શું તમારા ઘરે પુસ્તકો છે?

03 July, 2019 11:06 AM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

શું તમારા ઘરે પુસ્તકો છે?

પ્રતીકાત્મક તસવીર

હમણાં જ એક પ્રાર્થનાસભામાં પુસ્તક આપ-લેનો નોખો કિસ્સો જાણવા મળ્યો. આવા પ્રયત્નો એક તો ભાષાને જીવંત રાખશે અને કાટ ખાઈ ગયેલા મનને પણ જીવંત કરી દેશે. જીવનમાં કોઈ સારો પ્રસંગ ઊજવવાનો હોય એ સમયે મોંઘીદાટ ગિફ્ટ કે ફૂલોની જગ્યાએ પુસ્તકો ભેટ આપવાં જોઈએ. એક પુસ્તક જ્યારે હાથમાં આવે છે ત્યારે એની હૂંફ અનુભવી શકાય છે. પુસ્તકના પાનાનો સ્પર્શ એક અલગ પ્રકારની શાતા આપે છે

સોશ્યલ સાયન્સ

કવિ સુરેશ દલાલનું સૂત્ર હતું કે ‘પુસ્તકો વિશ્વ તરફ ઊઘડતી બારી છે.’ પુસ્તક આપણો સૌથી સારો સાથી કહેવાય છે. જેણે પુસ્તકને દોસ્ત બનાવ્યાં છે તે ક્યારેય એકલતા અનુભવતા નથી.

પુસ્તક આપણને નવા વિશ્વની સફર કરાવે છે. પુસ્તક આપણને આપણી ભીતર પ્રવેશવાનો મોકો આપે છે. પુસ્તક આપણને તારે છે, ઠારે છે અને મઠારે છે.

ગુજરાતી પુસ્તકોની વાત કરીએ તો હાલમાં વાચકની સંખ્યા ઘટતી જાય છે. પુસ્તકની ખરીદી ઓછી થઈ ગઈ છે. પુસ્તક પ્રકાશકોના માથે પબ્લિશિંગ હાઉસ બંધ થઈ જશે એવો ભય તોળાઈ રહ્યો છે. પુસ્તક યોજનારૂપે બંધાયેલા સભ્યોનું સભ્યપદ પણ ઘટતું જાય છે. લવાજમ ભરી ડિસ્કાઉન્ટમાં ખરીદાતાં પુસ્તકો પણ ધૂળ ખાય છે. લવાજમ ભરી પુસ્તક મેળવવામાં કોઈને રસ રહ્યો નથી. અમુક વેબસાઇટ પર ફ્રી રીડિંગ ઉપલબ્ધ હોવાથી એનો માર પણ પુસ્તક પ્રકાશકને પડ્યો છે.

ગુજરાતી ભાષા બોલતી આખેઆખી પેઢી અસ્ત થવા તરફ પ્રયાણ કરી રહી છે. ગુજરાતીઓનાં ઘરોમાં યુવાપેઢીને ગુજરાતી ભાષાનો મેળાપ જ નથી થયો. તો પુસ્તકો તો ક્યાંથી વાંચે! અંગ્રેજી મીડિયમમાં ભણતાં બાળકોને ઘરે ગુજરાતી શીખવવાની તસ્દી જ લેવામાં નથી આવતી તો ભાષા ક્યાંથી બચે? ખુદ મોટા-મોટા સાહિત્યકારોનાં ઘરમાં તેમનાં સંતાનો અને સંતાનોનાં બાળકોને ગુજરાતી વાંચતાં-લખતાં નથી આવડતું આ પણ કડવું સત્ય તો છે જ. રોજની બોલીમાં અંગ્રેજીના વપરાશે ગુજરાતી પુસ્તકોને ધૂળ ખાતાં કરી દીધાં છે.

કોઈ પણ ભાષા જ્યારે અલોપ થવાની અણી પર હોય ત્યારે એની સંસ્કૃતિ પણ અલોપ થતી જાય. અમુક ભારીભરખમ લખતા અને પોતાને બહુ મોટા સાહિત્યકારો સમજતા લેખકો નવા સર્જકને આવકારતા નથી. નવા સર્જક સમજાય એવી બોલચાલની ભાષા લખતો હોય તો એમાં પણ તેમને વાંધાવચકા હોય છે. તેમની ભારીભરખમ ભાષા સામાન્ય લોકોને સમજાતી જ ન હોય તો એનો શું અર્થ છે? સાહિત્ય લોકો સુધી પહોંચાડવું હોય તો એ સરળ હોવું જોઈએ. લોકભોગ્ય હોવું જોઈએ. કોઈ વાચક કવિતા, વાર્તા કે નવલકથા વાંચતો હોય તો તેને ડિક્શનરી લઈને બેસવું પડે તો અઘરું પડે.

એવું કહેવાય છે કે જે ઘરમાં પુસ્તકો જોવા મળતાં નથી, જે ઘરમાં સંગીત સંભળાતું નથી એ ઘરના લોકોથી ડરવું જોઈએ. સાચી વાત છે. પુસ્તક અને સંગીત આપણને આપણી સંસ્કૃતિ અને આપણાં મૂલ્યોથી જોડે છે.

પુસ્તકો નવી સંસ્કૃતિ, નવા લોકો, નવી બોલી, નવાં પાત્રોનો પરિચય કરાવે છે. જીવનચરિત્રરૂપે પ્રગટ થયેલાં પુસ્તકો બીજાની જિંદગીમાં દાખલ થવાની અને કશુંક શીખવાની તક આપે છે. જીવનથી હારી ગયા હોઈએ ત્યારે આત્મકથાલક્ષી પુસ્તકો વ્યક્તિએ કરેલા સંઘર્ષ, તેણે સહેલાં દુઃખો સાથે મેળાપ કરાવે છે. જ્યારે કોઈક મહાન વ્યક્તિનું જીવનવૃત્તાંત વાંચીએ ત્યારે ભાંગી પડેલું મન મજબૂત થવા લાગે. એક અલગ પ્રકારની ઊર્જા નિર્માણ થવા લાગે અને આપણા માનસપટ પરથી વિસરાઈ ગયેલું વાક્ય કે ‘કોઈ પણ સંજોગોમાં વહેતા રહેવું એ જ જીવન છે’ ફરી પોતાની પકડ જમાવી લે છે.

પ્રેરણાત્મક અને ચિંતનાત્મક પુસ્તકો વાંચી કેટકેટલા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યાં છે. ડિપ્રેશનનો શિકાર હોય એવા ઘણા લોકોને આવાં પુસ્તકોથી ચોક્કસ ફાયદો થયો છે અને તેઓ જીવનમાં આગળ વધી શક્યા છે એવા અનેક દાખલાઓ છે.

પુસ્તકમાં વ્યક્તિત્વ અને જીવન બન્ને બદલવાની તાકાત છે. જેમ મિત્રો આપણા જીવનમાં બદલાવ લાવે છે એમ પુસ્તકો પણ જીવન બદલવામાં મોટો ભાગ ભજવે છે.

જીવનમાં કોઈ સારો પ્રસંગ ઊજવવાનો હોય એ સમયે મોંઘીદાટ ગિફ્ટ કે ફૂલોની જગ્યાએ પુસ્તકો ભેટ આપવાં જોઈએ. એક પુસ્તક જ્યારે હાથમાં આવે છે ત્યારે એની હૂંફ અનુભવી શકાય છે. પુસ્તકના પાનાનો સ્પર્શ એક અલગ પ્રકારની શાતા આપે છે. પુસ્તકની હૂંફ રોજની હાફને અમુક પ્રમાણમાં જરૂર ઓછી કરી નાખે છે. જે મજા પુસ્તક હાથમાં રાખી વાંચવામાં છે એ મજા ડિજિટલ રીડિંગમાં નથી.

હમણાં જ એક પ્રાર્થનાસભામાં પુસ્તક આપ-લેનો નોખો કિસ્સો જાણવા મળ્યો. આવા પ્રયત્નો એક તો ભાષાને જીવંત રાખશે અને કાટ ખાઈ ગયેલા મનને પણ જીવંત કરી દેશે.

આ પણ વાંચો : બાળક પાસેથી ત્રણ શીખવા જેવી વાત

પુસ્તક ખરીદવામાં ક્યારેય કંજૂસાઈ કરવી નહીં. મનની બારીને વિશ્વ તરફ જો કોઈ ઉઘાડી શકે છે તો એ છે પુસ્તક. પુસ્તક ઘરના કોઈક ખૂણામાં પડ્યું હોય તો એને પોતીકું કરી લો. ઘરમાં પુસ્તકની ગેરહાજરી હોય તો ખરીદી લો. પુસ્તક આપણી ત્રીજી આંખ છે.

Sejal Ponda columnists