કૉલમ : બોલે તો હસને કા

03 April, 2019 10:52 AM IST  |  | સેજલ પોન્દા

કૉલમ : બોલે તો હસને કા

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

કોઈક વાત પર હસતાં હોઈએ ત્યારે આપણા ચહેરા પર સ્ટ્રેસ દેખાતો નથી. વિચારો તો ફરકતા પણ નથી. માણસ વિચારતાં વિચારતાં હસી શકે, પણ હસતાં હસતાં ક્યારે વિચારી ના શકે. અને હસતાં રહેવાનો આ જ મોટો ફાયદો છે. હસતાં હોઈએ ત્યારે વિચારોની સદંતર બાદબાકી થઈ જાય છે. જ્યારે આપણા જ વિચારો આપણને કનડતા હોય ત્યારે હસવું જોઈએ. અને એ ખોટા વિચારોને હસી કાઢવા જોઈએ.

હસતાં રહેવું એ કળા છે. એનો આધાર આપણું મન કેટલું ફ્રેશ છે એના પર છે. જોકે દરેક ભાવનાઓનો આધાર મન સાથે જ જોડાયેલો હોય છે. સંજોગો પ્રમાણે વિચારો ઘણી વાર આપણી પર એવા હાવી થવા લાગે કે એનાથી છૂટવું મુશ્કેલ લાગે. સતત એકના એક વિચાર, શું થશે? કેવી રીતે થશે? આવું કેમ થયું? શું કામ થયું? વગેરે જેવા પ્રશ્નો વગર ટિકિટના પ્રવાસીની જેમ ચાલ્યા જ કરે છે. આવા પ્રશ્નો થાય ત્યારે ખાસ ચેતી જવું જોઈએ. કારણ આવા પ્રશ્નો ડરમાંથી નીપજે છે. જાત પરનો, બીજા પરનો ભરોસો ઓછો થવા લાગે ત્યારે આવા પ્રશ્નો આપણને ઘેરી વળે છે, અને આપણી આસપાસ વિચારોની એવી વાડ બંધાઈ જાય છે કે એમાંથી બહાર નીકળવા આપણે ફાંફાં મારતા રહીએ છીએ.

મનમાં ઊઠતી ભાવનાઓ, જેવી કે દુ:ખ-સુખ, નારાજગી, ગુસ્સો, હાસ્ય એને કેટલા પ્રમાણમાં બહાર કાઢવી એનો આધાર આપણા પર હોય છે, પણ અમુક પરિસ્થિતિમાં આપણને ગુસ્સો આવી જાય. કોઈક વ્યક્તિ માટે નારાજગી થઈ જાય. દુ:ખ થાય ત્યારે આપણે આપણી જાતને પૂછવા નથી બેસતા કે કેટલા કિલો ગુસ્સો અને કેટલા લિટર નારાજગી બહાર કાઢું? આ ભાવનાઓ સહજ રીતે વધતાઓછા પ્રમાણમાં બહાર પડી જાય છે. એને ફોર્સફુલી રોકી શકાય નહીં. આવી ભાવનાઓને જો રોકવી હોય તો હસતાં રહેવું પડે. જ્યારે પણ આવી ભાવનાઓ આપણા પર અટૅક કરે ત્યારે અલર્ટ થઈ જવાનું. આ અટૅક વધશે, ઓછો નહીં થાય એની સભાનતા રાખવી પડે. ભાવનાઓનો અટૅક ઓછું ત્યારે જ થાય જ્યારે આપણે મનને કેળવ્યું હોય, સમજાવ્યું હોય કે આવું બધું થયા કરશે. મારે તો દરેક પરિસ્થિતિમાં હસતાં રહેવું છે.

વિચારોનું તો... ‘લોગ જુડતે ગયે કારવાં બનતા ગયા’ એના જેવું છે. એક માણસની પાછળ અનેક માણસો જોડાઈને એક કાફલો બને એમ એક વિચાર આવ્યો કે એક પછી એક વિચારોનો કાફલો બનતો જાય. નેગેટિવ વિચારો એટલા બધા હાવી થઈ જાય કે આપણે સારું કંઈ જોઈ જ શકતા નથી.

મૅચ્યોરિટી એટલે માત્ર બીજાને સમજી શકે એ નહીં. મૅચ્યોરિટી એટલે આપણી જાતને સરખી રીતે સમજી શકીએ ત્યારે આપણે મેચ્યોર્ડ થયા કહેવાઈયે. સેલ્ફ કંટ્રોલ એક બહુ મોટી સ્ટ્રેન્થ છે. ભાવનાઓનો ઊભરો આવે ત્યારે જાત પર કાબૂ કરવો પડે. એ માટે મનને શાંત કરી વિચારીએ કે આ પણ વીતી જશે, અને જાત પર હસી શકીએ તો જીવનમાં હળવાશ આવી જશે.

આપણે જ્યારે હસતા હોઈએ છીએ ત્યારે આપણી સામે અરીસો નથી હોતો. હસવું આવે છે કહીને આપણે દોડીને અરીસા સામે નથી જતા. એટલે આપણને ખબર નથી હોતી કે આપણે હસતા હોઈએ ત્યારે આપણો ચહેરો કેટલો ખીલી જાય છે. હા... સામેની વ્યક્તિ આપણને કહી દે કે તમે હસતા હો ત્યારે સારા લાગા છો, અને ફરી આપણા ચહેરા પર સ્મિત આવી જાય.

હસવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. એના પર કોઈ ટૅક્સ નથી. છતાં આપણે જોખી જોખીને હસીએ છીએ. દિવસમાં કેટલી વાર ખુલ્લા મને હસીએ છીએ એનો હિસાબ કરવા બેસીએ તો મીડું જ આવે. દરેક વાતમાં સોગિયું મોઢું લઈ ફરવું આપણને કોઠે પડી ગયું છે. જે લોકો નાની નાની વાતે ઉશ્કેરાઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે, ઓવર રીઍક્ટ કરે છે એમણે રોજ પોતાનો ચહેરો અડધો કલાક સુધી અરીસામાં જોતા રહેવું જોઈએ. અડધો કલાક પછી તમારું જ સોગિયુ મોઢું જોઈને તમને કંટાળો આવવા લાગશે. તો બીજાને તમારું ચઢેલું મોઢું જોઈને કેવું લાગતું હશે વિચારો.

જો મને જ મારી જાતથી કંટાળો આવવા લાગે તો બીજી વ્યક્તિના શું હાલ થાય! કોઈક રમૂજી કિસ્સો યાદ કરીને આપણે હસીએ છીએ એ જ રીતે કોઈ કિસ્સો યાદ ન આવે તો પણ હસતાં રહેવું જોઈએ. અમુક વ્યક્તિ અને પરિસ્થિતિને હસી કાઢવાથી બોજો હળવો થઈ જાય છે. હા, પણ કોઈના ખરાબ સંજોગો પર ક્યારેય હસવું ન જોઈએ.

આ પણ વાંચો : બીજા પર નિયંત્રણ કરવાનું છોડી દઈએ

જીવનમાં હળવાશ અનુભવવી હોય તો સિરિયસ ટાઇમની વચ્ચે બ્રેક લઈ હસી લેવું જોઈએ. હવે તો સમયસર પાણી પી શકીએ એ યાદ અપાવતી મોબાઇલ ઍપ નીકળી છે. દર કલાક બે કલાકે એનો અલાર્મ વાગે અને આપણને યાદ અપાવે કે પાણી પીવાનું છે. શું એવું ન થઈ શકે કે આપણે આવી જ રીતે આપણી જાતને યાદ અપાવતાં રહીએ કે ‘હસવાનું છે. હસો ’.

Sejal Ponda columnists