બહેનની દીકરીના દાદાએ તેના બાળપણમાં કરાવેલા લગ્ન માન્ય રાખવા કે કેમ?

03 June, 2019 12:14 PM IST  |  | સેજલ પટેલ - સેજલને સવાલ

બહેનની દીકરીના દાદાએ તેના બાળપણમાં કરાવેલા લગ્ન માન્ય રાખવા કે કેમ?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ: બહુ નાની ઉંમરે મારાં બહેન ડિલિવરી પછીના ત્રણ જ મહિનામાં ગુજરી ગયેલાં. એ પછી દીકરી પાંચ વર્ષની થઈ ત્યાં બનેવીનું ઍક્સિડન્ટમાં અવસાન થયું. એ પછી લગભગ ત્રણેક વર્ષ દીકરી દાદા-દાદી સાથે રહી, પણ તેમની ઉંમર થઈ ગઈ હોવાથી અમે દીકરીને મારી પાસે રહેવા લઈ આવ્યાં. ગામમાં તેને પ્રોપર એજ્યુકેશન પણ નહોતું મળતું એટલે ભાણીને મારે ત્યાં લઈ લીધી અને દાદા-દાદી તેમના બીજા દીકરા જોડે રહેવા જતાં રહ્યાં. મારે એક દીકરો છે અને બહેનની દીકરી એમ અમે પરિવાર પૂરો કરી લીધો. બીજી તરફ દાદા મરણપથારીએ હતા ત્યારે તેમણે એવો ભાંડો ફોડ્યો કે અમારા બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે મારી બહેનની દીકરીનાં લગ્ન ગામના જ કોઈ છોકરા સાથે નક્કી કરી લીધાં છે. દાદા કહે છે કે અમે તો તેનાં લગ્ન પણ કરાવી લીધાં છે, પણ મને એ વાત સાચી નથી લાગતી. બીજી તરફ જે છોકરા સાથે લગ્ન કર્યાની વાત કરે છે એ ગામના જમીનદારનો દીકરો છે. પૈસેટકે ખૂબ સુખી છે, પણ ભણતરના નામે મીંડું છે. જ્યારે મારી બહેનની દીકરી ગ્રેજ્યુએટ થઈ ચૂકી છે અને હજી તેને એમબીએ કરવું છે. દાદાના બહુ આગ્રહને કારણે અમે પેલા પરિવારનો સંપર્ક કર્યો ત્યારે પેલા છોકરાનાં માબાપે તો કહ્યું કે મને વાંધો નથી, પણ છોકરો ના પાડે છે. હવે ગૂંચવાડો એ છે કે તેનાં લગ્ન થઈ ગયેલાં છે એમ સમજવું કે બાળપણમાં થયેલાં લગ્ન ફોક સમજવાં? તેનાં કાકા-કાકી પણ જૂનાં લગ્નને જ જાળવી રાખવાનો આગ્રહ રાખે છે, જ્યારે હું અને મારા હસબન્ડ આવા લાકડે માંકડું વળગાડ્યું હોય એવાં લગ્ન તોડી નાખવાના મતનાં છીએ. સામાજિક દૃષ્ટિએ કયું વલણ લેવું એ સમજાતું નથી.

જવાબ: સૌથી પહેલી વાત તો એ કે બાળલગ્ન એ ગેરકાનૂની છે. ભલે એ લગ્ન કરાવનારા દીકરીના દાદા હોય, એ તેમણે આચરેલો ગુનો જ હતો. કાયદાકીય રીતે બાળલગ્નને માન્ય રાખવા માટે યુવક કે યુવતી પર કોઈ જ બંધન નથી. હા, ધારો કે બન્ને પુખ્ત થયા પછી નક્કી કરે કે તેમણે લગ્નજીવન જીવવું છે તો તેમને છૂટ આપી શકાય, પણ તેમના પર વડીલોએ કરેલી પસંદગી થોપી ન શકાય. તેનાં કાકા-કાકી અત્યારે તેમનું સામાજિક દોઢડહાપણ દાખવી રહ્યાં છે કે બાળપણમાં થયેલા સગપણને એમ ન તોડી શકાય. આવી ડાહી વાતો કરનારા સમાજની ચિંતા કરે છે, પણ તેમને લોહીનું સગપણ ધરાવતી દીકરીની ચિંતા નથી. બાળલગ્ન એ ભયાનક દૂષણ હતું અને આજેય છે. વડવાઓ નક્કી કરી ગયા છે એટલે એમ જ કરવું એવી માનસિકતા પણ એક પ્રકારનું દૂષણ જ છે. એટલું નિશ્ચિત છે કે જો દીકરીને અત્યારે તમે એ જ જૂના સંબંધના ગાળિયે બાંધવાની કોશિશ કરશો તો તેનું જીવન વગરકારણે તેના કોઈ જ ગુના વિના ઠેબે ચડી જશે. જે દાદા હવે દુનિયામાં નથી રહ્યા તેમને દુ:ખ થશે કે નહીં થાય એની ખબર નથી, પરંતુ ફૂલ જેવી દીકરી ચોક્કસ હેરાન થશે.

આ પણ વાંચો : સાળાનો બંધ ધંધો શરૂ કર્યો સેટ થયા પછી, ખોટી આળ લગાવીને મને બદનામ કરે છે

બાળપણમાં માબાપનું છત્ર ગુમાવી ચૂકેલી છોકરીને માંડ અત્યારે તમારા જેવાં સમજુ અને પ્રેમાળ પાલક માતાપિતા મળ્યાં છે. બસ, તમે સમાજના પ્રેશરમાં આવીને કોઈ નિર્ણય ન લો. જરા આંખ બંધ કરીને વિચારો કે જો આ તમારી પોતાની દીકરી જ હોત અને તેના દાદા બાળલગ્ન દ્વારા તેની જિંદગી રૂંધાય એવું કામ કરી ગયા હોત તો તમે શું કરત?

sex and relationships life and style columnists