ગુટકાને લીધે સેક્સલાઇફ પર અસર થાય કે કેમ એ સમજાવો

16 April, 2019 12:46 PM IST  |  | ડૉ.રવિ કોઠારી

ગુટકાને લીધે સેક્સલાઇફ પર અસર થાય કે કેમ એ સમજાવો

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૫૩ વર્ષ છે. ઉત્થાનમાં સમસ્યા રહે છે. ક્યારેક બહુ વાર લાગે છે અને ઉત્તેજના પણ ઓછી હોય છે. મને કોઈ ડાયાબિટીઝ, બ્લડપ્રેશર કે બીજી કોઈ બીમારી નથી, પણ પડીકી ખાવાની આદત છે. સમાગમ વખતે થોડી ઉત્તેજના આવે અને યોનિપ્રવેશ કરતાં પહેલાં જ પાછી નરમ પડી જાય છે. ચા પીવાની આદત છે, પણ ખૂબ ઓછી સાકર સાથે લઉં છું. મારી વાઇફને લાગે છે કે ગુટકાની પડીકીને કારણે જ મને આ તકલીફ થઈ રહી છે. ગુટકાને લીધે કૅન્સર થયાનું સાંભળ્યું છે, પણ સેક્સલાઇફમાં આવું થાય એ મને સમજાતું નથી. ફૅમિલી ડૉક્ટર પાસે ગયેલો તો તેમણે દેશી વાયેગ્રાની ગોળી આપેલી. એનાથી સમાગમ થઈ શકે છે, પણ ડૉક્ટરનું કહેવું છે કે આ ટેમ્પરરી સૉલ્યુશન છે, ગુટકા તો છોડવી જ પડશે.

જવાબ : માત્ર સેક્સલાઇફ માટે જ નહીં, ઓવરઑલ સ્વાસ્થ્ય માટે પણ તમારે ગુટકા છોડવી જોઈએ. ગુટકા કઈ રીતે જાતીય જીવનમાં નુકસાન કરે છે એ જરા સમજીએ. સેક્સના વિચાર અને રોમૅન્ટિક ચેષ્ટાઓથી વ્યક્તિની કામેચ્છા સાથે સંકળાયેલું મગજમાંનું કેન્દ્ર ઉત્તેજિત થાય છે અને જો એ યોગ્ય પ્રમાણમાં ઉત્તજિત થાય તો એ મેસેજ કરોડરજ્જુ સુધી પહોંચે છે અને ત્યાર બાદ આખા શરીરમાં રક્તના પ્રવાહનો સંચાર થાય છે. જનેન્દ્રિયમાં આ રક્તના પ્રવાહોનો સંચાર વિશેષ પ્રમાણમાં થાય છે અને પરિણામે પુરુષની ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે છે. આમ રક્તનો પ્રવાહ ઇન્દ્રિયની ઉત્તેજનામાં મુખ્ય ભાગ ભજવે છે. જો લોહી જાડું થઈ જાય અથવા તો રક્તવાહિનીઓ સાંકડી થાય તો રક્તપ્રવાહમાં અવરોધ આવે છે.

લોહી જાડું થવાનાં કે લોહીની નળી સાંકડી થવાનાં મુખ્ય કારણો તમાકુ (ગુટકા, બીડી, સિગારેટ વગેરે), ડાયાબિટીઝ અને શરાબ છે. આ ત્રણ વસ્તુથી જેટલા દૂર રહેશો એટલી તમારી કામશક્તિ સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો : છેલ્લાં ચારેક વરસથી મારી સેક્સ-ડ્રાઇવ ઘણી જ લો રહી છે

દેશી વાયેગ્રાની એક ગોળી સમાગમના એક કલાક પહેલાં લેવાથી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો વર્તાશે અને સમાગમ સહેલાઈથી કરી શકશો. જોકે ગુટકા છોડશો તો રક્તવાહિનીઓની તકલીફ ઘટશે અને બની શકે કે શરીરમાંથી એની અસર ધીમે-ધીમે ઓછી થતાં વાયેગ્રા લીધા વિના પણ તમે પહેલાંની જેમ સમાગમ કરી શકો.

sex and relationships life and style columnists