તો ધૂળ પડી તારા જીવનમાં

15 March, 2019 12:52 PM IST  |  | રશ્મિન શાહ

તો ધૂળ પડી તારા જીવનમાં

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

વાત શરૂ કરતાં પહેલાં એક જર્મન શૉર્ટ ફિલ્મની વાર્તા કહેવી છે. એક જ રૂમની અને એક જ પ્રકારની ત્રણ જુદી-જુદી પરિસ્થિતિની વાત છે. વાત હસબન્ડ-વાઇફની છે.

પતિ-પત્ની છે. વર્કિંગ કપલ છે. બન્નેને એકબીજા સાથે ખૂબ સરસ સંવાદિતા છે. સારી સંવાદિતાને તોડી પાડવાનું કામ હંમેશાં રીઍક્શન કરે છે. રીઍક્શન આપતી વખતે જે કોઈ ત્વરિત રીતે વર્તે છે તેણે ખાસ યાદ રાખવું કે આપણો સમાવેશ માણસની જમાતમાં કરવામાં આવ્યો છે, આપણે કેમિકલ હોઈએ અને ઍક્શન સામે રીઍક્શન આપીએ તો ફરજ નિભાવી કહેવાય, પણ માણસ તરીકે રીઍક્શન આપવું એ આપણું કર્મ નથી જ નથી. હસબન્ડ-વાઇફની વાત ચાલતી હતી. બન્ને વચ્ચે સરસ સંવાદિતા, પણ આ સંવાદિતા રીઍક્શન સમયે બગડે અને એની અસર પણ બન્ને પર દેખાય. વર્કિંગ કપલ એટલે સવાર પડતાં જ બન્ને ફટાફટ કામ પર લાગે. ઘરનાં બધાં કામ સાથે પૂરાં કરે અને પછી નાસ્તો કરીને પોતપોતાની ઑફિસે જવા માટે નીકળી જાય. આ તેમનું રૂટીન અને બેમાંથી કોઈ એકબીજાનું રૂટીન તૂટે નહીં એની કાળજી પણ રાખે.

એક દિવસ સવારે નાસ્તો કરતી વખતે વાઇફે કહ્યું કે ખબર નહીં કેમ, પણ મજા નથી આવતી. માથું સહેજ દુખે છે. હસબન્ડે તરત જ જવાબ આપ્યો કે એમાં શું થઈ ગયું, શરીર છે. આવું તો ચાલ્યે રાખે. જલદી શૉવર લઈ લે અને ઑફિસે જા, ત્યાં કામ વચ્ચે તને યાદ પણ નહીં રહે કે તને માથું દુખતું હતું. વાઇફની કમાન ફટકી ગઈ. તેણે હાથમાં રહેલા બ્રેડ ટોસ્ટનો ઘા કર્યો અને હસબન્ડને તરત જ ચોપડાવી દીધી: ‘ઑલ આઇ નીડ ઇઝ હગ, પૅમ્પરિંગ... તું પ્રેમથી માથે હાથ ફેરવવાને બદલે વર્કશિપનું ભાષણ ઠોકે છે.’

હસબન્ડે દબાયેલા અવાજે સૉરી કહી દીધું, તે બિચારો બીજું કરે પણ શું.

કટ ટુ, દસ-બાર દિવસ પછીની સવાર.

ડિટ્ટો એ જ સિચુએશન આવી અને વાઇફે કહ્યું કે ખબર નહીં કેમ, પણ મજા નથી આવતી. માથું સહેજ દુખે છે. હસબન્ડ ઊભો થયો અને તેણે તરત જ વાઇફને પ્રેમથી, ઉષ્મા સાથે હગ કર્યું. જેવું હગ કર્યું કે વાઇફે તેને હળવો ધક્કો માર્યો: ‘આવું શું સૂઝે છે અત્યારે તને. ટૅબ્લેટ આપવાને બદલે આવી રીતે શું હેરાન કરે છે મને?’

હસબન્ડ પ્રેમથી બેડરૂમમાં ગયો અને ટૅબ્લેટ લઈને આવીને વાઇફને મેડિસિન આપી અને વાઇફ એ પછી શૉવર લેવા ચાલી ગઈ. હસબન્ડે ડાઇનિંગ ટેબલ પરથી બધી પ્લેટ્સ ઊપાડી અને તેણે પણ ઑફિસે જવાની તૈયારી કરી.

કટ ટુ, બીજા થોડા દિવસો પછીની આવી જ એક સવાર અને સેઇમ પ્રૉબ્લેમ. વાઇફે કહ્યું કે માથું સહેજ દુખે છે. ઑફિસે જવાનું જરા પણ મન નથી થતું. હસબન્ડ ઊભો થયો. રૂમમાં ગયો અને મેડિસિન લઈને બહાર આવી વાઇફ સામે બે હાથ ફેલાવીને ઊભો રહ્યો. જે જોઈતું હોય એ લઈ લે. હૂંફ પણ હાજર છે અને મેડિસિન પણ હાથમાં જ છે. વાઇફ તેને જોતી રહી. તેને પોતે જ કહેલી બન્ને વાત પણ સ્વાભાવિક રીતે યાદ હતી, પણ એમ છતાં તેના મનમાં ગુસ્સો હતો. એણે ટોસ્ટ પ્લેટમાં પટકાવ્યો અને ઊભી થઈ: ‘જો મારી જરૂરિયાત શું છે એની તને ખબર ન પડતી હોય તો રિયલી, સેઇમ ઑન યુ.’

પ્રશ્ન એ છે કે વાંક કોનો, ભૂલ કોની?

દેખીતી રીતે વાઇફની ભૂલ દેખાય, પણ વાઇફના દૃષ્ટિકોણથી જુઓ તો તે પણ બિચારી ક્યાંય ખોટી નથી. આ મૂડ સ્વિંગ્સ છે અને આ મૂડ સ્વિંગ્સ જરૂરી છે. મૂડ સ્વિંગ્સના મૅક્સિમમ પ્રશ્નો મહિલાઓને સતાવે છે, પણ એનું કારણ કોઈએ બાયોલૉજિકલ શોધવાની કોશિશ કરી છે તો ખબરદાર. દરેક વખતે એવું હોતું જ નથી કે મેન્સ્ટ્રુઅલ સાઇકલ કે પછી મોનોપૉઝ વચ્ચે જ આવું બને. ના, એવું જરા પણ નથી, પણ તો પછી કારણ કયું?

જવાબ છે કોઈ કારણ નહીં. સ્ત્રીઓનાં અંગઉપાંગ તેની એક ઓળખ ઊભી કરે છે તો એવી જ રીતે તેનો આ મૂડ સ્વિંગ્સ જ તેની ઓળખ છે, સ્ત્રીત્વની નિશાની છે. આ મૂડ સ્વિંગ્સને જગતનો કોઈ પુરુષ પામી નથી શક્યો અને ગૅરેન્ટી, કોઈ ઓળખી પણ નથી શકવાનું. મૂડ સ્વિંગ્સે જ સ્ત્રીઓના સ્વભાવને મસાલેદાર હિન્દી ફિલ્મો જેવી રાખી છે અને એને ઓળખવાનું, કળવાનું કામ અઘરું કરી નાખ્યું છે. ક્યારે હગ જોઈએ છે અને ક્યારે તેને મેડિસિન એ નક્કી કરવાનું કામ જો તેને પોતાને સોંપવામાં આવે તો એ પોતે પણ કરી શકે એમ નથી અને એમાં તેની કોઈ લાચારી પણ નથી. પ્રાધાન્ય પામવાની રીત હોઈ શકે કે પછી કહોને, કેન્દ્રમાં રહેવાની માનસિકતા હોઈ શકે, પણ એમાં કોઈ જાતનો મલિન ઇરાદો નથી જ નથી અને એમ છતાં પણ પરિણામ તેણે મલિન ચૂકવવાં પડે એવું બની શકે છે. મૂળ વાત અહીંથી જ શરૂ થાય છે. ક્યારે મેડિસિન અને ક્યારે હગ જોઈએ એનું તારણ તે પોતે પણ જો કાઢી ન શકતી હોય તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિ તો એ કેવી રીતે નક્કી કરવા શકવાની છે અને એટલે જ એક સલાહ છે, જ્યારે મૂડ સ્વિંગ્સની અવસ્થા હોય ત્યારે તમામ સ્વિંગ્સ દેખાડી દેવાનાં, પણ એ અવસ્થાને પાર કર્યા પછીનું તમારા એ સાથી ફરતે બે હાથ વીંટાળીને કહેવું: ‘મને તું જ સાચવી શકે, તારા સિવાય બીજું કોઈ નહીં.’

આ પણ વાંચો : શું કામ આ મહિલાઓને પુરુષસમોવડી બનવું છે?

જેણે ધક્કો મારવાનો અબાધિત અધિકાર ગજવામાં રાખ્યો હોય, મંદબુદ્ધિ બાળક પર થાય એના કરતાં પણ વધારે કચકચ જેના પર કરી લીધી હોય તેને પણ ક્યાંક ને ક્યાંક તો સંવેદનાની જરૂર પડતી હોય છે. સંવેદનાનો હિસાબકિતાબ બહુ સરળ હોય, મુદ્દલ કરતાં વધારે વ્યાજની અપેક્ષા હોય.

Rashmin Shah columnists