હલો, હું છું તમારો ગોળમટોળ છબો

05 March, 2019 12:41 PM IST  |  | સંજય ગોરડિયા

હલો, હું છું તમારો ગોળમટોળ છબો

હું ઉર્ફે છબો: જીવરામ જોષીએ બનાવેલાં પાત્રો છેલ અને છબોમાં હું છબો બન્યો, જે મારી લાઇફનો પહેલો લીડ-રોલ.

જે જીવ્યું એ લખ્યું

બાળનાટકોની દુનિયાની વાત પછી આપણે ફરી આવી જઈએ નાટક ‘છેલ અને છબો’ પર. હું તો એકદમ ફુલાઈને ફાળકો થઈ ગયો કે વાહ, હવે મારું નામ નિર્માતા તરીકે આવશે. મને થયું કે મારા ઘરવાળા, અમારાં સગાંવહાલાં અને મારા ખેતવાડીના મિત્રો જે મને તુચ્છ નજરે જોતા તેમને જવાબ આપવાનો બેસ્ટ સમય ફાઇનલી આવી ગયો. જ્યારે મારું નામ નિર્માતા તરીકે તે લોકો જોશે ત્યારે તેમને ખબર પડશે કે સંજય ગોરડિયા કઈ હસ્તી છે? બધાની આંખો ચાર થઈ જશે. આ અને આવા બીજા વિચારો સાથે હું તો એ દિશામાં વિચારતો થઈ ગયો અને પછી નક્કી કરી લીધું કે આપણે નિર્માતા બનીશું.

મારી પાસે ફિલ્મ-પ્રોડક્શનનો અનુભવ હતો, પણ નાટ્યનિર્માણનો કોઈ અનુભવ નહોતો. સ્ટ્રીટ-પ્લે માટે હું લતેશ શાહ સાથે ગુજરાતની ટૂર પર ગયો હતો એ અને એ સિવાયનો મુંબઈનો છૂટોછવાયો અનુભવ. નિર્માતા બનવાનું નક્કી થયું એટલે તરત જ હું પ્રોડક્શનમાં જે કામો કરવાનાં હોય એનો ચાર્ટ બનાવવામાં લાગી ગયો. લતેશભાઈએ પણ મને ચાર્ટ આપ્યો હતો કે નિર્માણમાં શું-શું જોઈએ અને કેવા-કેવા ખર્ચાઓ રિહર્સલ્સ દરમ્યાન થાય એનો અંદાજ પણ આપ્યો. શો હોય ત્યારે શોદીઠ ખર્ચ કેવી રીતે કાઢવાનો એ પણ મને તેમણે સમજાવ્યું. હું બધું કરતો ગયો. ‘છેલ અને છબો’માં બે કૅરૅક્ટર હતાં, છેલ અને છબો. છેલ ખૂબ સ્માર્ટ, હૅન્ડસમ, સ્લિમ અને સાહસ કરવામાં એકદમ પાવરધો અને છબો ગોળમટોળ, ખેલદિલીમાં માનનારો લાઇટહાર્ટેડ. બન્ને ભાઈબંધો છે અને બન્નેની જોડી જાતજાતનાં કારનામાંઓ કરે છે.

એ વખતે નામદેવ લહુટેના નાટકમાં કિરણ મર્ચન્ટ અને દિલીપ જોષી રોલ કરતા હતા. કિરણ મર્ચન્ટ આજે અમેરિકા સેટલ થઈ ગયો છે અને દિલીપ જોષીને તમે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં જેઠાલાલના પાત્રમાં જુઓ છો. અમે નક્કી કર્યું કે અમારા નાટકમાં પણ અમે આ જ જોડી લઈશું. મેં તેમનો કૉન્ટૅક્ટ કર્યો અને તેમને વાત કરીને કહ્યું કે તમે મારા નાટકમાં કામ કરશો? નાટક હું પ્રોડ્યુસ કરું છું અને લતેશભાઈ લેખક-દિગ્દર્શક છે. તેમણે મને વાર્તા પૂછી એટલે મેં સ્પષ્ટતા કરી કે જીવરામ જોષીની વાર્તા ‘છેલ-છબો’ પર આધારિત છે. આ વાર્તા પર કામ કરવા માટે અમે જીવરામ જોષીની ઑફિશ્યલ પરમિશન લીધી છે. તેમનો દીકરો ભાર્ગવ જોષી પણ કાર્યરત હતો. અમે ભાર્ગવ સાથે પણ ઘણી વાતો કરી હતી. કિરણ મર્ચન્ટ અને દિલીપ જોષીને મેં બધી વાત કરી અને તેમણે બન્નેએ નાટકમાં કરવાની કોઈક કારણસર ના પાડી.

હું મૂંઝવણમાં મુકાઈ ગયો કે હવે ઍક્ટરો લાવવા ક્યાંથી? આ બન્ને તો ના પાડે છે. મિત્રો, આ નાટકમાં મુખ્ય બે કૅરૅક્ટર છેલ અને છબો હતાં. એ સિવાય પણ ખૂબ મોટી કાસ્ટ હતી. બીજા ઘણા કલાકારો પણ લેવાના હતા, પણ કિરણ-દિલીપની ના સાથે પ્રથમ ગ્રાસે મક્ષિકાનો ઘાટ ઘડાયો. હું લતેશભાઈને મળવા માટે તેમના ઘરે ગયો. એ સમયે લતેશભાઈ કાલબાદેવીમાં ભાંગવાડીમાં જ્યાં જૂનું થિયેટર હતું એ વિસ્તારમાં રહેતા હતા. મને હજી પણ યાદ છે કે સવારે હું તેમના ઘરે ગયો ત્યારે તે ટેરેસ પર હતા. મેં સીડી ચડતાં-ચડતાં જ લતેશભાઈને કહ્યું કે કિરણ-દિલીપ તો નાટકમાં કરવાની ના પાડે છે, હવે આપણા છેલ-છબો બનશે કોણ?

મારી મૂંઝવણ વાજબી હતી, પણ લતેશભાઈના ચહેરા પર કોઈ ચિંતા નહોતી. એવું લાગતું હતું કે તેમણે પ્લાન-બી રેડી રાખ્યો છે. કિરણ અને દિલીપ સાથે જે વાતો થઈ એ બધી મેં તેમને કરી અને તેમણે શાંતિથી બધી વાતો સાંભળી. પછી મને કહ્યું કે મારી ઇચ્છા છે કે છબો પાત્ર તું કર. મારા માટે આ બીજું સુખદ આશ્ચર્ય હતું. નાટકનો નિર્માતા તું બન એ પહેલું અને બીજું, આ નાટકનું લીડ કૅરૅક્ટર તું કર. લતેશભાઈ મને છબોનું મુખ્ય પાત્ર ભજવવાનું કહેતા હતા. છબોના આ પાત્રની ખાસિયતો મેં તમને અગાઉ કહી છે. મેઇન લીડ કરવાની ઑફર આવે ત્યારે કોણ રાજી ન થાય સાહેબ? હું પણ રાજી થયો, પરંતુ પછી મેં તરત જ વાસ્તવિકતાને લતેશભાઈની સામે મૂકીને વિરોધ કરતાં કહ્યું કે મારે પ્રોડક્શનમાં જ ધ્યાન આપવું છે. વાત ખોટી પણ નહોતી. નાટકના પ્રોડક્શનનો કોઈ અનુભવ મારી પાસે હતો નહીં. એમાં જો સાથે ઍક્ટિંગ કરવાની આવે તો ધ્યાન તમારું ડાઇવર્ટ થાય. મેં ના પાડી, પણ લતેશભાઈ માન્યા નહીં અને તેમણે એક જ વાત પકડી રાખી કે નાટકમાં છબો તું જ બનીશ. મેં દલીલ કરી તો તરત જ મને કહ્યું, ‘મારા પર ભરોસો રાખ, આપણું બધું કામ થઈ જશે. હવે તું છેલને શોધવાના કામમાં લાગી જા એટલે એક પછી એક કામ પૂરાં થવા માંડે.’

શરૂ થયું બીજા પાત્રને શોધવાનું કામ. છેલના પાત્ર માટે સંજય જાની નામનો છોકરો આવ્યો. તેને મળ્યા પછી મને ખબર પડી કે આ સંજય જાની કૌસ્તુભ ત્રિવેદીના માસીનો દીકરો છે. અમે બન્ને સંજય આજે પણ એકબીજાના કૉન્ટૅક્ટમાં છીએ. એ સમયે સંજય જાની એકદમ સ્લિમ-ટ્રિમ છોકરો હતો. છેલના રોલ માટે એકદમ પરફેક્ટ કાસ્ટિંગ. અમને અમારો છેલ મળી ગયો એટલે અમે કામમાં આગળ વધ્યા. બીજું કાસ્ટિંગ પણ કરવાનું હતું. નાટકમાં રૉબિન સોલંકી પણ આવ્યો. આ રૉબિન અમારો કૉલેજકાળનો ભાઈબંધ. રૉબિન લતેશભાઈ સાથે નાટકો કરતો હતો. રૉબિનને અમે કૉમેડિયન-વિલનના કૅરૅક્ટરમાં લીધો. બીજાં પાત્રોની પણ વરણી થઈ ગઈ અને નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં.

ફૂડ-ટિપ્સ

ધ લિટલ ઇન્ડિયા : સિડનીમાં આવેલા રાધે ચટપટા હાઉસનું જો નવું નામકરણ કરવાનું હોય તો હું એને આ જ નામ આપું - ધ લિટલ ઇન્ડિયા.

આજે આપણે વાત કરીશું સિડનીની. ઑસ્ટ્રેલિયાની ટૂરની શરૂઆત અમારી પર્થથી થઈ. પર્થમાં શો પતાવીને અમે લોકો સિડની ગયા. સિડની જવાનો એક આનંદ એ હતો કે ત્યાં જઈને અમારે તરત જ કામે નહોતું લાગવાનું. ત્યાં અમને ત્રણ દિવસનો બ્રેક મળવાનો હતો. અમારી આ ટૂરના નૅશનલ પ્રમોટર ચિરાગ પરીખનું પણ બેઝ-ટાઉન સિડની હતું એટલે અમને જલસો જ જલસો હતો. ભાતભાતના ફૂડનો આનંદ લેવાનો અને મસ્ત રીતે ફરવાનું. ત્રણ દિવસના આ બ્રેકમાં એક દિવસ અમે રાધે ચટપટા હાઉસમાં ગયા. મિત્રો, હવેના સમયમાં અમેરિકા હોય, ઑસ્ટ્રેલિયા હોય કે પછી લંડન હોય; તમને ઇન્ડિયન ફૂડ મળે એની હવે કોઈ બહુ મોટી નવાઈ નથી રહી, પણ એક જ જગ્યાએ ઇન્ડિયન ફૂડની આટલી બધી આઇટમો મળે એવું મેં પહેલી વાર જોયું. તમને વડાપાંઉ પણ મળે અને દાબેલી, મસાલા પાંઉ, મિસળ જેવી વરાઇટીઓ પણ મળે. જૈન આઇટમ પણ મળે અને સાથોસાથ સમોસા-કચોરીથી માંડીને ભાતભાતની સૅન્ડવિચ પણ મળે અને મેઇન કોર્સમાં તમને ભાતભાતની સબ્ઝી પણ મળે અને રોટી-નાનમાં પણ ઇન્ડિયામાં મળતી હોય એ બધી વરાઇટી મળે. પરોઠામાં પણ સાત-આઠ જાતના પરોઠા મળે અને બાજરીના રોટલા પણ ખાવા મળે. ઢોસાની પણ લાંબી યાદી મેનુમાં. ઉત્તપા અને ઇડલી-સાંભાર પણ મળે અને વડાં-સાંભાર પણ મળે. આ બધું મેનુમાં વાંચીને હું તો હતપ્રભ થઈ ગયો, પણ મારી મજબુરી હતી. મુઠ્ઠી જેવડું પેટ ને આઇટમો તગારું ભરીને. મેં મહામહેનતે એક આઇટમ પસંદ કરી અને મારા માટે પાંઉભાજી ઢોસા મગાવ્યા. સાહેબ, શું સ્વાદ હતો એનો. તમને એવું જ લાગે કે મુંબઈના જ પાંઉભાજી ઢોસા અત્યારે ખાઈ રહ્યા છો.

આ પણ વાંચો : નાટકમાં કૂતરાનો રોલ કરવા મળ્યો અને હું ખુશ થઈ ગયો

જમ્યા પછી મને પ્લેઝન્ટ કહેવાય એવી સરપ્રાઇઝ તરીકે મળ્યા ચૉકલેટ પાન. મેં ક્યારેય મુંબઈમાં આ પ્રકારનાં ચૉકલેટ પાન ખાધાં નથી. આપણે ત્યાં જે કલકત્તી મસાલા પાન હોય એને ચૉકલેટમાં ઝબોળી દઈને આપવામાં આવે. આ ચૉકલેટનું પડ તમે ચોકોબાર કૅન્ડી ખાતા હો એમાં કેવું કડક હોય, એવું કડક પડ પાનની ઉપર થઈ જાય. હું તમને એક વાત કહીશ મિત્રો. જ્યારે પણ સિડની જાઓ ત્યારે બ્લૅકટાઉનમાં આવેલા આ રાધે ચટપટા હાઉસમાં અચૂક જજો. તમને ઇન્ડિયાની નહીં પણ ઘરની સફર કરાવતું હોય એવું અદ્ભુત ફૂડ મળશે.

Sanjay Goradia columnists