...તો યાર બહોત પછતાઓગે

20 December, 2020 02:53 PM IST  |  Mumbai | Bhavya Gandhi

...તો યાર બહોત પછતાઓગે

...તો યાર બહોત પછતાઓગે

આ જે હેડિંગ છે એની વાત કરતાં પહેલાં આપણે આ હેડિંગ ક્યાંથી આવ્યું એની વાત કરી લઈએ. આ હેડિંગ પીયૂષ મિશ્રાની એક કવિતાનું છે. પીયૂષ મિશ્રા ઍક્ટર છે અને બહુ સારા કવિ પણ છે. વાત આગળ વધારતાં પહેલાં તમે આ કવિતા એક વાર વાંચી લો, પછી આપણે આપણા વિષય પર વાત કરીએ...
આદત જિસકો સમઝે હો વો મર્જ કભી બન જાએગા,
ફિર મર્જ કી આદત પડ જાએગી, અર્જ ના કુછ કર પાઓગે
ગર તબ્દીલી કી ગુંજાઇશ ને સાથ દિયા તો ઠીક સહી,
પર ઉસને ભી ગર છોડ દિયા
તો યાર બડે પછતાઓગે
જો બુંદ કહીં બોતલ કી થી, તો સાથ વહીં દો પલ કા થા,
પતા નહીં વો દો પલ કા સાથ, કબ સદી મેં બદલ ગયા
હમ ચૂપ બૈઠ કે સુન્ન ગુઝરતે લમ્હે કો ના સમઝ સકે,
વો કબ ભીગી ઉન પલકોં કી ઉસ સુર્ખ નમી મેં નિકલ ગયા
નિંદ ના જાને કહાં ગઈ ઉન સેહમી સિકુડી રાતોં મેં,
હમ સન્નાટે કો ચીર રાખ સે ભરા અંધેરા તકતે થે
ગર તબ્દીલી કી ગુંજાઇશ ને સાથ દિયા તો ઠીક સહી,
પર ઉસને ભી ગર છોડ દિયા
તો યાર બડે પછતાઓગે...
આ કવિતા તો હજી પણ લાંબી છે અને એ જેટલી લાંબી છે એટલી જ સરસ છે. આલ્કોહૉલ એટલે કે દારૂની લતનું પરિણામ શું આવી શકે અને એ કેવું હોય એના વિશે પીયૂષ મિશ્રાએ વિગતવાર કહ્યું છે, પણ એટલી ડિટેલમાં આપણે જવાની જરૂર નથી અને મારી વાત કહું તો, મારે તો માત્ર આ પોએટ્રીની છેલ્લી બે લાઇન પર જ તમને ફોકસ કરાવવું છે.
...તો યાર બડે પછતાઓગે.
વર્ષો પહેલાં અમિતાભ બચ્ચનની ફિલ્મ આવી હતી ‘શરાબી’. આ ફિલ્મના જ એક ગીતની કેટલીક પંક્તિઓ એકદમ ઇફેક્ટિવ છે.
નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ,
નશે મેં કૌન નહીં હૈ મુઝે બતાઓ ઝરા.
નશા હૈ સબ મેં મગર રંગ નશે કા હૈ જુદા.
હવે મારા કામના વિષય પર આવી જઈએ.
કૉલેજ અને નાની એજમાં જ ઍક્ટિંગ શરૂ થઈ ગઈ એટલે મારા ફ્રેન્ડ્સનું ગ્રુપ બીજા બધા કરતાં થોડું વધારે મોટું છે એવું કહું તો ચાલે. બધા ફ્રેન્ડ્સનો મળવાનો કોઈ ને કોઈ વાર નક્કી કર્યો હોય, પણ લૉકડાઉન અને એ પછી શરૂ થયેલાં કામોની વચ્ચે ફ્રેન્ડ્સ પાસે જવાનું ઓછું બને, પરંતુ હમણાં ટાઇમ કાઢીને હું ગયો અને બધા ફ્રેન્ડ્સને મળ્યો. નૅચરલી, શરૂઆતમાં થોડી ટાંગખિંચાઈ થઈ અને બધા મજા કરતા રહ્યા કે મોટો માણસ થઈ ગયો છો એટલે દેખાતો નથી અને સુપરસ્ટાર થઈ ગયો છો એટલે હવે અમારી પાસે નથી આવતો અને એવું બધું. થોડી મજાક-મસ્તી પછી કેટલાક ફ્રેન્ડ્સ છૂટા પડ્યા એટલે મેં તેમને પૂછ્યું કે શું થયું, ક્યાં ભાગ્યા બધા?
મને જવાબ મળ્યો ઃ ‘વો હમારી ગલી મેં જા રહે હૈં.’
હમારી ગલી?
આવી તો કોઈ ગલીનું નામ મેં નથી સાંભળ્યું મુંબઈમાં તો પછી આ વળી કઈ ગલીનું નામ, હમારી ગલી? મેં હા પાડી તો તરત જ બીજા ફ્રેન્ડ્સ ના પાડવા માંડ્યા અને તરત જ કહેવા માંડ્યા કે ના, તું રહેવા દે. તારે લાયક નથી એ ગલી. તું નહીં આવે તો ચાલશે. અમે હમણાં જ પાછા આવીએ છીએ. મને બહુ સસ્પીશિયસ લાગ્યું એટલે મેં પણ વાતને પકડી રાખી કે, ‘મુઝે આના હી હૈ. યા તો લે ચલો મુઝે સાથ મેં, યા તો આપ ભી કૅન્સલ કરો.’
નાછૂટકે મને સાથે લેવો પડ્યો.
અમે એક બંધ ગલીમાં ગયા. દિવસનો ટાઇમ હતો એટલે ગલીમાં અંધારું તો નહોતું પણ એમાં ખાસ કોઈ અવરજવર પણ નહોતી. ત્યાં બધા ફ્રેન્ડ્સ ઊભા રહ્યા એટલે હું પણ ઊભો રહ્યો. બેચાર મિનિટ વાતો ચાલી અને પછી અમારા ગ્રુપમાંથી એકેક જણે લાઇટર કાઢ્યું. હું કંઈ પૂછું એ પહેલાં તો બીજાએ પોતાની જેબમાંથી સિગારેટનું પૅકેટ કાઢ્યું.
આઇ વોઝ શૉક્ડ.
જેણે સિગારેટનું પૅકેટ કાઢ્યું હતું એ ફ્રેન્ડ એક સમયે બધાને સિગારેટ, દારૂ અને એવા બીજાં જેકોઈ વ્યસન કહેવાય એ નહીં કરવા માટે સમજાવતો હતો અને એ પછી, હું એ દિવસે તેના જ હાથમાં સિગારેટ જોતો હતો. સિગારેટ ખરાબ છે એવું કહેવાને બદલે હું કહીશ કે આ લત ખરાબ છે. ઘરેથી પેરન્ટ્સ જેકોઈ વિશ્વાસ આપણા પર મૂકે છે એ વિશ્વાસને અકબંધ રાખવાનું કામ આપણું છે. તમે ઘરે પાછા જાઓ ત્યારે કોઈ મા આવીને તમારું મોઢું નથી સૂંઘતી કે પછી તમારાં કપડાં ચેક કરવા નથી આવતી, પણ તેને એવો વિશ્વાસ છે કે મારો દીકરો ખોટું નહીં કરે. આ જે વિશ્વાસ છે એ વિશ્વાસ મેં એ દિવસે ‘હમારી ગલી’માં તૂટતો જોયો. ત્યાં માત્ર મારા ફ્રેન્ડ્સનું જ ગ્રુપ નહોતું, બીજાં પણ બેચાર ગ્રુપ હતાં. છોકરાઓ હતા, છોકરીઓ હતી, ટીનેજર્સ પણ હતા અને બધા સાથે મળીને મસ્ત રીતે ઊભા રહીને સિગારેટ ફૂંકતા હતાં અને ફૂંકાઈ રહેલી એ સિગારેટમાં મને બધાના પેરન્ટ્સના જલતા વિશ્વાસનો ધુમાડો દેખાતો હતો. શું મજા આવતી હતી એ તો એ લોકો જાણે, પણ સિગારેટના ધુમાડા તે સૌ એવી રીતે કાઢતા હતા જાણે દુનિયાઆખીના એ બધા સુલતાન હોય અને દુનિયા તેમને પૂછ્યા વિના હવે એક પગ પણ માંડવાની ન હોય.
હું વધારે વખત ત્યાં નહોતો ઊભો રહ્યો. જેવી મારા ફ્રેન્ડની સિગારેટ સળગી કે તરત જ એ ‘હમારી ગલી’માંથી પતલી ગલી પકડીને હું નીકળી ગયો અને બહાર મેઇન રોડ પર હું ઊભો રહી ગયો; પણ ફ્રેન્ડસ, મને એ દિવસે ખરેખર બહુ ખરાબ લાગ્યું હતું. બની શકે કે સિગારેટની આ વાત સાંભળીને તમને બધાને પણ થોડું ઓવર-રીઍક્શન લાગે પણ એક વખત, માત્ર એક વખત તમે લોકો તમારા પેરન્ટ્સનું વિચારજો. પેરન્ટ્સનું વિચારવું ન હોય તો પણ વાંધો નહીં, તમારી જાતનું વિચારજો. કૅન્સર જેવી બીમારીનું વિચારજો અને જો એ વિચાર ન થઈ શકે તો એક વખત કોઈ પણ કૅન્સર હૉસ્પિટલમાં જઈને બે કલાક રહેજો. તમને રિયલાઇઝ થશે કે આ આદત કેટલી ખરાબ છે. ચૂંથાઈ ગયેલા ચહેરા સાથે ફરતા લોકો તમને એ હૉસ્પિટલમાં દેખાશે, જેમને એ પણ ખબર હોય છે કે અત્યારે ભલે કૅન્સરથી બચી ગયા, પણ ગમે ત્યારે એ થઈ શકે છે અને હવે બીજી વખત એ થશે ત્યારે તેને બચાવવાનું કામ કોઈ નહીં કરી શકે. મેં એવી રીતે હેરાન થતા લોકોને જોયા છે જેમણે માત્ર લિક્વિડ પર જ આખી લાઇફ જીવવી પડે છે. મેં એવા લોકોને પણ જોયા છે જેમના બ્યુટિફુલ અને હૅન્ડસમ ચહેરાઓ સર્જરી પછી કોઈ પણ હૉરર ફિલ્મના ભૂતથી પણ બદતર થઈ ગયા હોય. તેમને પણ આવું વ્યસન નહીં રાખવા માટે તેમના ગ્રુપના કોઈક ફ્રેન્ડે તો સમજાવ્યું જ હશે, પણ તેઓ નહીં માન્યા હોય. મારા ફ્રેન્ડ્સ પણ મારી વાત નથી જ માન્યા અને હું કહેતો પણ નથી કે તેઓ માને. તેમને અટકાવવાના રાઇટ્સ મારા છે જ નહીં, હું તેમને સ્ટૉપ ન કરી શકું, પણ વૉર્ન કરી શકું, તમને પણ વૉર્ન કરી શકું. જો તમે એકાદ વખત ટેસ્ટ માટે સિગારેટ ચાખી લો કે લિપ્સને અડકાડી લો તો હજી ચાલે, પણ જો એ આદત બની ગઈ તો તમે ક્યાંયના નહીં રહો. મેં અનેક લોકોને એના વિના ટળવળતા જોયા છે. સ્ટ્રેસ બસ્ટર કહે છે આ બધા એને, પણ જરા વિચારો કે એ બસ્ટર વિના પણ ઘણા લોકો એવા છે જેઓ તમારા કરતાં પણ વધારે સ્ટ્રેસ વચ્ચે જીવે છે. ગર્લફ્રેન્ડ રિપ્લાય નથી કરતી, ચાલો સિગારેટ પીએ. બૉસ પ્રમોશન નથી આપતો, ચાલો સિગારેટ પીએ. માર્ક્સ સારા નથી આવ્યા, ચાલો સિગારેટ પીએ. પેરન્ટ્સ વાત નથી સમજતા, ચાલો સિગારેટ પીએ. મને તો ખાતરી છે કે આ આર્ટિકલ વાંચ્યા પછી પણ ઘણા લોકોને ટેન્શન થશે અને એ ટેન્શનને ભગાડવા માટે પણ તેઓ સિગારેટ સળગાવશે જ, પણ પ્લીઝ, એક વખત, એક વખત તમારી વહાલી વ્યક્તિની સામે જોઈ લેજો અને પછી સિગારેટના દમ મારજો.
ખાલી એક વખત. તમારા સન માટે, તમારી ડૉટર માટે, તમારી વાઇફ માટે, તમારી ગર્લફ્રેન્ડ માટે અને બીજું કોઈ નહીં તો તમારા પોતાને માટે પણ ઍટ લીસ્ટ આટલા સેલ્ફિસ થાઓ અને સિગારેટ ન પીઓ, બાકી મેં કહ્યું એમ, હું તમને સ્ટૉપ ન કરી શકું, પણ માત્ર વૉર્ન કરી શકું છું અને વૉર્ન કરવાની સાથોસાથ માત્ર એટલું કહી શકું...
‘ગર તબ્દીલી કી ગુંજાઇશ ને સાથ દિયા તો ઠીક સહી,
પર ઉસને ભી ગર છોડ દિયા
તો યાર બડે પછતાઓગે...’

Bhavya Gandhi columnists weekend guide