ફેલ્યરને કારણે સેલ્ફ- એસ્ટીમ ઘટી ગયો છે

19 May, 2023 05:03 PM IST  |  Mumbai | Sejal Patel

દરેક દિવસ એક નવી ઑપોર્ચ્યુનિટીઝની એવન્યુ ખોલતો હોય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું એન્જિનિયરિંગ કૉલેજના ફર્સ્ટ યરમાં હતો ત્યારે મારી કૉલેજની ક્રિકેટ ટુર્નામેન્ટ અમે જીત્યા અને ત્યારથી હું કૉલેજમાં જબરો ફેમસ થઈ ગયેલો. હું ટીમનો કૅપ્ટન હતો અને મેં જ હાઇએસ્ટ રન કરીને ટીમને જીતાડેલી. આ બધાને કારણે મારાં માનપાન ખૂબ વધી ગયેલાં. જોકે લાસ્ટ યરમાં અમારી ટીમ સારું પર્ફોર્મ કરી રહી હતી, પણ મારું બૅટ ચાલ્યું નહીં. આ બધાને કારણે હું જાણે ટીમમાં અનવૉન્ટેડ થઈ ગયો. પહેલાં સિનિયર્સ મને માન આપતાં અને પછી તો જુનિયર્સ પણ ગંભીરતાથી લેતા નહીં. આને કારણે ડિપ્રેશનમાં સરી પડ્યો. ગ્રૅજ્યુએશન તો પૂરું થઈ ગયું, પણ મારો કૉન્ફિડન્સ હલી ગયો. હું જેની પાસે કાઉન્સેલિંગ માટે જાઉં છું તેઓ મને સમજાવે છે કે ક્રિકેટ એ મારી ટાઇમપાસ હૉબી હતી અને એમાં સારું પર્ફોર્મ ન થયું તો એનો ભાર શું કામ લઈને ફરવાનો? પણ આટલી નાની વાત જાણે મન સમજવા જ તૈયાર નથી. તેઓ મને ફરી ક્રિકેટ રમવાનું શરૂ કરવાનું કહે છે, પણ મને લાગે છે કે હું લૂઝર છું. હવે જૉબમાં જોડાઈ ચૂક્યો છું, પણ કામમાં લો સેલ્ફ એસ્ટીમ નડે છે.

બહુ જ સારી વાત છે કે તમને એ ખબર છે કે કયા કારણસર તમારો આત્મવિશ્વાસ ઘટ્યો છે. ડિપ્રેશનમાં સરી પડેલા અનેક લોકોને એનું મૂળ કારણ પણ નથી સમજાયું હોતું. પણ તમે ડિપ્રેશનમાંથી બહાર આવવાનું પહેલું અને લગભગ ૫૦ ટકા જેટલું કામ ઑલરેડી કરી ચૂક્યા છો. 

જ્યારે કોઈ સક્સેસ મળે છે ત્યારે આપણે માની બેસીએ છીએ કે આ જ સફળતા હવે સદાય મારી પાસે રહેશે. પણ ક્રિકેટ એવી ગેમ છે જે તમને જીવનના સત્યો સતત સમજાવતી રહે છે. છેલ્લા બૉલમાં સિક્સર મારીને મૅચ જીતાડી શકનાર મહેન્દ્ર સિંહ ધોની પણ ક્યારેક ચાર બૉલમાં ચાર રન ન કરી શકે અને ટીમ મૅચ હારી જાય એવું બનતું તમે જોયું જ હશેને? પણ ધોની તો કદી માથું પકડીને પોતાને લૂઝર નથી ગણાવતો. 

મને લાગે છે કે તમારે ક્રિકેટ ફરીથી રમવાનું શરૂ કરવું જ જોઈએ. લૂઝરના ટૅગને દૂર કરવાના આશયથી નહીં, તમે દરેક બૉલને એક નવી તક તરીકે જોતાં શીખો એ માટે જરૂરી છે. દરેક દિવસ એક નવી ઑપોર્ચ્યુનિટીઝની એવન્યુ ખોલતો હોય છે. ગઈ કાલની જીત કે ગઈ કાલની હારને ખભે લઈને બીજા દિવસની શરૂઆત કરવાને બદલે નવો બૉલ, નવો દાવ સમજીને જીવનને જીવતાં શીખી શકાય તો ભયો ભયો.

columnists sejal patel