કાલિદાસ વિનાનો શેક્સપિયર અધૂરો છે

06 December, 2020 07:43 PM IST  |  Mumbai | Dinkar Joshi

કાલિદાસ વિનાનો શેક્સપિયર અધૂરો છે

કાલિદાસ વિનાનો શેક્સપિયર અધૂરો છે

મેટ્રિક્યુલેટ થવા માટે પહેલાં અગિયારમું ધોરણ હતું, હવે દસમું ધોરણ છે. પહેલાં દરેક રાજ્ય પોતાની પરીક્ષા રાખતાં. હવે આખા દેશમાં સંખ્યાબંધ જુદાં-જુદાં બોર્ડ પોતપોતાની પરીક્ષા લે છે અને એને એસએસસી કહેવાય છે. આવા એક બોર્ડ (આઇ.સી.એસ.ઈ.)ની દસમા ધોરણની વાર્તાઓનું એક પાઠ્યપુસ્તક હમણાં હાથમાં આવ્યું. પુસ્તકનું નામ ‘ટ્રેઝર ટ્રોવ’. આ પાઠ્યપુસ્તકમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓને ૧૦ વાર્તા ભણાવવામાં આવે છે.
અંગ્રેજી માધ્યમનું બોર્ડ હોવાને કારણે દેખીતું છે કે અંગ્રેજી ભાષા અને સાહિત્ય વિશે વિશેષ ભાર આપવામાં આવ્યો હોય છતાં અહીં એક વાત ભૂલવા જેવી નથી કે ભલે અંગ્રેજી માધ્યમ હોય, પણ આ પાઠ્યપુસ્તક ભણનાર વિદ્યાર્થીઓ અંગ્રેજીભાષી નથી. માતૃભાષા હિન્દુસ્તાનની ભાષાઓ જ છે. અંગ્રેજી એની માતૃભાષા નથી. અંગ્રેજીમાં પ્રવેશ મેળવીને ભણવું એ તેમનો વ્યવસા‌ય‌ નથી તો એ વ્યવસાયને લગતું ધોરણ તો છે જ. અંગ્રેજીમાં ભણીને યુરોપ-અમેરિકામાં જવું, અહીં રહ્યા હોય તો પણ અંગ્રેજી માધ્યમને કારણે મોટી પદવી મેળવી આવી બધી ગણતરીને કારણે અંગ્રેજી ભાષા હાલ પૂરતી એમને માટે સીડી છે.

હિન્દી વિનાનું અંગ્રેજી
હવે અહીં મુદ્દાનો પ્રશ્ન એ પેદા થાય છે કે અંગ્રેજી માધ્યમમાં હિન્દી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે એમા શું હિન્દી હોવું જરૂરી નથી? જે વિદ્યાર્થીઓ હિન્દી પરિવાર અને હિન્દી સમાજજીવનમાં ઊછરી રહ્યાં છે તેમને અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં ૧૦ વાર્તાઓ ભણવા માટે પસંદ કરવામાં આવી છે. આમાં એકમાત્ર આર. કે. નારાયણ હિન્દી લેખક છે. એ સિવાયના અર્નેસ્ટ હૅમિંગ્વે, ઓ. હેન્રી અને રસ્કિન બૉન્ડ જેવા પ્રતિષ્ઠિત અને વૈશ્વિક સાહિત્યમાં જાણીતા લેખક છે. એટલે આ લેખકોનાં નામ સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. અંગ્રેજી ભાષાના ઉત્તમ લેખકોનો અંગ્રેજી માધ્યમમાં ભણનારાઓને પરિચય થાય એ સારી વાત છે, પણ ભારતીય ભાષામાં પણ કવિ કુલગુરુ કાલિદાસથી માંડીને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સુધી સંખ્યાબંધ શ્રેષ્ઠ સાહિત્યિકો પેદા થયા છે. ગુજરાતી અને હિન્દી વિદ્યાર્થીઓને હિન્દુસ્તાનના આ સાહિત્યકારોનો પણ પરિચય થવો જ જોઈએ.

સાહિત્ય ભાષાથી પર છે
મૂળ વાત વિદ્યાર્થીને સાહિત્યનો પરિચય કરાવવાની છે. આ પરિચય પાયામાંથી માતૃભાષા દ્વારા થવો જોઈએ. બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ માટે મૂકવામાં આવે, પણ એને માતૃભાષા અને માતૃસમાજ એ બે વચ્ચે જ એનું બંધારણ તૈયાર થયું છે. અહીં માધ્યમનો કોઈ વિરોધ નથી, પણ જે બાળક શિક્ષણ પૂરું થયા પછી અંગ્રેજી ભાષામાં જ વ્યવહાર કરશે છતાં તે માતૃભાષા ભૂલી નથી જવાનું. એ માતૃભાષામાં રામાયણ, મહાભારત, કુરુલ, ભગવદ્ગીતા આદિ વિશે કંઈ પણ જાણકારી નહીં હોય તો એ શરમજનક નહીં ગણાય?

ગાંધીજી અને ગીતા
ગાંધીજીએ પોતાની આત્મકથામાં આ વિશે સરસ જાણકારી આપી છે. ૧૯ વર્ષના ગાંધીજી જ્યારે લંડન અભ્યાસ માટે ગયા અને અંગ્રેજી તથા ખ્રિસ્તી સાથીદારોના સંપર્કમાં આવ્યા ત્યારે ભગવદ્ગીતા વિશે તેઓ કશું જાણતા નહોતા. ખ્રિસ્તી સાથીદારો બાઇબલ વિશે તો જાણતા હતા અને ગીતા વિશે પણ તેમની પાસે જાણકારી હતી. ગાંધીજી માટે આ ભારે શરમજનક વાત હતી. સંસ્કૃતમાં કે ગુજરાતીમાં તેમણે ગીતા વાંચી જ નહોતી. લંડનમાં ખ્રિસ્તી મિત્રોએ તેમને અંગ્રેજી ભાષામાં ગીતાનું પુસ્તક આપ્યું અને ગાંધીજીએ એ વાંચ્યું. આ રીતે પોતાના દેશ અને પોતાની ભાષાનું સાહિત્ય બીજાઓ મારફત વાંચવું પડે એ તેમને ભારે શરમજનક લાગ્યું હતું.

સંસ્કૃતિનો સર્વનાશ
કોઈ પણ દેશ, કોઈ પણ પ્રજા કે કોઈ પણ સમાજ આ બધાનું સૈકાઓ પછી જે ઘડતર થાય છે એ ઘડતર સંસ્કૃતિ કહેવાય છે. સૈકાઓ દરમ્યાન ઘડાયેલી સંસ્કૃતિ સૈકાઓ સુધી અકબંધ રહે છે. એને નષ્ટ કરવાનો ઉપાય ત્યાંની પ્રજામાંથી ભાષા, સાહિત્ય અને રીતરિવાજોને ભૂલવાડી દેવા એ જ હોય છે. બે કે ત્રણ પેઢી સુધી ભાષા, સાહિત્ય અને રીતરિવાજોને જુદા-જુદા આકર્ષણથી ભૂલવાડી દેવા એ પારકી સંસ્કૃતિને નષ્ટ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આપણે ત્યાં ભારતમાં અંગ્રેજી શાસને આ માર્ગ અપનાવ્યો છે અને એમાં એ સફળ પણ થયું છે. આપણાં બાળકો ગણપતિને એલિફન્ટ ગૉડ તરીકે ઓળખે અને હનુમાનને મન્કી ગૉડ કહે એ સંસ્કૃતિના સર્વનાશનું પગથિયું નથી તો શું છે?

વૈશ્વિક સંસ્કૃતિઓ અને ડાઘિયા કૂતરાઓ
દુનિયાભરમાં મનુષ્યની ઉત્પ‌ત્ત‌િ ચોક્કસ કઈ જગ્યાએ થઈ હશે એ કહેવું અઘરું છે. ઉત્તર ધ્રુવ હોય કે ગંગા-જમુનાના પ્રદેશ હોય, આફ્રિકા હોય કે અમેરિકા હોય, દુનિયાના ઘણા પ્રદેશો મનુષ્યની ઉત્પત્ત‌િ અમારે ત્યાં થઈ છે એવો દાવો કરે છે. કયો દાવો સાચો છે ને કયો દાવો ખોટો છે એ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. જ્યાં પણ માણસો ઉત્પન્ન થયા હશે ત્યાં પોતપોતાની જરૂરિયાતો પ્રમાણે અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે તેમના નિયમો ઘડાયા હશે. આ નિયમો આગળ જતાં એ પ્રજાની સંસ્કૃતિ બન્યા હોય. આફ્રિકાની આદિવાસી પ્રજાની સંસ્કૃતિ ઊંચી છે કે અમેરિકાની નીગ્રો સંસ્કૃતિ હલકી છે એવું કોઈ કહી શકે નહીં. દરેક સંસ્કૃતિને પોતાનું સત્ત્વ હોય છે. સમયાંતરે દુનિયામાં આવા કેટલાય ડાઘિયા કૂતરા જેવા માણસો પેદા થયા તેમને વૈશ્વિક સંસ્કૃતિની વ્યાપકતામાં રસ નથી, પણ પોતાની સંસ્કૃતિને સર્વશ્રેષ્ઠ મનાવીને દુનિયાના અન્ય સુધારાઓને નષ્ટ કરવા છે. આ વિભાવના જગતને યુદ્ધ તરફ દોરી જાય છે. આમાંથી ઊગરવાનો એક જ માર્ગ છે આ ડાઘિયા કૂતરાઓને માણસાઈની શેરીમાંથી દૂર હડસેલી મૂકો.