મિત્ર આપણો ટોલ-ફ્રી નંબર છે

15 July, 2020 03:42 PM IST  |  Mumbai | Sejal Ponda

મિત્ર આપણો ટોલ-ફ્રી નંબર છે

પ્રતીકાત્મકત તસવીર

વિચારો અને સ્વભાવની અસમાનતા હોવા છતાં જે સંબંધ ટકી રહે એ સંબંધ એટલે દોસ્તી. જ્યારે આપણે બીજાની ભિન્નતાનો આદર કરીએ છીએ, કશું બદલવાની કોશિશ નથી કરતા ત્યારે એ સંબંધ કોઈ પણ સ્વરૂપે હોય એ સંબંધ મૈત્રીપૂર્ણ બની જાય છે

કુંડળી મેળવ્યા વગરનો સંબંધ એટલે દોસ્તી. આપણી કુંડળીમાં કોઈ ખરાબ ગ્રહની દશા ચાલતી હોય ત્યારે આપણી પડખે ઊભો રહે એ દોસ્ત. આપણા અવાજ પરથી, આપના ચહેરા પરથી આપણી ભીતર રહેલી વેદના કળી જાય એ દોસ્ત. દોસ્ત સાથે લોહીનો સંબંધ નથી હોતો છતાં લાગણીનો સંબંધ હોય છે. દોસ્તીની એક્સપાયરી ડેટ નથી હોતી. મિત્ર આપણી જિંદગીને સમૃદ્ધ બનાવે છે. જે સંબંધમાં અપેક્ષા નથી, સમજદારી છે, જતું કરવાની ભાવના છે, ખોટું લગાડવાની ઇચ્છા નથી. સતત પડખે ઊભા રહેવાની ખ્વાઈશ છે એ દરેક સંબંધ મૈત્રીનો સંબંધ કહેવાય છે.
પિતા-પુત્ર વચ્ચે મૈત્રી હોઈ શકે. મા-દીકરી વચ્ચે મૈત્રી હોઈ શકે. બે બહેનો વચ્ચે મૈત્રી હોઈ શકે. પતિ-પત્ની વચ્ચે મૈત્રી હોઈ શકે. ભક્ત અને ભગવાન વચ્ચે મૈત્રી હોઈ શકે. મૈત્રીમાં કોઈ શરત કે નિયમ નથી હોતા. ભાર વગરના આ સંબંધમાં કોઈ વચન આપવાના નથી હોતાં. એ છતાં આ સંબંધ સહજતાથી ખીલે છે, પાંગરે છે અને અમુક કિસ્સાઓમાં આજીવન કાયમ રહે છે.
ઈશ્વર સાથેની દોસ્તી સૌથી વધુ શુભ હોય છે અને ઈશ્વર દોસ્તી નિભાવવામાં સૌથી વધારે ઈમાનદાર ગણાય છે. મિત્ર પાસે ગુસ્સો ઠાલવી શકાય, ફરિયાદ કરી શકાય, મનનો ઊભરો ઠાલવી શકાય એ છતાં મિત્ર આપણા મનની પરિસ્થિતિ સમજી કોઈ ગેરસમજણ નથી કરતો અને સતત આપણી પડખે ઊભો છે. એવી જ રીતે જ્યારે ઈશ્વર સાથૈ મૈત્રી થાય છે ત્યારે એવી જ મૈત્રી ઈશ્વર નિભાવે છે. આપણે ઈશ્વર સામે ગમે તેટલો આક્રોશ ઠાલવીએ, પણ ઈશ્વર આપણા એ આક્રોશને નજરઅંદાજ કરી આપણી સાથે ઊભો રહે છે. આપણો માર્ગદર્શક બને છે.
બાપ-દીકરા તેમ જ પતિ-પત્ની વચ્ચે જ્યારે અહમની બાદબાકી થાય છે ત્યારે સહજતાથી મૈત્રી સંબંધ પાંગરે છે. મિત્રની દિશા જુદી હોઈ શકે, સપનાં જુદાં હોઈ શકે, મંતવ્યો જુદાં હોઈ શકે એ છતાં મિત્ર આપણી સાથે અને આપણે તેની સાથે જોડાયેલા રહીએ એ સાચી ભાઈબંધી કહેવાય. જ્યારે બાપ-દીકરા કે પતિ-પત્ની વચ્ચેના સ્વભાવ, માન્યતા, વિચારો ભિન્ન હોય એ છતાં બન્ને એકબીજાનો આદર કરતાં હોય. એકબીજાની અસમાનતાને સ્વીકારતા હોય ત્યારે એ સંબંધ વધારે હૂંફભર્યો અને મજબૂત બને છે.
વિચારો અને સ્વભાવની અસમાનતા હોવા છતાં જે સંબંધ ટકી રહે એ સંબંધ એટલે દોસ્તી. જ્યારે આપણે બીજાની ભિન્નતાનો આદર કરીએ છીએ, કશું બદલવાની કોશિશ નથી કરતા ત્યારે એ સંબંધ કોઈ પણ સ્વરૂપે હોય એ સંબંધ મૈત્રીપૂર્ણ બની જાય છે.
બીજા સંબંધની જેમ દોસ્તીમાં પણ નારાજગીનો દોર આવે. ગેરસમજણનો દોર આવે. પણ દોસ્તીની ડોર એટલી મજબૂત હોય છે કે આવા અનેક દોરમાંથી પાર ઊતરી જવા સમર્થ હોય છે.
મને દોસ્તીમાં શ્રદ્ધા છે, કારણ કે મને શુભમાં શ્રદ્ધા છે. દોસ્ત, મિત્ર, ભાઈબંધ આ શબ્દ જ એટલો શુભ છે કે દોસ્તી પર આપોઆપ શ્રદ્ધા થઈ આવે.
આજે એવા મિત્રોને યાદ કરીએ જે આપણને છોડીને જતા રહ્યા છે. આજે એવા મિત્રોને યાદ કરીએ જે આજે આપણી સાથે છે. આજે એવા મિત્રોને યાદ કરીએ જે કોઈ પણ સમયે કારણ આપ્યા વગર હાજર રહે છે. અને સૌથી મહત્ત્વની વાત એટલે આજે આપણે એવા મિત્ર બનવાની કોશિશ કરીએ. તાજી લખેલી કવિતા એ સર્વ મિત્રોને અર્પણ જેમણે કારણ વગર સાચા હૃદયથી દોસ્તી નિભાવી છે.
મિત્ર
એક એવો જાદુગર છે જે
મારી અંદરથી મને જ શોધી આપે છે
મારા ભાંગી પડેલા સપનાને
જોડી આપે છે
મારા ઘવાયેલા દિલ પર
મલમ લગાડે છે
મિત્ર મારા મનનો ડૉક્ટર છે
મારા પેચીદા પ્રશ્નો પર
મિત્ર ફિદા થઈ જવાય એવા
જવાબ આપે છે
મિત્ર આપે છે વધુ
ને માગે છે ઓછું
આપતાં આપતાં મિત્ર એટલો
સમૃદ્ધ થઈ જાય છે
કે મિત્ર સર્જક બની જાય છે એવો સર્જક
જે મારા જીવનનું નવેસરથી
ઘડતર કરે છે
થૅન્ક યુ દોસ્ત
- સેજલ પોન્દા
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો
લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Sejal Ponda columnists