ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહીં

26 December, 2023 12:32 PM IST  |  Mumbai | Sarita Joshi

પિતા ગુમાવવાનું દુઃખ કેવું વસમું હોય છે એ ક્યારેય કોઈ સમજાવી શકે નહીં ને એ પીડા ક્યારેય કોઈ સમજી શકે નહીં

જમનાદાસ મજીઠિયાના તેમના પિતા નાગરદાસભાઈ સાથે

ગઈ કાલે જેડી, જમનાદાસ મજીઠિયાના પપ્પા નાગરદાસભાઈનો દેહાંત થયો. જેડીને તેના પપ્પા માટે બહુ વહાલ. બન્ને બાપ-દીકરાને તમે જુઓ તો રાજી-રાજી થઈ જાઓ. તેઓ બન્ને એકબીજાને જોઈને એવું સરસ સ્માઇલ આપે કે એ જોનારના ચહેરા પર પણ ખુશી આવી જાય. આમ તો તેઓ મથુરામાં રહેતા, પણ મુંબઈ આવ્યા હોય ત્યારે જેડી તેને મળવા જાય જ જાય અને ગમે એટલો બિઝી હોય તો પણ જરૂર પડે ત્યારે તેમની સાથે પણ જાય. જેડી પાસે જો તેના બાપુજીની કોઈ વાત કરે કે પછી તેમને લગતો કોઈ સવાલ પૂછે તો બધું પડતું મૂકીને જેડી તરત તેમની વાતોએ લાગી જાય. મેં તો તેને આવું કરતાં બહુ વખત જોયો છે અને જ્યારે હું તેને આવું કરતો જોઉં ત્યારે મારી આંખ સામે જેડીની એ ચળકતી આંખો આવી જાય, જે પેલી વાતોને કારણે ઝગારા મારવા માંડી હોય.

દિલ્હી જવાનું બને તો ત્યાંથી જેડી અચૂક મથુરા તેનાં બા-બાપુજીને મળવા જાય અને ધારો કે દિલ્હી જવાનું ન બન્યું હોય તો પોતાની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને બા-બાપુજી પાસે મથુરા જઈ આવે. પિતાનું સ્થાન જીવનમાં કોઈ લઈ શકે નહીં એ હું જાણું છું. એ પણ જાણું છું કે પિતા ગુમાવ્યાનું દુઃખ પણ ક્યારેય વીસરી શકાય નહીં અને એમાં ભાગીદારી પણ થઈ શકે નહીં. મને અત્યારે જેડીના ફોનમાં રહેલી તેની જે પેલી કહેને, ફોન કરોને તમને સંભળાય એ કૉલર-ટ્યુન યાદ આવે છે,
‘ભૂલો ભલે બીજું બધું, 
મા-બાપને ભૂલશો નહીં.
અગણિત છે ઉપકાર તેના, 
એ કદી વીસરશો નહીં...’

વર્ષોથી આ એક જ કૉલર-ટ્યુન તેણે રાખી છે. એ તમારા કાને પડે ત્યાં જ તમને ખબર પડી જાય કે તમે જેડીને ફોન લગાડ્યો છે અને જો બીજી કોઈ રિંગ વાગે તો તરત એ પણ ખબર પડી જાય કે રૉન્ગ નંબર લાગ્યો છે. ઘણાને એવું પણ લાગતું હોય કે આટલો મોટો પ્રોડ્યુસર, ડિરેક્ટર, ઍક્ટર પોતાના મોબાઇલમાં આવી કૉલર-ટ્યુન રાખે?! તેણે તો પોતાની સિરિયલ કે ફિલ્મનું ગીત એમાં રાખવું જોઈએ, પણ ના સાહેબ, જેડી એવું ક્યારેય કરે નહીં. તેણે પોતાનાં મા-બાપને ભગવાનના સ્થાને રાખ્યાં છે. જેમ પુણ્યશાળી માબાપ બહુ ઓછાના નસીબમાં હોય એવું જ દીકરાઓમાં પણ હોય. જેડી જેવા દીકરા મળવા એ માટે પણ પુણ્ય જોઈએ અને હું કોઈ જાતના સંકોચ વિના કહીશ, દિલ પર હાથ રાખીને કહીશ કે જેટલો નસીબદાર જેડી રહ્યો છે એટલાં જ નસીબવાળાં તેનાં માબાપ છે કે તેને જેડી જેવો સંસ્કારી, પુણ્યશાળી દીકરો મળ્યો છે.

સંતાન તરીકેની ફરજ અને જવાબદારીની જે વાત છે એ જેડીને ક્યારેય કોઈએ યાદ દેવડાવવી નથી પડી. કારણ કે તેણે એ વાતને જવાબદારી કે ફરજ ગણ્યાં જ નથી. એ તો કહેતો હોય કે તેમનું કરવા મળે એ જ આપણાં સદ્નસીબ છે. મારે આજે એ તમામ સંતાનોને કહેવું છે કે માતા-પિતા હોય ત્યારે તેમની સાથે સુખનું જીવન ગાળી લેજો. આવું જેડી તેની કૉલમમાં બહુ વાર કહે છે, હું વાંચું છું. વાંચું પણ ખરી અને પછી મનમાં ખુશ પણ થાઉં કે એ જે સ્થાને છે એ સ્થાનેથી આવી વાતો કરે એ બહુ જરૂરી છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનાં બા વિશે બહુ બધું કહેતા, તેમને મળવા જતા, તેમની સાથે જમવા બેસતા. એવા ઘણા બધા ફોટો પણ છે અને એક વાર તો તેમણે પોતાના હાથે તેમનાં બાના પગ પણ ધોયા હતા. સાહેબ, આવા વીરલાઓ આ ભારતમાની કૂખે જ જન્મે, આવા પુણ્યશાળી જીવો તો આ દેશમાં જ જોવા મળે. આજે પણ વીરલાઓ પોતાનાં માબાપની સામે માથું ઝુકાવીને ઊભા રહે છે. આજે પણ આ વીરલાઓ તેમને જન્મ આપનારના બન્ને પગ સ્પર્શીને આશીર્વાદ લે છે અને માને છે કે એ આશીર્વાદ થકી જ તેમનું જીવન સાર્થક બન્યું છે. મેં હંમેશાં કહ્યું છે કે પિતા સંતાનના નામમાં અને માતા સંતાનના સ્વભાવમાં સદાય જીવતાં રહે છે, પણ આ સામાન્ય એવી વાત માણસને તેમની ગેરહાજરીમાં સમજાય છે. એવું બને એ પહેલાં તમારાં માબાપની સાથે રહી, તેમને સમય આપીને તેમની ઇચ્છા પૂરી કરવાની કોશિશ કરજો. બળ્યો સંપ, બળી ધનદોલત. માબાપથી મોટું કંઈ હોય નહીં, કશું હોય નહીં.

ભૂલો ભલે બીજું બધું...’ ગીતમાં જ એક પંક્તિ છે, જે આજે સુખ-સાહ્યબી માટે ભાગદોડ કરતાં, દોડધામ કરતાં સંતાનો માટે બહુ જરૂરી છે...
‘લાખો કમાતાં હો ભલે, 
માબાપ જેથી ના ઠર્યાં,
એ લાખ નહીં, પણ રાખ છે, 
એ માનવું ભૂલશો નહીં...’
જેડી મારે મન દીકરો જ છે. હું મથુરા ગઈ ત્યારે તેણે ત્યાં મારે માટે જેકોઈ સુવિધા ઊભી કરાવી, દર્શન કરાવ્યાં અને મને કોઈ વાતની તકલીફ પડે નહીં એની તેણે જે દરકાર રાખી એ આજના સમયમાં કોઈ ન કરી શકે, પણ જેડી, તે માબાપ માટે કંઈ પણ કરી શકે અને તેને કોઈ રોકી ન શકે. 
‘ધન ખરચતાં મળશે બધું, 
માતા-પિતા મળશે નહીં,
પલ પલ પુનિત એ ચરણને, 
ચાહના ભૂલશો નહીં...’

સવારે જ્યારે સમાચાર મળ્યા ત્યારથી મારા મનમાં આ ગીત એમ જ વાગ્યા કરે છે અને વાગતા એ ગીત સાથે મારી આંખ સામે સતત જેડીનો ચહેરો ફર્યા કરે છે. જેડી બહુ લાગણીવાળો છે. કામની બાબતમાં એટલો જ પ્રોફેશનલ, પણ જ્યાં માનની, પ્રેમની વાત આવે ત્યાં જેડી બધા માટે હાજર હોય. તેને તમે અડધી રાતે પણ ફોન કરો તો તે તમને જવાબ આપે અને જો તમે તકલીફમાં હો તો જાગીને તરત જ તમારું કામ કરે. તમે શીખજો આવા થવાનું અને જ્યારે, જેને જરૂર હોય ત્યારે તેની બાજુમાં ઊભા રહેજો. કોઈને મદદ કરશો તો બહુ સારું લાગશે. અરે, સાંત્વનાના બે શબ્દો પણ જો તમે કહી શકશો તો સામેવાળાને રાહત થશે અને એ રાહત જ તેને ફરીથી ઊભા થવાનું જોમ આપશે. જીવન જીવવા, જીવન જીતવા માટે આ જોમ બહુ જરૂરી છે. જો તમે ઇચ્છતા હો કે તમારા થકી, તમારા દ્વારા કોઈના જીવનમાં રોશની પથરાય તો એ કામ કરજો. કશું એમાં ગુમાવી નથી દેવાનું. બસ, હકારાત્મક રહીને તેની સાથે વાત કરવાની છે. વાત કરવાની છે અને તેને સધિયારો આપવાનો છે કે હું તમારી સાથે જ છું.

આજના આ દિવસે મારે ભગવાનને કહેવું છે, કહેવું છે કે હે ઈશ્વર, જેડીના બાપુજીનો તમારા દરબારમાં સમાવેશ કરો અને મારા જેડીને, મારા દીકરાને આ વસમો આઘાત જીરવવાની ક્ષમતા આપો. તમારા સિવાય આ બીજું કોઈ નહીં કરી શકે અને તેને ઠાલા અક્ષરોની કોઈ અસર થશે નહીં. પ્લીઝ ભગવાન, મારું આટલું માનજો. ક્યારેય તમારી પાસે બીજું નથી માગતી, પણ આજે, આ જે માગું છું એ ઇચ્છા પૂરી કરજો.
હરિ ઓમ.

columnists JD Majethia sarita joshi