દહેજના નામે મને સતાવીને બીજી છોકરીઓ જોવા લાગેલા સાસરિયાંઓનું શું કરું?

18 July, 2019 12:19 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

દહેજના નામે મને સતાવીને બીજી છોકરીઓ જોવા લાગેલા સાસરિયાંઓનું શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : લગ્નને ત્રણ વર્ષ થયાં છે. ૨૯ વર્ષની ઉંમર છે. લગ્ન નક્કી થયાં ત્યારથી દહેજમાં સ્કૂટર, ફ્રિજથી લઈને ઘરના સોફાસેટ જેવી ચીજોની માગણી થતી હતી. મારા પપ્પાએ દેવું કરીનેય એ બધી માગણીઓ પૂરી કરી. લગ્ન પછી છ મહિના ઠીક-ઠીક ગયા. મેં મારા પિયરના બધા જ દાગીના પણ સાસુમાને સાચવવા આપી દીધા. બસ, એ પછીથી પતિ, સાસુ અને જેઠની કનડગત શરૂ થઈ. તેમણે પપ્પા પાસેથી વધુ પૈસા લાવવાની માગણી કરી. મારા પપ્પા હવે વધુ કંઈ જ કરી શકે એમ નહોતા એટલે મેં ક્યારેય એ વિશે પિયરમાં વાત જ ન કરી. રોજની ટકટક પછી હું કંટાળી હતી એટલે મેં ચોખ્ખું મોઢે જ સંભળાવી દીધેલું કે હું હવે દહેજમાં કંઈ જ નથી લાવવાની. બસ, એ દિવસથી વાતે-વાતે મારવા દોડવાનું સામાન્ય છે. સાસુમા પણ હાથ આમળી લે. મોટા છે એટલે હું કંઈ બોલતી નહોતી. મારાથી સહન ન થયું એટલે હું પિયર આવીને રહેવા લાગી. પપ્પાએ બધું જાણ્યા પછી મને પાર્લરનો કોર્સ કરાવીને પગભર કરી. છેલ્લા આઠ મહિનાથી હું પપ્પાને ત્યાં રહીને કમાઉં છું. એવામાં મને વાત મળી છે કે મારા પતિનાં બીજાં લગ્ન માટે થઈને છોકરીઓ જોવાનું કામ ચાલુ થયું છે. વાત સાંભળીને હું મારા મામા સાથે સાસરે જઈ પહોંચી તો ત્યાં અમને બન્નેને હડધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યાં. હવે મારે તેને સબક શીખવવો જ છે. મને મારી નાખવાનો પ્રયાસ કરવાનો કેસ કરીને તેને જેલભેગો કરી નાખવા માગું છું. મારું લોહી પીનારને હું સુખે જીવવા નહીં દઉં. હું અત્યારે કંઈ જ નથી કરી શકતી એટલે હેલ્પલેસ ફીલ થાય છે. પતિ અને સાસુ ભલે અત્યારે બીજી છોકરી શોધે, સમાજમાં બીજાને મોં બતાવવા લાયક ન રહે એવું મારે કરવું છે.

જવાબ : માણસ જ્યારે અતિશય આહત થાય ત્યારે તેનામાં બદલાની ભાવના જાગે એ સ્વાભાવિક છે, પરંતુ કોઈકને બતાવી દેવાની લાયમાં ક્યારેક આપણે આપણા જ પગ પર કુહાડો મારી બેસીએ છીએ.
કોઈ વ્યક્તિને હું જ્યારે પણ બળવો કરવાની સલાહ આપું છું ત્યારે એમાં મુખ્ય ભાવના બીજાને બતાવી દેવાની નથી હોતી, પરંતુ વ્યક્તિની પોતાની લાઇફ વધુ અટવાય નહીં એ હોય છે. ન્યાય મેળવવા માટે બળવો કરવો જાઈએ, કોઈને બરબાદ કરી નાખવા માટે નહીં કેમ કે કોઈકને બરબાદ કરવામાં આપણી ખુદની જિંદગીનો મહામૂલો સમય પણ વેડફાતો હોય છે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

તમે તમારી જિંદગી સુખમય બને એ માટે જે પણ નિર્ણય લેવો પડે એમ હોય એ લો. આવા માણસના નાકે દમ લાવવા માટે થઈને તમારે પણ અનેક કાવાદાવામાં ફસાવું પડે. એને બદલે છૂટાછેડા આપી દેવા બહેતર રહેશે. આમ પણ તેઓ બીજાં લગ્ન કરવા માગે છે એટલે છૂટાછેડા મેળવવામાં વાંધો નહીં આવે. બાકી કોઈને સબક શીખવવા માટે થઈને સંબંધોમાં રમત કરવી યોગ્ય નથી. ઇનફૅક્ટ, આપણે જ્યારે પણ બીજાને સબક શીખવવા માટે થઈને કંઈક ખોટું કામ કરીએ છીએ ત્યારે એની ઘણી ભારે કિંમત આપણી જિંદગીથી ચૂકવવી પડે છે. તમે સ્ટ્રિક્ટ પગલાં લો, જરૂર બળવો કરો; પરંતુ એ બીજાને બતાવી દેવા માટે નહીં, તમારી પોતાની લાઇફ સુધારવા માટે કરો.

sex and relationships life and style columnists