09 November, 2025 12:32 PM IST | New Delhi | Rashmin Shah
આરોપી અમ્રિતા ચૌહાણ અને જેની હત્યા થઈ એ બૉયફ્રેન્ડ રામકેશ મીણા.
તાજેતરમાં દિલ્હીમાં ઘરમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા યુવક રામકેશની ખરેખર હત્યા થઈ હતી એ કેસમાં એક પછી એક રહસ્યો બહાર આવી રહ્યા છે. તેની જ લિવ-ઇન પાર્ટનર અને ફૉરેન્સિક સાયન્સમાં ભણતી ૨૧ વર્ષની અમ્રિતાએ કેવી રીતે પોતાને મળેલા જ્ઞાનનો ઉપયોગ બદલો લેવા માટે કર્યો એ જાણશો તો સમજાશે કે જેન-ઝી ખરેખર કેવી ખતરનાક વિચારધારા ધરાવે છે
રામકેશના લૅપટૉપની હાર્ડ ડ્રાઇવમાંથી પોલીસને એવો ડેટા મળ્યો જે જોઈને પોલીસ પણ હેબતાઈ ગઈ. લૅપટૉપમાં અમ્રિતાના જ નહીં, અન્ય ૧૫ છોકરીઓના પણ ન્યુડ ફોટોગ્રાફ્સથી માંડીને રામકેશ સાથેના તેના ઇન્ટિમેટ વિડિયો પણ મળ્યા. જેને કારણે રામકેશ નિમ્ફોમેનિયાક હોય એવી શંકા પોલીસને થઈ રહી છે.
દિવસ: ૬ ઑક્ટોબર, ૨૦૨પ
સમયઃ રાતના ૩.૧પ વાગ્યે
‘હેલો ફાયર-બ્રિગેડ...’
ફાયર-બ્રિગેડમાં જ ફોન કર્યો હોવા છતાં ફોન કરનારાએ સહજ રીતે જ પૂછી લીધું. ફોન કરનારાના અવાજમાં ભારોભાર ઉચાટ અને ઉદ્વેગ હતા. જેવો સામેથી હકારાત્મક પ્રત્યાઘાત મળ્યો કે બીજી જ સેકન્ડે ફોન કરનારાએ કહ્યું, ‘સા’બ, હમારે વહાં આગ લગી હૈ, હાઉસ નંબર G-26 મેં. જલ્દી આઈએ...’
ફોન કટ થયો અને થોડી જ સેકન્ડોમાં દિલ્હી યુનિવર્સિટીના ઉત્તર કૅમ્પસ પાસેથી સાઇરન વગાડતું ફાયર-ફાઇટર રવાના થયું તો સાથોસાથ દિલ્હી પોલીસની એક ટીમ પણ ત્યાં જવા માટે રવાના થઈ. દિલ્હી પોલીસની ટીમ માટે આ એક સામાન્ય ઘટના હતી, પણ દેશની રાજધાની હોવાને કારણે દિલ્હીમાં પ્રોટોકૉલ રહ્યો છે કે આગજની બને કે તરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચે. બીજાં શહેરોમાં પણ આ નિયમ છે ખરો, પણ એમાં ફાયર-સ્ટેશનથી બોલાવવામાં આવે તો જ પોલીસ જતી હોય.
ઉત્તર દિલ્હીના ટીમરપુર એરિયામાં પોલીસ પહોંચી ત્યારે ખાખી વર્દીધારીના મનમાં પણ નહોતું કે તે એક એવા કેસની દિશામાં આગળ વધે છે જે કેસ દેશ આખાના યંગસ્ટર્સની આંખો ખોલવાનું કામ કરવાનો છે. ટીમરપુરા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાકેશકુમાર ‘મિડ-ડે’ને કહે છે, ‘લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા કપલમાં જ્યારે ટ્રસ્ટ તૂટે છે ત્યારે વ્યક્તિ રિવેન્જ લેવા પર કઈ સ્તરે પહોંચે છે એનું સૌથી ખરાબ ઉદાહરણ એટલે આ કેસ છે. હવે એવું ન કહી શકાય કે આ પ્રકારની રિલેશનશિપ પછી છોકરો કે છોકરી દેવદાસ બનીને જીવે છે. જેન-ઝી કોઈ પણ સ્તર પર જઈ શકે છે એ વધુ એક વાર પ્રૂવ થયું છે.’
રાકેશકુમારની વાત સહેજ પણ ખોટી નથી.
ટીમલપુરના ગાંધી વિહાર વિસ્તારના G-26ના ૪ માળિયા એવા અપાર્ટમેન્ટમાં એ રાતે અને એ પછી જે કંઈ બહાર આવતું રહ્યું એણે માત્ર દિલ્હી જ નહીં, દેશ આખાને ધ્રુજાવી દેવાનું કામ કર્યું. આ કેસ સાથે સંકળાયેલા દિલ્હી સિવિલ લાઇન્સ સબ-ડિવિઝન વિસ્તારના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર મુકેશકુમાર કહે છે, ‘ન્યાય અપાવવા માટે જે ભણ્યું એનો ઉપયોગ ખોટી રીતે અન્યાય સામે કરવાનું કામ આ કેસમાં થયું.’
આપણે વાત કરીએ છીએ દેશના છેલ્લા સૌથી ચકચારી રામકેશ મર્ડરકેસની અને એ કેસ સાથે સંકળાયેલા ૩ આરોપીઓ સુમિત કશ્યપ, સુદીપકુમાર અને આખા કેસની માસ્ટર માઇન્ડ એવી માત્ર ૨૧ વર્ષની અમ્રિતા ચૌહાણની.
કોણ છે આ લોકો?
ઉપર કહ્યાં એ તમામ નામોના લોકોને ઓળખતાં પહેલાં તમારે ઘટનાને ક્રમવાર સમજવી પડશે.
ગાંધી વિહારમાં રહેતો રામકેશ મીણા મૂળ રાજસ્થાનનો પણ દિલ્હી આવીને સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો. ૩૨ વર્ષનો રામકેશ દિલ્હીમાં ઘર ભાડે રાખીને રહેતો હતો. ઉત્તર પ્રદેશના મોરાદાબાદ નામના શહેરમાં રહેતી અમ્રિતા ચૌહાણ પણ દિલ્હીમાં જ રહેતી હતી. ૨૧ વર્ષની અમ્રિતા દિલ્હીની એક પ્રાઇવેટ કૉલેજમાં ફૉરેન્સિક સાયન્સમાં બૅચલર્સ કરતી હતી. અમ્રિતાએ આપેલા પોલીસ-સ્ટેટમેન્ટ મુજબ અમ્રિતા અને રામકેશ બન્ને ૨૦૨૩માં પહેલી વાર યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં મળ્યાં અને પછી દોસ્તી થઈ. દોસ્તી આગળ વધી અને બન્ને વચ્ચે પ્રેમ થયો. અમ્રિતાના કહેવા મુજબ રામકેશે તેને કહ્યું હતું કે કૉલેજની સાથોસાથ તે અમ્રિતાને હંગામી ધોરણે સરકારી જૉબ અપાવી શકે છે. જોકે એવું ક્યારેય થયું નહીં.
એક જ વર્ષની રિલેશનશિપ પછી અમ્રિતાને લાગ્યું કે રામકેશ અને તે એકબીજા માટે બન્યાં છે એટલે બન્નેએ લિવ-ઇનમાં સાથે રહેવાનું નક્કી કર્યું અને બન્ને રામકેશના ઘરે સાથે રહેવા માંડ્યાં. આ વાત છે ૨૦૨૪ના જૂન મહિનાની. રામકેશ અને અમ્રિતાને સાથે જોનારાને તે બન્ને લવેબલ કપલ લાગ્યું છે. દિલ્હી પોલીસે ગાંધી વિહાર વિસ્તારમાં ઑલમોસ્ટ ૧૦૦ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં, જેમાંથી ત્રીસેક જેટલા લોકોએ કહ્યું કે અમે ક્યારેય તેમને એકબીજા સાથે દલીલ કરતાં કે ઝઘડો કરતાં જોયાં નથી. રામકેશ અમ્રિતાને પૂરું માન આપતો અને પોતાનાથી ૧૧ વર્ષ નાની અમ્રિતાનું ધ્યાન પણ રાખતો તો સાથોસાથ અમ્રિતા પણ રામકેશને સિનિયર તરીકે પૂરતું માન આપતી. અરે, જાહેરમાં ક્યાંય ક્યારેય કોઈએ રામકેશને તુંકારો કરતાં અમ્રિતાને સાંભળી નહોતી. રામકેશ-અમ્રિતાના ઘરે નિયમિત દૂધ આપવા આવનારાએ પોલીસ-સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે તેમને જોઈને એવું જ લાગતું કે બન્ને બહુ જલદી મૅરેજ કરશે.
વાત બગડી ક્યારથી?
દિલ્હીમાં રહેતી અમ્રિતા સમયાંતરે પોતાના ગામ મોરાદાબાદ જતી, જ્યાંથી રામકેશ અને તેની વચ્ચે વિડિયોકૉલ્સ થતા તો સાથોસાથ બન્ને વચ્ચે પર્સનલ કહેવાય એવા ફોટોની પણ આપ-લે થતી. એટલું જ નહીં, બન્ને પોતાના ગાંધી વિહારના ઘરમાં પણ રાતની રોમૅન્ટિક પળોનું વિડિયો રેકૉર્ડિંગ કરતાં. અમ્રિતાનું કહેવું છે કે આ પ્રકારની ઇચ્છાઓ રામકેશ દર્શાવતો અને પછી એ માટે તે જીદ પણ કરતો. પ્રેમથી થયેલી જીદ સામે અમ્રિતા પણ પીગળી જતી અને તેનું એ પીગળવું જ તેને ક્રિમિનલ બનાવવાનું કામ કરી ગઈ.
એક સમય સુધી બધું શાંતિથી ચાલ્યું, પણ વાત બગડી ત્યારે જ્યારે અમ્રિતાને ખબર પડી કે પોતે મોકલેલા વિડિયો-ફોટો અને રાતના સમયે તેમની રોમૅન્ટિક પળોનું વિડિયો રેકૉર્ડિંગ રામકેશ ડિલીટ નથી કરતો પણ એ તેણે સાચવી રાખ્યાં છે. અમ્રિતાએ પોલીસ-સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે મોકલતી વખતે કે વિડિયો રેકૉર્ડિંગ વખતે તે સતત રામકેશને કહેતી કે આ કોઈ ડેટા રહેવો ન જોઈએ અને રામકેશ તેને પ્રૉમિસ કરતો. વિશ્વાસ હોય તો પાણી વિના વહાણ પણ તરી જાય, જ્યારે અહીં તો આખી જિંદગી પસાર કરવાની હતી.
સચવાયેલાં એ બધાં વિડિયો-ફુટેજ અને ફોટોને કારણે હવે રામકેશ અને અમ્રિતા વચ્ચે ઝઘડા શરૂ થયા અને એ ઝઘડાએ બન્નેના સંબંધો બગાડવાનું શરૂ કર્યું. આ વાત છે સપ્ટેમ્બરના આરંભની અને અમ્રિતાના કહેવા મુજબ ઑગસ્ટમાં આવતી જન્માષ્ટમીની રજા દરમ્યાન તેને ખબર પડી હતી. બન્યું એવું કે રામકેશની હાર્ડ ડ્રાઇવ અમ્રિતાના હાથમાં આવી ગઈ, જેમાં તેણે પોતાના નામનું એક ફોલ્ડર જોયું. એ ફોલ્ડર ખોલતાં અમ્રિતા હેબતાઈ ગઈ, કારણ કે એમાં અસભ્ય કહો તો એ તેના અને રામકેશના ઇન્ટિમેટ કહેવાય એવા ફોટો, વિડિયો અને સાથોસાથ પોતે રામકેશને મોકલેલા ફોટો અને વિડિયો પણ હતા. અમ્રિતા માટે આ શૉકિંગ હતું. તે કોઈ સ્ટેપ લે કે કંઈ કરે એ પહેલાં જ રામકેશ આવી ગયો અને તેણે એ હાર્ડ ડ્રાઇવ લઈ લીધી. બન્ને વચ્ચે ઝઘડો થયો અને એ પછી રામકેશે હાર્ડ ડ્રાઇવ સંતાડી દીધી.
વાત આગળ કેમ વધી?
ઝઘડો એ સ્તર પર પહોંચી ગયો કે રામકેશે અમ્રિતાને મોઢા પર જ ના પાડી દીધી કે તે એ ફોટો-વિડિયો ડિલીટ નહીં કરે. જોકે તેણે અમ્રિતાને બાંયધરી પણ આપી હતી કે તે એનો દુરુપયોગ પણ નહીં કરે. જોકે અમ્રિતાને એ વાત ગળે નહોતી ઊતરી. ડરનું કામ છે વધુ ડરાવવાનું અને એવું જ થયું. અમ્રિતાને મનમાં એ વાતની આશંકા જન્મી કે ભવિષ્યમાં રામકેશ તેની સાથે મૅરેજ કરવાની ના પાડી દે અને લાઇફટાઇમ બ્લૅકમેઇલ કરશે તો?
બસ, અમ્રિતાના મનમાં વિચારો શરૂ થઈ ગયા કે કોઈ પણ ભોગે હાર્ડ ડ્રાઇવ મેળવવી. એ માટે પહેલાં તો તેણે જાતે જ પ્રયાસો કર્યા, પણ એમાં નિષ્ફળતા મળી એટલે તેણે પોતાના ૨૭ વર્ષના એક્સ-બૉયફ્રેન્ડ સુમિત કશ્યપની હેલ્પ માગી.
એક સમયે સુમિત અને અમ્રિતા રિલેશનશિપમાં હતાં, પણ અમ્રિતા મૅરેજ માટે તૈયાર ન હોવાથી એ રિલેશનશિપ તૂટી ગઈ હતી. સુમિત પણ મોરાદાબાદમાં જ રહે છે. વાત સાંભળ્યા પછી સુમિત દિલ્હી આવ્યો અને પોતાના ફ્રેન્ડ સંદીપકુમાર સાથે તે ગાંધી વિહાર રામકેશના ઘરે પહોંચ્યો. એ સમયે રામકેશ ઘરે હાજર નહોતો. અમ્રિતા, સુમિત અને સંદીપ એમ ત્રણેએ સાથે મળીને હાર્ડ ડ્રાઇવ શોધવાની પુષ્કળ કોશિશ કરી પણ મળી નહીં. ત્રણેય નિરાશ થયાં. પોલીસનું માનવું છે કે એ પછી સુમિતને વિચાર આવ્યો હોઈ શકે કે આવા સમયે એક જ રસ્તો છે રામકેશનું મોત. જો તે મરી જાય તો હાર્ડ ડ્રાઇવનો કોઈ મિસયુઝ થાય નહીં અને અમ્રિતાની ઇજ્જત આજીવન સલામત રહે. દિલ્હી નૉર્થના ડેપ્યુટી પોલીસ-કમિશનર રાજા બાંઠિયા કહે છે, ‘આ વાતને અમ્રિતાએ પોતાની રીતે આકાર આપ્યો હોય એવી શક્યતા છે, જેથી આ કેસ મર્ડર નહીં પણ ઍક્સિડન્ટ લાગે.’
એ રાતે શું થયું?
આર્ટિકલની શરૂઆતમાં જે વાત કહેવામાં આવી એ જ વાત ૬ ઑક્ટોબરની રાતે બની. ગાંધી વિહારના રામકેશના ઘરમાં જબરદસ્ત ધડાકો થયો અને ગૅસ સિલિન્ડર ફાટવાને કારણે આખા ઘરમાં આગ લાગી. ફાયર-બ્રિગેડ પહોંચી અને એણે આગ પર કાબૂ મેળવ્યો. પોલીસે પ્રાથમિક તપાસ કરી, જેમાં ખબર પડી કે ઘરમાંથી બૉડી એક મળ્યું છે, પણ ઘરમાં બે વ્યક્તિ રહેતી હતી. દિલ્હી પોલીસનું ઍન્ટેના ઊભું થયું અને તેણે ઇન્ક્વાયરીનાં ચક્રો ગતિમાન કર્યાં. હેતુ માત્ર એટલો હતો કે કાતિલ કોઈ પણ ભોગે છટકવો ન જોઈએ.
અત્યારના સમયમાં ક્રાઇમ સીન પર કંઈ અજુગતું બન્યું છે કે નહીં એ જાણવાનો સૌથી સરળ રસ્તો એક જ છે CCTV કૅમેરાનું ફુટેજ. પોલીસ પણ એ દિશામાં આગળ વધી અને એણે આજુબાજુના CCTV કૅમેરાનાં ફુટેજ એકઠાં કર્યાં. એમાં રાતના બે વાગીને ૧૮ મિનિટના ફુટેજે પોલીસની ઊંઘ ઉડાડી દીધી.
એ સમયે બે છોકરાઓ માસ્ક પહેરીને બિલ્ડિંગમાં દાખલ થયા અને ત્યાર પછી રાતના બે વાગીને પ૭ મિનિટે એ બન્ને છોકરાઓ ફરી પાછા બિલ્ડિંગની બહાર નીકળ્યા, પણ એ વખતે તેમની સાથે ત્રીજી વ્યક્તિ પણ હતી. ધ્યાનથી જુઓ તો ખબર પડતી હતી કે તે એક છોકરી છે. ઘરમાં બ્લાસ્ટ થવાનો સમય ૩ વાગીને ૧૪ મિનિટનો હતો અને ફાયર-બ્રિગેડમાં ફોન આવ્યાના સમયની નોંધણીમાં ૩ વાગીને ૧પ મિનિટની એન્ટ્રી બોલતી હતી. આ આખી આંકડાવારી ગોઠવાયા પછી પોલીસના મનમાં શંકાનું વાદળ વધારે મોટું થયું અને અમ્રિતા ચૌહાણની દિશામાં આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું.
કેવી રીતે સ્પષ્ટતા આવી?
અમ્રિતા ચૌહાણનો નંબર મેળવવો પોલીસ માટે સહેજ પણ અઘરો નહોતો. લિવ-ઇનમાં સાથે રહેનારાં હસબન્ડ-વાઇફની જેમ જ રહેતાં હોય એટલે નૅચરલી આડોશી-પાડોશીની સામે પણ તેઓ એ જ રીતે વર્તતાં હોય. આડોશી-પાડોશી પાસે અમ્રિતાનો મોબાઇલ-નંબર હતો તો પોલીસ પાસે એની સાઇબર ટીમ હતી.
સાઇબર ટીમે દિલ્હી પોલીસને ગણતરીના કલાકોમાં ઘટના સમયના અમ્રિતાના મોબાઇલનું લોકેશન શોધી આપ્યું જે ગાંધી વિહાર જ હતું. લોકેશન આપવાની સાથોસાથ સાઇબર ટીમે પોલીસને અમ્રિતા અને રામકેશની ચૅટ પણ આપી, જેમાં કેટલીક જગ્યા પર બન્ને વચ્ચે ઝઘડા હતા અને અમ્રિતા વિડિયો અને ફોટોની વાત કરતી હતી. લોકેશન અને ચૅટે દિલ્હી પોલીસને સર્ચલાઇટ આપવાનું કામ કર્યું, પણ એમ જ સીધા કોઈ પર આક્ષેપબાજી કરતાં પહેલાં પોલીસે બે કામ કર્યાં. કામ નંબર એક, તેણે અમ્રિતાની બીજા લોકો સાથેની ચૅટ પણ મગાવી અને કામ નંબર બે, રામકેશના ઘરેથી મળેલા સામાનની તપાસ શરૂ કરી.
રામકેશના ઘરે લાગેલી આગ દરમ્યાન લૅપટૉપની હાર્ડ ડિસ્કને નસીબજોગે બહુ ડૅમેજ નહોતું થયું એટલે એ હાર્ડ ડિસ્ક પરથી ડેટા એકઠો કરવાનું શરૂ થયું અને જેમ-જેમ ડેટા મળતો ગયો એમ-એમ કેસ પણ ક્લિયર થવા માંડ્યો.
ચૅટમાંથી પોલીસને શું મળ્યું?
અમ્રિતા ચૌહાણની ચૅટમાં ખાંખાંખોળા કરતાં બે ચૅટ એવી મળી જેમાં ફૉરેન્સિક સાયન્સને લગતી વાતો હતી, જે વાતો સાથે એ બન્ને નંબરવાળી વ્યક્તિને કંઈ નિસબત નહોતી. આ કેસને લીડ કરનારા ટીમરપુરા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાકેશકુમાર કહે છે, ‘એ ચૅટમાં શું કરવાથી લાશ સળગે એ વિશેની વાત હતી અને અમ્રિતા જેની સાથે જોડાયેલી હતી તે વ્યક્તિનું પણ આગથી સળગીને મોત થયું હતું. અમારા માટે આ બહુ મહત્ત્વની કડી હતી.’
પોલીસને જે ચૅટ મળી હતી એ ચૅટ હતી સંદીપકુમાર અને સુમિત કશ્યપની. એ બન્નેના મોબાઇલ લોકેશન જોવામાં આવ્યાં તો ખબર પડી કે ઘટનાની રાતે તે બન્ને પણ ગાંધી વિહાર વિસ્તારમાં હાજર હતા. કેસ ક્લિયર થાય એ પહેલાં જ એક નવી ખોફનાક માહિતી લૅપટૉપમાંથી મળી.
લૅપટૉપની હાર્ડ ડ્રાઇવમાંથી પોલીસને એવો ડેટા મળ્યો જે જોઈને પોલીસ હેબતાઈ ગઈ. લૅપટૉપમાં અમ્રિતાના ન્યુડ ફોટોગ્રાફ્સથી માંડીને રામકેશ સાથેના તેના ઇન્ટિમેટ વિડિયો પણ મળ્યા. ઝાટકો લાગે એવી વાત એ છે કે રામકેશના લૅપટૉપમાં અન્ય ૧૫ છોકરીઓના પણ એ જ પ્રકારના ફોટો અને વિડિયો હતા, જે સ્પષ્ટ કરતું હતું કે રામકેશ નિમ્ફોમેનિયાક એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ સાથે શારીરિક સંબંધો રાખવાની માનસિક બીમારીથી પીડાતો હોવાની શક્યતા હોઈ શકે છે. અમ્રિતાના ફોટો અને વિડિયો, એ વિશે રામકેશ સાથે થયેલી ચૅટ, રામકેશનું જે રીતે મોત થયું હતું એ અને સાથોસાથ ચૅટમાં સંદીપ અને સુજિત સાથે લાશને સળગાવવા માટે થયેલી વાતચીતથી હવે સ્પષ્ટ થતું હતું કે રામકેશનું મોત ઍક્સિડન્ટ નહીં પણ મર્ડર હતું.
પોલીસે તાત્કાલિક ત્રણેય આરોપીઓની અરેસ્ટનો ઑર્ડર કર્યો અને ૧૮ ઑક્ટોબરે મુરાદાબાદથી તેમને પકડવામાં આવ્યાં. અલગ-અલગ થયેલી પૂછપરછમાં ત્રણેએ પોતાનો ગુનો કબૂલી લીધો, પણ ગુનો કરવામાં જે શાતિર દિમાગ વાપરવામાં આવ્યું હતું એ જોઈને દિલ્હી પોલીસને પરસેવો છૂટી ગયો.
શું હતો આખો પ્લાન?
પ્લાન આખો અમ્રિતાએ બનાવ્યો હતો. ફૉરેન્સિક સાયન્સ ભણતી અમ્રિતાનો પ્લાન જડબેસલાક હતો. એમાં સૌથી પહેલાં રામકેશને મારવાનો હતો અને જો તે મરે નહીં તો તેને બેહોશ કરવાનો હતો. બેહોશ કર્યા પછી રામકેશના શરીર પર ઘી-તેલ અને આલ્કોહૉલ રેડવાનાં હતાં, જે આગને ઝડપથી પકડે. આ બધું કર્યા પછી ઘરમાં રહેલા સિલિન્ડરની પાઇપ ગૅસના ચૂલાથી છૂટી કરી દેવાની અને એ પછી ઘરમાં ધીમે-ધીમે ગૅસ લીક થતો રહે એ રીતે પાઇપ મૂકીને ઘરમાંથી નીકળવાનું. ઘરમાંથી નીકળતાં પહેલાં લાઇટર સળગાવીને એવી રીતે મૂકી દેવું જેથી થોડી જ મિનિટોમાં આગ લાગી જાય અને લોકોને લાગે કે ગૅસ-લીકેજને કારણે આગ લાગી.
બધું એ જ રીતે થયું
ઘટનાની રાતે રામકેશને આગ્રહ કરીને અમ્રિતાએ વાઇન અને વ્હિસ્કી પીવડાવ્યાં. અતિશય દારૂ ઢીંચીને ઑલમોસ્ટ બેહોશ થઈ ગયેલો રામકેશ સૂઈ ગયો એટલે અમ્રિતાએ ફોન કરીને સુજિત અને સંદીપને ઘરે બોલાવી લીધા. બન્ને સાથીઓએ રામકેશનું ગળું દબાવીને હત્યા કરી અને પછી ત્રણેય વ્યક્તિએ રામકેશના શરીર પર ઘી-તેલ અને વધેલો વાઇન લગાડી દીધાં. પ્લાન મુજબ ગૅસની પાઇપ ખોલી સિલિન્ડર ત્યાં જ રાખીને ત્રણેય ઘરની બહાર નીકળી ગયાં અને બહાર જતાં પહેલાં દરવાજા પાસે લાઇટર સળગાવીને મૂકી દીધું. મેઇન ડોરની ચાવી અમ્રિતા પાસે પણ હતી એટલે અમ્રિતાએ દરવાજો બહારથી બંધ કર્યો, પણ કોઈને એવું લાગે નહીં કે દરવાજો બહારથી બંધ થયો છે.
ત્રણેય બિલ્ડિંગની બહાર નીકળ્યાં કે ગણતરીની મિનિટોમાં પ્લાન મુજબ LPG ગસે આગ પકડી લીધી અને ઘરમાં બ્લાસ્ટ થયો. એમાં પહેલેથી જ મર્ડર થયેલા રામકેશની લાશ સળગીને ખાખ થઈ ગઈ. પોલીસ નૅચરલી એવું જ માનીને આગળ વધી કે આ તો આગના કારણે મોત થયું છે, પણ અમ્રિતાની ભૂલ એ કે તે આ જ ગાંધી વિહારમાં રામકેશ સાથે ખુલ્લેઆમ લિવ-ઇનમાં રહેતી હતી, પાડોશીઓને મળતી હતી અને પાડોશીઓએ પોલીસ-સ્ટેટમેન્ટમાં એ વાત પોલીસને કરી.
સાવ સામાન્ય ઇન્ક્વાયરી કરવાનું પોલીસને સૂઝ્યું અને ફૉરેન્સિક સાયન્સ ભણતી એક છોકરીએ પોતાને મળેલા જ્ઞાનનો કેવો ઉપયોગ કર્યો એ સામે આવ્યું.
અમ્રિતાએ જ્ઞાનનો ઉપયોગ કર્યો કે દુરુપયોગ એ તમારે નક્કી કરવાનું છે.