કૉલમ : સમય ૧૯૮૧-૮૨નાં નાટકોની દુનિયામાં લટાર મારવાનો

19 March, 2019 12:10 PM IST  |  | સંજય ગોરડિયા

કૉલમ : સમય ૧૯૮૧-૮૨નાં નાટકોની દુનિયામાં લટાર મારવાનો

ધંધો પૂરપાટ ચાલુ છે: એંસીના દશકની શરૂઆતના સુપરહિટ નાટક ‘આજે ધંધો બંધ છે’એ ખૂબ સારો બિઝનેસ કર્યો હતો. આ નાટકનું દિગ્દર્શન ફિરોઝ ભગતનું હતું અને એની મુખ્ય ભૂમિકામાં ઝંખના દેસાઈ હતાં. એ સમયે નાટકની ઍડ આ પ્રકારની હતી.

જે જીવ્યું એ લખ્યું

મિત્રો, તમે જે ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માગતાં હો, જે ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવા માગતા હો એ ઇન્ડસ્ટ્રી વિશે તમારે જાણકારી રાખવી જોઈએ. આજે પણ હું મારાં નાટકોમાં બિઝી હોવા છતાં સમય કાઢીને બીજા મિત્રોનાં નાટકો જોવાનો અચૂક પ્રયાસ કરું છું. જ્યાં રહેવું છે, જ્યાં કામ કરવું છે ત્યાંની એ દુનિયામાં શું ચાલે છે એની જાણકારી હોવી જ જોઈએ. આ અનિવાર્ય છે. આ વાત મને એંસીના દશકમાં જ સમજાઈ ગઈ હતી. અમારું બાળનાટક ‘છેલ અને છબો’ ચાલતું હતું એ દરમ્યાન ઘણાં હિન્દી અને ગુજરાતી નાટકો રિલીઝ થતાં હતાં. હું એ નાટકો જોવા પહોંચી જતો. એ સમયે શફી ઇનામદાર પૃથ્વી થિયેટરમાં નાટકો કરતા. પૃથ્વી થિયેટર ૧૯૭૮માં શરૂ થયું, પણ શરૂઆતનાં વર્ષોમાં ત્યાં બહુ ઓછા લોકો આવતા. પૃથ્વીમાં હું ‘પિતૃ દેવો ભવ:’ નાટક જોવા ગયો હતો. આજે ગુજરાતી નાટકો પૃથ્વી થિયેટરમાં બહુ ઓછાં ભજવાય છે, પણ એ સમયે પૃથ્વીમાં ગુજરાતી નાટકો લગભગ થતાં જ નહીં.

‘પિતૃ દેવો ભવ:’માં મુકેશ રાવલ, ભૈરવી વૈદ્ય, નીલા પંડ્યા જેવાં ઍક્ટરો હતાં. આ નાટકના પ્રોડક્શનમાં મારો એક ફ્રેન્ડ પણ કામ કરતો હતો, એને લીધે હું નાટક જોવા ગયો. નાટક સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ હોય તો કૉમ્પ્લીમેન્ટરી ટિકિટ સહેલાઈથી મળી જાય અને આપણે પૈસા ખર્ચવા ન પડે. એ દિવસોમાં મારી આર્થિક હાલત કેવી હતી એ તો મેં તમને લગભગ ગોખાવી જ દીધું છે.

પૃથ્વી પર પહોંચ્યા પછી ખબર પડી કે કૉમ્પ્લીમેન્ટરી પાસ આપવાની કોઈ સિસ્ટમ નથી. મંદિરે ગયા પછી દર્શન વિના પાછા થોડા આવવાનું હોય? નક્કી કર્યું કે નાટક તો જોવું જ છે, ટિકિટ ખરીદીને જોઈશું. એક ખૂણામાં જઈને મેં ખિસ્સાના ખૂણેખૂણા ફંફોસી લીધા. માંડ-માંડ દસ રૂપિયાનું ચિલ્લર ભેગું થયું અને મેં ટિકિટ લીધી. વિન્ડો પર જે ભાઈ ટિકિટ આપવા બેઠો હતો એ પણ આ ચિલ્લર જોઈને મૂછમાં હસવા માંડ્યો.

હું ટિકિટ લઈને અંદર ગયો અને અંદર ઑડિટોરિયમમાં રોકડા પાંચ જણ. આમ આખા ઑડિટોરિયમમાં કુલ છ જણનું ઑડિયન્સ, પણ ‘પિતૃ દેવો ભવ:’ ખરેખર સારું નાટક હતું એ તો મારે કહેવું જ પડશે. પૃથ્વીમાં જોયેલું મારું એ પહેલું નાટક. નાટકની સાથોસાથ હું આ થિયેટરના પણ પ્રેમમાં પડી ગયો અને ‘પિતૃ દેવો ભવ:’ પછી હું પૃથ્વીમાં રેગ્યુલર નાટકો જોવા જતો થયો. બસ્સો સીટની કૅપેસિટીવાળું આ પૃથ્વી અદ્ભુત થિયેટર છે. જેનિફર કપૂર અને શશી કપૂરે આ થિયેટરને ડેવલપ કરવામાં ખૂબ ભોગ આપ્યો છે, પણ અહીંયાં હું એ પણ કહીશ કે પૃથ્વીને પ્રેક્ષકો લાવી આપવામાં શફી ઇનામદારનો ફાળો પણ ખૂબ મોટો છે. શફીભાઈ ખૂબ સરસ ગુજરાતી બોલતા, પણ મૂળ એ જીવ હિન્દી નાટકોનો. શફીભાઈએ ડિરેક્ટ અને અભિનય કરેલાં નાટકો જોવા માટે લોકો દૂર-દૂરથી આવતા. તેમના નામથી જ નાટકને અમુક માક્ર્સ મળી જાય એવું પણ કહી શકાય. શફીભાઈના પર્ફોર્મન્સ અને તેમના ડિરેક્ટશનવાળા નાટકનો જાદુ ત્યારે એવો હતો કે જેને લીધે લોકો થિયેટર સુધી ખેંચાઈ આવે અને શો હાઉસફુલ થઈ જાય.

એ સમયે એ લોકોનું એક ગ્રુપ ચાલતું હતું, નામ એનું અવાંતર. એ અવાંતર ગ્રુપમાં મહેન્દ્ર જોશી અને શફી ઇનામદાર મુખ્ય હતા. મહેન્દ્ર જોશી એ સમયે ગુજરાતી નાટક ‘તોખાર’નું હિન્દી વર્ઝન ‘એકશફ’ ભજવતા હતા અને એમાં ડૉક્ટરનું જે મેઇન કૅરૅક્ટર હતું એ શફીભાઈ ભજવતા અને પેશન્ટ લાલજીનું કૅરૅક્ટર પરેશ રાવલ કરતા અને વચ્ચે-વચ્ચે ફિરોઝ ખાને પણ લાલજીની ભૂમિકા ભજવી હતી. એક વાર શફીભાઈનું રિપ્લેસમેન્ટ આવ્યું ત્યારે પરેશ રાવલે ડૉક્ટરનો રોલ કર્યો અને ફિરોઝ ખાને લાલજીનો. કહેવાની જરૂર નથી મેં આ બધાં જ વર્ઝન જોયાં છે. મિત્રો, એ વખતે જ્યાં-જ્યાં નાટકો ભજવાય એ જોવા હું પહોંચી જતો. નાટક સિવાયની બીજી કોઈ વાત જ નહીં, શફીભાઈ અભિનીત-દિગ્દર્શિત બીજું નાટક ‘નીલા કમરા’ પણ સાથે-સાથે ભજવાતું હતું. લેખક મધુ રાયનું ગુજરાતી ‘કુમારની અગાસી’નું આ હિન્દી વર્ઝન હતું. ગુજરાતી નાટકનું ડિરેક્શન પ્રવીણ જોશીનું હતું. શફીભાઈના હિન્દી નાટકના લીડ કળાકારોમાં શફીભાઈ ઉપરાંત રીમા લાગુ, રફીક મુકાદમ, કેતકી દવે વગેરે હતાં.

પ્રવીણ જોશીનું છેલ્લું નાટક હતું ‘મોસમ છલકે’. એ નાટકમાં બે જ પાત્રો હતાં, પ્રવીણ જોશી અને સરિતા જોશી. આ નાટકનું હિન્દી વર્ઝન પણ શફીભાઈએ કર્યું અને એમના આ નાટકમાં એ બે કૅરૅક્ટર શફીભાઈ અને રીમા લાગુએ ભજવ્યાં. એ પછી તો શફીભાઈએ ‘આહટ’, ‘અન્જાન શહેર’, ‘ર્ચુંગચિંગ’ જેવાં અનેક હિન્દી નાટકો કર્યાં. આ બધાં હિન્દી નાટકો સુપરહિટ થયાં, જેને કારણે પૃથ્વી થિયેટરમાં ઢગલાબંધ લોકો આવતા થયા. અલબત, બીજાં ગ્રુપો પણ હતાં. નાદિર ઝહીર બબ્બરે ભજવ્યું ‘ઝીલ કે ઉસ પાર’, ઇપ્ટાનું ‘બકરી’, દિનેશ ઠાકુર અને ઓમ કટારે જેવા લોકો પણ ત્યાં નાટક ભજવતા. આ બધાં જ નાટકો મેં જોયા છે. હું એ બધાં નાટકો જોવા જતો અને એમાંથી જે કંઈ શીખવા મળે એ શીખતો. આ સમયગાળામાં હું ગુજરાતી નાટકો પણ ખૂબ જોતો.

૧૯૮૧-૮૨ની સાલનું સુપરહિટ નાટક એટલે ‘આજે ધંધો બંધ છે’. આ નાટકનું દિગ્દશર્ન ફિરોઝ ભગતનું અને એના લેખક હતા પ્રવીણ સોલંકી. નાટકના મુખ્ય કળાકારોમાં હતા અશોક ઠક્કર, પરેશ રાવલ અને ઝંખના દેસાઈ. આ નાટકમાં અશોક ઠક્કરે અદ્ભુત અભિનય કર્યો હતો. થોડા સમય પછી પરેશ રાવલે નાટક છોડી દીધું અને એના સ્થાને ફિરોઝ ભગત નાટકમાં આવ્યા. મને અત્યારે આઇએનટીનું સુરેશ રાજડા દિગ્દર્શિત નાટક ‘લોકશત્રુ’ પણ યાદ આવે છે. આ નાટક ઇબસ્નના ‘એનિમી ઑફ પીપલ’ પર આધારિત હતું. હેમંત ઝા અભિનીત એ નાટક મેં પહેલાં શોમાં જ જોયું હતું. નિમેષ દેસાઈનું ‘સ્વપ્નભંગ’ પણ જોયું. આ અને આવાં ઘણાં નાટકોએ મને ખૂબ સમૃદ્ધ કર્યો એવું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય.

એક બાજુએ આ બધાં ગુજરાતી અને હિન્દી નાટકો જોવાનાં અને વચ્ચે-વચ્ચે એકાદું મરાઠી નાટક પણ જોઈ પાડવાનું. બીજી તરફ ‘છેલ અને છબો’માં ઍક્ટિંગ કરવાની અને અમારા સ્ટ્રીટપ્લે ‘ચોર ચોર પકડો પકડો’ના પણ શો કરતાં જવાના. આ રીતે મારી સફર આગળ વધી રહી હતી. આ દરમ્યાન જ લતેશ શાહે એક નાટક પ્રોડ્યુસ કર્યું, નાટકનું નામ હતું ‘રાફડા’. આ નાટકની અને એ સમયે બનતાં બીજાં નાટકોની વાતો કરીશું હવે આવતા અઠવાડિયે.

આ પણ વાંચો : વાત છેલ અને છબોના શો કરવાની તેમ જ કૅન્ટીન ચલાવવાની

ફૂડ-ટિપ્સ

મિત્રો, ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મના એક કૅરૅક્ટરના શૂટિંગ માટે ગયા અઠવાડિયે મારે દેહરાદૂન જવાનું થયું. આખી રાત સફર કરીને હું સવારે પહોંચ્યો અને ત્યાં જ મને કહેવામાં આવ્યું કે તમે ફ્રેશ થઈ જાવ એટલે આપણે તરત જ લોકેશન પર જઈને કામ શરૂ કરીએ. એ દિવસ શૂટિંગનો છેલ્લો દિવસ હતો એટલે મારું બધું કામ એ એક જ દિવસમાં પૂરું કરવાનું હતું. બંદા ઊપડી ગયા કામ માટે. આખો દિવસ કામ કર્યું અને રાતે હોટેલ પર પાછો આવ્યો ત્યારે ખબર પડી કે દેહરાદૂનથી મારી ફ્લાઇટ બીજા દિવસે સાંજે સાડાપાંચ વાગ્યાની છે. હવે આખો દિવસ મારે કરવાનું શું, કામ તો કોઈ બીજું હતું નહીં. નક્કી કર્યું કે ચાલો, હવે કામ કરીએ તમારા માટે ફૂડ ટિપ્સ શોધવાનું. બે વાગ્યે હું હોટેલમાંથી ચેક આઉટ કરીને નીકળ્યો. ભૂખ પણ કકડીને લાગી હતી. દેહરાદૂનમાં સારું ખાવાનું શોધવું કેમ એમ વિચારતાં મેં મારા ડિરેક્ટર વિપુલ મહેતાને ફોન કર્યો. વિપુલની ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’નું શૂટિંગ ઉત્તરાખંડમાં જ કર્યું હતું એટલે તેને અહીંયાં લોકલ માણસો સાથે ઓળખાણ હતી. વિપુલે મને ઇવાન વૉલ્ટર નામના લોકલ માણસનો નંબર આપ્યો. આ ઇવાન વૉલ્ટર મૂળ અમદાવાદનો અને એને લીધે ગુજરાતી તેને ખૂબ સરસ આવડે. મેં ઇવાનને કહ્યું કે મારે કંઈક લોકલ ફૂડ ખાવું છે. તેણે મને એક જગ્યાનું નામ આપ્યું, કેસી સૂપ બાર. મિત્રો, હું તમને કહી દઉં કે નૉર્થ ઈસ્ટના બધા પહાડી પ્રદેશમાં મોમોસ (એનું બીજું નામ ડમ્પલિંગ) ખૂબ ખવાતાં હોય છે. મોમોસ ઉપરાંત અહીંયાં સૂપ પણ ખૂબ પીવાતો હોય છે. હું એ રેસ્ટોરાંમાં ગયો. આ બારની માલકિન તિબેટિયન હતી. મેં વેજ ક્લિયર સૂપ અને વેજ મોમોઝનો ઑડર્ર આપ્યો અને થોડી જ વારમાં એક છોકરી મારો ઑર્ડર લઈને આવી. મોમોઝ સાથે ત્રણ ચટણી હતી. લાલ ચટણી, લીલી ચટણી અને પીળી ચટણી, આ પીળી ચટણી તલમાંથી બને છે. અદ્ભુત, સુપર્બ. મિત્રો, અહીંયાં બીજી સ્ટાઇલના મોમોઝ પણ મળે છે. ગ્રેવીમાં પણ મળે, જે તમે જવલ્લે જ ટેસ્ટ કર્યા હોય. આ ઉપરાંત નૂડલ્સ અને ઓરિયેન્ટલ ફૂડની બીજી વરાઇટી પણ ખરી. મિત્રો, આ ઓરિયેન્ટલ ફૂડ એટલે એમાં ચાઇનીઝ, જૅપનીઝ, તિબેટિયન બધું આવી જાય. બધા એકબીજાનાં મામા-કાકા-ફઈના છોકરાઓ થાય.

દેહરાદૂન જવાનું થાય ત્યારે રાજપુર રોડ પર આવેલી કેસી સૂપ બારમાં અચૂક જજો. ઑથેન્ટિક અને રિઝનેબલ પ્રાઇસનું ફૂડ તમને ચોક્કસ મળશે.

Sanjay Goradia columnists indian food