કૉલમ : એક આખું ઝૂ મારી અંદર

22 March, 2019 12:31 PM IST  |  | રશ્મિન શાહ

કૉલમ : એક આખું ઝૂ મારી અંદર

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

જરા પણ ખોટું નથી, લગીરે નહીં. એક આખું ઝૂ આપણી અંદર જીવી રહ્યું છે અને એ ઝૂમાં રહેલું ઘાતક પ્રાણી જેમ દોરવે એમ આપણે દોરવાઈએ છીએ. દોરવાઈએ પણ છીએ અને એના કબજામાં પણ રહીએ છીએ. અફસોસની વાત એ છે કે એ પછી પણ માણસાઈની અપેક્ષા એકધારી રાખ્યા કરીએ છીએ, દાખલાઓ ટાંકતાં રહીએ છીએ. ન ગમતા પણ પરાણે સાથે રાખવા પડતા હોય એવા લોકોને જીવલેણ વિષનો ડંખ મારીને કોબ્રાની સમકક્ષ ઊભા રહી જઈએ છીએ અને તક મળતાં ભીંસમાં લઈને અજગર સાથેનો આપણો લોહીનો સંબંધ પણ જગજાહેર કરી દઈએ છીએ. મન પડે ત્યારે, ઇચ્છા થાય ત્યારે પીઠ પાછળ ઘા મારવાનું પણ ચૂકતા નથી અને એવું કરીને આપણે દીપડાને શરમાવી દઈએ છીએ. ખરાબ પરિસ્થિતિમાં અંગત પાસેથી, આપ્તજન પાસેથી દૂર ખસી જવામાં ઝડપ ચિત્તાને પણ શરમાવે એવી છે અને ફસાઈ ગયાનો અનુભવ થાય ત્યારે ચહેરા પર માસૂમિયત એવી ધારણ કરીએ છીએ કે સસલું પણ કપટી દેખાય.

એક આખું ઝૂ માણસ પોતાની અંદર પાળીને બેઠો છે અને એ પછી પણ એ અપેક્ષા રાખે છે કે માણસાઈ છોડવી ન જોઈએ. કૂથલી કરવા કાન મળે તો કાનમાં પડેલા કીડાઓ પણ મરી જાય એવી શબ્દોની લઘુશંકા ઓકવાનું પણ છોડતા નથી અને એ છોડતા નથી એટલે જ આંગળી જેવડા કાનખજૂરા પણ માણસને પોતાનો ગુરુ બનાવવા રાજી છે. કોઈની સફળતા બળતરા કરાવે છે અને એ બળતરા જ બાજ બનીને કોઈને મળનારી તકને હાથમાં કરવાની તાકાત આપે છે. કોઈને મળનારો જશ ગમતો નથી અને એટલે જ તો શિયાળ-નીતિનો આવિષ્કાર કરીએ છીએ, જશ મળે એ પહેલાં જ આગળ વધે એને પાછળ લાવવાનાં પગલાંઓને અમલમાં મૂકી દઈએ છીએ. પાછળ લાવવાનું આ કામ એટલી વફાદારી સાથે કરીએ છીએ કે ડોબરમૅન પણ વિચારમાં પડી જાય છે, આવી પ્રામાણિકતા તો એણે પણ ક્યારેય દાખવી નથી. ઝૂ સાહેબ, ઝૂ. એક આખું, આખેઆખું ઝૂ છે માણસની અંદર. માખી છો શારીરીક બીમારી ફેલાવે, આપણે માનસિક બિમારી ફેલાવવામાં માસ્ટર છીએ. મચ્છર ભલે માંદગીનું કારક બનીને ગણગણ્યા કરે, એને દૂર રાખવાના રસ્તાઓ આપણે શોધી લીધા, પણ આપણને દૂર રાખવાનો એક પણ રસ્તો જમાતને મળ્યો નથી અને એટલે જ સંબંધોમાં માંદગીનો ડંખ મારવાનું આપણે ચૂકતા નથી. ન ગમતી, અયોગ્ય કહેવાય એવી વાતોનો ગણગણાટ બંધ કરતા નથી. મચ્છરની હરીફાઈ પણ ગમે છે અને માખીનો સ્વભાવ પણ આપણી અંદર ભરીને બેઠા છીએ. આવડત કોઈની લઈએ કે નહીં, ખાસિયત કોઈની ધરીએ કે નહીં, પણ ખૂબીઓ બધાને રગરગમાં ભરી લીધી છે અને એ ખૂબીઓનો ઉપયોગ પણ અંગત જીવન માટે કરીએ છીએ. આગળ વધવાની લાલચમાં જેને જન્મ આપ્યો છે એ ઈંડાંને ખાઇ જવાનો સાપનો સ્વભાવ પણ ધરાવીએ છીએ, અને વાત જ્યારે વિકાસની હોય ત્યારે બીજો કોઈ તરાપ ન મારી લે એટલે વાઘ બનતાં પણ આવડે છે. વાઘની માસીની ખૂબી પણ છે આપણામાં. ભૂખ લાગે ત્યારે બિલાડી દૂધ ચાટે, પણ માણસ, માણસ સ્વાર્થ હોય ત્યારે સ્વમાન ભૂલીને બિલાડીનો સ્વાંગ ધરી લે. સ્વાંગ પણ ધરી લે અને સ્વાર્થ સાધવાનો હોય, એને ચાંટી પણ લે. પ્રેમથી, લાજશરમ વિના. ઝૂ, સાહેબ એક આખું ઝૂ ભરી રાખ્યું છે આપણે આપણામાં. જરા પણ સંકોચ વિના, જરા પણ તકલીફ વિના.

ડૂબતી નૌકામાંથી ભાગવાનું કામ પહેલાં ઉંદર કરતા, પણ હવે આપણે કરીએ છીએ અને ડૂબતાંનો સાથ છોડીને ભાગવામાં સંકોચ નથી રાખતા. જીવન આખું જેણે સાથ આપ્યો હોય, તકલીફ સમયે દીવાલ બનીને જેણે આડશ આપી હોય તેને મૂકી દેવામાં ખચકાટ નથી થતો અને થાય પણ ક્યાંથી, ભાગીને પહેલું કામ તો દરમાં ઘૂસવાનું કરીએ છીએ. નજર મળે તો શરમ જન્મે. આંખ સામે આવે તો સંકોચનું સંયોજન થાય. સામે આવવું નથી, શરમનું સ્થાન જોઈતું નથી. આ જ જીવન છે અને આ જ ગણતરી છે. ચાણક્ય નસીબદાર હતો કે તેણે આ સમય જોયો નથી, જો જોયો હોત, જો આ સમયે તેનું અવતરણ થયું હોત તો નક્કી તેણે માણસ માટે નહીં, પ્રાણીઓ માટે ચાણક્ય નીતિ આદરી હોત અને લખ્યું હોત કે કેવી રીતે આ માણસથી બચીને જીવવું, કેવી રીતે આ માણસની સામે ખૂબીઓ છતી થવા ન દેવી.

આ પણ વાંચો : સુરતના ઍડ્વોકેટે નરેન્દ્ર મોદી પર PhD કરી

ચાણક્ય, હવે ક્યાં એની પણ કૂટનીતિઓ આપણે વાપરીએ છીએ. કૂટનીતિ તો હવે કાચિંડાની વાપરવાની. જરૂરિયાત મુજબ, આવશ્યકતા પ્રમાણે અને સંજોગો મુજબ રંગ બદલવાની ભાવના રાખવાની અને રંગ બદલતાં રહેવાનો. પૈસો દેખાય, પદ દેખાય ત્યાં લીલા રંગનું સિગ્નલ આપવાનું અને તકલીફ દેખાય, પ્રશ્નોની હારમાળા દેખાય ત્યાં રતુંબડા ચહેરા સાથે રેડ સિગ્નલ આપીને ક્રોધની ભાવના દર્શાવી દેવાની. હજી હમણાંની જ તો વાત છે. એક કાચિંડો માણસની આ કળાથી એવો તે લઘુતાગ્રંથિથી પીડાવા માંડ્યો કે એણે બિચારાએ કાચિંડા-કોર્ટમાં ઇચ્છામૃત્યુ માટે અરજી કરી લખ્યું કે, આ માણસની સામે હું મારી કળામાં પામર પુરવાર થયો છું, મારી કોઈ આવશ્યકતા રહી નથી. હું મરી શકું ખરો? અરજી હજી પેન્ડિંગ છે. કારણ નામદાર કોર્ટે જુબાની માટે માણસને બોલાવ્યો અને માણસ ચહેરા પર માસૂમિયત સાથે કોર્ટમાં એવી રીતે આવ્યો કે જાણે નિર્દોષ સસલું. કહે છે કે હવે સસલાંઓ પણ અરજીમાં જોડાવાનું વિચારીને કાચિંડાના પક્ષકાર બનવાનાં છે, પણ માણસને ફિકર નથી, ચિંતા નથી, પરવા નથી. એની અંદર તો એક આખું ઝૂ છે.

Rashmin Shah columnists