રોમૅન્ટિક થયું જૂનું, હવે ઇનથિંગ છે ઍડ્વેન્ચર હનીમૂન

11 January, 2020 03:15 PM IST  |  Mumbai | Arpana Shirish

રોમૅન્ટિક થયું જૂનું, હવે ઇનથિંગ છે ઍડ્વેન્ચર હનીમૂન

હનીમૂન

લગ્ન પછી લાઇફની સૌથી મોટી અને અગત્યની મેમરી મેકર પળો એટલે હનીમૂન. પહેલાંના સમયમાં હનીમૂન માટે એવાં સ્થળોની પસંદગી કરવામાં આવતી હતી જ્યાં શાંતિ હોય, સ્થળ કપલ-ફ્રેન્ડ્લી હોય. નવપરિણીતો એકબીજા સાથે સમય પસાર કરી શકે, સમજી શકે એવી સહુલિયત ત્યાં હોય જેમાં હિલ-સ્ટેશન અને બીચવાળાં સ્થળો સૌથી ફેવરિટ ગણાતાં. કેટલાંક કપલ્સને હજીયે આ જ પ્રકારનાં સ્થળો પસંદ પડે છે, પણ હવે ઍડ્વેન્ચર લવર્સ કપલ્સ પોતાના હનીમૂન માટે એવાં સ્થળોએ જવાનું પસંદ કરી રહ્યાં છે જ્યાં તેઓ સાથે મળીને ઍડ્વેન્ચર ઍક્ટિવિટીનો અનુભવ લઈ શકે અથવા વાઇલ્ડ-લાઇફ માણી શકે. ટ્રેકિંગ પર જવા જેવો જ થ્રિલિંગ અનુભવ તેમને હનીમૂન ટ્રિપ પર મેળવવો હોય છે. હેતુ ફક્ત એક જ હોય છે, લગ્ન પછીની આ પળોને વધુ ને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી આજીવન યાદ કરવી. તો ચાલો જાણીએ રોમૅન્સની સાથે સાહસ અને રોમાંચથી ભરપૂર હનીમૂન માટે હવેનાં યુગલ્સ કેવી-કેવી જગ્યાઓની પસંદગી કરી રહ્યા છે ત્યારે કેટલાક ટૂર-ઑપરેટરોનું શું કહેવું છે એ જાણીએ.

વાઇલ્ડ-લાઇફ સફારી હનીમૂન

લગ્ન પછી નવાં પરણેલાં યુગલો માટે જીવનના આ બેસ્ટ દિવસો જંગલમાં કે કુદરતના ખોળામાં ગાળવા ખરેખર ઇન્ટરેસ્ટિંગ બની રહે છે. ખાસ કરીને જો બન્નેને પ્રાણીઓ અને વાઇલ્ડ-લાઇફ પસંદ હોય. જસ્ટ ઇમૅજિન પક્ષીઓનો કિલબિલાટ, હવા અને પાણીનો કુદરતી અવાજ. આ આઇડિયા જ પોતાનામાં ખૂબ ઍડ્વેન્ચરસ છે. જો પળોને વધુ યાદગાર બનાવવી હોય તો એવાં સ્થળોએ જવાનું ટાળો જ્યાં બધા જ જતા હોય. વાઇલ્ડ-લાઇફ અને સફારી ટૂર્સ પસંદ હોય તો ભારતમાં પણ અનેક એવાં નૅશનલ પાર્ક અને સ્થળો છે જ્યાં હનીમૂન ટૂરનું પ્લાનિંગ કરી શકાય. આવાં જ સ્થળોમાંનું એક એટલે રાજસ્થાનનું રણથંભોર. હનીમૂન માટે રાજસ્થાનની ટૂર તો સામાન્ય વાત છે, પણ હવે કપલ્સ ખાસ રણથંભોર નૅશનલ પાર્કની ટૂર પસંદ કરે છે. આ વિષે જણાવતાં અમેઝ ટૂરના કલ્પેશ વરલીકર કહે છે, ‘રણથંભોર નૅશનલ પાર્ક યંગસ્ટરો માટે ખાસ આકર્ષણ છે. નૅશનલ પાર્કના સફારી હનીમૂન સાથે તેઓ એકાદ-બે નાઇટ્સ ઉદયપુરના રોમૅન્ટિક વાતાવરણમાં પસાર કરે છે. રાજસ્થાન સિવાય ઉત્તરાખંડ કે જ્યાં સૌથી મોટું જંગલ આવેલું છે એવું જિમ કૉર્બેટ નૅશનલ પાર્ક ડોમેસ્ટિક ડેસ્ટિનેશન કરવા માગતા હનીમૂન કપલ્સમાં ફેવરિટ છે. જિમ કૉર્બેટમાં બેન્ગાલ ટાઇગર્સ જોવાની સાથે નૈનીતાલ અને મસૂરીની કમ્પ્લીટ ટૂર પ્લાન કરી શકાય. એ સિવાય સાઉથનું બંદીપુર ટાઇગર રિઝર્વ અને એની સાથે ઊટીની ટૂર હનીમૂન કપલ્સ માટે પર્ફેક્ટ છે.’

આ તો વાત થઈ ડોમેસ્ટિક.

વાઇલ્ડ-લાઇફ સફારી હનીમૂનની. બાકી હવે કેટલાંક કપલ્સ હનીમૂનની ટૂર યાદગાર રહે એ માટે ઇન્ટરનૅશનલ ડેસ્ટિનેશન પસંદ કરી રહ્યાં છે. આફ્રિકાની જંગલ સફારી એમાં ફેવરિટ છે. આ વિષે વધુ જણાવતાં જેનિશા ટૂર્સના તેજસ હાથલિયા કહે છે, ‘જો બજેટ મોટું હોય તો સફારી હનીમૂન માટે સાઉથ આફ્રિકા બેસ્ટ છે. સાથે કેપટાઉન ફરી શકાય. એ સિવાય કેન્યા, ઝાંઝીબાર, ઝિમ્બાબ્વે અને ટાન્ઝાનિયા જેવાં ડેસ્ટિનેશન પણ હનીમૂન કપલ્સમાં ખાસ ત્યાંની વાઇલ્ડ-લાઇફ સફારીને લીધે ફેમસ છે.’

આ ડેસ્ટિનેશન પર પણ લક્ઝુરિયસ સ્ટેનો અનુભવ મળી જાય છે. એટલે સફારી હનીમૂન પર  જંગલમાં ટ્રી હાઉસ કે કૅમ્પિંગ ટેન્ટમાં રહેવું પડશે એવું નથી. જોકે જેમને થોડી અગવડથી કોઈ ફરક ન પડતો હોય તેવાં કપલ્સ ટેન્ટ અને ટ્રી હાઉસમાં પણ ફાઇવસ્ટારનો અનુભવ મેળવી જાણે છે. સફારી માટે પ્રાઇવેટ જીપ બુક કરી જંગલ સફારીને  પણ કઈ રીતે રોમૅન્ટિક ટચ આપવો એ તમારા હાથમાં છે.

ઍડ્વેન્ચર હનીમૂન

ઍડ્વેન્ચર એટલે ફક્ત ટ્રેકિંગ અને માઉન્ટન ક્લાઇમ્બિંગ નથી. આજે લાઇફમાં થ્રિલ મેળવવા માટે અનેક સ્થળોએ અનેક જુદા-જુદા પ્રકારની ઍક્ટિવિટીઓનો અનુભવ મેળવી શકાય છે. અને જો ઍડ્વેન્ચરનો શોખ બન્નેને હોય તો હનીમૂન માટે પણ આ જ પ્રકારની ઍક્ટિવિટીવાળું ડેસ્ટિનેશન પર્ફેક્ટ સાબિત થઈ શકે. બંજી જમ્પિંગ, રિવરરાફ્ટિંગ, પૅરાસેઇલિંગ, અન્ડરવૉટર ડાઇવિંગ, કોરલ લાઇફ વૉચિંગ, પૅરાગ્લાઇડિંગ જેવી ઍક્ટિવિટીઓમાં રસ પડતો હોય તો ઍડ્વેન્ચર હનીમૂન તમારા માટે છે. ભારતમાં આવાં ઍડ્વેન્ચરસ ડેસ્ટિનેશન વિષે જણાવતાં કલ્પેશ વરલીકર કહે છે, ‘હૃષીકેશમાં રિવરરાફ્ટિંગ સૌથી લાંબું અને થ્રિલિંગ છે. ગઢવાલ હિમાલયનો વિશાળ વ્યુ અને સાથે ગંગાનો પ્રવાહ ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી માટે અગણિત તકો આપે છે. અહીં રિવરરાફ્ટિંગ સિવાય, બૉડી-સર્ફિંગ, બંજી જમ્પિંગ, વૉટરફૉલ ટ્રેકિંગ, કાયાકિંગ જેવી ઍક્ટિવિટીઓ કરી શકાય.’

હૃષીકેશ સિવાય લક્ષદ્વિપ અને આંદામાન-નિકોબારના ટાપુ પર પણ સ્કૂબા ડાઇવિંગ, સ્નૉર્કેલિંગ, સ્પીડબોટિંગ જેવી ઍક્ટિવિટી કરી શકાય. આંદામાનમાં અન્ડરવૉટર સ્કૂટર અને કોરલ લાઇફ વૉચિંગ ઍક્ટિવિટીનો અનુભવ પણ આહલાદક સાબિત થશે. જોકે આ ડેસ્ટિનેશન બન્નેમાંથી એકેયને પાણીનો ફોબિયા ન હોય તો જ પ્લાન કરવું. આ તો વાત થઈ પાણીવાળાં ઍડ્વેન્ચર્સની. જોકે ઍડ્વેન્ચરનું નામ લઈએ ત્યાં લેહ-લદ્દાખનું નામ કઈ રીતે ચૂકી શકાય? જો બાઇક પર લાંબી રાઇડ્સનો શોખ હોય અને હનીમૂન પર પણ એ જ શોખ કાયમ રાખવો હોય તો ઊપડી જાઓ લદ્દાખ. અહીં ટ્રેકિંગ સિવાય જીપ સફારી, કૅમ્પિંગ, રિવરરાફ્ટિંગ જેવાં ઍડ્વેન્ચર્સનો અનુભવ મેળવી શકાય.

ઍડ્વેન્ચર હનીમૂનમાં જો ઇન્ટરનૅશનલ ડેસ્ટિનેશનની વાત કરીએ તો હાલમાં મૉલ્દીવ્સ કપલ્સમાં ફેવરિટ બન્યું છે. એક ટાપુ હોવાને લીધે પાણીમાં થતી બધી જ ઍક્ટિવિટીનો થ્રિલિંગ અનુભવ અહીં લઈ શકાય. અહીં સી પ્લેનનો અનુભવ પણ વન્સ ઇન અ લાઇફટાઇમ ટાઇપનો છે જે હનીમૂન કપલે મિસ ન કરવો જોઈએ. સાઉથ આફ્રિકા, ન્યુ ઝીલૅન્ડ, બોરા-બોરા, પેરુ, ઉટાહ જેવાં સ્થળોનો સમાવેશ પણ ઍડ્વેન્ચર હનીમૂન ડેસ્ટિનેશનમાં થાય છે. થોડા ઓછા બજેટમાં દુબઈ પણ ઍડ્વેન્ચરનો અનુભવ કરાવી શકે છે. ત્યાંના ડેઝર્ટમાં ડ્યુન બાઇક અને ડ્યુન બાશિંગનો અનુભવ લઈ શકાય. એ સિવાય બન્નેને ઑટોમોબાઇલ થ્રિલિંગ લોગતા હોય તો તેમના માટે ફેરારી વર્લ્ડ પણ છે.’

કોના માટે છે ઍડ્વેન્ચર હનીમૂન?

કંઈક જુદું કરવાની ઇચ્છા અને આદત પણ હોય તેમ જ તમારા માટે કૅન્ડલ-લાઇટ ડિનર કરતાં એકસાથે હૉટ ઍર બલૂનની રાઇડ લેવાનો આઇડિયા વધુ રોમાંચક લાગતી હોય તો ઍડ્વેન્ચર હનીમૂન તમારા માટે છે. જોકે આ હનીમૂન હંમેશાં લક્ઝરી અનુભવવા માગતા લોકો માટે નથી. જંગલમાં સફારી માટે ખુલ્લી જીપમાં તડકામાં ફરવાની અને રિવરરાફ્ટિંગ કરતા સમયે બ્રૅન્ડેડ કપડાં ખરાબ થવા દેવાની તૈયારી હોય તો જ આ પ્રકારનું જોખમ ખેડવું. આ વિષે વાત કરતાં તેજસ હાથલિયા કહે છે, ‘થોડા સમય પહેલાં મારી પાસે એક કપલ આવ્યું હતું જેમાંથી વાઇફને ઍડ્વેન્ચરનો પ્રચંડ શોખ હતો, પણ હસબન્ડને એમાં જરાયે રસ નહોતો. જોકે તોય તેમણે ઍડ્વેન્ચર હનીમૂન જ પસંદ કર્યું હતું. અહીં હું સલાહ આપીશ કે હનીમૂન બન્નેનું હોય છે. બેમાંથી એકેયને જો જરાપણ લાગે કે મને આમાં રસ નથી તો ઍડ્વેન્ચર હનીમૂનનો આઇડિયા ફેલ જઈ શકે છે. જો બન્ને પાત્રને ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી કરવાનો શોખ હોય તો જ પ્લાનિંગ કરવું.’

શું ધ્યાનમાં રાખશો?

મોટા ભાગે યુવતીઓ હનીમૂન પર પોતાના શૉર્ટેસ્ટ અને સૌથી સુંદર ડ્રેસિસ લઈ જવાનું પસંદ કરતી હોય છે, પણ આ ઍડ્વેન્ચર હનીમૂન છે એટલે અહીં કમ્ફર્ટ સૌથી વધુ ધ્યાનમાં રાખવી પડશે. બન્ને માટે રફ-ટફ જીન્સ, શૉર્ટ્સ, કાર્ગો અને જૉગર્સ બેસ્ટ રહેશે. ફુટવેરમાં પણ સ્પોર્ટ્સ શૂઝ પ્રિફર કરવાં.

થોડી અગવડ ભોગવવા તૈયાર રહેવું. સફારી ટૂર વખતે તડકો પણ લાગશે અને ક્યારેક સમયસર ભાવતું ખાવા ન મળે એવું પણ બની શકે. એટલે ઍડ્વેન્ચર હનીમૂન પ્લાન કર્યા બાદ લક્ઝુરિયસ કમ્ફર્ટની અપેક્ષા ન કરવી.

જ્યાં જતા હો ત્યાંની સીઝન પ્રમાણે એ સમયે ત્યાં ઍડ્વેન્ચર ઍક્ટિવિટી થશે કે નહીં એની ઇન્ક્વાયરી પહેલેથી જ કરી લેવી જેથી પહોંચ્યા બાદ નિરાશ ન થવું પડે. ઉદાહરણ તરીકે મૉન્સૂનમાં મોટા ભાગનાં સ્થળોએ વૉટર સ્પોર્ટ્સ બંધ રાખવામાં આવે છે.

સૂટકેસ કે ટ્રોલી બૅગ્સને બદલે બૅકપૅકમાં સામાન લો, જેથી ટ્રાવેલિંગ દરમિયાન એ ઊંચકવામાં આસાન રહે.

ઇન્સેક્ટ રિપેલન્ટ, બેઝિક મેડિસિન્સ તેમ જ બીજી જરૂરિયાતની ચીજો ત્યાં જઈને ખરીદવાનું વિચારવાને બદલે સાથે લઈ જવી.

ઍડ્વેન્ચર ઍક્ટિવિટી કરવા માટે ચાર્જિસ પણ ખૂબ ઊંચા હોય છે. એટલે એની પણ તૈયારી રાખવી.

travel news columnists weekend guide