જો તમે મીડિયોકર હો અને તમારું બાળક મીડિયોકર બને તો એમાં ખોટું શું છે?

19 December, 2020 01:03 PM IST  |  Mumbai | Sanjay Raval

જો તમે મીડિયોકર હો અને તમારું બાળક મીડિયોકર બને તો એમાં ખોટું શું છે?

પ્રતીકાત્મક તસવીર

આપણા બધાની સૌથી મોટી જો કોઈ ખરાબી હોય તો એ કે આપણે હંમેશાં બીજાના આધાર પર જીવીએ છીએ. બીજો કહે કે આ કપડાં સારાં લાગે છે એટલે આપણે રાજી થઈએ અને ત્રીજો કહે કે તારી આ સ્ટાઇલ સરસ છે એટલે આપણે એ સ્ટાઇલને ફૉલો કરવા માંડીએ છીએ. ખરાબી કહો તો ખરાબી અને વિચિત્રતા કહો તો વિચિત્રતા, આ આપણો સ્વભાવ થઈ ગયો છે. દેખાડો કરો અને જગતને સર્ટિફિકેટ આપો. મળેલા આ સર્ટિફિકેટને આપણે ફૉલો એવી રીતે કરીએ જાણે એ રાષ્ટ્રીય નિયમ હોય અને એ ફૉલો ન કરીએ તો જાણે કે આપણને પાપ લાગવાનું હોય, દંડ થવાનો હોય. એ સર્ટિફિકેટ એટલે જાણે પથ્થર કી લકીર. આ બન્ને વિચિત્રતા વિશે આપણે આજે વાત કરવી છે.
પહેલી વિચિત્રતા એટલે દેખાડો કરવો. આપણે આ દેખાડો કરવાની શરૂઆત ઘર અને સ્કૂલના સમયથી શરૂ કરી દઈએ છીએ. ઘરમાં બાળક ભણતું હોય ત્યારે માબાપ સ્કૂલ શોધવા નીકળે, પણ સ્કૂલ શોધવા જતાં પહેલાં એક સર્વે આજુબાજુમાં કરી લે. સગાંવહાલા, આડોશીપાડોશીનાં બાળકો ક્યાં ભણે છે, એ સ્કૂલની ફી શું અને એ સ્કૂલમાં ભણાવવાથી સોસાયટીમાં આપણો રોફ કેવો પડશે. તમે માનશો નહીં, પણ મેં તો જોયું છે કે આજે જે નવી જનરેશનના ડૉક્ટર છે એમાંથી અડધોઅડધ ડૉક્ટર આ દેખાડાની નિશાની છે. તેમને ડૉક્ટર બનવું જ નહોતું, પણ માબાપના દેખાડાના આ શોખને લીધે એ લોકો મેડિકલ ફીલ્ડમાં આવી ગયા અને ડૉક્ટર બની ગયા. યાદ રાખજો કે દેખાડો કરવાની કે પછી શો-ઑફ કરવાની શરૂઆત કોઈ નાનીઅમસ્તી પૂછપરછથી થાય છે. પૂછપરછનો આ સવાલ જાણવા જેવો છે.
તમારું બાળક સાંજે શું કરતું હોય છે?
એમ, હૉબી-ક્લાસમાં જાય છે. અરે વાહ, ડાન્સ-ક્લાસ. શું વાત છે, અત્યારથી હૉર્સ-રાઇડિંગ કરે છે.
આવો જવાબ મળે એટલે ચાલો, મોકલો આપણા બાળકને પણ. તેનું બાળક જાય તો પછી આપણા બચ્ચાને પણ મોકલવું જ પડે. બધાને આપવાનો હોય એ જવાબ પણ ક્લિયર હોય. આ તો બાળકનો ગ્રોથ થાયને એટલે, બાળકને નવું-નવું શીખવા મળે એટલે, બાળક થોડું એકલું રહેતાં શીખે એને માટે. આ અને આવા બીજા જવાબ આપતાં પહેલાં ક્યારેય વિચાર્યું છે ખરું કે તમારા બાળકની શું ઇચ્છા છે, એની રુચિ શેમાં છે? બાળકનું મન કઈ દિશામાં છે એ જોવાની આપણે તસ્દી પણ નથી લેતા. આપણે તો આપણા દેખાડામાં જ જીવીએ છીએ અને એ જ કામ કરતા
રહીએ છીએ.
એક બાળકના ભણતર અને તેની ઍક્ટિવિટીમાં પણ આપણને દેખાડી દેવાની વૃત્તિ કેવી વાહિયાત કહેવાય. હું તો કહીશ કે આ વૃત્તિ નથી, વિકૃતિ છે અને આવી વિકૃતિથી મોટા ભાગનાં માબાપ આજે પીડાય છે. બાળકના ભવિષ્યના નામે બહેન સામે, જેઠાણી સામે, દેરાણી સામે કે પછી જીજાજી સામે સીન જમાવવાની માનસિકતા છે આ. બાળકના વિકાસના નામે આપણે આપણા સ્ટેટસને ચાટતા અને સ્ટેટસની આ વાતને સ્પીકર પર ગાઈવગાડતા થઈ જઈએ છીએ.
મારું બાળક અહીં ભણે છે, એ સ્કૂલની ફી આટલી છે, સાંજે આ ક્લાસમાં જાય છે, તેને આ આવડે છે અને ફલાણામાં તો એ પારંગત છે. ફ્રી રહેવું તો અમારા ઘરમાં કોઈને ગમે નહીં. સાચું માનજો, ખરેખર તો એ બાળકને ફ્રી રહેવું ગમે છે, પણ તમે તમારા દેખાડાને પોષવા જતાં તેને ફ્રી નથી રહેવા દેતાં અને પછી સાત-આઠ વર્ષનું બાળક થાય એટલે તેની ઘરેડ બની જાય છે. માબાપની દલીલ હોય કે અમે આ બધું કોના માટે કરીએ છીએ, આ બધું કરવા માટે અમે પેટે પાટા બાંધીએ છીએ. વાત ખોટી નથી, તમે સાચા જ છો. બાળક માટે અને બાળકના ભવિષ્ય માટે જ તમે કરો છો. તમે ઇચ્છો છો કે તમારું બાળક કાલે સવારે મોટું થઈને મહાન વ્યક્તિ બને, પોતાનું નામ રોશન કરે.
વાહ રે ઈશ્વર.
ઇચ્છા તમારી અને નામ બાળકનું. સપનાં તમારા અને એ થોપવાનાં બાળક પર.
તમે ઇચ્છો જ છો કે બાળક મહાન બને, પણ એ તમારી ઇચ્છા છે. જગતની દરેક મહાન વિભૂતિ તમારે જોઈ લેવાની છૂટ, એ કોઈનાં માબાપ એવું નહોતાં ઇચ્છતાં કે બાળક મહાન બને, તેમણે બાળકનો વિકાસ વાજબી રીતે, સામાન્ય રીતે અને સામાન્ય સંજોગોમાં જ કર્યો હતો. બાળકમાં એ અંશો હતા, બાળક સાથે એવી ઘટના ઘટી હતી અને તે મહાનતાના રસ્તે ચાલ્યું અને પછી પોતાના કર્મથી મહાન બન્યું. યાદ રાખજો મારા શબ્દો કે મહાન બનવું છે એવું કહેનારા ક્યારેય મહાન નથી બન્યા અને તેઓ બની પણ ન શકે. મહાન બનવાની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એકદમ જુદી છે. મહાન બનવું એ માઇલસ્ટોન નથી, એક મંઝિલ છે અને એ મંઝિલ પર ચાલવું પડે. મહાન બનેલાં બાળકોનાં માબાપે ક્યારેય દેખાડા નથી કર્યા, તેમણે ક્યારેય એ બાળકોને મહાન બનાવવાની બાબતમાં આકાર નથી આપ્યો અને આકાર આપવાનો પણ ન હોય.
મારી પહેલી વાત તો એ છે કે જો તમે મીડિયોકર હો અને તમારાં બાળકો પણ મીડિયોકર બને તો એમાં ખોટું શું છે? તમારાં બાળકોએ તો ક્યારેય કોઈ ફરિયાદ એવી નથી કરી કે તમે બન્ને શું કામ મીડિયોકર રહી ગયાં. યાદ રાખજો કે તમારું બાળક ક્યારેય મીડિયોકર અને ખાસ કરીને તો તમારા સ્તરનું મીડિયોકર બનવાનું જ નથી. ઊલટું તમે તમારા દેખાડાને કારણે તેને મીડિયોકર બનાવી રહ્યાં છો. આજે બધાને ઑપેરા કરવું છે એટલે તમે પણ તેને ઑપેરા સિન્ગિંગમાં ધકેલી દીધા. બધાનાં છોકરાંઓ સ્વિમિંગ કરે છે એટલે તમે તેને ત્યાં મોકલી દીધું. બધાનાં બાળકો ડાન્સ શીખે છે એટલે તમે તેને ત્યાં પણ મોકલી દીધું. ૨૦ વર્ષ પછી બધાને જે આવડતું હશે એ જ તેને આવડતું હશે. થઈ ગયુંને મીડિયોકર
તે પણ.
બીજી એક ખાસ વાત, જો આ રીતે બાળકને શીખવવામાં આવે તો ક્યારેય તે કંઈ શીખી નથી શકવાનું. એ શીખી જશે તો માત્ર એક જ વાત કે મારાં માબાપને દેખાડો કરવામાં રસ છે અને ધીરે-ધીરે તે વાત સમજી જશે કે આ બધું ટાઇમપાસ માટે કરી લેવાનું છે. મિત્રો એક વાત યાદ રાખજો કે બાળકોને જ્યારે તેનાં માબાપની વાતમાં રસ નથી રહેતો ત્યારે બહુ મોટો વિસ્ફોટ નિર્મિત થવા માંડે છે અને તે કોઈ પણ તબક્કે ફૂટવાની નોબત પર આવી જાય છે. બાળકના માન ખાતર, તેના પ્રેમ માટે અને તેને તમારા પ્રત્યે સદ્ભાવ રહે એ માટે પણ દેખાડો ન કરવો જોઈએ એવું મારું મન કહે છે અને મારો અત્યાર સુધીનો અનુભવ પણ કહે છે. આપણે સૌએ જે સમજવાનું છે તે એ જ કે બાળકના વિકાસને જોવાનો છે, તમારા સ્ટેટસને નહીં. બહેનનો દીકરો કે નણંદની દીકરી ગમે એવું ભણતી હોય એનાથી તમને કોઈ જાતનો ફરક ન પડવો જોઈએ, જે દિવસે તમે આ વાત સમજી જશો એ દિવસે તમારે તમારા બાળકના ભણતર પાછળ નહીં તેના માત્ર ગણતર પાછળ જ ધ્યાન આપવું પડશે અને મિત્રો, જીવનમાં જો જરૂરી છે તો એ ગણતર જ છે.
હોર્સ-રાઇડિંગ કે પછી ફ્રેન્ચ ભાષા બોલતાં નહીં આવડે તો જીવનમાં ક્યાંય કોઈ પાછળ નથી પડવાનું, પણ જો તમે તેનું બાળપણ છીનવી લીધું હશે તો એ બાળક જીવનના કટોકટીના તબક્કામાં કશું ઉકાળી નહીં શકે. નૈસર્ગિક બાળપણ એ સિંહના બચ્ચા જેવું છે. સિંહના બચ્ચાને તમારે શિકાર કરતાં શીખવવું નથી પડતું, એને ઉગ્રતા પણ શીખવવી નથી પડતી. ત્રાડ પાડવાના કોઈ ક્લાસ નથી હોતા અને પંજાથી તરાપ મારવા માટે તેણે કોઈ કોચિંગ લેવું નથી પડતું. તમારું બચ્ચું પણ સિંહ જ છે, તેને ટ્રેઇનિંગ આપીને તમે ગાયનું વાછરડું બનાવી રહ્યા છો. ખાસ તો ત્યારે જ્યારે તે ટ્રેઇનિંગ તમારા કૉલર ટાઇટ કરવાનું કામ કરે છે.

Sanjay Raval columnists