31 October, 2023 02:35 PM IST | Mumbai | Manoj Joshi
સરિતા જોષી
સરિતા જોષી. લિવિંગ લેજન્ડ એવાં શ્રી સરિતા જોષી.
આ તમે પણ કહેશો જો તમે જઈને એક વાર ‘12th ફેલ’ નામની ફિલ્મ જોઈ આવશો. ફિલ્મ અદ્ભુત છે. કોઈ શંકા નથી, તો સાથોસાથ ફિલ્મના દરેકેદરેક કલાકારોએ સુંદર કામ કર્યું છે, પણ એ બધાંમાં સરિતાબહેને જે કામ કર્યું છે એને માટે તો મારે, તમારે આપણે સૌએ કહેવું પડે કે તેમને નતમસ્તક વંદન. તેમનો જે ઠહરાવ છે, તેમનાં જે ફેશ્યલ એક્સપ્રેશન છે, તેમની જે આંખો બોલે છે અને એ બધાની ઉપર તેઓ જે ભાવ લઈ આવે છે એ ખરેખર કાબિલ-એ-તારીફ છે. તમારે કહેવું જ પડે કે જો ઍક્ટિંગ શીખવી હોય તો સરિતાબહેન પાસેથી. જો મારી યાદશક્તિ ભૂલ ન કરતી હોય તો કદાચ હિન્દી ફિલ્મોમાં તેમણે કરેલો સૌથી લાંબો રોલ એ આ ‘12th ફેલ’નો છે. રોલ બહુ મહત્ત્વનો હોય એવું કહેવાને બદલે હું એવું કહીશ કે સરિતાબહેને જે કામ કર્યું છે એ એવા દરજ્જાનું છે કે તમે એને એડિટિંગ ટેબલ પરથી પણ કાપી ન શકો અને એટલે જ ફિલ્મનાં હીરો-હિરોઇન કે પછી અન્ય કોઈ પણ કૅરૅક્ટરના સીન્સ વધારવાને બદલે સરિતાબહેનના સીન અકબંધ રાખવામાં આવ્યા છે. હૅટ્સ ઑફ સરિતાબહેન. તમારા અનુભવના આધારે ઍક્ટિંગ ફીલ્ડમાં ઊભો થતો ગ્રાફ જે સ્તરે અહીં વિસ્તર્યો છે એ જોતાં કહેવું જ રહ્યું કે નવી પેઢીએ તમારી પાસેથી મહેનત શીખવી પડે. મહેનત પણ અને કોઈ પણ જાતની અપેક્ષા વિના કામ કરતા રહેવાની ભાવના પણ.
હવે આવીએ ‘12th ફેલ’ની વાત પર.
શું સુંદર ફિલ્મ છે. મને કહેવાનું મન થાય છે કે ‘પઠાન’ અને ‘જવાન’ જેવી ફિલ્મોની બૉક્સ-ઑફિસ છલકાવી દેનારાઓ પ્લીઝ જાગો અને જઈને ‘12th ફેલ’ જુઓ. એવું નથી કે એ ફિલ્મની સીટો ભરાતી ન હોય. ના ભરાય છે અને ઑલમોસ્ટ હાઉસફુલના લેવલ પર જ એણે બૉક્સ-ઑફિસ છલકાવી છે, પણ હું કહીશ કે હાઉસફુલ કરી દો એને. તમારા હિતમાં છે. સારું કન્ટેન્ટ કોને કહેવાય અને એ કઈ રીતે બને એ વાત આપણને ‘12th ફેલ’ પરથી વિધુ વિનોદ ચોપડા શીખવે છે, સમજાવે છે. ‘12th ફેલ’ માત્ર એક ફિલ્મ નથી, પણ એ એક એવો વિષય છે જેને તમારે તમારી ફૅમિલી સાથે બેસીને જોવો જોઈએ. એક એવો એ વિષય છે જેને માટે તમારી એક બાજુએ સંતાનો અને બીજી બાજુએ તમારી વાઇફ બેઠેલી હોવી જોઈએ. નિષ્ફળતા માણસને કેવી રીતે ચેન્જ કરે અને એ ચેન્જ થયા પછી પણ માણસ કેવી રીતે પોતાનાં સપનાંઓને છોડે નહીં એ વાત ‘12th ફેલ’માં સમજાવવામાં આવી છે. કહેવાનું મન થાય છે કે તમારા દીકરા સાથે, દીકરી સાથે, અરે તમારાં ભત્રીજા-ભત્રીજી સાથે ફિલ્મ જોવા જાઓ. કારણ કે આ ફિલ્મ તેમનામાં ઉત્સાહ ભરી દેશે અને તેમને સમજાવશે કે તેમણે સહેજ પણ ડરવા કે હારવાની જરૂર નથી. દરેક નિષ્ફળતા તમારે માટે આગ સમાન બની રહેવી જોઈએ.
‘‘12th ફેલ’ માટે હું વિનંતી પણ કરીશ કે પ્લીઝ સ્ટેટ ગવર્નમેન્ટ એને ટૅક્સ-ફ્રી કરે અને સાથોસાથ હું એ પણ કહીશ કે કૉલેજ અને સ્કૂલ મૅનેજમેન્ટ પણ એ ફિલ્મ જોવા જવાનો પ્લાન બનાવે. ધારી લો કે આ ફિલ્મ અત્યારનો, આજનો સિલેબસ છે અને એને વહેલી તકે પૂરો કરવાનો છે.