કોરોનાની વૅક્સિન લેવી કે ન લેવી? જાણો એ ટુ ઝૅડ સવાલોના જવાબ

02 March, 2021 10:44 AM IST  |  Mumbai | Jigisha Jai

કોરોનાની વૅક્સિન લેવી કે ન લેવી? જાણો એ ટુ ઝૅડ સવાલોના જવાબ

ફ્રન્ટ-લાઇન વર્કર્સ પછી ગઈ કાલથી ૬૦ વર્ષથી મોટા સિનિયર સિટીઝન્સ અને ૪૫ વર્ષથી મોટા હાર્ટ-ડિસીઝ કે ડાયાબિટીઝ જેવી કો-મૉર્બિડ કન્ડિશન ધરાવતા લોકો માટે વૅક્સિનેશન ડ્રાઇવ શરૂ થઈ છે. અંધેરીની સેવન હિલ્સ હૉસ્પિટલમાં સિનિયર સિટીઝનોની લાંબી લાઇન લાગી હતી. તસવીરઃ શાદાબ ખાન.

વૅક્સિનને લઈને આપણા બધાના મનમાં અઢળક સવાલો છે. એ સવાલો કરતાં પણ વધુ ગેરસમજ સોશ્યલ મીડિયા દ્વારા ફેલાવાઈ રહી છે. કેટલાક લોકો ડરી રહ્યા છે, તો કેટલાક લોકો વૅક્સિનને જ નકારી રહ્યા છે ત્યારે કોવિડ વૅક્સિનને લગતા અત્યંત જરૂરી અને મૂળભૂત પ્રશ્નોના જવાબ મેળવીએ કોવિડના ૨૦૦૦થી વધુ કેસ હૅન્ડલ કરનાર વિલે પાર્લેના જનરલ ફિજિશ્યન ડૉ. તુષાર શાહ પાસેથી તેમના જ શબ્દોમાં

સાર્સ કોવિડ-2 એક વાઇરસ છે. આ વાઇરસ શરીરમાં જાય એટલે શરીર એની સામે લડે એ લડત માટે સૈનિકનું કામ ઍન્ટિબૉડીઝ કરે છે. આપણું શરીર આ ઍન્ટિબૉડીઝ બનાવે છે જે સફેદ કણનો એક પ્રકાર છે. બી-લીમ્ફોસાઇટસ ઍન્ટિબૉડીઝ બનાવે છે અને એને રિલીઝ કરે છે. જ્યારે ઍન્ટિબૉડીઝ બી-લીમ્ફોસાઇટસમાંથી બહાર આવે છે ત્યારે એ વાઇરસને રોકે છે. જો એ વાઇરસને ન રોકે તો આપણને રોગ થાય. આ ઍન્ટિબૉડીઝ બે પ્રકારે બને છે. એક તો જ્યારે વાઇરસ પોતે જ શરીરમાં પ્રવેશે ત્યારે શરીર એના બચાવમાં બનાવે અને બીજું વૅક્સિનના માધ્યમથી. આપણા શરીરમાં IGG કરીને ઍન્ટિબૉડીઝ બને છે જે ૭-૧૦ દિવસથી બનવાનું ચાલુ થાય છે અને કેટલાય મહિનાઓ સુધી શરીરમાં રહે છે. જે લાંબા ગાળાનું પ્રોટેક્શન આપે છે. આમ લાંબા ગાળાનું પ્રોટેક્શન જોઈતું હોય તો શરીરમાં ઍન્ટિબૉડીઝ જરૂરી છે. એ માટે વૅક્સિન પણ જરૂરી છે. માટે સૌથી પહેલી વાત તો એ છે કે કોવિડ વૅક્સિન જયારે તમને મળે છે ત્યારે તમારે લેવી જ જોઈએ. એને નકારવાની ભૂલ ન કરશો.
કોણે લેવી જોઈએ?
કોવિડ વૅક્સિન હાલમાં હાઈ રિસ્ક કૅટેગરીને આપવામાં આવી રહી છે એટલે કે ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ વર્ષથી ઉપરના લોકો જેમને કોઈ પણ પ્રકારની કો-મોર્બિડીટી છે તેઓ માટે શરૂ કરાય છે. કો-મોર્બિડિટી એટલે કે ડાયાબિટીઝ, બ્લડપ્રેશર કે અસ્થમા જેવી તકલીફ. જેમને કો-મોર્બિડિટીઝ છે તેમને ડૉક્ટરના સર્ટિફિકેટની જરૂર ચોક્કસ પડવાની છે. ડૉક્ટરના સર્ટિફિકેટ પછી જ તેમને વૅક્સિનની પરવાનગી મળશે. જો તમારો નમ્બર આ કૅટેગરીમાં આવી રહ્યો છે તો તમે ચૂકતા નહીં. તમે વૅક્સિન લો જ. એવું પણ ન વિચારો કે આનાથી સારી વૅક્સિન આવશે જે મ્યુટેશનને પણ કવર કરશે. જો એવું થયું તો પણ એક વખત વૅક્સિન લીધા પછી બીજી વખત એનો બૂસ્ટર ડોઝ લેવાશે. માટે ચિંતા ન કરો. હમણાં આ વૅક્સિન લઈ લો.
કોણે વૅક્સિન લેવી જ?
આમ તો લગભગ બધા લોકોએ આ વૅક્સિન લેવાની જ છે, પરંતુ કોણે આ વૅક્સિન વહેલી તકે લઈ લેવી એ સમજીએ તો કોરોના માટે ડાયાબિટીઝ, હાર્ટના રોગ; ફેફસાંના રોગ જેમ કે COPD, અસ્થમા, ફાયબ્રોસિસ; બ્રેઇનના રોગ જેમ કે અલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ; લિવરના રોગ જેમ કે સિરોસિસ, કિડનીના રોગ જેમ કે કિડની-ફેલ્યર અને ઑબેસિટી રોગ હાઈ રિસ્ક કૅટેગરીમાં આવે છે. એનો અર્થ એ થાય કે જો તમે આ પ્રકારના રોગ ધરાવતા હો અને તમને કોવિડ થયો તો આ રોગ તમને ગંભીર રીતે તકલીફ આપી શકે છે. આ કૅટેગરીના લોકોએ હાલમાં તરત જ મહિનાની અંદર વૅક્સિનના બે ડોઝ લઈ જ લેવા.

વડીલોએ શું કરવું?
યુરોપના કેટલાક દેશોમાં આ વૅક્સિન ૫૦થી ૬૦ વર્ષથી ઉપરના લોકોને આપવાની મનાઈ છે, એનું કારણ એ છે કે આ ઉંમરના લોકો પર પૂરતા પ્રમાણમાં ટ્રાયલ થઈ નથી એટલે તેમના પર આ રસી કેવી કામ કરશે એ બાબતે તેમને શંકા છે, પણ જો તમારી ઉંમર એનાથી વધુ હોય, ૮૦-૯૦ વર્ષ હોય તો પણ વૅક્સિન લઈ લો, કારણ કે વધુમાં વધુ એવું થશે કે આ વૅક્સિન તમારા શરીરમાં જઈને તમને એટલું પ્રોટેક્શન પૂરું નહીં પાડે, એટલી ઇમ્યુનિટી બિલ્ડ નહીં થાય જેવી યુવાન વયના વ્યક્તિના શરીરમાં જઈને પડશે. પરંતુ સામે તમને એનાથી કોઈ મોટું નુકસાન નથી, કારણ કે આ રસીમાં જીવિત વાઇરસ નથી એટલે તમને એનાથી કોઈ ખતરો નથી. ઉંમર વધવાથી વૅક્સિનની સાઇડ ઇફેક્ટ નહીં વધે. ઉંમર વધવાથી વૅક્સિનની અસરકારકતા ઓછી થઈ શકે છે, જેમાં તમને કોઈ ખાસ નુકસાન નથી.
કૅન્સરના દરદીઓએ શું કરવું?
જો તમારી ઇમ્યુનિટી ઘણી ઓછી છે, તમે કોઈ હેવી સ્ટેરૉઇડ દવા લઈ રહ્યા છો અથવા તમને લ્યુકેમિયા, બ્રેસ્ટ કૅન્સર કે બીજા કોઈ પણ પ્રકારના કૅન્સરના રોગમાં તમારી કીમો થેરપી ચાલી રહી છે તો પણ તમારે આ વૅક્સિન લેવી જ જોઈએ. એવું થઈ શકે કે તમારી ઇમ્યુનિટી ઓછી છે તો કદાચ આ વૅક્સિનને લીધે તમારા શરીરમાં જે ઍન્ટિબૉડીઝ બનવવાં જોઈએ એ નહીં બને, પણ તોય તમને એનાથી મદદ મળશે. માટે ઇમ્યુનોકૉમ્પ્રોમાઇઝ્‍ડ હોવા છતાં તમારે વૅક્સિન લેવી જ જોઈએ.

વૅક્સિનનો ફાયદો શું?

ઘણા લોકોનો એવો પણ મત છે કે આ વાઇરસ તો મ્યુટન્ટ થતું જાય છે તો પછી આ વૅક્સિન લેવાનો અર્થ નથી. આ ગેરસમજની સ્પષ્ટતા જાણીએ ગરેગામના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે પાસેથી સમજીએ.
આ વાત ભૂલ ભરેલી છે, આ વૅક્સિન તો લેવાની જ છે. વાઇરસ જ્યારે મ્યુટન્ટ થઈ જાય ત્યારે એનો બૂસ્ટર ડોઝ આવશે. જેમ કે ઇન્ફ્લુએન્ઝા વાઇરસની રસી દર વર્ષે લેવી પડે છે, કારણ કે એ મ્યુટન્ટ થઈ જાય છે. દરેક વાઇરસ જુદો હોય છે અને દરેક વાઇરસ માટેની રસી જુદી હોય છે. અમુક વાઇરસ એવા છે જેને માટે એક જ રસી પૂરતી છે. અમુક વાઇરસ ફરી-ફરીને પાછા આવે છે. કોવિડ માટે પણ વૈજ્ઞાનિકો એમ માને છે કે આ વાઇરસ માટે પણ સતત રસી બનાવતા રહેવું પડશે, પરંતુ મ્યુટેશન ધીમું કરવું હોય કે બંધ કરવું હોય તો પણ રસી જ કામ કરે છે. જો દરેક વ્યક્તિને રસી મળી જાય તો વાઇરસના મ્યુટન્ટ થવાના ચાન્સ ઘટી જાય છે, કારણ કે વાઇરસ પોતાની જાતે મ્યુટન્ટ નથી થઈ શકતા, એ આપણા શરીરમાં જઈને પછી જ મ્યુટન્ટ થાય છે. આમ એમને મ્યુટન્ટ થવા માટે જરૂરી યજમાન શરીરની સંખ્યા આપણે રસી આપીને આપોઆપ ઓછી કરી દઈએ તો ઘણો લાભ થાય. આમ રસી ફક્ત સ્વબચાવ માટે જ નહીં, સમગ્ર સમાજને બચાવવા માટે પણ ફાયદાકારક છે, માટે ચોક્કસ લગાવો. લોકોને સાઇડ ઇફેક્ટનો ડર ભરપૂર છે. હકીકતમાં રસીને કારણે સાઇડ ઇફેક્ટ જૂજ લોકોને જ થાય છે અને એ પણ ૨-૩ દિવસમાં જતી રહે છે. સામાન્ય તાવ, શરદી કે શરીરમાં દુખાવા જેવાં ચિહ્‍નો આવે તો પણ ગભરાશો નહીં.

કોવિડ થઈ ચૂક્યો હોય તો શું?

જેમને કોવિડ થઈ ગયો છે તેમના શરીરમાં ઍન્ટિબૉડીઝ બન્યાં જ હશે. મારું સજેશન એ છે કે તમે ઍન્ટિબૉડી ટેસ્ટ કરાવો. જો તમારા શરીરમાં સારી માત્રામાં ઍન્ટિબૉડીઝ હોય તો તમારે હમણાં વૅક્સિન લેવી કે નહીં એના પર વિચાર કરવો રહ્યો. પહેલાં તો એ ઍન્ટિબૉડી ટેસ્ટ માટે તમારા ફિઝિશ્યન કે ફૅમિલી ડૉક્ટરને બતાવીને તેમની સલાહ લો. આવા સંજોગોમાં તમારી પાસે ત્રણ શક્યતા રહેલી છે.
તમે ઍન્ટિબૉડીઝ છે તમારા શરીરમાં પણ તમે એને ગણકારો નહીં અને રસીના બે શૉટ્સ લઈ લો, જેમાં કશું ગુમાવવાનું નથી.
બીજું એમ કરાય કે રસી લેતાં પહેલાં જો ઍન્ટિબૉડીઝ સારાં હોય કે મધ્યમ હોય તો પણ તમે રસીનો એક ડોઝ તો લઈ જ લો, જે તમારા માટે પૂરતો છે. આ એક ડોઝ લીધા પછી પણ ટેસ્ટ કરાવો, જો ઍન્ટિબૉડીઝ વૅક્સિનને કારણે ઘણાં વધી ગયાં
હોય તો બીજા ડોઝની તમને જરૂર નથી.
ત્રીજું ઓપ્શન એ છે કે જો ઍન્ટિબૉડીઝ વધુ પ્રમાણમાં હોય તો તમે થોડી રાહ જુઓ અને જેમને વધુ જરૂર છે એવા લોકોનો વૅક્સિન લેવા માટેનો ચાન્સ આવવા દો.

કોણે વૅક્સિન ન લેવી?

૧૮ વર્ષથી નીચેની વ્યક્તિએ વૅક્સિન નથી લેવાની, કારણ કે હજી સુધી તેમના પર પૂરતી ટ્રાયલ થઈ નથી.
બીજું, પ્રેગ્નન્સીમાં વૅક્સિન ન લેવી.
ત્રીજા એ પ્રકારના લોકો છે જેમણે જીવનમાં કોઈ પણ બીજી વૅક્સિન લીધી હોય ત્યારે તેમને એનાથી કોઈ રીઍક્શન આવ્યું હોય અને ઍલર્જિક કન્ડિશન ઊભી થઈ હોય, જેને કારણે બ્લડપ્રેશર ઘટી ગયું હોય કે શ્વાસ ફુલાય તો તમારે આ વૅક્સિન ન લેવી.

Jigisha Jain columnists