દોસ્તને બાળક મેળવવા માટે ડોનરની જરૂર છે, હું એ માટે તૈયાર છું પણ.....

10 June, 2019 12:23 PM IST  |  | સેજલ પટેલ - સેજલને સવાલ

દોસ્તને બાળક મેળવવા માટે ડોનરની જરૂર છે, હું એ માટે તૈયાર છું પણ.....

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું ૩૪ વર્ષનો છું. લગ્નને આઠ વર્ષ થયાં છે અને એક સંતાન છે. હવે અમે બીજું બાળક કરવા નથી માગતા. પરિવાર તરફથી દીકરો લાવવાનું પ્રેશર છે, પણ અમે બન્ને મક્કમ છીએ. અત્યારે અમે મારા જિગરી દોસ્તને કારણે મૂંઝવણમાં છીએ. તેને સંતાન મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે અને સમસ્યા મારા દોસ્તમાં છે. લગભગ સાત વર્ષથી ઘણી સારવાર કરી પણ કંઈ ફરક નથી. બાધાઆખડીઓ પણ અજમાવી જોઈ એ પછીયે પરિણામ નથી. તેમનો પરિવાર બહુ ઑર્થોડોક્સ છે. બીજી તરફ દોસ્તની વાઇફને બાળક નહીં મળે તો પાગલ થઈ જશે એવી હાલત છે. દોસ્ત ૩૬નો છે અને પત્ની ૩૫ની. એટલે જેટલી વહેલી સારવાર કરાવે એટલી સફળતા મળવાના ચાન્સિસ વધે. ડૉક્ટરનું કહેવું છે કે ડોનર સ્પર્મ વાપરશો તો ગર્ભ રહેવાના ચાન્સ ૮૦ ટકા જેટલા છે. મારા દોસ્તનું કહેવું છે કે જો આ વાતની તેના ઘરમાં કે પત્નીને ખબર પડશે તો તેઓ તૈયાર નહીં થાય. તેનું કહેવું છે કે હું મારું વીર્ય આપું અને કોઈનેય કહેવામાં ન આવે તો વાત બની જાય. આ માટે અમે ડૉક્ટરને પણ મળી આવ્યા તો તેમનું કહેવું છે કે મારું વીર્ય ચાલશે, પરંતુ પેશન્ટ પાસે ખોટું બોલીને આ કામ ન કરવું જોઈએ. હું અને મારો ભાઈબંધ દેખાવમાં પણ લગભગ સરખા જ છીએ એટલે એમાંય વાંધો આવે એમ નથી. મારી પત્નીને આ બાબતથી વાકેફ કરવી જરૂરી હતી એટલે તેને કહ્યું તો તે જબરો વિરોધ કરી રહી છે. તેનું કહેવું છે કે તમારે વીર્યદાન કરવું હોય તો અનામી થઈને કોઈ ત્રાહિત માટે કરો, પણ તમારા મિત્ર માટે નહીં. વાત બહુ ગૂંચવાઈ ગઈ છે. ભાઈબંધની મુશ્કેલીનો નિવેડો લાવવામાં મારે બીજી કોઈ મુસીબત નથી વહોરવી.

જવાબ : પતિ-પત્નીના સંબંધોમાં પારદર્શિતા એ સૌથી મોટી મૂડી છે. બાળક મેળવવાની ઝંખના પૂરી કરવા માટે દોસ્ત પોતાની પત્ની પાસે આટલું મોટું જૂઠ બોલે એ જોખમી છે. ભલે તેનો ઇરાદો સારો હશે, પણ એનું પરિણામ ખરાબ આવી શકે છે. જરા વિચાર કરો કે તમે બેઉ ભાઈબંધો બધાથી વિરુદ્ધ જઈને આગળ વધી ગયા અને તેના ઘરમાં પારણું બંધાઈ ગયું. એ વખતે તો ચોમેર ખુશી જ ખુશી હશે, પણ પછી શું? પેલું બાળક મોટું થશે અને ધારો કે તે તમારા પર ગયું અને કોઈનેય શંકા ગઈ અને સચ્ચાઈ બહાર આવી તો? એ વખતે તમારા દોસ્તની પત્નીને બાળક મેળવ્યા પછીયે કેટલો મોટો આઘાત લાગશે? બીજાના સીમેનથી બાળક મેળવવું એ ગુનો જરાય નથી, પણ બાળકની માને ખબર ન હોય એ રીતે બાળકનો બાપ બદલી નાખવો એ પતિ તરીકે બહુ મોટો વિશ્વાસઘાત છે.

આ પણ વાંચો : હું પરિણીત મહિલા સાથે રિલેશનશિપમાં છું અને તેના વિના રહી શકતો નથી. શું કરૂ?

બીજું, તમારી પત્ની પણ એ માટે મનથી તૈયાર નથી. કદાચ તેની અસલામતી પણ સમજવી જરૂરી છે. પેલું બાળક તમારી નજર સામે ઉછરશે અને ક્યારેક તમને તેના માટે પિતૃપ્રેમ ઊભરાઈ પડ્યો તો? નજીકના સંબંધોમાં જ્યારે આ પ્રકારના નિર્ણય લેવાના હોય ત્યારે સર્વસંમતિ મસ્ટ છે. ઍટ લીસ્ટ, તમે બે દોસ્તો અને તમારી પત્નીઓ એમ ચાર જણ વચ્ચે તો ખાસ. જો તમે દોસ્તને મદદ કરવા માગતા હો તો બન્નેની પત્નીઓનો વિશ્વાસ જીતો. દોસ્તની પત્ની બાળકની ઝંખનામાં એ માટે તૈયાર હોય અને તમારી પત્ની તૈયાર ન થાય તો સ્પર્મ-બૅન્ક દ્વારા કોઈ અજાણ્યા ડોનરની મદદથી પણ સપનું પૂરું કરી જ શકાય છે.

sex and relationships life and style columnists