સુખ ક્ષણમાં જિવાય છે

19 February, 2020 06:02 PM IST  |  Mumbai | Sejal Ponda

સુખ ક્ષણમાં જિવાય છે

ફાઈળ ફોટો

કોઈ પણ વ્યક્તિ એકધારી સુખી રહી શકે? એકધારી સુખી થઈ શકે? એકધારી સુખમાં જીવી શકે? આ પ્રશ્નોના જવાબ શોધવા સુખના સાગરમાં ડૂબકી લગાડીએ.

કોઈ પરિવારમાં સંતાનોનાં લગ્ન થાય એ મા-બાપ માટે સુખ હોય છે. પછી સંતાનોના સંતાનોને રમાડવાનું સુખ, ગાડી, બંગલા, પૈસો, ફૉરેન ટૂર, એક સંપન્ન જીવન એ સુખ. જે ઇચ્છીએ એ મળે એ આપણા માટે મોટું સુખ હોય છે. લક્ઝરીને પણ આપણે સુખ માનીએ છીએ.

સુખ પણ ગરીબ, મિડલ ક્લાસ અને શ્રીમંત હોય છે. ગરીબના ઘરે આજે ચૂલો સળગ્યો તો એ ગરીબનું આજનું, આ ક્ષણનું સુખ છે. ગરીબના ઘરના તિરાડવાળા દરવાજામાંથી સાથે બેસીને સૂકો રોટલો ખાતા પરિવારજનોને જોવા પણ એક સુખ છે. પોતાની સૂકી જિંદગીમાં સુખ ફંફોસતો ગરીબ કોઈ પણ બચત વગર રોજ-રોજ જીવે છે. પૈસાની બચત ન થતી હોય ત્યાં વળી સુખની બચત તો ક્યાં થાય! ક્યાંક આડે હાથે સાચવી રાખેલા દસ રૂપિયા જડી જાય તો તેના ચહેરા પર મણ-મણની ખુશી છલકી જાય છે. આ ખુશી જ સુખ સુધી પહોંચવાનું સરનામું છે. જે ખુશી કે આનંદ ચહેરા પર છલકે એ મનમાં સુખરૂપે આકાર લે છે.

સુખની વ્યાખ્યા બદલવાની જરૂર છે. અત્યંત હાડમારી અને સંઘર્ષોની વચ્ચે પણ સુખ શોધી શકાય છે. સંઘર્ષો સામે ઝઝૂમવાની તાકાત આપણને મળી છે એ જ સૌથી મોટું સુખ કહેવાય. સંઘર્ષો, મુશ્કેલીઓ સામે હતાશ થઈ જો જીવન ટૂંકાવી દેવાના વિચાર આવે તો એનો અર્થ એ જ છે કે આપણને સુખી થવામાં કોઈ રસ નથી. આપણને સુખ ઇન્સ્ટન્ટ જોઈએ છે અને ઈઝી જોઈએ છે. પણ સુખ બે મિનિટમાં બનતી વાનગી જેવું તો નથી જ. સુખનો સ્વાદ ત્યારે જ માણી શકાય જ્યારે એને દુઃખનો તાપ લાગે.

શ્રીમંતોના ઘરમાં સુખની રેલમછેમ દેખાતી હોય. તેમના ઘરના દરેક ખૂણામાં મોંઘીદાટ, કીમતી વસ્તુમાં સુખ ડોકિયાં કરતું દેખાય. વસ્તુઓમાંથી ડોકિયાં કરતું એ સુખ શું ઘરમાં હરતા-ફરતા ચહેરાઓમાં છલોછલ ઊભરાય છે ખરું? પાંચ પકવાનોનો ઓડકાર મનને કેટલો છલોછલ કરતો હશે? પોચા-પોચા ગાદલામાં શરીરને આરામ મળી શકે, પણ શું કોઈ પણ પોચું ગાદલું મનની બેચેની દૂર કરી શકે છે? માત્ર સગવડને જ સુખ માનતી વ્યક્તિઓ નાની અગવડમાં દુઃખી થઈ જાય છે.

જેમ આનંદ, ખુશી મનની અવસ્થા છે એમ સુખ પણ મનની અવસ્થા છે. જિવાતી જિંદગીમાં મોટા ભાગની ભાવનાઓ મન સાથે જોડાયેલી હોય છે. સંબંધોની શરૂઆત પણ મનના જોડાણથી જ થાય છે. આ મન જ આપણને ભટકાવી પણ શકે અને આપણને સ્થાયી પણ કરી શકે. મન મોટું પાવરહાઉસ છે. મન જખમ પણ આપી શકે અને જોખમ સામે લડવા આપણને તૈયાર પણ કરી શકે. સુખની લાગણી પણ મનમાં જ સંતાઈને બેઠી હોય છે.

આપણને અભાવ સાથે જીવવામાં જોર પડે છે અને એટલે જ આપણને સુખ જોજન દૂર ભાસે છે. બધું જ મળી જાય એવું જીવન ન હોય એ જાણવા છતાં આપણે જે મળ્યું એમાં થોડાક સુખી થઈ ફરી એની પર દુઃખનો વરખ ફેરવી દઈએ છીએ. જે નથી મળ્યું એનો અફસોસ કરવામાં જ સુખની બાદબાકી થઈ જાય છે.

એક નાની અમથી જાત્રા પણ સુખ આપી શકે. રમતા બાળકને જોઈ તેના આનંદમાં તમે સુખ અનુભવી શકો છો. સવારનો વહેલો સૂર્યોદય જોઈ જીવન કેટલું સુંદર છે એનો અહેસાસ સુખ છે. સાંજના સૂર્યાસ્તની લાલી આવતી કાલની ખાતરી અપાવે એ સુખ. આ દુનિયાનું સૌથી મોટું સુખ જો કોઈ હોય તો એ છે માનસિક શાંતિ. કોઈ પણ પ્રયત્ન વગર આઠ કલાકની ઊંઘ જેને આવતી હોય તે સૌથી સુખી માણસ. સુખના એકધારા દિવસો ક્યારેય નથી હોતા. સુખ આ ક્ષણે અનુભવાતું હોય છે અને ક્ષણમાં જિવાતું હોય છે.

Sejal Ponda columnists