કૉલમ : પ્રાપ્તિની તૃપ્તિ કેટલી તમને?

24 May, 2019 12:06 PM IST  |  | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

કૉલમ : પ્રાપ્તિની તૃપ્તિ કેટલી તમને?

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

ધારો કે બે ફ્રેન્ડ છે. એકનું નામ પ્રાપ્તિ અને બીજીનું નામ તૃપ્તિ. બન્ને એકબીજાથી સદંતર વિપરીત છે. પ્રાપ્તિ શ્રીમંત છે અને તૃપ્તિ મિડલ ક્લાસ. બન્ને વચ્ચે ક્યારેય આ અસમાનતા દેખાતી નથી, પણ બન્નેની આદતો આ અસમાનતાની સતત ચાડી ખાય છે. પ્રાપ્તિ હંમેશાં શૉપિંગ અને સતત નવું મેળવી લેવાની ઝંખના સાથે ભાગે છે, જ્યારે તૃપ્તિને ખોટા ખર્ચાઓ જ નહીં, ખોટી જગ્યાએ સમય ખર્ચવાનું પણ વાજબી નથી લાગતું. પ્રાપ્તિ આદત અનુસાર, સ્વભાવગત સતત ભાગતી રહે છે અને તૃપ્તિ સમયનો વાજબી ઉપયોગ કરે છે. કશું નથી હોતું ત્યારે ભાગવાને બદલે એ સમયને, પોતાના એકાંતને માણવાની કોશિશ પણ કરે છે. પ્રાપ્તિ પાસે સંપત્તિ છે તો તૃપ્તિ પાસે સંતોષ છે. પ્રાપ્તિ પાસે ઐશ્વર્ય છે તો તૃપ્તિ પાસે આહ્લદાકતા છે. પ્રાપ્તિ પાસે આધુનિકતા છે તો તૃપ્તિ પાસે નિરાંત છે. પ્રાપ્તિ પાસે અનુભવ છે તો તૃપ્તિ પાસે એ અનુભવમાંથી આવેલો નિચોડ છે અને આ જ જિંદગી છે.

આજની જિંદગી, આપણી જિંદગી. પ્રાપ્તિ અને તૃપ્તિ વચ્ચે અટવાયેલું અને સતત અથડાતું, સતત પ્રવૃત્તિમય, સતત કંઈક મેળવી લેવાની ઝંખના ધરાવતું અને મેળવી લીધા પછી તૃપ્તિના અનુભવ માટે વલખાં મારતું. ‘યે જવાની હૈ દિવાની’ ફિલ્મનો એક ડાયલૉગ છે, મુજે દોડના હૈ ભાગના હૈ, ઊડના હૈ ઔર ગીરના ભી હૈ... બસ, મુજે રુકના નહીં હૈ.

આપણે પણ આ જ કરી રહ્યા છીએ. બધું મેળવી લેવું છે, પ્રાપ્ત કરી લેવું છે, પણ પ્રાપ્ત કરવાની લાયમાં તૃપ્તિનો અનુભવ કરવાની ગતાગમ પણ રહી નથી. એક સેકન્ડ માટે પણ ક્યાંય રોકાવા આપણે રાજી નથી, પણ યાદ રાખજો, જો રોકાશો નહીં, જો અટકશો નહીં તો જે મહેનત કરીને જે સફળતા હાંસિલ કરી છે, ભાગદોડ કરીને જે ઐશ્વર્ય ઘરમાં સંઘર્યું છે એ માણવાનો, એનો સંતોષ પામવાનો સમય ક્યારેય મળશે નહીં. કહેવાય છે કે, ગોલ મેળવી લેવો કે સફળતા મેળવી લેવી એ અંતિમ ચરણ નથી, નથી અને નથી જ. એ સફળતાને સાચવી રાખવા માટે પણ સતત ઝઝૂમતાં રહેવું પડે છે. સાચું છે, પણ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે જો તમે એ સફળતા મેળવી લીધા પછી પણ રોકાશો નહીં, એ સફળતાને માણશો નહીં, એને સંગાથ નહીં આપો તમે કમાયેલી એ સફળતા માણવા માટે પણ તમારે બહારથી કોઈને લાવવો પડશે. જોજો તમે, કીડી પોતાના ખભે વજન ઊંચકીને ખાવાનું ભેગું કર્યા કરે છે, પણ એમાં માત્ર સંઘરાખોરી નથી. ખાવાનું એકત્રિત કરતી કીડી તમને એ પછી મહિનાઓ સુધી જોવા પણ નથી મળતી. પ્રાપ્તિ પછીની તૃપ્તિની યાત્રા કીડી પણ જો કરતી હોય તો આપણે તો માણસ છીએ, આપણામાં તો બુદ્ધિનો ભંડાર ભર્યો છે અને એમ છતાં પણ આપણે ભૂલ એ જ કરીએ છીએ બુદ્ધિનો ભંડાર માત્ર પ્રાપ્તિ પૂરતો જ કરીએ છીએ.

માન્યું જીવનમાં ભાગતાં રહેવાનું છે, પણ ભાગતાં રહ્યા પછી પણ જો તમને માત્ર સંઘરાખોરીમાં જ રસ હોય તો ભાગતા રહ્યા એ પરિસ્થિતિનો પણ તમે કોઈ લાભ લઈ શકવાના નથી અને જો પરિસ્થિતિનો લાભ લઈ શકાવાનો ન હોય તો પ્રાપ્ત કરેલું કશું પણ મેળવ્યાનો કોઈ અર્થ સરતો નથી. બાવન ઇંચની એલઈડી ઘરમાં લાવવી એ જીત નથી, પણ બાવન ઇંચના એલઈડી પર વલ્ર્ડ કપની ફાઇનલ જોવાનો સમય કાઢવો એનું નામ જીત છે. જે પ્રાપ્ત કર્યું છે એની પ્રાપ્તિ તમને તૃપ્તિ આપવા માટે જ થઈ છે એ જીવનનો થમ્બરૂલ છે. જો તમે તમારાં સપનાંઓને લાયક કે હકદાર નહીં હો તો ગમે એટલા ઉધામા કરો તો પણ તમારાં સપનાં, સપનાં જ રહેશે. ઔકાત સે જ્યાદા કભી કિસી કો કુછ મિલા નહીં, મીલેગા નહીં. તમારી ઔકાત હતી, તમારી ક્ષમતા છે, તમારી લાયકાત છે અને એટલે જ તમને આ પોઝિશન, આ વાતાનુકૂલિત વાતાવરણ અને આ ઐશ્વર્ય મળ્યું છે, પણ જો પ્રાપ્તિ પછીની તૃપ્તિ માટે જો તમારી પાસે સમય નહીં હોય તો મળેલું આ સઘળું કોઈ ઝૂંટવી જશે અને જો એવું બનશે તો તમારા હાથમાં કશું નહીં રહે. માલદીવ્સના દરિયાકિનારાની નીરવ શાંતિનાં સપનાંઓ જોયા પછી જો ત્યાં બેસીને પણ સ્ટૉક્સ અને ડિબેન્ચર્સનો હિસાબ કરવો પડતો હોય તો ધૂળ પડી એવી પ્રાપ્તિમાં. જો સેવનસ્ટારમાં દાખલ થયા પછી પણ પહેલું ધ્યાન મોબાઇલની સ્ક્રીન પર હોય અને મેસેજના રિપ્લાય કરવા પડતા હોય તો ચૂલામાં ગયું એ સેવનસ્ટારનું ફાઇવ ર્કોસ ડિનર.

આ પણ વાંચો : મનોરંજન અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કંઈ પણ ચાલે?

મેળવવા માટે દોડવું એ જો પહેલું કર્મ હોય તો મેળવ્યા પછી મેળવ્યું છે એને માણવું એ જીવનનું અંતિમ કર્મ છે. યાદ રાખજો, તમારી આજુબાજુ વિકલ્પોનો ઢગલો હશે. એ ઢગલા વચ્ચેથી કયા વિકલ્પો તમારે લાયક છે એ શોધતાં નહીં ફાવે તો ચાલશે, પણ ઍટ લીસ્ટ એ તો ખબર પડવી જ જોઈશે કે કયા વિકલ્પો તમારી માટે લાયકાત ધરાવતા નથી. જીવનમાં શું કરવું એની ખબર નહીં હોય તો ચાલશે, પણ શું નથી કરવું, કયા રસ્તાઓ પર ટાંગાગાડી નથી દોડાવવાની એની ખબર પહેલાં હોવી જોઈશે. બીજી વાત, આજે જે મળે છે એની કોઈ કિંમત જ નહીં હોય તો આવતી કાલે જે મળવાનું છે એનું મૂલ્ય તમને ચોક્કસપણે નથી જ રહેવાનું એ યાદ રાખજો. ઘરમાં એક અવ્વલ દરજ્જાની લાઇબ્રેરી બનાવવી અને એમાં દુનિયાભરનાં પુસ્તકો રાખવાનું સપનું સારું છે, પણ જો આજે એક ઉછીનું પુસ્તક પણ વાંચી ન શકતા હો તો તમે જે સપનું જુઓ છો એ સપનું ક્યાંક અને ક્યાંક તમારી લાયકાતને માપી રહ્યું છે એ પણ તમારે સમજવું જોઈએ, કારણ કે પ્રાપ્તિની દોટ ત્યારે જ વાજબી છે જ્યારે તૃપ્તિનો આનંદ લેવાની ક્ષમતા હોય. યાદ રાખજો, પ્રાપ્તિ અને તૃપ્તિ બન્ને જરૂરી છે, બન્ને અનિવાર્ય છે. પ્રાપ્તિ થશે નહીં તો તૃપ્તિનો અનુભવ ક્યારેય નહીં થાય, પણ સાથોસાથ એ પણ એટલું જ જરૂરી છે કે જો તૃપ્તિ નહીં થાય તો, જિંદગીભર ઉઘાડા પગે કરેલી દોડાદોડી પછી મળેલી પ્રાપ્તિની પણ કોઈ કિંમત નહીં રહે.

Rashmin Shah columnists