કૉલમ: દરેક વ્યક્તિ એક પાઠશાળા છે

22 May, 2019 01:05 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

કૉલમ: દરેક વ્યક્તિ એક પાઠશાળા છે

શાહરૂખ અને કાજોલ

રસ્તામાં, મુસાફરી દરમ્યાન, ટ્રાવેલ કરતી વખતે અચાનક કોઈક વ્યક્તિ મળી જાય અને આપણે તેને ઓળખી ન શકીએ એવું ઘણી વાર બને છે. જેને આપણે ઓળખતા હતા એ આખેઆખો માણસ જ ભુલાઈ જાય એ મોટી ઘટના છે. પછી એ વ્યક્તિ આપણને તેની ઓળખાણ આપે અને આપણને તેનો પરિચિત ચહેરો યાદ આવી જાય. આપણે બોલી ઊઠીએ કે ઓહો. માફ કરજો, હું તમને ઓળખી ના શકી કે ઓળખી ના શક્યો. ઘણાં વર્ષે મળ્યા એટલે.

આપણી જિંદગીમાં એવી કેટલીયે વ્યક્તિઓ છે, જેને આપણે બે-ત્રણ-પાંચ કે દસ વર્ષથી મળ્યા જ નથી. તેમને જોયા નથી. તેમનો અવાજ પણ નથી સાંભળ્યો. ભૂતકાળમાં એ વ્યક્તિએ કોઈ ને કોઈ રીતે આપણી જિંદગીમાં પ્રભાવ પાડ્યો હોય. મદદ કરી હોય કે નુકસાન કર્યું હોય. આપણી જિંદગીમાં જે વ્યક્તિઓ આવે એ દરેક આપણને કંઈક ને કંઈક શીખવીને જ જાય છે.

દરેક વ્યક્તિ એક પાઠશાળા છે, પણ આપણે ક્યારેય કોઈને એ દૃષ્ટિથી જોતા નથી. આપણા માટે સંબંધો સ્વાર્થ, સગવડ, કમ્ફર્ટનેસ અનુસાર ટકે છે અથવા તો આપણે એને દૂર કરી દઈએ છીએ. નવો સંબંધ બંધાય એટલે થોડા સમય પછી આપણે એને જજ કરવા લાગીએ છીએ. અભિપ્રાય બાંધવા લાગીએ છીએ. અમુક વ્યક્તિઓ આપણને સારી લાગે. અમુક વ્યક્તિઓ આપણી નજરમાં ખૂંચવા લાગે. કોઈકને આપણે નિ:સ્વાર્થ પ્રેમ કરીએ. કોઈક માટે જીવનના અંત સુધી નફરત લઈને ફરીએ.

બે વ્યક્તિને એકબીજા સાથે ખૂબ ફાવતું હોય તો આપણે કારણો શોધવા લાગીએ કે આ બન્નેને એકબીજા સાથે કેમ આટલું બધું ફાવે છે? અને ન ફાવતું હોય એનાં પણ કારણો શોધવા લાગીએ છીએ. આપણી એનર્જી‍ આવાં ક્ષુલ્લક કારણો શોધવામાં વેડફાઈ જાય છે.

દિવસ દરમ્યાન એક વ્યક્તિને લઈ આપણે કેવા વિચારો કરીએ છીએ? હાલમાં આપણી જિંદગીમાં જેટલી પણ વ્યક્તિઓ સાથે આપણો વ્યવહાર છે, પર્સનલ કે પ્રોફેશનલ, આપણે તેમના વિશે કેવા વિચારો કરીએ છીએ? આંખ સામે એ બધી જ વ્યક્તિઓને મૂકી દો. સમજો કે તમારી સામે તે દરેક વ્યક્તિની ફોટોફ્રેમ મૂકેલી છે. તમે કોઈ ફોટો એક્ઝિબિશન જોવા આવ્યા હો એ રીતે દરેક ફોટોફ્રેમ સામે ઊભા રહો. એ વ્યક્તિને યાદ કરી તમને કેવા વિચારો આવે છે? તમારા મનમાં કેવા ભાવ ઊપજે છે? તમને ખુશી થાય છે કે પછી ગુસ્સો આવે છે?

દરેકેદરેક વ્યક્તિ વિશે વિચારતાં મનમાં જુદા જુદા ભાવ ઉત્પન્ન થશે. કોઈક વ્યક્તિ વિશે વિચારતાં મનમાં આનંદની છોળ ઊડશે. કોઈક વ્યક્તિ વિશે વિચારતાં ચહેરા પર સ્માઇલ આવી જશે. તો બીજી વ્યક્તિનો ચહેરો સામે આવી જતાં તેના માટે કરુણા જન્મશે. કોઈક માટે દુ:ખ થશે, તો કોઈક માટે ક્રોધ આવી જશે. નફરત નિર્માણ થશે, તો કોઈક માટે પ્રેમ ઊભરાશે.

આનંદ, સ્માઇલ, કરુણા, દુ:ખ, ક્રોધ, નફરત, પ્રેમ આ દરેક ભાવ બીજી વ્યક્તિ સાથે આપણા કેવા વ્યવહાર રહ્યા છે એ પ્રમાણે આપણામાં નિર્માણ થતા જાય છે. તો થઈ ગઈને દરેક વ્યક્તિ આપણી જીવતી પાઠશાળા? કોઈકે આનંદમાં રહેતાં શીખવ્યું, કોઈકે હસતાં શીખવ્યું. કોઈકે ક્રોધ, નફરત, પ્રેમ કરતાં શીખવ્યું. દરેકેદરેક વ્યક્તિ સાથેના સંબંધમાં જીવવાની બહુ મોટી શીખ મળતી રહે છે. જે વ્યક્તિ માટે આપણને કરુણા, આનંદ, પ્રેમ જનમ્યો હોય એ ભાવ બીજી વ્યક્તિને આપણા માટે જન્મે તો એનું જીવન પણ આનંદ, પ્રેમ, કરુણાથી છલકાઈ જાય. જે વ્યક્તિ માટે આપણને નફરત, ક્રોધ જનમ્યો છે એવો જ ભાવ બીજી વ્યક્તિને આપણા માટે જન્મે તો એના જીવનમાં નફરત અને ક્રોધ રહેવાનાં.

આપણા મનમાં જ્યારે બીજી વ્યક્તિ માટે નફરત, ક્રોધ, ઈર્ષા જન્મે છે ત્યારે આપણે આ નેગેટિવ ભાવને આપણી અંદર એટલો ઇન્વૉલ્વ કરી લઈએ છીએ કે જ્યારે જ્યારે એ વ્યક્તિ સામે આવે કે એની વાતો પણ થાય તો તરત આપણાં ભવાં ચઢી જાય છે. આપણે એ વ્યક્તિ માટે વધુ નેગેટિવ વિચારવા લાગીએ છીએ.  પ્રેમ, આનંદ, ખુશી જેવા ભાવ મનમાંથી ફટાક કરતા ઊડી જાય છે, પણ નફરત, ક્રોધ, ઈર્ષા જેવા ભાવ પલાંઠી વાળીને બેસી જાય છે. અમુક સંજોગોમાં તો એવી વ્યક્તિ હેરાન નથી કરતી એટલા એના વિચારો આપણને વધુ હેરાન કરી મૂકે છે.

આ પણ વાંચો : તમામ ઉમ્ર કહાં કોઈ સાથ દેતા હૈ યે જાનતા હૂં મગર થોડી દેર સાથ ચલો

ફોટો એક્ઝિબિશનમાં ફોટા જોતી વખતે જે ફોટો આપણને ગમતો નથી ત્યાં આપણે વધુ વખત ઊભા રહેતા નથી. આપણે આગળ ચાલવા લાગીએ છીએ. જીવનમાં પણ આ જ કરવાનું છે. ન ગમતી વ્યક્તિ, વિચારો આગળ અટકવાનું નથી. એ ભાર લઈને ચાલવાનું નથી. જ્યારે આપણે ક્રોધ, ઈર્ષા, નફરત જેવા નેગેટિવ ભાવને આપણા પર હાવી થવા દેતા નથી ત્યારે આપણી એનર્જી‍ પૉઝિટિવ વ્યક્તિ, વિચારો અને ભાવ તરફ આપોઆપ ખેંચાતી જાય છે. મનમાં ઊઠતા નેગેટિવ ભાવને આપણે રોકી શકતા નથી, પણ જ્યારે આવા ભાવ ઉત્પન્ન થાય ત્યારે એને બહુ પંપાળવાના ન હોય. એને ખંખેરીને આગળ ચાલવાનું હોય. આવા ભાવ, વિચાર અને વ્યક્તિને કહી દેવાનું કે આઇ ઍમ નૉટ ઇન્ટરેસ્ટેડ. મને તમારો ભાર ઊંચકવામાં કોઈ રસ નથી. મારી પાસે તમને એન્ટરટેઇન કરવાની એનર્જી‍ નથી. આપણે જ્યારે આ શીખી જઈએ છીએ ત્યારે અડધોઅડધ પ્રોબ્લેમ્સ આપોઆપ સૉલ્વ થઈ જાય છે. ટ્રાય કરી જુઓ.

Sejal Ponda columnists