જીવનની દરેક પરિસ્થિતિનો અફસોસ કરવો કે સ્વીકાર? પસંદગી આપણી જ છે

05 August, 2020 02:52 PM IST  |  Mumbai | Sejal Ponda

જીવનની દરેક પરિસ્થિતિનો અફસોસ કરવો કે સ્વીકાર? પસંદગી આપણી જ છે

પ્રતીકાત્મક તસવીર

એકલા રહેતા માણસને પારિવારિક જિંદગી જીવવાની ઇચ્છા થતી હોય. બીજાની પારિવારિક જિંદગી જોઈ તે અફસોસ કરતો રહે છે. પરિવાર સાથે જીવતો માણસ સ્પેસ શોધતો હોય છે. તેને એકલા રહેતા માણસની ઈર્ષા થઈ આવે છે. હવે આમાં સુખી કોણ? બન્નેમાંથી કોઈ નહીં. બન્ને જગ્યાએ પોતાની જિવાતી જિંદગીનો, પોતાને મળેલી જિંદગીનો અફસોસ છે.

ધીરજ એટલે રાહ જોવાની આવડત નહીં, પણ રાહ જોતી વખતે સારું વર્તન રાખવાની આવડત. વડીલો કહેતા આવ્યા છે, ધીરજ રાખો. ધીરજનાં ફળ મીઠાં હોય છે. જોકે આ મીઠાં ફળ સુધી પહોંચતા રાહ જોવી પડે છે.
રાહ જોવા માટે ખૂબ ધીરજ રાખવી પડે છે. પરીક્ષાના રિઝલ્ટની રાહ જોવાની હોય કે પછી નોકરી મળવાની, લગ્નની રાહ જોવાની હોય કે સારી તક મળવાની; આ રાહ જોવી એટલે જ મોટી પરીક્ષા કહેવાય છે.
ઘણી વાર માણસ જીવનમાં સુખની રાહ જોતાં-જોતાં થાકી જાય છે. રાહ જોવાની આવે એટલે કદાચ શરૂઆતમાં તો માણસ પોતાના મનને મનાવી લે છે, પણ જેમ-જેમ સમય વીતે છે એ પછી રાહ જોવાનો થાક લાગવા લાગે છે. કંટાળો આવવા લાગે છે. અકળામણ થવા લાગે છે અને પછી ધીરજનો અંત આવે છે. માણસનો આક્રોશ બહાર નીકળે છે.
‘દીવાર’ ફિલ્મનો અમિતાભ બચ્ચનનો એક ડાયલૉગ છે જેમાં તે ભગવાનની સામે પોતાનો આક્રોશ બહાર કાઢતાં કહે છે કે ઃ આજ ખુશ તો બહોત હોંગે તુમ. હમ ઘર સે બેઘર હો ગએ. મેરી મા સુહાગન હોતે વિધવા બની રહી. મૈંને તુમ સે કભી કુછ નહીં માંગા. લેકિન આજ માંગતા હૂં.
ચાલો આ તો ફિલ્મી ડાયલૉગ છે, પણ વાસ્તવમાં માણસ માગી-માગીને માગણ જેવો બની ગયો છે. માગે છે, પછી એના પૂરા થવાની રાહ જુએ છે. અને એ માગેલી ઇચ્છા પૂરી ન થાય તો માણસ ધીરજ ખોઈ બેસે છે. ઇચ્છાઓ પર કેટલી બ્રેક લગાડવી જોઈએ એ માણસે વિચારવું રહ્યું. બિલાડીના ટોપની જેમ એક પછી એક ઇચ્છાઓ ફૂટ્યા જ કરે છે. અને આપણે ઇચ્છાઓની થાળી લઈ ભગવાનના મંદિરે પહોંચી જઈએ છીએ. એક વિશ્વાસ સાથે ઘરે જઈએ છીએ કે ભગવાન મારી ઇચ્છા જરૂર પૂરી કરશે. પછી એ ઇચ્છા પૂરી થવાની રાહ જોતા રહીએ છીએ. જ્યારે ઇચ્છા પૂરી નથી થતી ત્યારે આપણે અકળાઈ જઈએ છીએ અને આપણા નસીબને દોષ આપીએ છીએ.
માણસ એક બહુ મોટું સત્ય ભૂલી ગયો છે. એ સત્ય એટલે ઃ જીવનમાં બધાને બધું જ નથી મળતું. માણસને અભાવ સાથે નફરત થાય છે. અભાવને માણસ જીવનમાં સ્વીકારી શકતો નથી, જેને લીધે જે મળ્યું છે એનો આનંદ માણી શકતો નથી. જે મળ્યું એ માણસને વ્યર્થ લાગે છે.
એકલા રહેતા માણસને પારિવારિક જિંદગી જીવવાની ઇચ્છા થતી હોય. બહુ રાહ જોયા પછી, પ્રયત્ન કર્યા પછી ક્યાંય ગોઠવાતું ન હોય તો માણસ થાકી જાય છે. બીજાની પારિવારિક જિંદગી જોઈ અફસોસ કરતો રહે છે.
પરિવાર સાથે જીવતો માણસ સ્પેસ શોધતો હોય છે. તેને એકલા રહેતા માણસની ઈર્ષા થઈ આવે છે. એકલા રહેતા માણસને તે ફ્રી બર્ડ કહે છે. પરિવારની જવાબદારીનો ભાર માણસને લાગવા લાગે છે. અને છેલ્લે બચે છે ફરિયાદો, અકળામણ.
હવે આમાં સુખી કોણ? બન્નેમાંથી કોઈ નહીં. બન્ને જગ્યાએ પોતાની જિવાતી જિંદગીનો, પોતાને મળેલી જિંદગીનો અફસોસ છે. કોઈ માણસ તમને સુખ નથી આપી શકતો, માત્ર સુખની ભ્રમણા આપી શકે છે. સુખી તો માણસે જાતે થવાનું હોય. કઈ રીતે? જે મળ્યું છે એને વધાવીને. એને ઈશ્વરની કૃપા સમજીને.
આપણી જિંદગી ઈશ્વરના હાથમાં હોય છે. ઈશ્વર આપણી જિંદગી લખે છે. તે જે સ્ટોરી બનાવે છે એમાં અનેક વળાંક અને ચડાવ-ઉતાર હોય છે. આપણે એને હિંમતભેર, આનંદથી જીવવાના હોય છે. પણ જીવતી વખતે આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. જીવતા-જીવતા આપણને વધુ ને વધુ મેળવવાની, બધું જ સુખ જીવી લેવાની ઇચ્છા થઈ આવે છે, જેને કારણે ઘણી જગ્યાએ આપણને નિરાશ થવું પડે છે.
માણસનું મન મર્કટ જેવું હોય છે. તોફાની હોય છે. મન વારંવાર માણસને અનેક સુખ બતાવે છે અને પછી એ સુખ સુધી પહોંચવા માણસ મથામણ કરતો રહે છે.
માણસને પોતાને મળેલી જિંદગીથી સંતોષ છે ખરો? અનેક પ્રયત્ન છતાં જે નથી મળ્યું એ માટે માણસ અફસોસ કરે છે? પોતાની જિંદગી એક દિવસ જરૂર બદલાશે એવી શ્રદ્ધા રાખી ધીરજ રાખી શકે છે ખરો? આ બધા જ સવાલો માણસે પોતાની જાતને પૂછવાના છે.
મોટા ભાગે માણસ બીજાની જિંદગી જોઈ એવી જિંદગીની કામના કરતો હોય છે. માણસે ખરેખર તો બીજાની જિંદગી તરફ નજર કરી પોતાની જિંદગીનો અફસોસ કર્યા વગર પોતે કેવી રીતે જીવવું જોઈએ એ નક્કી કરવું જોઈએ.
ઘણી વાર એકલા રહેતા માણસને સહારો નથી જોઈતો પણ એકલા જીવવાની હિંમત જોઈએ છે. દરેક વખતે ખભો શોધતો માણસ એકલા જીવવાની હિંમત ખોઈ બેસે છે. એ જ રીતે પરિવારમાં સાથે રહેતો માણસ પોતાની જાત સાથે રહેવાની સ્પેસ શોધતો હોય છે. માણસ જે શોધે છે એ નથી મળતું ત્યારે માણસ ધીરજ ખોઈ બેસે છે. તેને જિવાતી જિંદગીનો થાક લાગવા લાગે છે.
થાક. આ થાક માત્ર એક સમય પૂરતો હોવો જોઈએ. જેમ મોબાઇલને રીચાર્જ કરીએ એમ માણસે થાકને ફગાવી રીચાર્જ થઈ જવું પડે, કારણ કે જિંદગીએ તો માણસને ખુલ્લા હાથે સ્વીકાર્યો છે તો પછી માણસે પણ જિંદગીને ખુલ્લા હાથે સ્વીકારવી જોઈએ.
ધીરજ ખોઈ બેસનારો માણસ અકળાઈને પોતાના સ્વભાવ વિરુદ્ધનું વર્તન કરી બેસે છે. માણસે દરરોજ પોતાના સ્વભાવને ચકાસવો જોઈએ. તેને ગુસ્સો આવે છે તો કેમ આવે છે? એકલતાને કારણે? કશું ન મળવાને કારણે? રાહ જોવાને કારણે? જવાબદારીઓને કારણે? સ્પેસ નથી મળતી એ કારણે? આ દરેક સવાલનો જવાબ માણસદીઠ જુદો-જુદો હશે. પણ આ અકળામણનો ઉપાય એક જ છે ઃ સ્વીકારભાવ. જિંદગીને જેવી મળી છે એનો સ્વીકાર કરવો.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

આપણી જિંદગી ઈશ્વરના હાથમાં હોય છે. ઈશ્વર આપણી જિંદગી લખે છે. તે જે સ્ટોરી બનાવે છે એમાં અનેક વળાંક અને ચડાવ-ઉતાર હોય છે. આપણે એને હિંમતભેર, આનંદથી જીવવાના હોય છે. પણ જીવતી વખતે આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. જીવતા-જીવતા આપણને વધુ ને વધુ મેળવવાની, બધું જ સુખ જીવી લેવાની ઇચ્છા થઈ આવે છે, જેને કારણે ઘણી જગ્યાએ આપણને નિરાશ થવું પડે છે

Sejal Ponda columnists