. આજ પછી કોઈ મરચેદાર વ્યક્તિ મળી જાય તો તેનાથી દૂર જવાને બદલે તેને મીઠાશનો વિકલ્પ આપજો. શું ખબર તેના જીવનનો બદલાવ તમને અનેક દુઆ આપી જાય.

Sejal Ponda columnists