અસહમત થવાય એટલા તો સહમત થવું જ જોઈએ

20 July, 2020 06:00 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

અસહમત થવાય એટલા તો સહમત થવું જ જોઈએ

પ્રતીકાત્મક તસવીર

પાસે રહીને દૂર રહેવા કરતાં દૂર રહીને પાસે રહેવું અનેકગણું બહેતર છે. વળી એ માટે વધુ કંઈ કરવાની જરૂર પણ નથી. માત્ર પોતાની વાતની મીઠી રજૂઆત કરવાની અને જરૂર પડે ત્યારે જતું કરવાની તૈયારી રાખવાની જ આવશ્યકતા હોય છે. જે દિવસે આપણે આટલું અચીવ કરી લેશું એ દિવસે આપણે મધર્સ ડે કે ફાધર્સ ડે મનાવવા નહીં પડે, કારણ કે આપણા દરેક દિવસ ફૅમિલી ડે હશે...

થોડા સમય પહેલાં આપણે મધર્સ ડેની ઉજવણી કરી. ત્યાર બાદ ગયા મહિને જ ફાધર્સ ડે પણ ઊજવ્યો. આવા કોઈ દિવસો આવે ત્યારે એકાએક આપણી અંદર માતૃપ્રેમ અને પિતૃપ્રેમની ભાવના બળવત્તર બની જતી હોય છે. ફેસબુક પરનાં સ્ટેટસ બદલાઈ જાય છે. વૉટ્સઍપના ડીપીમાં પોતાની સાથે મમ્મી-પપ્પાના ફોટો ગોઠવાઈ જાય છે, દુકાનો (અને હવે તો ઑનલાઇન પણ)માં પણ તેમના માટે કાર્ડ્સ કે ગિફ્ટ લેવા માટે પડાપડી થવા માંડે છે; પરંતુ જેમ દૂધનો ઊભરો પળભરમાં શમી જાય છે એવી જ રીતે વડીલો પ્રત્યેનો આપણો આ પ્રેમ પણ બે-ચાર દિવસમાં ઠરીને શાંત થઈ જાય છે. ત્યાર બાદ ફરી પાછો જનરેશન ગૅપનો એ જ જૂનો, જાણીતો, ચવાઈ ગયેલો છતાં એવરગ્રીન પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહી જાય છે. ફરી પાછો જ્યારે તેમની સાથે કોઈ વાતે વિવાદ થાય ત્યારે આપણને ટિપિકલ અમદાવાદી ભાષામાં કહીએ તો ‘બે યાર, મારાં મમ્મી-પપ્પા મને હમજતાં જ નથી અલ્યા...’ની ભાવના ઘેરી વળે છે.
ઘણી વાર એવો વિચાર આવે છે કે જે માતાપિતાએ આપણને જન્મ આપ્યો છે, આપણો ઉછેર કર્યો છે, આપણને આટલાં લાડપ્યારથી મોટા કર્યા છે, આપણી દરેક ઇચ્છા, દરેક માગણી સંતોષી છે (ક્યારેક તો જાતના ભોગે પણ), જેમના સંસ્કારો આપણા શરીરમાં લોહીની સાથે વહી રહ્યા છે તે જ માતાપિતા સાથે આપણને દૂરીનો આવો અહેસાસ કેમ થાય છે? આ પ્રશ્નના ઘણા જવાબો હોઈ શકે. જૂની અને નવી પેઢીના વિચારોમાં મતભેદ, મહત્ત્વાકાંક્ષાઓમાં પરિવર્તન, એને પગલે ઊભાં થતાં દ્વંદ્વોના પ્રશ્નો, જીવનની પ્રાથમિકતાઓમાં બદલાવ વગેરે-વગેરે. તેથી એ બધા પ્રશ્નોની છણાવટ કરવા બેસીએ તો એક લેખથી કામ પતે નહીં, આખી એક લેખશ્રેણી લખવી પડે. એટલે એ તો જવા જ દઈએ.
અલબત્ત એક વાત તો નિશ્ચિત છે કે નવી હોય કે જૂની, કોઈ પણ પેઢી એકબીજાથી વાસ્તવમાં દૂર થવા માગતી નથી. સમય, સંજોગો, ઘટનાઓ કે પછી સાથે રહીને વાસણોની જેમ ખખડવા કરતાં દૂર રહેવું સારું એવી ભાવનાથી પ્રેરાઈને ભલે હવે લોકો વિભક્ત કુટુંબમાં રહેવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે, પરંતુ અંદરખાને તો સૌકોઈ દૂર રહીને પણ પાસે રહેવાની જ ઇચ્છા ધરાવે છે. અલબત્ત મોટા ભાગના કિસ્સાઓમાં એટલું પણ થતું નથી. પરિણામે સાથે રહીને દૂર થયેલા મનને ભેગા કરવા લોકો છૂટા પડે છે અને પછી એ શારીરિક દૂરી માનસિક દૂરી પર હાવી થઈ એને વધુ સ્ટ્રૉન્ગ બનાવી દે છે.
પરંતુ ખરું પૂછો તો આજના મોબાઇલ અને ઇન્ટરનેટના સમયમાં દૂર રહીને પાસે રહેવું પહેલાંની સરખામણીમાં સાવ સરળ થઈ ગયું છે. એક ફોન કરો એટલે વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, તેની સાથે વાત કરી શકાય છે. કમ્પ્યુટર કે લૅપટૉપ ખોલો એટલે સામસામે બેસીને ચૅટ કરી શકાય છે. સાથે જ સગવડો પણ એટલીબધી વધી અને વિકસી ગઈ છે કે વહુ કે દીકરો ગમે ત્યાંથી ઘરની દરેક વ્યવસ્થા જાળવી શકે છે અને વડીલો પણ કોઈના પર બોજારૂપ બન્યા વગર સ્વતંત્ર રીતે પોતાનું ધ્યાન રાખી શકે છે.
તેથી વાસ્તવમાં પ્રશ્ન એકબીજાને સાચવવા કે જાળવવાનો એટલો નથી રહ્યો જેટલો એકબીજાની લાગણીઓને સંભાળી લેવાનો રહ્યો છે. અને લાગણીઓને સંભાળવી એ એક કળા છે. પોતાની વાતને યોગ્ય મીઠા શબ્દોમાં રજૂ કરવાની કળા. અને એ બધું કર્યા બાદ પણ જ્યારે તમારા પ્રશ્નના જવાબમાં ના સાંભળવા મળે ત્યારે એને હસતા મુખે સ્વીકારી લેવાની કળા. ખરેખર તો જનરેશન ગૅપના મોટા ભાગના પ્રશ્નોની જડ પણ આ જ હોય છે. ક્યારેક બેમાંથી કોઈ એક અથવા બન્ને પેઢી પોતાની વાતની યોગ્ય રજૂઆત નથી કરી શકતી અને ક્યારેક બેમાંથી કોઈ એક અથવા બન્ને પેઢી પોતાની વાતનો અસ્વીકાર સ્વીકારી નથી શકતી.
અને આમ જોવા જઈએ તો આ આપણી જન્મજાત ખાસિયત હોય છે. બાળક તરીકે પણ કોઈ આપણી વાત ન માને કે માગણી પૂરી ન કરે તો આપણે તરત ખોટું લગાડી દેતા હતા, જીદે ચડી જતા હતા, મોટે-મોટેથી ભેંકડો તાણવા લાગતા હતા અને કેટલાક શૂરવીર તો રસ્તામાં આળોટવા જેવી હરકતો પણ કરવા લાગતા હતા. ફરક માત્ર એટલો જ પડે છે કે મોટા થયા બાદ આપણે સામાજિક શરમના માર્યા ભેંકડો તાણવા કે પછી રસ્તા પર આળોટવા જેવું શૂરાતન છોડી દઈએ છીએ, પરંતુ માઠું લગાડી દેવાનું કે જીદે ચડવા જેવી બાલીશતા છોડી શકતા નથી. એનું પરિણામ એ આવે છે કે વહુને કિટીમાં જવાની ના પાડવામાં આવે તો તેનું મોઢું ચડી જાય છે અને સાસુને સત્સંગમાં જવા ન મળે તો તેમની કચકચ શરૂ થઈ જાય છે. દીકરો બાપાના ધંધામાં જોડાવાની ના પાડે તો તેમનું મન ભાંગી જાય છે અને પપ્પા દીકરાની કોઈ વાત ન માને તો તેને ગુસ્સો આવી જાય છે.
કારણ કે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે હું જ સાચો, તેથી મેં જે કહ્યું એ થવું જ જોઈએ. બલકે ત્યાંને ત્યાં, ત્યારે ને ત્યારે જ થવું જોઈએ; પરંતુ એવું ન હોયને ભાઈ... ખરેખર તો બન્ને પેઢીએ એકબીજાના સમય અને સંજોગોને સમજી તેમની માગણીઓ અને ઇચ્છાઓને સમજવા જોઈએ. એકમેકની પ્રાથમિકતાઓને પ્રાધાન્ય આપી બાંધછોડ કરવી જોઈએ. વળી આમ કરવું ખાસ મુશ્કેલ પણ નથી. બસ, તમારી વાતને સરખી, સારી અને સાચી રીતે કહેવાની જ આવશ્યકતા હોય છે. યાદ રાખો, યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દોનો ઉપયોગ કરતાં આવડે તો તમે રસ્તે ચાલતા કાણાને કાણો અને લંગડાને લંગડો પણ કહી શકો છો. બસ, વાતની મીઠી રજૂઆત કરવાની કળા પર બધો આધાર રાખે છે.
અને છેલ્લે એ બધું અજમાવ્યા બાદ પણ જ્યારે પોતાની વાત સામેવાળી વ્યક્તિના મગજમાં નથી ઊતરી એવું જણાય ત્યારે વાતને પડતી મૂકી દેવામાં જ સાર છે. જેટલું જતું કરવાની તૈયારી વધારે હશે એટલાં મન મળેલાં રહેશે. તેથી પોતાના વિચારો કે અનુભવો બીજા પર થોપવાનો પ્રયત્ન નિરર્થક છે. દરેક વ્યક્તિએ પોતાનો ક્રૉસ જાતે જ ઊંચકવો પડે છે. દરેકે પોતાના અનુભવો જાતે જ મેળવવા પડે છે. આવામાં ‘વી મે નૉટ અગ્રી ઑન એવરીથિંગ, બટ ઍટ લીસ્ટ વી કૅન અગ્રી ટુ ડિસઅગ્રી’ એટલું પણ સમજી લેવાય તો પણ જીવન ઘણું સરળ બની શકે છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

falguni jadia bhatt columnists