ઊંઘને આમ ઓળખીએ

02 February, 2025 08:30 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

વિજ્ઞાને માનવજાત વિશે જાતજાતનાં અને ભાતભાતનાં સંશોધનો કર્યાં છે. ઊંઘ વિશે પણ કોઈ નિરીક્ષણ થાય? એ ક્યાંથી આવે છે, કેમ આવે છે, ક્યારે આવે છે અને પછી ક્યાં, ક્યારે અને કેમ જાય છે એ વિશે વિજ્ઞાન જ કહી શકે

પ્રતીકાત્મક તસવીર

માણસને જીવન ટકાવી રાખવા માટે શું અનિવાર્ય છે એવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એના જવાબમાં ટપાક દઈને કહી દેવામાં આવે છે કે ખોરાક એટલે કે અન્ન અથવા માંસાહાર, પાણી, વસ્ત્ર, રહેઠાણ આ બધાને માણસના અસ્તિત્વ માટે અનિવાર્ય માનવામાં આવે છે. વાત સાવ સાચી પણ છે. આ બધા વિના માણસનું જીવન કદાચ થોડોક સમય ટકી પણ જાય પણ લાંબો વખત આ બધા વિના માણસ જીવન ટકાવી શકે નહીં. કોણ જાણે કેમ જીવનજરૂરિયાત માટે આપણે જેની ગણતરી કરીએ છીએ એમાં ઊંઘને ધ્યાનમાં લેતા નથી. સામાન્ય રીતે માણસ રોજ સાતથી આઠ કલાકની ઊંઘ લેતો હોય છે. જોકે આ સાત-આઠ કલાક દરેક માટે જરૂરી ન કહી શકાય, પણ આ સાત-આઠ કલાક વિના માણસ ટકી પણ શકતો નથી. ખોરાક વિના કદાચ માણસ મહિનો-બે મહિના કે એથી થોડુંક વધતું-ઓછું જીવન જીવી પણ જાય. વસ્ત્ર કે રહેઠાણ વિના પણ માણસ જીવી શકે છે, પણ ઊંઘ વિના માણસ ટકી શકતો નથી. જેમ સમય વિશે આપણે કહી શકીએ છીએ કે સમય ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ આપણે કોઈ જાણતા નથી અને આમ છતાં સમયને લક્ષમાં લીધા વિના આપણે જીવી પણ શકતા નથી. એ  જ રીતે આપણા જીવનના રોજિંદા વ્યવહારમાં પણ ઊંઘ ક્યાંથી આવે છે અને ક્યારે આવે અને ક્યારે એ સમાપ્ત થઈ જાય છે એની આપણને ક્યારેય જાણ થતી નથી. ઊંઘ શું છે એની પણ કદાચ આપણને પૂરી જાણકારી નથી. અચાનક ઊંઘ આવી જાય છે. એ ક્યારે અને કેવી રીતે આવી ગઈ એ ગમેતેવો જાગૃત માણસ પણ કહી શકતો નથી. અચાનક એ ક્યારે પૂરી થઈ જાય એ વિશે પણ કશું ખાતરીપૂર્વક કહી શકાતું નથી. દરેક માણસનો ઊંઘવા માટેનો સમય નિશ્ચિત નથી. સાત-આઠ કલાક તો સરેરાશ છે. નેપોલિયન વિશે એવું કહેવાતું કે તે ઘોડેસવારી કરતો હોય ત્યારે પણ ઊંઘી શકતો. આપણા વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશે પણ એવું કહેવાય છે કે તેઓ રોજ માંડ ત્રણથી ચાર કલાક જ ઊંઘે છે. ગાંધીજી પણ મોડી રાત એટલે કે બારેક વાગ્યા સુધી કામ કરતા અને વહેલી સવારે એટલે કે ત્રણ અથવા ચાર વાગ્યે ઊઠીને કામે વળગતા. આમ ત્રણ-ચાર કલાકની ઊંઘથી કેટલાક સમર્થ માણસો જીવી શકે છે.

માણસ ઊંઘવા ન ધારે તો પણ ઊંઘ આવી જ જાય છે. ઊંઘને રોકી શકાતી નથી. થોડાક કલાક હોય તો પ્રતિકાર કરી શકાય, પણ વધુ લાંબા ગાળા સુધી એના વિના ચલાવી શકાય નહીં. માણસ સિવાયના પ્રાણીમાત્રને પણ ઊંઘ્યા વિના ચાલે એમ નથી. જળચર એટલે કે માછલી જેવી સતત તરતી રહેતી પ્રજાતિઓ પણ પોતાની એ જ અવસ્થામાં ઊંઘી તો લે જ છે. આમ ઓછામાં ઓછી ઊંઘ વિશે કહી શકાય પણ સામે છેડે માણસ વધુમાં વધુ કેટલું ઊંઘી શકે એ કહી શકાશે ખરું?

ઊંઘનાં ઉદાહરણો

રામકથામાં એવું કહેવાયું છે કે રામના વનવાસ ગાળા દરમિયાન લક્ષ્મણ તેમનું રક્ષણ કરવા માટે ૧૪ વર્ષ સુધી સતત જાગૃત જ રહ્યા હતા. લક્ષ્મણના ૧૪ વર્ષના જાગરણની આ વાત મૂળ કથાનકમાં વાલ્મીકિએ લખી નથી અને આમ છતાં રામ વિશે જે અનેક કથાઓ આલેખાયેલી છે એમાં લક્ષ્મણે ૧૪ વર્ષ સુધી રામના રક્ષણ માટે ઊંઘ લીધી નહોતી અને જાગતા રહ્યા હતા એવાં કથાનકો છે ખરાં. એક એવી પણ ઘટના લક્ષ્મણના આ ઉજાગરા સાથે રામકથાઓમાંથી જ મળી આવે છે કે રાવણના પુત્ર ઇન્દ્રજિતને એવું વરદાન મળ્યું હતું કે તેનો વધ જેણે ૧૪ વર્ષ સુધી નિદ્રા લીધી ન હોય એવી જ વ્યક્તિ કરી શકશે. આમ ઇન્દ્રજિતને મળેલું વરદાન અને લક્ષ્મણે રામ માટે કરેલું તપ બેયને સાંકળી લેતી કથા પણ છે.

રામકથામાં જ કુંભકર્ણનો જે ઉલ્લેખ આવે છે એને પણ નિદ્રા સાથે સાંકળી લેવાયો છે. કુંભકર્ણ તપશ્ચર્યા કરીને ઇન્દ્રાસન મેળવવા માગતો હતો, પણ ઇન્દ્રે પોતાનું સિંહાસન બચાવવા માટે દેવી સરસ્વતી સાથે જેને ષડયંત્ર કહી શકાય એવી સમજૂતી કરી. બ્રહ્મા જ્યારે પ્રસન્ન થઈને કુંભકર્ણને વરદાન માગવાનું કહે ત્યારે કુંભકર્ણની જીભ પર સરસ્વતી માતા બિરાજે અને કુંભકર્ણ ઇન્દ્રાસનને બદલે નિદ્રાસન બોલે. કુંભકર્ણએ આ રીતે નિદ્રાસન માગ્યું અને છ મહિના સતત ઊંઘતો રહે અને પછીના છ મહિના સતત જાગતો રહે એવું કથાનક પણ છે.

લક્ષ્મણ અને કુંભકર્ણ ઉપરાંત નિદ્રા સાથે સંકળાયેલું એક ત્રીજું કથાનક શ્રીમદ્ ભાગવતમાં મળે છે. મુચકુંદ નામનો રાજા દેવોના દાનવો સાથેના સંઘર્ષકાળે ઇન્દ્રને સહાયભૂત થવા પૃથ્વી ઉપરથી સ્વર્ગમાં ગયો. મુચકુંદ ઇન્દ્ર સાથે રહીને દાનવોને પરાજિત કરે છે, પણ આ યુદ્ધકાળમાં તેણે સતત જાગતા રહેવાનું હોવાથી તે ઊંઘી શક્યો નહોતો. યુદ્ધ પૂરું થયા પછી તે જ્યારે પૃથ્વી પર પાછો ફર્યો ત્યારે તે એટલોબધો થાકેલો હતો એટલે પોતે લાંબા ગાળા સુધી સૂઈ રહે એવું વરદાન માગ્યું. તે ઊંઘી રહ્યો હોય ત્યારે તેને કોઈ જગાડે નહીં અને જો કોઈ તેને ઊંઘમાં ખલેલ કરે તો એ ખલેલ કરનાર બળીને ભસ્મ થઈ જાય એવું વરદાન તેને મળેલું. મુચકુંદની આ નિદ્રા પણ દીર્ઘકાળ ચાલેલી છે.

ઊંઘને રીતે પણ ઓળખીએ

ઓશો રજનીશે ઊંઘ વિશે એક ભારે અભ્યાસપૂર્ણ વાત કરેલી છે. માણસ જ્યારે નિદ્રામાં સરી જાય છે ત્યારે બાહ્ય જગત સાથેનો તેનો જાગરૂક વ્યવહાર તૂટી જાય છે. આમ છતાં તેની બધી જ શારીરિક પ્રવૃત્તિઓ અંદરખાને ચાલુ જ હોય છે. હૃદયના ધબકારા, લોહીનું પરિભ્રમણ અને તમામ વૈચારિક પ્રવૃત્તિ પણ શાંત નથી હોતી. આ વિચારો તેને સ્વપ્નાવસ્થામાં દોરી જાય છે. આમ માણસ અમુક કલાકો ઊંઘી જાય છે એવું કહીએ ત્યારે સમય ગાઢ નિદ્રાનો નથી હોતો. હકીકતે સાત-આઠ કલાકની નિદ્રામાં એ પાંચ કે દસ મિનિટ પૂરતો જ વૈચારિક સૃષ્ટિથી શાંત થાય છે. આ શાંતિકાળ એટલે કે પાંચ કે દસ મિનિટનો સમય જ તે નિદ્રાવસ્થામાં હોય છે. આ સમયગાળો જેટલો લંબાવી શકાય છે એટલો વધુ સ્ફૂર્તિકાળ અને તાજગી તે મેળવી શકે છે. રજનીશજીના આ કથનમાં કેટલી સચ્ચાઈ હોઈ શકે એ કહી શકવું અઘરું છે.

વિજ્ઞાને માનવજાત વિશે જાતજાતનાં અને ભાતભાતનાં સંશોધનો કર્યાં છે. ઊંઘ વિશે પણ આવું કોઈક નિરીક્ષણ થાય - ક્યાંથી આવે છે, કેમ આવે છે, ક્યારે આવે છે અને પછી ક્યાં, ક્યારે અને કેમ જાય છે એ વિશે વિજ્ઞાન જ કહી શકે.

columnists gujarati mid-day mumbai exclusive dinkar joshi