RTI કાયદાની અરજીએ મેડિકલ ફાઇલ બંધ કરવાની ચીમકી આપનારના હોશ ઉડાવ્યા

22 February, 2020 01:37 PM IST  |  Mumbai | Dhiraj Rambhia

RTI કાયદાની અરજીએ મેડિકલ ફાઇલ બંધ કરવાની ચીમકી આપનારના હોશ ઉડાવ્યા

આરટીઆઈ

જોગેશ્વરી (વેસ્ટ)માં રહેતા કાન્તિલાલ છેડાની મેડિક્લેમની રકમ આપવા માટે ઠાગાઠૈયા કરતા તથા મેડિક્લેમની ફાઇલ બંધ કરવાની ધમકી આપીને માનસિક યાતના આપનાર વીમાકંપની તથા ટીપીએ (થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર)ના બાબુઓની શાન આટીઆઇ કાયદાના યથાયોગ્ય ઉપયોગથી ઠેકાણે આવી એની આ રસપ્રદ કથા છે.

કાન્તિભાઈને પેટના અસહ્ય દુખાવાના કારણે દક્ષિણ મુંબઈસ્થિત સૈફી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. સઘન તપાસણી બાદ પ્રોસ્ટેટ ગ્રંથિમાં થયેલા સોજાને કારણે વિસ્તૃતિકરણ થયું હોવાથી ઑપરેશન કરવામાં આવ્યું તથા તબિયત બરાબર થતાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સારવારનું બિલ ટીપીએને અરજી તથા જરૂરી બિડાણો સાથે આપવામાં આવતાં નિયમાધીન મેડિક્લેમની રકમ મંજૂર કરી ચુકવણી કરવામાં આવી.

ઑપરેશન દરમ્યાન મૂત્રપિંડમાં જમા થતા પેશાબના નિકાલ માટે શરીરની બહાર પેશાબની થેલી રાખવામાં આવી તથા મૂત્રપિંડથી પેશાબની થેલી સુધી પેશાબના વહન માટે નળી નાખવામાં આવી. ઑપરેશનના અંદાજે બે અઠવાડિયાં બાદ પેશાબની નળી તથા થેલી માટે ગોરેગામ આરે રોડિસ્થિત બર્વે હૉસ્પિટલમાં કાન્તિભાઈને દાખલ કરવામાં આવ્યા. તબિયત બરાબર થતાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. થયેલ ખર્ચનાં બિલો, પ્રિસ્ક્રિપ્શન્સ વગેરે જોડીને અરજીપત્રક સાથે ટીપીએને ૨૦૧૬ની ૧૨ એપ્રિલે સુપરત કરવામાં આવ્યાં અને એક નવી યાતનાની શરૂઆત થઈ.

ઉપરોક્ત પૉલિસી શ્રી ક.વી.ઓ. સેવા સમાજની સંજીવની સ્કીમ હેઠળ સરકારી વીમાકંપની-નૅશનલ ઇન્શ્યૉરન્સ કં. લિ.ની ખરીદવામાં આવેલી. ૨૦૧૬ની ૨૨ એપ્રિલે ટીપીએએ એસએમએસ દ્વારા ક્લેમની વિગતો મંગાવી જે કાન્તિભાઈએ ૨૦૧૬ની ૨૬ એપ્રિલે શ્રી ક.વી.ઓ. સેવા સમાજની ઑફિસમાં જમા કરાવી. આજકાલ કરતાં બીજા ત્રણ મહિના પસાર થઈ ગયા પણ મેડિક્લેમની સ્થિતિ ઠેરની ઠેર રહી.

કાન્તિભાઈની નાદુરસ્ત તબિયતને કારણે તેમના પુત્ર સચિનભાઈએ મેડિક્લેમ મેળવવાની કાર્યવાહી હાથ ધરી. સચિનભાઈનો કાકાનો દીકરો ભાવેશ છેડા તરુણ મિત્ર મંડળ સંચાલિત જનાધિકાર અભિયાનના મલાડ કેન્દ્રમાં તત્કાલીન ભૂતકાળમાં કાર્યરત હોવાથી તેમની મદદ તથા માર્ગદર્શન મેળવવાના હેતુથી તેમને સંપર્ક કર્યો. તેમણે વીમાકંપનીના ટીપીએની મુંબઈ ઑફિસને સંબોધતી અરજી બનાવી આપી, જે દ્વારા ત્રણ મહિના ઉપરાંતનો સમય વ્યતીત થઈ ગયો હોવા છતાં ક્લેમની રકમ મળી ન હોવાની ફરિયાદ નોંધાવી તથા જલદીથી ક્લેમની રકમ ચૂકવવા વિનંતી કરી. ફરિયાદની એક પ્રત વીમાકંપનીને પણ ૨૦૧૬ની ૨૧ જુલાઈએ મોકલવામાં આવી.

આજીકાલ કરતાં બીજાં ત્રણ અઠવાડિયાંનો સમય પસાર થઈ ગયો. વીમાકંપની તથા ટીપીએના બાબુઓએ કાન્તિભાઈના પત્ર પર ન તો કોઈ કાર્યવાહી કરી કે ન તો જવાબ  આપવાની તસ્દી લીધી. સચિનભાઈએ ફરીથી ભાવેશભાઈનો સંપર્ક કર્યો. વ્યસ્તતાના કારણે સેવાકેન્દ્ર પર જતા ન હોવાથી તેમણે તરુણ મિત્ર મંડળના મલાડ (વેસ્ટ)સ્થિત સેવાકેન્દ્રના નિયામક અમિતભાઈનો સંપર્ક નંબર તથા સેવાકેન્દ્રનું સરનામું આપી શનિવારે સાંજના ૭.૩૦થી ૯.૩૦ વચ્ચે તેમને મળવા જણાવ્યું.

સચિનભાઈએ સમિતભાઈના મોબાઇલ નંબર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી શનિવારે કેન્દ્ર પર અમિતભાઈને મળ્યા. અમિતભાઈએ તેમની વિટંબણાની વાત શાંતિથી સાંભળી લાવેલી ફાઇલનો અભ્યાસ કરી આરટીઆઇ કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી:

૧) ૨૦૧૬ની ૨૦ જુલાઈના મારા પત્ર પર કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ માહિતી આપશો તથા એની સાંપ્રત સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપશો.

૨) જો મારા ઉપરોક્ત પત્ર પર કાર્યવાહી ન કરવામાં આવી હોય કે અધૂરી કાર્યવાહી થઈ હોય તો એ માટે નોંધાયેલાં કારણોની વિગતવાર માહિતી આપશો.

૩) આપના વિભાગની નિયમાવલી મુજબ આ પ્રકારની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે નિશ્ચિત કરેલી સમયમર્યાદા જણાવશો.

૪) મારા પત્ર પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું પૂર્ણ નામ, હોદ્દો તથા તેમના કાર્યાલયનો લૅન્ડલાઇન ડાયરેક્ટ નંબર તથા કંપની દ્વારા અપાયેલા મોબાઇલના નંબર જણાવશો.

૫) નિશ્ચિત કરેલી સમયમર્યાદામાં કાર્યવાહી ન કરનાર કે અધૂરી કાર્યવાહી કરનાર બેજવાબદાર અધિકારી પર શિસ્તભંગ માટે લેવામાં આવેલાં પગલાં તથા કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ સંપૂર્ણ માહિતી આપશો.

૬) જો કસૂરવાર અધિકારી પર શિસ્તભંગનાં પગલાં ભરવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણોની વિગતવાર માહિતી આપશો.

૭) કસૂરવાર અધિકારી પર શિસ્તભંગનાં પગલાં લેવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીશ્રીનું પૂર્ણ નામ, હોદ્દો કાર્યાલયના લૅન્ડલાઇનના ડાયરેક્ટ નંબર  તથા વીમાકંપની દ્વારા અપાયેલા મોબાઇલ નંબર જણાવશો.

૮) જો વરિષ્ઠ અધિકારીએ વીમાકંપનીની નિયમાવલી મુજબ કસૂરવાર અધિકારી પર શિસ્તભંગનાં પગલાં ન લીધાં હોય તો એ માટેનાં કારણો તથા તેમના પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર માહિતી આપશો.

૯) આપનો જવાબ અસંતોષકારક કે અધૂરો લાગે કે આરટીઆઇ કાયદાની ૩૦ દિવસની સમયમર્યાદામાં ન મળે તો એની સામે પ્રથમ અપીલ કરી શકાય એ માટે સંબંધિત એફએએ (ફર્સ્ટ એપેલેટ ઑથોરિટી)નું પૂર્ણ નામ, હોદ્દો તથા તેમના કાર્યાલયનું પૂર્ણ સરનામું તથા સંપર્ક નંબરો જણાવશો.

૧૦) ઉપરોક્ત અરજીને અનુરૂપ/રેલેવન્ટ અન્ય જે કોઈ માહિતી એ અચૂક આપશો.

આરટીઆઇ કાયદા હેઠળની ધારદાર અરજી મળતાં ઍર-કન્ડિશનર કૅબિનમાં બિરાજમાન જાહેર માહિતી અધિકારી પરસેવે રેબઝબ થઈ ગયા. હાથ નીચેના સંબંધિત કારકુનને બોલાવી ફાઇલ કઢાવી. ફાઇલ ઊથલાવીને તરત ટીપીએના વરિષ્ઠ અધિકારીને ફોન કરી કાન્તિભાઈ છેડાના ક્લેમની યુદ્ધના ધોરણે ચુકવણી કરવાનું જણાવ્યું હશે. વીમાધારકના ફરિયાદ પત્રનો જવાબ ન આપવાની ધૃષ્ટતા કરનારાઓએ અરજીનો પણ જવાબ ન આપ્યો, પરંતુ આઠ દિવસમાં ક્લેમ મંજૂર કરી ક્લેમની રકમ ફરિયાદીના બૅન્ક ખાતામાં ચૂપચાપ જમા કરી દીધી જેથી કાન્તિભાઈ છેડાના પરિવારની યાતનાનો સુખદ અંત મલાડ કેન્દ્રના નિયામક કર્તવ્યનિષ્ઠ અમિતભાઈ તથા તેમના સાથીઓની દક્ષતાના કારણે આવ્યો અને ફાઇટ ફૉર યૉર રાઇટની વિભાગના વધુ એક વખત પ્રસ્થાપિત થઈ.

right to information columnists weekend guide