મિત્રો આપણી લાઇફલાઇન

29 May, 2019 01:02 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

મિત્રો આપણી લાઇફલાઇન

પ્રતીકાત્મક તસવીર

 

સંપૂર્ણ ભરોસો મૂકી શકાય એવો મિત્ર જીવનમાં હોય તો સમજી લો કે તમે સૌથી નસીબદાર વ્યક્તિ છો. કોઈ પણ સંબંધનો પાયો ભરોસો અને સમજદારી છે. મૈત્રીમાં ભરોસો અને સમજદારી સહજતાથી નિર્માણ થાય છે.

લોહીના સંબંધની પસંદગી નથી હોતી, પણ મૈત્રી પસંદગીનો સંબંધ છે. અનેક માણસો મળે એમાં કોઈક સાથે આપણા મૈત્રીના તાર રણઝણે, અને એકબીજા સાથે આત્મીયતા બંધાઈ જાય.

મિત્રો એકબીજાના ભિન્ન સ્વભાવ અને વ્યવહારને સાચવી લે છે, પચાવી લે છે અને સ્વીકારી લે છે. સ્વભાવની ભિન્નતા જ્યાં સ્વીકારાય છે એ સંબંધ એટલે મૈત્રી. કારણ મોટા ભાગની કૉન્ફિલક્ટ સ્વભાવની ભિન્નતા અને અપેક્ષામાંથી જન્મે છે. જ્યાં અપેક્ષા નથી એ મૈત્રી છે. એકબીજાની વિચિત્રતા જ્યાં સ્વીકારાય છે એ મૈત્રી છે. મૈત્રીમાં વિચારોની સ્વતંત્રતા અને ઉદારતા હોય છે.

મૈત્રીને દોસ્તી પણ કહેવાય છે. દોસ્ત આપણી અંદર નવી આશા જગાડે છે એટલે આપણે જ્યારે ચિંતામાં હોઈએ કે ભાંગી પડીએ ત્યારે દોસ્તને ગમે ત્યારે જગાડી શકાય છે. દોસ્ત આપણાં વિખરાયેલાં સપનાંને સમેટી આપે છે. આપણને ફરી સપનાં જોતો કરે છે. દોસ્તીમાં વચન નથી હોતાં એટલે જ દોસ્તીનો ક્યારેય ભાર નથી લાગતો, અને દોસ્તીમાં ક્યારેય આભાર માનવાનો નથી હોતો.

દોસ્ત આપણા બદલાતા મૂડને સાચવી લે છે. આપણને ચૂપચાપ હૂંફ આપે છે. મિત્ર આપણને લાઇફ ઇઝ ફાઇનનો અહેસાસ કરાવે છે. મિત્ર પાસે આપણે ખીલીએ છીએ, ખૂલીએ છીએ. મિત્ર અંધારમાં પડછાયો બનીને ઊભો રહે છે. અંધારામાં પડછાયો દેખાતો નથી છતાં મૈત્રીનો પડછાયો હોય છે ખરો. એમ તો હવા પણ નથી દેખાતી છતાં એની હયાતીને નકારી ન શકાય. મિત્ર અજવાળામાં દીવાની જેમ ઊભો રહે છે. અજવાળામાં દીવાની જરૂર નથી હોતી, પણ મિત્ર દીવો લઈ આપણા અજવાળાને ઉજાળે છે.

ઘણી વાર આપણે વગર કારણે મિત્ર પર ગુસ્સે થઈ જઈએ છીએ. બીજાનો ગુસ્સો મિત્ર પર નીકળી જાય છે ત્યારે મિત્ર ચૂપચાપ સાંભળી લે છે, કારણ એ માપી લે છે કે આ સમયે આપણી મનોદશા ઠીક નથી. બધું જ બરાબર હોય ત્યારે નહીં પણ બધું જ વિખરાયેલું હોય ત્યારે કોઈ પણ ફરિયાદ કર્યા વગર, ખુલાસા માગ્યા વગર જે આપણને સાચવે છે એ મિત્ર છે.

મિત્રો વચ્ચે ગેરસમજણ ન થાય એવું નથી, પણ એ ગેરસમજણને ભૂલીને બીજા દિવસે ફરી જેવા હતા તેવા એકબીજા સાથે ભળી જાય એ દોસ્ત કહેવાય. એવી દોસ્તી ક્યારેય અસ્ત નથી થતી.

મિત્રને જ્યારે અંગત વાતો કરીએ ત્યારે એને કહેવાનું ન હોય કે આ વાત કોઈને કહેતો નહીં. મિત્ર એ આપણી તિજોરી છે. આપણી અંગત વાતોને મિત્ર ખૂબ જતનથી સાચવે છે.

મૈત્રીમાં પ્રેમ અને લાગણી તો હોય છે, પણ એમાં સમજદારી ભળે છે એટલે એ મૈત્રી કહેવાય છે. મિત્ર માત્ર ઉજવણીમાં જ નહીં, ઉદાસીમાં પણ પડખે ઊભો રહે છે.

મિત્ર આપણી સંકટ સમયની સાંકળ હોય છે. મિત્ર ક્યારેય એ સાંકળમાં આપણને બાંધતો નથી, પણ આપણને સંકટથી મુક્ત થવામાં મદદ કરે છે.

મિત્રતામાં પણ ઉતાર-ચઢાવ આવે છે. અમુક મિત્ર ગેરસમજણ થતાં દૂર થઈ જાય છે. એ ખરા મિત્રો નથી હોતો. મિત્ર દૂર થાય ત્યારે એને સાદ પાડવાનો હોય, પણ જો એ પાછો ફરવા ના માગતો હોય તો એને જવા દેવાની ઉદારતા પણ રાખવી જોઈએ.

મૈત્રી એકબીજાના હૃદયમાં કરવાની મુસાફરી છે. આ મુસાફરીમાં અણગમતી બાબતોને સાચવી લેવાની હોય, મિત્ર સાથે વાત કરવા, કારણ કે વિષય શોધવાની જરૂર પડતી નથી. મિત્રો સાથે સહજતાથી વાત વહેતી થાય છે.

એક જ બારી પાસે ઊભા રહીને જુદી જુદી દિશામાં જોતા હોઈએ છતાં એકબીજાના વિચારોનું સન્માન કરીએ એને દોસ્તી કહેવાય. જ્યારે જગત તમને ધુતકારી દે છે ત્યારે મિત્ર આપણને સ્વીકારે છે. મિત્ર આપણા પર વિfવાસ મૂકે છે.

જેની સાથે કારણ વગર હસી શકાય, જેની પાસે કારણ સાથે રડી શકાય એ મિત્ર. મૈત્રી આપણી શ્રીમંતાઈ છે. જે મિત્ર આપણી અસહમતીમાં સહમતી બતાડે એ મિત્ર સૌથી ઉદાર કહેવાય છે. 

બે ભાઈઓ, બહેનો, બાપ-દીકરા વચ્ચે પણ દોસ્તી હોઈ શકે છે. લોહીના સંબંધમાં પ્રવેશતી દોસ્તી સંબંધને જમીનદોસ્ત થવા દેતી નથી. મિત્ર ખોવાઈ શકે, પણ મિત્રતા ક્યારેય ખોવાતી નથી.

આ પણ વાંચો : કૉલમ: રન દાદી રન

મિત્રો આપણી લાઇફલાઇન છે. મિત્રતાની એક્સપાયરી ડેટ નથી હોતી. મિત્રો લાગણીના હિસાબો નથી માંડતા. એટલે જ મિત્ર દરિયા જેવા હોય છે. શું તમારી જિંદગીમાં આવા મિત્રો છે? શું તમે કોઈની જિંદગીમાં આવી મિત્રતા ઉમેરી શકો છો?

Sejal Ponda columnists