વિશ્વના સૌથી મોટા ઑઇલ એક્સપોર્ટર સાઉદી અરેબિયાને પાડોશી સુખ નથી નસીબમાં

22 September, 2019 05:12 PM IST  |  મુંબઈ ડેસ્ક | સંજય પંડ્યા

વિશ્વના સૌથી મોટા ઑઇલ એક્સપોર્ટર સાઉદી અરેબિયાને પાડોશી સુખ નથી નસીબમાં

સાઉદી અરેબિયા

ગયા અઠવાડિયે ઑઇલ અને ગૅસ ક્ષેત્રે વૈશ્વિક લીડર ગણાતા સાઉદી અરેબિયાનાં બે તેલક્ષેત્ર પર ૧૯ જેટલા ડ્રોન દ્વારા હુમલો થયો. આ હુમલાએ સાઉદીની ૫૦ ટકા કરતાં વધુ ઑઇલ-સપ્લાયને અસર કરી અને ૫૬ લાખ બૅરલ જેટલું પ્રતિદિનનું પ્રોડક્શન ઘટી ગયું. વિશ્વની પાંચ ટકા ઑઇલ-સપ્લાયને અસર થઈ અને ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા. ઓછી પ્રજા અને ઑઇલની અઢળક આવકથી સાઉદી સમૃદ્ધ છે, પણ આસપાસના દેશો સાથે ચાલતો સંઘર્ષ આ દેશમાં ક્યારેય યુદ્ધ જેવી સ્થિતિ કરી નાખે છે. ઇસ્લામ જેવા એક જ ધર્મને કટ્ટરતાથી પાળતા આ દેશની કેટલીક રાષ્ટ્રીય, આર્થિક અને સામાજિક સ્થિતિ પર એક નજર કરીએ

ઇસ્લામ ધર્મનો જ્યાંથી ઉદય થયો એ સાઉદી અરેબિયા આમ તો અવારનવાર ચર્ચામાં રહે છે. બહુમતી મુસ્લિમ દેશો અમેરિકાના વિરોધી રહ્યા છે ત્યારે સાઉદી અરેબિયાના અમેરિકા સાથેના સંબંધો દસકાઓથી સુંવાળા રહ્યા છે. સાઉદી અરેબિયાના પૂર્વ-ઉત્તર છેડે દમ્મામ નામનું શહેર છે. ત્યાંની કપડાંની બજાર આપણા કર્ણાટકના ભટકલ વિસ્તારથી સાઉદી અરેબિયા ગયેલા મુસ્લિમોના હાથમાં છે. દમ્મામથી થોડા કિલોમીટર દૂર અલ ખોબર નામનું શહેર છે. વિશ્વની સૌથી મોટી ઑઇલ કંપની ગણાતી ‘અરામકો’ માટે અહીં અઢળક વિદેશીઓ કામ કરે છે, જેમાં ખાસ તો યુએસ અને યુરોપના ટેક્નિશ્યનો, એન્જિનિયર્સ અને ડૉક્ટરનો સમાવેશ થાય છે. સાઉદીનું આ એકમાત્ર શહેર છે જ્યાં કુલ વસ્તીના ૫૬ ટકા જેટલા વિદેશીઓ કામ કરતા હોય.
સામાન્ય માનવી ઘણી વાર દુબઈ અને સાઉદી અરેબિયાને એક જ માની લે છે, પણ એવું નથી! દુબઈ યુનાઇટેડ આરબ અમિરાતનો હિસ્સો છે, જ્યારે સાઉદી અરેબિયા એક વિશાળ દેશ છે. કતાર, જોર્ડન, ઓમાન, કુવૈત, ઇરાક એના પાડોશી દેશો છે. વિશ્વભરના મુસ્લિમોનું આસ્થાસ્થાન એવું મક્કા જેદ્દાહથી ફક્ત કલાકના અંતરે છે, પરંતુ ‌અહીં જવું દરેક માટે શક્ય નથી, કારણ કે જે મુસ્લિમ ન હોય એને મક્કામાં પ્રવેશ નથી! જે દુબઈ ગયા છે તેને દુબઈના મોકળા કલ્ચરનો અહેસાસ હશે. સાઉદીમાં એવું નથી. જેવા તમે સાઉદી અરેબિયામાં પ્રવેશો એટલે તમને એક પ્રકારના બંધિયારપણાનો અહેસાસ થાય. ઍરપોર્ટ પરના સામાનના ચેકિંગ દરમ્યાન ભગવાનની છબિ દેખાય તો એને ફગાવી દેતાં ઑફિસર અચકાય નહીં એવી જડ માનસિકતા. બધી જ સ્ત્રીઓએ માથાથી લઈ પાની સુધીનો બુરખો પહેરવો ફરજિયાત. એશિયા, યુરોપ અને યુએસએની સ્ત્રી પણ જો સાઉદી અરેબિયામાં પગ મૂકે તો તેને પૂર્ણ લંબાઈનો બુરખો કે અયાબા અને માથું ઢાંકે એવો સ્કાર્ફ પહેરવો પડે છે. પુરુષોને જાહેરમાં શૉર્ટસ પહેરવાની મનાઈ છે. આલ્કોહૉલનું સેવન કરીને જો વ્યક્તિ સાઉદીમાં પ્રવેશ કરે તો તેને સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે.
આખો દેશ જ્યારે ચુસ્ત શરિયા કાનૂનનું પાલન કરે છે ત્યારે અલ ખોબર જ ફક્ત એવું શહેર છે જ્યાં થોડી હળવાશ કે છૂટછાટ જોવા મળે છે. આનું કારણ અરામકોના ઑઇલ  ફીલ્ડ્સમાં કામ કરતા વિદેશી એન્જિનિયર્સ અને ટેક્નિશ્યન્સ જેમને નારાજ કરવા સાઉદી અરેબિયાને પોસાય એમ નથી.
તાજેતરમાં એટલે કે ૧૪ સપ્ટેમ્બરે સાઉદી ફરી એક વાર વિશ્વસ્તરે ચર્ચામાં આવ્યું. જમીન કે દરિયાની ઑઇલ રિગ્સમાંથી જે ક્રૂડ ઑઇલ પ્રાપ્ત થાય છે એમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડ દૂર કરવું જરૂરી છે. સાથે-સાથે આ ઑઇલનું વેપર પ્રેશર ઘટાડવું પણ આવશ્યક છે જેથી આ ક્રૂડ ઑઇલને ટૅન્કર દ્વારા સલામત રીતે વિવિધ સ્થળે મોકલી શકાય. અરામકોના અબકૈક (અરેબિકમાં બિકૈક બોલાય છે) પ્લાન્ટમાં આ પ્રક્રિયા દ્વારા ક્રૂડ ઑઇલ તૈયાર થાય છે. આ પ્લાન્ટની એક દિવસની ક્ષમતા ૬૮ લાખ બૅરલ્સની છે. ૧૪ સપ્ટેમ્બરે બિકૈક અને  ખુરૈસના ઑઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ પર અજાણ્યા પ્રદેશથી ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
જેવી હુમલાની વાત આવી કે યમનના હાઉધી મૂવમેન્ટ નામના ગ્રુપે એની જવાબદારી સ્વીકારી. ૨૦૧૫ના વર્ષથી યમનમાં આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ યમનની સરકાર છે અને બીજી તરફ હાઉધી આર્મ્ડ મૂવમેન્ટનાં સશસ્ત્ર દળો છે. બન્ને જૂથ પોતાની સરકાર હોવાનો દાવો કરે છે. આ વિસ્તારનાં કેટલાંક આરબ રાષ્ટ્રોને સાથે રાખી સાઉદી અરેબિયા યમનમાંથી હાઉધી મૂવમેન્ટને જડમાંથી ઉખાડી નાખવાના પ્રયાસ કરે છે. આમ જોવા જઈએ તો ૨૦૦૪થી હાઉધી ત્યાંની સરકાર સાથે લડે છે, પણ ૨૦૧૪માં તેમણે યમનની રાજધાની સાના પર કબજો જમાવ્યો અને પછી યમનના બીજા નંબરના શહેર એડન તરફ આગળ વધ્યા. એ સમયે સાઉદીએ અન્ય રાષ્ટ્રોને સાથે રાખી હાઉધી સામે મિલિટરી ઑપરેશન ચાલુ કર્યું. આ આંતરિક યુદ્ધને કારણે છેલ્લાં પાંચેક વર્ષમાં ૬૦ હજારથી ૮૦ હજાર લોકો મૃત્યુ પામ્યાનો અંદાજ છે જેમાં મોટા ભાગના સામાન્ય નાગરિક હતા. અંદાજે ત્રણ લાખ કરતાં વધુ લોકોએ યમન છોડી સોમાલિયા જેવા દેશમાં આશરો લીધો છે.
સાઉદી અરેબિયા અને અમેરિકાએ હાઉધી મૂવમેન્ટના  દાવાને વધુ મહત્ત્વ ન આપતાં ઈરાન તરફ આંગળી ચીંધી છે. ફરી એક વાર શિયા અને સુન્ની વિખવાદ થિયરી પણ સપાટી પર આવી છે.
ઈરાન અને સાઉદી અરેબિયાના મતભેદ અનેક કારણે છે. ઇસ્લામની બે ભિન્ન વિચારધારાને આ બે દેશ અનુસરે છે. સાઉદી અરેબિયા સુન્ની બાહુલ્ય ધરાવતો દેશ છે તો ઈરાનમાં શિયા મૅજોરિટી છે. ઇસ્લામને અનુસરતા દેશોની લીડરશિપ લેવા માટેય બન્ને દેશો વચ્ચે હોડ છે. ઑઇલની એક્સપોર્ટ પૉલિસી હોય કે યુએસએ તથા પશ્ચિમના અન્ય દેશો સાથેના સંબંધો હોય, સાઉદી અરેબિયા અને ઈરાનની વિચારધારા અલગ-અલગ છે. સાઉદી અરેબિયા કુરાનના શરિયા કાનૂનને ચુસ્ત રીતે અનુસરતો રૂઢિચુસ્ત રાજાશાહી દેશ છે, જ્યારે ઈરાન આધુનિક વિચારધારાને અનુસરતો દેશ છે જેને પોતાની પાર્લમેન્ટ છે, લોકશાહી છે અને સર્વોચ્ચ કહી શકાય એવા પ્રમુખ છે. બન્ને દેશો ઑઇલ અને ગૅસના મોટા નિકાસકાર છે, પણ અહીં બન્નેની પૉલિસી જુદી પડે છે. સાઉદી અરેબિયા પાસે વિશાળ સમૃદ્ધ ઑઇલના ભંડારો જમીન અને સમુદ્રમાં બન્ને ઠેકાણે છે. ઓછી પ્રજા અને ઑઇલની અઢળક આવકથી સાઉદી સમૃદ્ધ છે, જ્યારે ઇરાક સાથેના યુદ્ધમાંથી ઈરાન માંડ બેઠું થયું છે. એની મોટી વસ્તીના કારણે પણ ઈરાનને નાગરિકોને સુવિધા આપવાના પ્રશ્નો છે. આ વિરોધાભાસને કારણે પણ ઑઇલ અને ગૅસના આંતરરાષ્ટ્રીય ભાવ નક્કી કરવા માટે બન્ને દેશોનો અભિગમ અલગ છે. ભવિષ્યનો લાંબો વિચાર કરી સાઉદી ઑઇલ અને ગૅસની આંતરરાષ્ટ્રીય કિંમત મધ્યમ રાખવા માગે છે. ઈરાન બીજી તરફ ટૂંકા સમયમાં વધુ રળી લેવા માગે છે. ઑઇલ અને ગૅસના ઊંચા ભાવ મળે તો વિકાસ માટે અને ઈરાનના નાગરિકોનું  જીવનધોરણ ઊંચું લાવવા માટેનું કાર્ય સારી રીતે થાય એવું ઈરાનનું માનવું છે.
ઈરાન સાઉદી અરેબિયાને યુએસએનું એજન્ટ ગણે છે. સિરિયાના આંતરિક યુદ્ધ વખતે ઈરાને ત્યાંની સરકારને મિલિટરી તથા આર્થિક બન્ને રીતે મદદ કરી હતી, જ્યારે સાઉદીએ ત્યાંના વિદ્રોહીઓને મદદ કરી હતી. ઈરાન અને સાઉદી અરેબિયા બન્ને દેશો એકબીજા પર ત્રાસવાદને વકરાવવાના આક્ષેપ અને પ્રતિ-આક્ષેપો કરતા રહે છે. ઈરાનના રિવૉલ્યુશન પછી એની સુધારાવાદી વિચારધારા ગલ્ફના દેશોમાં પ્રસરે એ સાઉદી ઇચ્છતું નથી. એ ઉપરાંત ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ સાઉદી તથા પશ્ચિમના મોટા ભાગના દેશોને ખટકે છે. શુદ્ધ યુરેનિયમ તથા અણુબૉમ્બ બનાવવાની ક્ષમતા, અમેરિકા તથા અન્ય દેશોના વિરોધ છતાં ઈરાન સતત વધારી રહ્યું છે એ પણ આ બન્ને દેશો વચ્ચે તંગ પરિસ્થિતિ ઊભી કરવામાં નિમિત્ત બને છે.
૨૦૧૬માં બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ તંગ બન્યા. સાઉદી અરેબિયાએ એક શિયા મૌલવીને મૃત્યુદંડની સજા આપી. આ ઘટનાનો વિરોધ ઈરાન ઉપરાંત યુએન તથા અનેક દેશોમાં જોરશોરથી થયો. ઈરાનના તહેરાન શહેરમાં આવેલી સાઉદી એમ્બેસી પર હુમલો થયો અને  વિરોધ કરી રહેલા ઈરાનીઓએ આખી સાઉદી એમ્બેસી સળગાવી મારી. ઈરાની પોલીસે ૪૦ જેટલા ઈરાનીની ધરપકડ કરી, પણ ત્યારથી સાઉદી અને ઈરાનના રાજદ્વારી સંબંધોનો અંત આવ્યો.
૨૦૧૯ની ૧૪ સપ્ટેમ્બરે સાઉદી સરકારની કંપની અરામકોનાં જે બે તેલક્ષેત્ર પર હુમલા થયા એમાં ડ્રોન તથા મિસાઇલનો ઉપયોગ થયો હોવાનું સાઉદી અરેબિયાની સરકારે જાહેર કર્યું છે. સાઉદીના પ્રવક્તા કર્નલ તુર્કી અલ મલિકીએ  ડ્રોનના અવશેષો પણ ગયા બુધવારની પ્રેસ કૉન્ફરન્સમાં રજૂ કર્યા. એક ડેલ્ટા વિન્ગ ડ્રોન તો તાજેતરમાં ઈરાને એક મિલિટરી એક્ઝિબિશનમાં રજૂ કરેલા એમના ડ્રોન જેવું જ છે. જે મળી આવ્યું છે એ મિસાઇલ ઈરાનના ‘યા અલી’ નામના ક્રૂઝ મિસાઇલ જેવું ભૂમિ પર વપરાતું મિસાઇલ છે. આ પ્રકારની મિસાઇલ સેંકડો કિલોમીટર પ્રવાસ કરીને લક્ષ્ય પર ત્રાટકે છે.
૧૪ સપ્ટેમ્બરની વહેલી સવારે ૧૯ જેટલા ડ્રોન દ્વારા હુમલો થયો. ત્યાંના ગાર્ડ્સે મશીનગન દ્વારા ડ્રોનને જમીનભેગા કરવા વળતો હુમલો કર્યાનું પણ ત્યાંના કૅમેરામાં ઝડપાયું છે. સૅટેલાઇટ ઇમેજ દ્વારા જાણ થઈ કે ૧૯માંના ૧૪ હુમલાએ સ્ટોરેજ ટૅન્કમાં ગાબડાં પાડ્યાં, ત્રણ હુમલાએ ઑઇલ પ્રોસેસિંગ યુનિટને નુકસાન પહોંચાડ્યું અને બે હુમલા એ વિસ્તારને કોઈ નુકસાન પહોંચાડી ન શક્યા. આ હુમલાએ સાઉદીની કુલ ઑઇલ-સપ્લાયના ૫૦ ટકા કરતાં વધુને અસર કરી. વિશ્વના આ સૌથી મોટા ઑઇલ એક્સપોર્ટરનું ૫૬ લાખ બૅરલ જેટલું પ્રતિદિનનું પ્રોડક્શન ઘટી ગયું. વિશ્વની પાંચ ટકા ઑઇલ-સપ્લાયને અસર થઈ અને ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા.
ઑઇલ અને ગૅસ ક્ષેત્રે વૈશ્વિક લીડર ગણાતા સાઉદી અરેબિયાના પાછલા દાયકાઓ કેવા હતા એ તરફ જરા નજર નાખીએ. વિશાળ રણપ્રદેશ ધરાવતા સાઉદી અરેબિયામાં બીજા દેશોની સરખામણીમાં માનવવસ્તી પાંખી હતી. સાતમી સદીમાં અહીં ઇસ્લામનો ઉદય થયો અને મક્કા-મદીના સમસ્ત વિશ્વની મુસ્લિમ વસ્તીના આધ્યાત્મિક કેન્દ્ર બન્યાં. જીવનમાં એક વાર તો મક્કાની હજયાત્રા કરવી જોઈએ એ દરેક મુસ્લિમનું સ્વપ્ન બન્યું. વીસમી સદીની શરૂઆતમાં નાના-નાના કબીલાના સરદારો નાના-મોટા વિસ્તારો પર પોતાની હકૂમત જમાવતા. ૧૯મી સદીમાં મધ્ય સાઉદી અરેબિયામાં અલ સુદ નામનો પરિવાર (જે પછીથી રૉયલ ફૅમિલી બન્યો) શાસન કરતો હતો. ૧૫૦ વર્ષના ગાળામાં આ પરિવારે પોતાની શક્તિઓ અને ક્ષમતા વધારી અને કેટલીક નાની-નાની લડાઈઓ જીતી તેમણે કિંગ્ડમ ઑફ સાઉદી અરેબિયાની ૧૯૩૦માં સ્થાપના કરી. ૧૯૩૦થી ૧૯૫૩ સુધી કિંગ અબ્દુલ અઝીઝે શાસન કર્યું. ૧૯૩૩ અગાઉ સાઉદી અરેબિયાની ખાસ આવક ન હતી. ૧૯૩૩માં રાજાએ પ્રથમ વાર સ્ટાન્ડર્ડ ઑઇલ કંપની કૅલિફૉર્નિયા યુએસએ સાથે કરાર કરી ઑઇલફીલ્ડ શોધવાની શરૂઆત કરી, ત્યાર બાદ અરેબિયન અમેરિકન ઑઇલ કંપની અરામકોએ ઘણાં ઑઈલ ક્ષેત્ર શોધી કાઢ્યાં. ૧૯૬૦માં સાઉદી અરેબિયાએ લીડરશિપ લઈ OPEC ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રીઝની સ્થાપના કરી. આજે વિશ્વના ઑઇલ અને ગૅસની પ્રાઇસ નક્કી કરવામાં આ સંગઠનનો મોટો ફાળો છે. અલ્જીરિયા, એન્ગોલા, ઇક્વાડોર, ઇક્વાટોરિયલ ગિની, નાઇજીરિયા, કોંગો, યુએઈ અને વેનેઝુએલા એના હાલના સભ્યો છે. ૧૯૮૦માં સાઉદી સરકારે અરામકોને નૅશનલાઇઝ કરી અને ૧૯૮૮માં ‘સાઉદી અરામકો’એ ‘અરામકો’ હસ્તગત કરી. આ વર્ષોમાં સાઉદી અરેબિયાનું જીડીપી કલ્પના ન કરી શકાય એ હદે વધ્યું. સાઉદી અરેબિયાએ ઓપેકના દેશો સાથે મળી ઑઇલની સપ્લાયને કન્ટ્રોલ કરી આંતરરાષ્ટ્રીય ભાવ એ રીતે વધાર્યા કે ઘટાડ્યા જેથી એ દેશને ફાયદો થાય. ૧૯૮૦થી ૨૦૦૦નાં વર્ષો દરમ્યાન વિદેશી રોકાણ માટે સાઉદી સરકારે છૂટછાટ આપી જેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકમ્યુનિકેશન તથા અન્ય વિકાસનાં કાર્યો થયાં. છેલ્લા એક વર્ષમાં જ વિદેશી બિઝનેસ માટે અપાતાં લાઇસન્સમાં ૭૦ ટકાનો ઉછાળો આવ્યો છે. ૨૦૧૭થી મોહમ્મદ બિન સલમાને ઘણા ફેરફાર કર્યા છે. ગૅસ, ઑઇલ, ઇલેક્ટ્રિસિટીના ભાવ સ્થાનિકો માટે વધાર્યા છે. વેટ દાખલ કર્યો અને વિદેશી વર્કરોના સ્થાને સ્થાનિકને વધુ નોકરીઓ આપવાનો હુકમ જારી કર્યો છે. ત્યાંના એક સ્થાનિક આયાતકાર કહે છે, ‘આ ફેરફારોને કારણે અહીં સાઉદી અરેબિયામાં પણ ઇકૉનૉમી સ્થગિત થઈ ગઈ છે, ટૅકસના કારણે ધંધા પર અસર થઈ છે. ભારત, પાકિસ્તાન કે ઇન્ડોનેશિયાના માણસોની કામ કરવાની ક્ષમતા સારી છે અને તેઓ ઘડાયેલા છે. નવા કાનૂન મુજબ આ બધા વિદેશી કામદારોના વિઝા રિન્યુ કરવા ૮૦૦ રિયાલ (અંદાજે ૧૫,૧૦૦ રૂપિયા) મહિનાના હિસાબે અમારે સરકારને ચૂકવવા પડશે. બિઝનેસ માટે આ વધારાનો બોજ છે.’
સાંસ્કૃતિક રીતે સાઉદી અરેબિયા પશ્ચિમનાં રાષ્ટ્રો કે ભારત જેવાં રાષ્ટ્રોથી સાવ અલગ પડે છે. મુસ્લિમ ધર્મ સિવાયના અન્ય ધર્મ માટે સહિષ્ણુતા આજની તારીખે પણ ત્યાં નથી. તમે મુસ્લિમ સિવાયનો બીજો ધર્મ પાળી શકો, પણ એ તમારા ઘરની ચાર દીવાલ વચ્ચે, જાહેરમાં નહીં! મંદિર, ગુરુદ્વારા કે ચર્ચ ત્યાં બાંધી શકાતાં નથી કે નથી બીજા કોઈ ધર્મની જાહેર ઉજવણીની ત્યાં શક્યતા! તમારી બૅગમાં એક કરતાં વધુ ભગવદગીતા કે બાઇબલ મળી આવે તો તમે તમારા ધર્મના પ્રચાર માટે આવ્યા છો એમ માની તમારી સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. કુલ પાંચમાંથી ત્રણ કે ચાર નમાઝ તમારા કામના કલાકો દરમ્યાન હોય છે. અઝાન થતાં જ દરેક મુસ્લિમે નમાઝ માટે જવું ફરજિયાત છે. મુસ્લિમ ન હોય એવા લોકોએ ઑફિસ કે દુકાનની બહાર આવી નમાઝ થાય ત્યાં સુધી શાંતિથી ઊભા રહેવું પડે છે. મૉલની દુકાનો પણ નમાઝ સમયે બંધ થઈ જાય છે.
ભારતમાં કે યુરોપમાં તમે સરળતાથી કોઈ પણ યુવતીને રસ્તો પૂછી શકો છો. સાઉદીમાં એવી હિંમત કરવાની જરૂર નથી. વ્યભિચારની સજા ત્યાં મૃત્યુદંડ છે. જાહેર જગ્યાઓમાં પણ સ્ત્રીઓ માટે અલગ સ્થાન હોય છે. સ્ટારબકની એક કૉફી-શૉપ રિયાધમાં હતી. પુરુષો અને સ્ત્રીઓની અલગ-અલગ વ્યવસ્થાને જુદી પાડતી દીવાલ તેમણે હટાવી દીધી. પ્રશાસને સ્ત્રીઓને ત્યાં પ્રવેશવા પર જ પાબંદી લગાવી દીધી. વધારામાં ત્યાં એક બોર્ડ મૂકવામાં આવ્યું કે સ્ત્રીઓને ઑર્ડર આપવો હોય તો પોતાના ડ્રાઇવરને ત્યાં મોકલે. પાંચ દિવસ ત્યાં રહ્યા હોઈએ તો દુકાન-ઑફિસમાં તો સ્ત્રીઓ ન જ હોય, પણ મૉલમાં પણ કાળા બુરખાધારી મહિલાઓની આંખો જ દેખાય. મહિલાઓના હકની જાળવણીમાં સાઉદી અરેબિયાનો નંબર ૧૪૪ રાષ્ટ્રોમાં ૧૪૧ છે. જૂન ૨૦૧૮ સુધી  સ્ત્રીઓને કાર ચલાવવાની પણ મનાઈ હતી. જોકે પરવાનગી પછી આજની તારીખ સુધી બહુ ઓછી સ્ત્રીઓ ડ્રાઇવિંગ શીખવા તરફ વળી છે. 
નોકરી કરવી હોય, વિદેશ જવું હોય કે પછી પરણવાની વાત હોય, સાઉદી કન્યા ઘરના પુરુષ સભ્યની પરવાનગી વગર એક ડગલું આગળ વધી શકતી નથી. સ્ત્રીઓના ઘણા વિરોધ પછી છેક હમણાં ઑગસ્ટ ૨૦૧૯માં ત્યાંના સત્તાવાળાઓએ જાહેર કર્યું કે ૨૧ વર્ષની ઉપરની યુવતીને પાસપોર્ટ મેળવી વિદેશ જવા પરિવારના પુરુષ સભ્યની પરવાનગીની જરૂર નથી. અપરિચિત વ્યક્તિ સાથે જો સ્ત્રી વાત કરતી દેખાય તો તેને પણ મુતાવિન નામે ઓળખાતો ધર્મરક્ષક પોલીસ વ્યભિચારનું નામ આપી ધરપકડ કરી શકે. સાઉદી મુસ્લિમ સ્ત્રીઓ મૉલમાં કપડાં ટ્રાય ન કરી શકે તથા સાઉદી સ્ત્રીઓ જાહેરમાં તરવા ન જઈ શકે. કોઈ પણ સ્પોર્ટ્સમાં સ્ત્રીઓ ભાગ નથી લઈ શકતી.
એક સમયે રણમાં પશુઓ સાથે ફરતી આ પ્રજાએ પોતાનો પરંપરાગત વેશ જાળવી રાખ્યો છે. માથાથી પગની પાની સુધી ઢંકાયેલા પુરુષ અને સ્ત્રીના પહેરવેશ તેમને ધૂળની ડમરીથી રક્ષણ આપતા. આજે મૉલમાં તથા જાહેર સ્થળે એસી હોવા છતાં આ જ પહેરવેશ દરેક સ્થળે દેખાય છે. પુરુષો પહેરે છે એ થોબ ફક્ત આરબ પુરુષ જ ધારણ કરી શકે છે. ભારતના મુસ્લિમ ત્યાં સ્થાયી થયા હોય તો પણ તેઓ પહેરવેશ ધારણ નથી કરી શકતા. જોકે કેટલાક ભારતીયો આરબ નાગરિકત્વ મેળવી થોબ ધારણ કરે છે. ત્યાંના મૉલમાં સ્ત્રીઓ માટે પણ પશ્ચિમનાં સૌથી આધુનિક વસ્ત્રો અને લૉન્જરી ઉપલબ્ધ છે જેની બહુ મોટી માર્કેટ છે. સાઉદી યુવતી જ્યારે રિયાધ, જેદ્દાહ કે દમ્મામના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર વિદેશની ફ્લાઇટ પકડવા પહોંચે છે ત્યારે એક મજાનું દૃશ્ય અવારનવાર જોયું છે. કાળા બુરખામાં સજ્જ, ચમકતી આંખોવાળી સાઉદી યુવતી પરિવારના સભ્યને હૅન્ડ લગેજ સોંપી ચેન્જિંગ રૂમમાં જઈ, પશ્ચિમી પરિધાનમાં પાછી ફરે છે અને પોતાનો બુરખો ગડી વાળી બૅગમાં મૂકે છે!
સંસ્કૃતિની રીતે નોખા, ઑઇલની કમાણીથી સમૃદ્ધ આ દેશને પોતાની ધરતી પર ડખો કરે એવા બે પાડોશીઓ ઈરાન અને યમન લમણે લખાયા છે. આ વિસ્તારની નાની-મોટી ઘટના ક્યારે યુદ્ધમાં પલટાઈ જાય એ કહેવાય નહીં! સાઉદી અરેબિયા દાયકાઓથી યુએસએનું  સ્ટ્રૅટેજિક પાર્ટનર છે. અમેરિકાની વૉરશિપ ગલ્ફના દરિયાઈ વિસ્તારમાં પૅટ્રોલિંગ પણ કરતી હોય છે, જેથી ઑઇલ ટૅન્કર્સ ભરેલી શિપ સરળતાથી આવ-જા કરી શકે. સૅટેલાઇટ દ્વારા પણ અમેરિકા આ ક્ષેત્ર પર નિગરાની રાખે છે. સાઉદી પાસે પોતાની ઍન્ટિ મિસાઇલ સિસ્ટમ પણ છે છતાં નીચા લેવલે ઊડનારા ડ્રોન તથા મિસાઇલ્સ સામે એની
સુરક્ષા-વ્યવસ્થા કાચી પડી છે.
સાઉદી સમૃદ્ધ હોવા છતાં પાડોશીઓથી પરેશાન છે! ભુતાન તથા સ્વિટ્ઝરલૅન્ડની પ્રજાના સુખનો ઇન્ડેક્સ ઊંચો છે, કારણ બન્ને દેશોમાં પાડોશી સળી કરે એવી ઘટના ભાગ્યે જ બની છે. સારા પાડોશી મળવા એ ભાગ્યની બાબત છે, પછી એ તમારું ઘર હોય કે રાષ્ટ્ર!

જાણી અજાણી વાતો.....
(૧) સાઉદી અરેબિયા, રશિયા, અમેરિકા અને ચાઇના વિશ્વના સૌથી વધુ ઑઇલ ઉત્પાદન કરતા દેશો છે. 
(૨) અમેરિકા, જપાન, ચાઇના અને ભારત સૌથી વધુ પેટ્રોલિયમનો ખપત કરતા દેશો છે.
(૩) સાઉદી અરેબિયા એરિયાની દૃષ્ટિએ વિશ્વનો ૧૪મો વિશાળ દેશ છે, પણ એની વસ્તી ફક્ત સાડાત્રણ કરોડ છે.
(૪) સાઉદી અરેબિયાનું સેન્ડ ડેઝર્ટ રબ અલ ખલી વિશ્વનું સૌથી મોટું ડેઝર્ટ છે.
(૫) સાઉદી અરેબિયા એક એવો દેશ છે જ્યાં એક લીટર શુદ્ધ પીવાનું પાણી એક લીટર ઑઇલ કરતાં મોંઘું છે.
(૬) સાઉદી અરેબિયામાં શરાબ પીવો કે શરાબ વેચવો ગુનો છે.
(૭) સાઉદી અરેબિયા વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં કોઈ નદી નથી.
(૮) સાઉદી અરેબિયાના ઑઇલના ભંડારો વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધુ છે.
(૯) એનું ધવર ઑઇલ ફીલ્ડ,
અલ આહ્સા વિશ્વનું સૌથી મોટું તેલક્ષેત્ર છે.
(૧૦) ખજૂરના ઉત્પાદનમાં સાઉદી અરેબિયા વિશ્વમાં ત્રીજા નંબરે છે.
(૧૧) સાઉદી અરેબિયાનો ફક્ત એક જ ધર્મ છે, ઇસ્લામ.

saudi arabia columnists weekend guide