સાસુ જીવનમાં ખૂબ ચંચુપાત કરી રહ્યાં હોવાથી અમારા વચ્ચે વિવાદ થવા લાગ્યા

06 February, 2019 02:46 PM IST  |  | સેજલ પટેલ

સાસુ જીવનમાં ખૂબ ચંચુપાત કરી રહ્યાં હોવાથી અમારા વચ્ચે વિવાદ થવા લાગ્યા

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષ છે અને હસબન્ડ મારાથી છ વર્ષ મોટા છે. અમે આઠ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરેલાં. એ વખતે મારા પેરન્ટ્સને વાંધો હતો એમ છતાં અમે સાદગીથી કોર્ટમાં લગ્ન કરી લીધેલાં. મારાં સાસુ શરૂઆતમાં તો બહુ સારાં હોવાનો દેખાવ કરતાં હતાં અને મને મદદ પણ કરતાં હતાં. જોકે તેઓ જે મદદ કરે એના કરતાં ગણાવે વધુ. છેલ્લે તો તેમણે ઘરખર્ચના પૈસા અને નાની-મોટી ખરીદી બાબતે વગરકારણે ઇશ્યુ ખડો કરવાનું શરૂ કરી દીધેલું. આને કારણે અમારા બે વચ્ચે પણ જીભાજોડી થઈ જતી. આખરે મેં નક્કી કરી લીધું કે હવે આપણે જુદાં જ રહીશું. દોઢ વર્ષ પહેલાં અમે નાનો ફ્લૅટ લોન પર ખરીદીને એમાં શિફ્ટ થઈ ગયાં છીએ. જોકે એ પછી પણ તેમની ચંચુપાત મટતી નથી. હું તેમનાથી અંતર રાખવા માગું છું અને તેઓ દર વીક-એન્ડમાં ઘરે ટપકી જ પડે. દેખાડે એવું કે લાવ તને મદદ કરું. તેઓ મદદ કરે પણ ખરાં, જોકે એકાદ એવી કાંડી લગાવીને જાય કે અમારી વચ્ચે ઝઘડો થાય જ થાય. હું વર્કિંગ હોવાથી ઘર તેમના જેવું રાખી ન શકતી હોઉં તો એ માટે તે દીકરાને ચાવી ચડાવી જાય. બીજા દિવસે હસબન્ડ મને બતાડવા માટે ઝાડુ લઈને મંડી પડે. કસમથી કહું છું તેમની મમ્મીને કારણે અમારી વચ્ચે હવે રોમૅન્ટિક પળોમાં ઓછો અને વાદવિવાદમાં વધુ સમય જાય છે. જુદાં થયાં પછી પણ જો એ જ મગજમારી હોય તો શું કરવાનું?

જવાબ : આમ તો તમારાં પ્રેમલગ્ન છે અને લગ્નને આઠ વર્ષ પણ થઈ ગયાં છે. તમારી વાતો પરથી સમજાય છે કે તમને શરૂઆતમાં સાસુ સાથે તકલીફ નહોતી. સાસુ પણ એ જ છે અને જેને પ્રેમ કરીને પરણી આવ્યાં છો એ પતિ પણ એ જ છે. તો હવે શું બદલાયું છે જેને કારણે આ સમસ્યા ઊભી થઈ છે?

તમને લાગે છે કે સાસુને કારણે તમારા હસબન્ડ સાથેના સંબંધમાં તાણ ઊભી થઈ રહી છે, પણ હકીકતમાં એવું ન હોય એવું શક્ય છે? ધારો કે પતિ ઝાડુ લઈને ઘર સાફ કરવા લાગે તો એમાં તમે શું કામ ખોટું લગાવો છો? તેમની મદદને પણ વધાવી લો. સાથે મળીને સફાઈ કરવા લાગોને? પતિ જો તમને સફાઈ માટે મદદ નહીં પણ કટકટ કરતા હોય તો હજીયે કદાચ તમને ફરિયાદ કરવાનો હક છે. તમે વર્કિંગ હોવાથી પહોંચી નથી વળતાં અને સાસુની વાત સાંભળીને પતિ તમને મદદ કરવા લાગે છે તો એ સારું છે કે ખરાબ? આ માટે તો સાસુમાનો આભાર માનવો જોઈએ.

લગ્નજીવનમાં એક વાત હંમેશાં યાદ રાખવી. પ્રેમ એટલો મજબૂત હોવો જોઈએ કે કદી કોઈ ત્રીજી વ્યક્તિને કારણે તમારી વચ્ચે તિરાડ ન પડે. જ્યારે બે વ્યક્તિ વચ્ચે અંતર પડે છે ત્યારે જ ત્રીજી વ્યક્તિને એમાં ઘૂસવાનો મોકો મળી જાય છે. પતિ સાથેના સંબંધો માટે સાસુને જવાબદાર ન ઠેરવો. સાસુ ગમેએવી હોય, પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સમજણનો સેતુ એટલો અકબંધ હોવો જોઈએ કે એમાં કોઈ અસર ન થાય.

આ પણ વાંચો : પહેલી પત્ની પર શંકા થવાથી ડિવોર્સ લીધો હવે ફિયાન્સે પણ....

બીજું, જ્યારે સંતાનો તેમને મોટા કરવા માટે પેરન્ટ્સે કરેલી મહેનતને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવા લાગે છે ત્યારે જ તેમણે ગણાવવું પડે છે. સાસુ મદદ ગણાવે છે એ બાબતે ઇરિટેટ થવાને બદલે સામેથી તેમણે કરેલી મદદની કદર કરવા લાગશો તો છ-આઠ મહિનામાં પરિસ્થિતિ યુ ટર્ન લઈ લે એવું શક્ય છે.

sex and relationships life and style columnists