કેવી રહી દિવાળી?

30 October, 2019 03:22 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

કેવી રહી દિવાળી?

દિવાળી

દિવાળી વીતી ગયા પછીનો સૌથી મોટો પ્રશ્ન કેવી રહી દિવાળી? કોઈ કહેશે આ વખતે દિવાળી જેવું લાગતું જ ક્યાં હતું? કેટલી મંદી હતી! કોઈ કહેશે અમે તો દર દિવાળીએ બહારગામ હોઈએ એટલે ઝંઝટ જ નહીં. કોઈ કહેશે અરે! દિવાળીમાં પણ ઑફિસ ચાલુ હતી. દિવાળીમાં કામ જ કર્યા કર્યું છે. શેની દિવાળી? જુદી-જુદી વ્યક્તિઓ પાસેથી દિવાળી કેવી રહી એના જુદા-જુદા જવાબો મળશે.

મોટા ભાગના લોકોની દિવાળી વૉટ્સઍપ, ફેસબુક, ઇન્સ્ટા પર ઊજવાઈ હશે.  આંખોને આકર્ષક લાગે એવા દિવાળી ફોટો, દિવાળી મેસેજિસ, વિડિયો ફૉર્વર્ડ કરી એકબીજાને દિવાળીની શુભેચ્છા અપાઈ હશે. હવે તો લોકો પોતાના પર્સનલ ફોટો સાથે દિવાળીની શુભેચ્છા વૉટ્સઍપમાં મોકલતા હોય છે. ખોટું નહીં લગાડતા, પણ એમાં ઘણી વાર એવું બને કે સવાર-સવારમાં વૉટ્સઍપ ઓપન કરીએ અને જેનાં મોઢાં ન જોવાં હોય તેના પણ ફોટો સામે આવી જાય. અને પછી આપણે અડધા મેસેજિસ, ફોટા, વિડિયો વાંચીએ ન વાંચીએ અને ધડાધડ ડિલીટ કરવાના પ્રોસેસમાં લાગવું પડે. એનાથી ઊંધું ઘણા તો આવેલા મેસેજિસ પહેલાં ફૉર્વર્ડ કરવા મંડી પડે.

મને આવી દિવાળી ફીકી લાગે છે. બધું જ મટીરિયલિસ્ટિક દેખાય. માત્ર વ્યવહાર સાચવવા ધડાધડ બધાને દિવાળી મેસેજ ફૉર્વર્ડ કરી જાણે લોકો પોતાની હાજરી પુરાવી ફૉર્માલિટી પૂરી કરતા હોય એવું લાગે. દિવાળીમાં બધાને જ મળીને સામસામે શુભેચ્છા આપવી શક્ય નથી એ વાત પણ સમજી શકાય. પણ જ્યાં મળી ન શકાય ત્યાં અવાજ તો સાંભળી શકાયને? ફૉર્વર્ડેડ મેસેજિસની મૂંગી-મૂંગી દિવાળીથી વ્યવહાર સચવાતા હશે, સંબંધો નહીં. સંબંધ સાચવવા આત્મીયતા જોઈએ. આપણા તરફથી સો, બસો કે ત્રણસો જણને દિવાળીના મેસેજ કરી દીધા એટલે આપણે છુટ્ટા એવી તહેવારની ઉજવણી થોડી હોય? દૂર રહેતા લોકો માટે ઘરે દિવાળી કાર્ડ અને ગિફ્ટ મોકલીએ એ સમજી શકાય. ઍટ લીસ્ટ એ દિવાળી કાર્ડ હાથમાં લઈ સંબંધની હૂંફ તો અનુભવી શકાય છે, પણ આ મોબાઇલમાં ઢગલાબંધ આવતા મેસેજિસમાં હૂંફ જ નથી લાગતી.  એકબીજાને ભેટીને હાથ મિલાવીને મળતી હૂંફનો અનુભવ અલગ જ હોય છે. દરેક જગ્યાએ આવી હૂંફ શક્ય નથી હોતી ત્યાં શબ્દોની હૂંફ વહેતી થવી જોઈએ, પણ અવાજ સ્વરૂપે ભલેને પછી એ શુભેચ્છા ફોન ઉપર કેમ ન હોય. અવાજ સાંભળીને સામેવાળી વ્યક્તિનો ઉત્સાહ, આત્મીયતા મહેસૂસ તો થાય.

હવેની દિવાળી હૃદયને સ્પર્શતી નથી, માત્ર મોબાઇલમાં સમાઈ જાય છે. આંગળીનો સ્પર્શ સંબંધોને નહીં મોબાઇલને સ્પર્શતો હોય એવું લાગે છે. સ્પર્શની, શબ્દોની, આંખોની એક અલગ ભાષા અને હૂંફ હોય છે. દિવસે-દિવસે માતૃભાષાની જેમ આ ત્રણે હૂંફ ખોવાતી જાય છે.

પહેલાં જ્યારે ફોન નહોતો ત્યારે વારે તહેવારે કાગળ લખવાની પ્રથા હતી. ફરીથી આ પ્રથા જીવંત કરવાનું મન થઈ આવે. કોઈને કાગળ લખીએ એમાં આપણો ઉમળકો, આપણો તેમના માટેનો પ્રેમ શબ્દો દ્વારા વહેતો થાય. તેમની આંખો જ્યારે એ વાંચશે ત્યારે ચહેરા પર સ્મિત જરૂર આવશે અને એ પત્ર હંમેશાં માટે સચવાઈ રહેશે. જ્યાં મળવાની શક્યતા નથી ત્યાં પોતીકાપણું લાગે એવા શબ્દો કાગળ સ્વરૂપે આત્મીય જન સુધી પહોંચે તો ગમે ત્યારે એ કાગળ ખોલીને વ્યક્તિને યાદ તો કરી શકાય.

ઘણા લોકો પાસે જૂની દિવાળીની યાદો યાદ કરતાં જ તાજી થઈ જતી હશે. મોબાઇલ વગરની એ દિવાળીની રોનક જ અનોખી હતી. ઘરમાં રોશની રહેતી અને હૃદયમાં અજવાળું પથરાતું. ડિજિટલ દુનિયામાં જીવતા લોકો પાસે દિવાળીની વાતો શૅર કરવા કંઈ બચશે ખરું?

એવો પણ એક વર્ગ છે જે દિવાળીના દિવસોમાં બીજાની જિંદગીમાં ખુશી પાથરવા મચી પડતો હોય. બીજાના ચહેરાની ખુશી એ જ તેમને મન દિવાળી. જરૂરિયાતમંદ લોકોને પૂરતી મદદ કરી આવો વર્ગ પોતાનું જીવન અજવાળતો હોય છે. બીજાની જિંદગીમાંથી પસાર થઈએ ત્યારે કેટકેટલા અનુભવો, કેટકેટલી કથાઓ જીવન સાથે જોડાતી જાય છે.

આ પણ વાંચો : એક વો ભી દિવાલી થી એક યે ભી દિવાલી હૈ ઉજડા હુઆ ગુલશન હૈ રોતા હુઆ માલી હૈ

દિવાળી માત્ર પોતાના જ ઘરમાં કે જીવનમાં પ્રકાશ પાથરવાનું પર્વ નથી. દિવાળી પોતાની સાથે બીજાના જીવનને અજવાળવાનું પર્વ છે. મોબાઇલની માયા વગરની દિવાળી માણી તો જુઓ. અને પછી જ્યારે કોઈ પૂછશે કેવી રહી દિવાળી? ત્યારે જવાબ કંઈ જુદો જ હશે.

diwali columnists Sejal Ponda