સફળતા જોઈતી હોય તો સફળની સાથે ઊભા રહો

17 January, 2020 02:55 PM IST  |  Mumbai | Rashmin Shah

સફળતા જોઈતી હોય તો સફળની સાથે ઊભા રહો

ધોની અને પંત

સીધી અને સરળ વાત, તમે એવા જ થશો જેવાની સાથે તમે રહેતા હશો. બહુ સામાન્ય કહેવાય એવી આ વાતનો અનુભવ કરવો હોય તો એના માટે તમારે આત્મનિરીક્ષણ કરવું પડે. એક વખત તમારી આજુબાજુમાં રહેલા એ સૌને જોવાનું શરૂ કરજો; તમને વિશ્વાસ આવી જશે, ખાતરી થઈ જશે કે તમારામાં અને તેમનામાં જે સમાનતા છે એ આ સંગતની અસર છે. જો તેમનો સ્વભાવ ચોવટનો હશે તો તમે ચોવટખોર બનશો, જો તેમનો સ્વભાવ કૂથલીનો હશે તો તમે કૂથલીબાજ બનશો. જો જતું કરવાની ભાવના તેમનામાં પ્રજ્વળતી હશે તો તમારામાં પણ એ ભાવ આવશે અને જો નાની-નાની વાતમાં મોઢું ચડાવવાની માનસિકતા તેમની હશે તો એ જ માનસિકતાનું પ્રતિબિંબ ક્યાંક અને ક્યાંક તમારામાં પણ પડતું તમને દેખાશે. તમે એવા જ બનશો જેવા સાથે તમે રહેતા હશો.

જો એવું જ હોય તો શું કામ સારી સોબત, સારી સંગત અને સાચો સંગાથ પસંદ ન કરવો? શું કામ યોગ્યતા ધરાવતી વ્યક્તિ સાથે રહેવાની તસ્દી ન લેવી? શું કામ વાજબી ગુણો આપી શકે એવી વ્યક્તિઓનો સંગ સાથ ન લેવો?

જો મનમાં આ પ્રશ્ન જન્મે તો એનો જવાબ શોધવાનો પ્રયાસ કરજો. આ જવાબ જ તમને સાચી દિશા આપવાનું અને આ જવાબ જ તમને સાચો માર્ગ આપવાનું કામ કરશે. જે ઘડીએ સાચી દિશા, સાચો રસ્તો મળશે એ સમયે સાચી સંગતનું મહત્ત્વ તમને સમજાશે. સાચી સંગત બહુ અનિવાર્યતા છે. જોવું હોય તો જોઈ લેજો, સફળ થનારાની બાજુમાં હંમેશાં સફળતા મેળવેલો જ તમને ઊભેલો દેખાશે. અમિતાભ બચ્ચનના ખાસ મિત્રોની યાદીમાં તમને ક્યારેય અમોલ પાલેકરનું નામ વાંચવા નહીં મળે. સચિન તેન્ડુલકર સાથે તમને વિનોદ કાંબલી આ જ કારણે દેખાતો બંધ થઈ ગયો હતો અને મુકેશ અંબાણી ક્યારેય તમને બોરીવલીના કોઈ કરિયાણાના વેપારી સાથે જોવા નહીં મળે. ક્યારેય નહીં અને કોઈ કાળે નહીં. કહેવાનો ભાવાર્થ એવો નથી કે મોટા થઈ ગયા પછી નાના લોકોની અવગણના કરવાનો સ્વભાવ આવતો હોય છે. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તમારી સોબત જેવી હશે એવી જ વ્યક્તિ તમારી આજુબાજુમાં રહેશે. જો સફળ થવું હોય તો પણ આ જ નિયમ પાળવાનો છે અને જો સક્સેસના રસ્તે ચાલવું હોય તો પણ આ જ વાતને તમારે પકડી રાખવાની છે.

એક વખત લોકલ ટ્રેનનો અનુભવ કામે લગાડજો. લોકલમાં ચડવા માટે તમારે મહેનત કરવી પડે છે પણ એમાંથી ઉતારવાનું કામ તમારી આજુબાજુમાં રહેલા લોકો જ કરી આપે છે. સફળ લોકોની બાબતમાં પણ આ જ વાત લાગુ પડતી હોય છે. એક વખત તમને તેમના સંગાથમાં આવવામાં કષ્ટ પડી શકે પણ એ પછી તમને સક્સેસના રસ્તે ઉતારવાનું કામ એ જ કરી દેતા હોય છે. આ જ કારણ છે કે તમામ સક્સેસફુલ લોકોની આસપાસમાં, તેમના સર્કલમાં તમને સફળ લોકો જ જોવા મળે છે. તમે એવા જ થશો જેવા લોકો સાથે તમે રહેતા હશો. જો સફળ લોકોનો સંગાથ તમારી સાથે હશે તો તમે ચોક્કસપણે સફળતાના રસ્તે ચાલશો. કોઈને નિષ્ફળ લોકોનો સાથ જોઈતો નથી. કોઈને નિષ્ફળ લોકોને સાથે લઈને ચાલવું નથી. કોઈ આળસુને બાજુમાં બેસાડી રાખવા રાજી નથી અને કોઈ નકારાત્મક માનસિકતા ધરાવનારાઓને વૉલેટમાં ભરીને જવા તૈયાર નથી. દરેકને સફળની સાથે રહેવું છે અને એમાં કશું ખોટું નથી. જો તમારી પણ આ જ માનસિકતા હોય તો તમારે પણ સફળ વ્યક્તિત્વની સાથે રહેવું જોઈએ. વારંવાર બ્રેકઅપ કરનારાઓની સાથે રહેનારાને ક્યારેય સંબંધોનું મૂલ્ય સમજાતું નથી હોતું. જીવનભર એકાકી રહેનારા ક્યારેય સંયુક્ત કુટુંબની ભાવના સમજી શકતા નથી અને નિષ્ફળતાના મારને આદત બનાવી ચૂકેલા ક્યારેય સફળતાને પામી શકતા નથી. સક્સેસને માણનારાઓ જ સક્સેસનું મૂલ્ય સમજતા હોય છે. આજે અમિતાભ બચ્ચન સાથે સંબંધો રાખવાની ખેવના ધરાવનારાઓનો તૂટો નથી પણ એની જ સામે અભિષેક બચ્ચનને કોઈ એક ફિલ્મમાં સાઇન કરવા પણ રાજી નથી હોતું. કારણ શું? સફળતા.

આ પણ વાંચો : મુંબઈને જો જીવવાલાયક બનાવવું હોય તો સૌથી પહેલાં કયું કામ હાથ પર લેવું જોઈએ?

સફળ હંમેશાં સફળની સાથે રહે. વિજેતા હંમેશાં શૌર્યની વાત કરે. ચારસો રન ચેઝ કરવા ગ્રાઉન્ડમાં ઊતરનારા બૅટ્સમૅનના પગનો થરકાટ જ દેખાડી દે છે કે મેદાન પર તે હાજરી પુરાવવા જઈ રહ્યો છે કે જંગમાં ઊતરવાની માનસિકતા સાથે તે આગળ વધે છે. જો જીતવું હોય, આગળ વધવું હોય અને નવી ઊંચાઈઓ હાંસલ કરવી હોય તો સફળ અને વિજેતાની માનસિકતા ધરાવનારાઓની સાથે રહેવાનું પસંદ કરજો. નાસીપાસ માનસિકતા ધરાવનારાઓનો જગતમાં તૂટો નથી પણ એવી માનસિકતા ધરાવનારાઓની સાથે રહેશો તો નાસીપાસ થવાનો સ્વભાવ વારસામાં મેળવશો અને તમારો નકારનો વારસો લેવા માટે કોઈ રાજી નહીં રહે એ પણ ભૂલતા નહીં. વારસો જીતનો હોય, વારસો સફળતાનો હોય અને એ વારસો મેળવવો હોય તો સીધો હિસાબ, સફળની સાથે ઊભા રહેવાની તૈયારી દાખવજો. બને, લોકલની જેમ ટ્રેનમાં ચડવા જહેમત ઉઠાવવી પડે પણ જો ટ્રેનમાં ચડી ગયા તો તમને તમારા સ્ટેશન પર ઉતારવાનું કામ તે કરશે.

Rashmin Shah columnists